Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીએસટી : એકલા માલિકનું મૃત્યુ થાય તો એ સ્થિતિમાં વણવપરાયેલી આઇટીસીની ટ્રાન્સફર વિશેની જોગવાઈ

જીએસટી : એકલા માલિકનું મૃત્યુ થાય તો એ સ્થિતિમાં વણવપરાયેલી આઇટીસીની ટ્રાન્સફર વિશેની જોગવાઈ

13 May, 2022 02:43 PM IST | Mumbai
Shrikant Vaishnav | feedback@mid-day.com

જીએસટી કાયદામાં ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)ની ટ્રાન્સફરનું પણ ઘણું મહત્ત્વ છે

પ્રતીકાત્મક તસવીર

સમજો જીએસટી

પ્રતીકાત્મક તસવીર


ગયા વખતે આપણે જોયું કે એકલા માલિકના મૃત્યુની સ્થિતિમાં જીએસટી કાયદા હેઠળ કઈ જોગવાઈઓનું પાલન કરવું મહત્ત્વનું છે. આ સ્થિતિમાં દેણી રકમની ચુકવણી, કાનૂની વારસદારનો ઉમેરો, કાનૂની વારસદાર દ્વારા નવું રજિસ્ટ્રેશન, મૃતક માલિકનું રજિસ્ટ્રેશન રદ કરાવવું એ બધાં કાર્યો વિશે આપણે ગયા લેખમાં વાત કરી હતી. મૃતકના ઇલેક્ટ્રૉનિક ક્રેડિટ લેજરમાં દેખાતી ઇનપુટ ટૅક્સ ક્રેડિટની સિલકને ઍડ્જસ્ટ કરી શકાય છે અથવા રીફન્ડ મેળવી શકાય છે કે કેમ એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી. 

આજે આપણે બીજાં અગત્યનાં કાર્યો વિશે વાત કરવાના છીએ. જીએસટી કાયદામાં ઇનપુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી)ની ટ્રાન્સફરનું પણ ઘણું મહત્ત્વ છે. એકલ માલિકનું મૃત્યુ થાય અને જો એમના કોઈ કાનૂની વારસદાર બિઝનેસ ચાલુ રાખે તો એને ટ્રાન્સફર ઑફ બિઝનેસ ગણવામાં આવે છે. આ સ્થિતિમાં સીજીએસટી ઍક્ટ ૨૦૧૭ની જોગવાઈઓ લાગુ પડે છે. આ કાયદાની કલમ ૧૮(૩)માં જોગવાઈ કરવામાં આવી છે કે એકલ માલિકનું મૃત્યુ થાય ત્યારે રજિસ્ટર્ડ પર્સન એમની વણવપરાયેલી આઇટીસીને ટ્રાન્સફર કરી શકે છે. ઇલેક્ટ્રૉનિક ક્રેડિટ લેજરમાં પડેલી વણવપરાયેલી આઇટીસી કાનૂની વારસદારને ટ્રાન્સફર કરી શકાય છે. આ કાર્ય સીજીએસટી રુલ્સ ૨૦૧૭ના નિયમ ક્ર. ૪૧ મુજબ કરવામાં આવે છે. 



આઇટીસી કઈ રીતે ટ્રાન્સફર કરવી
સીજીએસટી ઍક્ટ ૨૦૧૭ના નિયમ ૪૧માં કહેવામાં આવ્યું છે કે એકલ માલિકની વણપરાયેલી આઇટીસીને ટ્રાન્સફર કરવા માટે કાનૂની વારસદારે જીએસટી પોર્ટલ પર ફોર્મ જીએસટી આઇટીસી-૦૨ નોંધાવવું પડે છે. એમાં તેમણે મૃત્યુ પામેલા માલિકના ઇલેક્ટ્રૉનિક ક્રેડિટ લેજરમાં પડેલી આઇટીસીને ટ્રાન્સફર કરવા માટેની વિનંતી કરવાની હોય છે. 


ફોર્મ જીએસટી આઇટીસી-૦૨
આ ફોર્મ કાનૂની વારસદારે ભરવાનું હોય છે એ આપણે જોયું. તેમણે રજિસ્ટ્રેશન કૅન્સલેશન કરવા માટેની અરજી કરતાં પહેલાં આ ફોર્મ ભરવાનું હોય છે. કાનૂની વારસદારનો સ્વીકાર થયા બાદ અગાઉની વણવપરાયેલી આઇટીસી કાનૂની વારસદારના ઇલેક્ટ્રૉનિક ક્રેડિટ લેજરમાં ક્રેડિટ કરવામાં આવશે.

ઉક્ત ચર્ચા પરથી જોઈ શકાય છે કે એકલ માલિકના બિઝનેસનું ટ્રાન્સફર તથા આઇટીસીની ટ્રાન્સફર માટેના સ્પષ્ટ નિયમો સીજીએસટી રુલ્સ ૨૦૧૭ હેઠળ ઘડવામાં આવ્યા છે. આથી એનું ચુસ્તપણે પાલન કરીને બિઝનેસની ટ્રાન્સફર પણ સહેલી બનાવી શકાય છે. 


સવાલ તમારા…

જીએસટી રજિસ્ટ્રેશન કૅન્સલ કરવા માટેની અરજી કેટલા દિવસની અંદર નોંધાવવાની હોય છે?
એકલ માલિકના અવસાનના સંજોગોમાં જીએસટી રજિસ્ટ્રેશન કૅન્સલ કરાવવું પડે છે. આથી એના માટે અરજી પણ કરવી પડે છે, જેના માટે નિયમ કહે છે કે રજિસ્ટ્રેશન કૅન્સલ કરવું પડે એ સ્થિતિ સર્જાયાના ૩૦ દિવસની અંદર અરજી કરવામાં આવવી જોઈએ. આ સ્થિતિ એટલે એકલ માલિકનું મૃત્યુ. 

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2022 02:43 PM IST | Mumbai | Shrikant Vaishnav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK