Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

15 March, 2021 10:08 AM IST | Mumbai
Jitendra Sanghvi

ખાનગી ક્ષેત્રના સહયોગથી વૅક્સિનેશન વધારીને સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળવુ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


દેશમાં વૅક્સિનેશન અને કોવિડ-19ના નવા કેસ વચ્ચે હોડ જામી હોય એવું ચિત્ર ઊપસતું જાય છે. એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને વૅક્સિનેશનના અમલની ઝડપ વધારી રહ્યા છે તો બીજી તરફ કોરોનાના નવા કેસ રોજ વધતા ચાલ્યા છે.

વૅક્સિનેશનનો આંક રોજના ૨૦ લાખને વટાવી ગયો છે તો નવા કેસનો આંક (જે ૧૩૦૦૦-૧૪૦૦૦ સુધી નીચે ઊતર્યો હતો) માર્ચની ૧૩મીએ વધીને ૨૫૦૦૦ પર પહોંચ્યો છે. હજી અગાઉના અઠવાડિયે જ આ આંક ૧૮૦૦૦ જેટલો હતો. રોજના વધતા જતા કેસને કારણે દેશમાં અૅક્ટિવ કેસની સંખ્યા પણ વધતી ચાલી છે.



છેલ્લા ૫૬ દિવસમાં દેશમાં ૨.૮ કરોડ લોકોને વૅક્સિન અપાઈ છે જે અમેરિકા અને ચીન પછીનો સૌથી મોટો આંક છે. તો પણ આપણી વિશાળ વસ્તીના સંદર્ભમાં અત્યાર સુધીમાં બે ટકા જેટલી વસ્તી પણ વૅક્સિનેશનથી કવર થઈ નથી. જે દેશોની વસ્તી પ્રમાણમાં ઓછી છે તેવા દેશોમાં કવરેજનું પ્રમાણ ઊંચું છે, અમેરિકામાં ૨૮ ટકા, યુકેમાં ૩૬ ટકા, યુએઈમાં ૬૪ ટકા અને ઇઝરાયલમાં આ આંક ૧૦૦ ટકા જેટલો છે એટલે કે પૂરી વસ્તી વૅક્સિનેશન દ્વારા કવર કરી લેવાઈ છે.


આપણે (કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને પ્રજા) જે જુસ્સાથી કોરોના વાઇરસ સામે લડત ચલાવી છે એનાથી વધારે જુસ્સો વૅક્સિનેશનની ઝડપ વધારવા માટે જરૂરી છે. અત્યારની ઝડપે તો વૅક્સિનેશનથી દેશની પૂરી વસ્તીને કવર કરવામાં ત્રણ-ચાર વર્ષનો સમય પણ નીકળી જાય. હર્ડ ઇમ્યુનિટી ઊભી કરવા માટે પણ બે વર્ષ જેટલો સમય લાગી જાય.

વિશ્વમાં વૅક્સિનના ઉત્પાદનની સૌથી વધુ ક્ષમતા ભારતની છે એટલે એની અછતનો કે પૂરતો પુરવઠો ન હોવાનો સવાલ ઊભો ન થાય. પ્રશ્ન છે ઉપલબ્ધ પુરવઠાની યોગ્ય વહેચણી અને તેની વ્યવસ્થાનો.
નિષ્ણાતો અને કેટલીક રાજ્ય સરકારોના મતે કેન્દ્ર સરકારના વિતરણ પરના સખત અંકુશોને લીધે વૅક્સિનેશનની ઝડપ વધી રહી નથી. આ સમય આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો નથી. બન્ને પક્ષે સાથે મળીને, નિષ્ણાતોને સાથે રાખીને આ સમસ્યાના ઉકેલ માટેનો ગંભીર પ્રયાસ કરવો જોઈએ, જેથી વૅક્સિનેશનની ઝડપ વધે અને વહેલી તકે વરિષ્ઠ નાગરિકો સિવાયના એજ ગ્રુપ માટે પણ વૅક્સિનેશન શરૂ થઈ શકે.


નિષ્ણાતોએ વ્યક્ત કરેલ ભીતિ પ્રમાણે મહારાષ્ટ્ર વધતા જતા નવા કેસ બાબતે ગંભીર રીતે ઘવાયું છે. રાજ્યમાં રોજના નવા કેસની સંખ્યા ૧૫૮૦૦ પર પહોંચી છે. દેશમાં સૌથી વધુ કોવિડ-19ના કેસવાળા ૧૦ જિલ્લામાંથી ૮ મહારાષ્ટ્રમાં છે, ૧ કર્ણાટકમાં અને ૧ કેરલામાં.

નાગપુર જિલ્લામાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી લૉકડાઉનની જાહેરાત કરાઈ છે. ઔરંગાબાદ તથા પરભણીમાં પણ લૉકડાઉન જાહેર કરાયું છે. નાશિક અને નંદરબાર જિલ્લામાં તથા પનવેલ, કલ્યાણ અને  ડોંબિવલીમાં રાત્રિનો કરફ્યુ જાહેર કરાયો છે. મુંબઈ શહેરમાં પણ આ જ ઝડપે નવા કેસ વધતા રહે તો થોડા દિવસમાં કેટલાક રિસ્ટ્રિક્શન્સ દાખલ કરવા પડે એવી ચેતવણી પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપી છે. આવા લૉકડાઉન રિસ્ટ્રિકશન્સ, નાઇટ કરફ્યુ વૅક્સિનેશનની ઝડપ પર અવળી અસર કરી શકે. ઉદ્યોગ-ધંધા અને સેવાઓ માટેના એકમો બંધ કરાય કે એના ઓપરેશનની સમયમર્યાદા ઘટાડાય તો આર્થિક વિકાસની પાટે ચડી રહેલી ગાડી ડીરેઇલ થવા માટેનું જોખમ પણ વધે જ.

હવે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદન કરાતી વૅક્સિન ‘કોવૅક્સિન’ ક્લિનિકલ ટ્રાયલ મોડમાંથી બહાર આવી ગઈ છે અને તેને પણ આપણે ત્યાં અપાતી બીજી વૅક્સિન ‘કોવીશિલ્ડ’ના દરજ્જાનું લાઇસન્સ મળી ગયું છે. એટલે તેનો પુરવઠો પણ વધવાનો. હાલમાં અપાતા કુલ વૅક્સિનેશનમાં જાહેર આરોગ્ય સેવાઓનો ફાળો ૭૦ ટકા જેટલો છે અને ખાનગી આરોગ્ય સેવાઓનો ફાળો માત્ર ૩૦ ટકા. વૅક્સિનેશનની ઓવરઓલ ઝડપ વધારવી હોય તો સરકારે ખાનગી ક્ષેત્રની વધુને વધુ  હૉસ્પિટલો કે સેવાઓ (આઉટલેટ)ને આ રસી આપવાની પરવાનગી આપવી જોઈએ. જાહેર ક્ષેત્રની હૉસ્પિટલોમાં રસી વિનામૂલ્યે અપાતી હોવા છતાં તેની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. એટલું જ નહીં, તેની ક્ષમતાનો ઉપયોગ ખાનગી ક્ષેત્રની હૉસ્પિટલો કરતાં વધુ પણ નથી. જાહેર ક્ષેત્રની ઉપલબ્ધ સગવડોનો ઉપયોગ વધારીને અને ખાનગી ક્ષેત્રે વધુ એકમોને આ માટેની પરવાનગી આપીને એક દિવસમાં અપાતાં વૅક્સિનેશનના કુલ ડોઝની સંખ્યા વધારાય તો ઝડપથી આપણા દેશની મોટા ભાગની વસ્તીને આ ડોઝ આપી શકાય. તે શક્ય ન બને ત્યાં સુધી કોરોનાની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો.

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના પ્રથમ બે કન્ફર્મ્ડ કેસ નોંધાયાને એક વર્ષ પૂરું થયું (માર્ચ ૯). એક વર્ષની લાંબી યાતના પછી પણ મહારાષ્ટ્ર, ભારત કે વિશ્વ કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત થયા નથી એટલે એક વર્ષ પહેલાં કોરોના કાળની શરૂઆતમાં જે સાવધાની આપણે વર્તતા હતા તેમાં (માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સૅનિટાઇઝરનો ઉપયોગ) જરા પણ ઢીલાશ છોડાય તેમ નથી.

દેશ સામે અનેક આર્થિક જોખમો ઊભા છે તેમાં ભાવવધારાનું જોખમ મુખ્ય છે. જો આપણે કોરોના સામે સાવધાની ન વર્ત્યા તો પ્રજાના સ્વાસ્થ્ય સામે પણ મોટો ખતરો ઊભો થઈ શકે.

જાન્યુઆરી મહિને સીપીઆઇના ભાવવધારાનો દર ૪.૧ ટકા (૧૬ મહિનાનો સૌથી નીચો)માંથી વધીને ફેબ્રુઆરી મહિને ૫.૦ ટકાનો (ત્રણ મહિનાનો ઊંચો) થયો છે. આ ભાવવધારો મુખ્યત્વે ફૂડ અને ફ્યુઅલના ભાવવધારાને આભારી છે. ભાવવધારાના ચાલુ રહેલા જોખમને કારણે આવતા મહિનાની રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસીમાં પૉલિસી રેટ્‌સના ઘટાડાની શક્યતા ઓછી થઈ છે. સીપીઆઇના ફેબ્રુઆરી મહિનાના ઊંચા આંકને જોતા રિઝર્વ બૅન્કના હાલના ઇન્ફ્લેશન ટાર્ગેટ (૪ ટકા પ્લસ-માઇનસ બે ટકાની રેન્જ)માં ફેરફાર થવાની શક્યતા નથી. આ ટાર્ગેટની ૫ વર્ષની મુદત માર્ચમાં પૂરી થાય છે.

ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતા રહીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ બેરલદીઠ ૭૦ ડૉલરે પહોંચ્યા છે. માગમાં સુધારો થવાની સંભાવનાએ ઑપેક પ્લસ દેશો ક્રૂડના ઉત્પાદનના વધારા દ્વારા તેનો પુરવઠો વધારવાના મૂડમાં નથી. ગયે વર્ષે ભારતમાં એપ્રિલથી જૂનના લૉકડાઉન દરમ્યાન પેટ્રો પ્રોડક્ટસનો વપરાશ તદ્દન ઘટી ગયો હતો. ક્રૂડના ભાવ પણ ત્યારે ૨૦ ડૉલર જેટલા નીચા હતા. સાઉદી અરેબિયાએ એવી દલીલ કરી છે કે આ નીચા ભાવે ભારતે જે રિઝર્વ સ્ટૉક ઊભો કર્યો છે તે હાલના તબક્કે વાપરવો જોઈએ.

આમ ક્રૂડના ભાવ નજીકના ભવિષ્યમાં ઘટવાની સંભાવના નથી. એ ન ઘટે અને ભારતમાં સરકારો ફ્યુઅલ પરના કરવેરા ન ઘટાડે તો સામાન્ય ભાવવધારો માર્ચ મહિને પણ વધવાનો જ, એટલે વ્યાજના દર ઘટવાની આશા રાખી શકાય નહીં. એસબીઆઇ રિસર્ચના એક અભ્યાસ પ્રમાણે પેટ્રોલ, ડીઝલ તથા અન્ય પેટ્રો પ્રોડક્ટસને જીએસટીના દાયરામાં લાવવામાં આવે અને તેના પર ૨૮ ટકાનો સૌથી ઊંચો જીએસટી નાખવામાં આવે તો પણ પેટ્રોલના ભાવ (હાલના રૂપિયા ૯૦થી ૧૦૦ની વચ્ચે) રૂપિયા ૭૫ જેટલા અને ડીઝલના ભાવ (હાલના ૮૦થી ૯૦ વચ્ચે)  ૬૮ રૂપિયા  જેટલા નીચા થઈ જાય, પણ તેથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની આવકમાં એક લાખ કરોડ રૂપિયાની ઘટ પડે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણના તાજેતરના એક નિવેદન પ્રમાણે કન્ઝ્યુમર માટે પેટ્રોલ-ડીઝલના નીચા ભાવની આવશ્યકતા છે, પણ તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જીએસટી કાઉન્સિલમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય લેવો જોઈએ. કેન્દ્રના પરોક્ષ કરવેરાની આવકમાં રાજ્ય સરકારોનો ૪૦ ટકાથી વધુ હિસ્સો હોય છે.

આમ કહીને આડકતરી રીતે તેમણે રાજ્ય સરકારો વેરા ઘટાડે એવો નિર્દેશ કર્યો છે. રાજ્યો આ બાબતે કે પેટ્રો પેદાશોને જીએસટીમાં સામેલ કરવા માટે એકમત થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2021 10:08 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK