Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોવિડ-19 માટે અપાયેલી આર્થિક મદદને કરવેરાનું ડિડક્શન લાગુ કરવા બાબતે સરકારે સ્પષ્ટતા કરવી રહી

કોવિડ-19 માટે અપાયેલી આર્થિક મદદને કરવેરાનું ડિડક્શન લાગુ કરવા બાબતે સરકારે સ્પષ્ટતા કરવી રહી

03 August, 2021 03:30 PM IST | Mumbai
Paresh Kapasi | paresh.kapasi@mid-day.com

કોરોના રોગચાળાને લીધે ઘણા લોકોની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે એવા સમયે સરકારે ભરેલું આ પગલું આવકાર્ય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકારે કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને કરદાતાઓ માટે રાહતનાં અનેક પગલાં જાહેર કર્યાં છે. એવી જ એક જાહેરાત ગત ૨૫ જૂનના રોજ અખબારી યાદી દ્વારા કરવામાં આવી હતી. કર્મચારીઓને માલિક પાસેથી અથવા અન્ય શુભેચ્છકો પાસેથી નીચે જણાવ્યા પ્રમાણેના સ્વરૂપે મળનારી રકમને કરમુક્તિ આપવામાં આવી છે :

૧) કર્મચારીને નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ દરમ્યાન અને તેના પછીનાં વર્ષોમાં કોવિડ-19ની સારવારના ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવેલી આર્થિક મદદ.



૨) કોવિડ-19ને કારણે કર્મચારીનું મૃત્યુ થયાના સંજોગોમાં એમના પરિવારજનોને નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ દરમ્યાન અને તેના પછીનાં વર્ષોમાં મળેલી એક્સગ્રેસિયા રકમ.


માલિક પાસેથી મળનારી એક્સગ્રેસિયા રકમની કરમુક્તિ લાગુ થવા બાબતે કોઈ મર્યાદા નથી, પરંતુ જો શુભેચ્છકો પાસેથી મળી હોય તો ફક્ત ૧૦ લાખ રૂપિયા સુધીની રકમને જ કરમુક્તિ આપવામાં આવી છે.

ઉક્ત જાહેરાતને થોડા વખતમાં કાનૂની સ્વરૂપ આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. કોરોના રોગચાળાને લીધે ઘણા લોકોની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે એવા સમયે સરકારે ભરેલું આ પગલું આવકાર્ય છે. આર્થિક, શારીરિક અને માનસિક એ બધી જ રીતે જેમને પારાવાર હાલાકી થઈ છે એવા મોટી સંખ્યામાં લોકોને સરકારની આ પહેલથી રાહત થશે. જોકે માલિકે કરેલા ખર્ચને લાગુ પડનારા ડિડક્શન બાબતે હજી અસ્પષ્ટતા છે.


આ સંબંધે જણાવવાનું કે ઘણા માલિકોએ પોતપોતાના કર્મચારીઓને કોવિડની સારવાર કરાવવા માટે નાણાં આપ્યાં છે. માલિકો પોતાના બિઝનેસ કે વ્યવસાયની આવકની ગણતરી કરતી વખતે એ રકમ માટે ડિડક્શન લઈ શકશે કે કેમ એ હજી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

એમ તો આવકવેરા ધારો, ૧૯૬૧ની કલમ ૩૬ મુજબ માલિક કર્મચારીઓને આપેલાં નાણાંને ખર્ચ તરીકે ગણાવી શકે છે. સામાન્ય સંજોગોમાં કર્મચારીઓના વીમાનું પ્રીમિયમ, કર્મચારીઓને અપાતી બોનસ અને કમિશનની રકમ, માન્યતાપ્રાપ્ત પ્રોવિડન્ટ ફન્ડમાં અપાયેલું યોગદાન તથા પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપવા માટે કરાયેલો ખર્ચ એ બધા ખર્ચનું ડિડક્શન કલમ ૩૬ હેઠળ મળે છે.

આના પરથી કહી શકાય કે સરકારે કલમ ૩૬ લાગુ કરવા માટેની શરત જણાવી દીધી છે અને તેથી કોવિડ-19ની સારવાર માટેના ખર્ચ કે આર્થિક સહાયની રકમને આ કલમ લાગુ કરી શકાશે નહીં.

હવે અહીં જણાવવું રહ્યું કે આવકવેરા ધારાની કલમ ૩૭ મુજબ માલિક બિઝનેસના હેતુસર કરાયેલા એવા ખર્ચનું પૂર્ણપણે ડિડક્શન લઈ શકે છે, જે બીજી કોઈ કલમ હેઠળ આવરી લેવાયા ન હોય અને જે મૂડીગત કે અંગત ખર્ચની શ્રેણી હેઠળ આવતા ન હોય. આમ છતાં સરકારે કરેલી ઉક્ત જાહેરાતને કલમ ૩૭ લાગુ પાડી શકાશે કે નહીં એ પણ અસ્પષ્ટ છે.

અદાલતોએ માલિકો દ્વારા કરવામાં આવેલા તબીબી ખર્ચને આવકવેરા ધારાની કલમ ૩૭(૧) હેઠળ માન્ય રાખ્યાના દાખલા છે. તેમાં સરના ઇન્ટરનૅશનલ લિમિટેડ વિરુદ્ધ અસિસ્ટન્ટ કમિશનર ઑફ ઇન્કમ ટૅક્સનો એક કેસ છે. બીજો કેસ અજય સિંહ દેઓલ વિરુદ્ધ જોઇન્ટ કમિશનર ઑફ ઇન્કમ ટૅક્સનો છે.

સરના ઇન્ટરનૅશનલના કેસમાં કરદાતા કંપનીએ પોતાના હોલટાઇમ ડિરેક્ટર વતી કરાયેલા ૨,૭૭,૬૭૬ રૂપિયાનો હૉસ્પિટલનો ખર્ચ આવકવેરા ધારાની કલમ ૩૭(૧) હેઠળ ડિડક્શન માટે ક્લેમ કર્યો હતો. ડિરેક્ટરની સેવા કંપની માટે અનિવાર્ય હોવાથી કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે ઠરાવ પસાર કર્યો હતો કે એમની હૉસ્પિટલમાં કરાયેલી સારવારનો ખર્ચ કંપની ભોગવશે. દિલ્હી ટ્રિબ્યુનલે આ કેસમાં ઉક્ત ખર્ચને બિઝનેસનો ખર્ચ ગણવાની મંજૂરી આપી હતી.

અજય સિંહ દેઓલના કેસમાં અજય સિંહ ફિલ્મી કલાકાર છે. એમની કાર ચલાવવા માટે શૉફર રાખવામાં આવ્યો હતો. તેનો પગાર તથા ભથ્થાંને માલિકના ડિડક્ટિબલ ખર્ચ ગણવામાં આવ્યા હતા. કરદાતાએ શૉફરની પત્નીની સારવાર માટે પણ ખર્ચ કર્યો હતો અને એને ડિડક્શન માટે ક્લેમ કર્યો હતો. ટ્રિબ્યુનલે એ કિસ્સામાં કહ્યું હતું કે માલિકે કર્મચારીઓ તથા એમના પરિવારજનો માટે કરેલા ખર્ચને કલમ ૩૭(૧) હેઠળ ડિડક્શન માટે પાત્ર ગણી શકાશે.

ઉપરોક્ત બે કેસના આધારે કહી શકાય કે માલિકે કર્મચારીની કોવિડ-19ની સારવાર માટે કરેલા ખર્ચને બિઝનેસનો ખર્ચ ગણી શકાય છે. હવે સરકારે આ બાબતે સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે.

અત્યાર સુધી આપણે માલિક દ્વારા થયેલા ખર્ચની વાત કરી. હવે શુભેચ્છકે આપેલાં નાણાં કે કરેલા ખર્ચ બાબતે ડિડક્શન લાગુ કરવા વિશે વાત કરીએ. શુભેચ્છક વ્યક્તિએ આપેલાં નાણાં કે ખર્ચની રકમને આવકવેરા ધારાના ચૅપ્ટર-એ હેઠળ ડિડક્શનને પાત્ર ગણાશે કે કેમ એ સવાલ હવે ઊભો રહે છે.

ટૂંકમાં કહેવું ઘટે કે જો સરકાર સમયસર સ્પષ્ટતા નહીં કરે તો આગામી દિવસોમાં કાનૂની ખટલાઓ સર્જાવાનું જોખમ છે. સરકારે ડિડક્શન માન્ય રાખીને સૌના માટે સરળતા કરી આપવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 03:30 PM IST | Mumbai | Paresh Kapasi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK