Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકાર ટેલિકૉમ ક્ષેત્ર પર મહેરબાન

સરકાર ટેલિકૉમ ક્ષેત્ર પર મહેરબાન

16 September, 2021 01:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦૦ એફડીઆઇને અપાઈ માન્યતા અને એજીઆરની ચુકવણી માટે ચાર વર્ષની મુદત અપાઈ 

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે ટેલિકૉમ ક્ષેત્રમાં ઑટોમેટિક રૂટ (સરકારની મંજૂરી વગર) મારફતે ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) લાવવા માટે મંજૂરી આપી દીધી છે. લાંબા સમયથી સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખીને બેઠેલા આ ઉદ્યોગ માટે સરકારે બુધવારે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.
અત્યાર સુધી ટેલિકૉમ ક્ષેત્રે ઑટોમેટિક રૂટ મારફતે ૪૯ ટકા સુધીનું જ એફડીઆઇ માન્ય હતું. સરકારે ટેલિકૉમ કંપનીઓએ કરવી પડતી વૈધાનિક ચુકવણી માટે ચાર વર્ષની મુદત આપી છે.
ટેલિકૉમ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય પ્રધાનમંડળમાં લેવાયેલા નિર્ણયો વિશે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ટેલિકૉમ ક્ષેત્ર માટે નવ માળખાકીય સુધારાઓ માન્ય કરવામાં આવ્યા છે. ઍડજસ્ટેડ ગ્રોસ રિવેન્યુ (એજીઆર)નો મુદ્દો આ ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વનો છે. સરકારે એજીઆરની વ્યાખ્યામાં ફેરફાર કરીને તેને વધુ સરળ બનાવી છે. ટેલિકૉમ કંપનીઓની ટેલિકૉમ સેવાઓ સિવાયની સેવાની આવકને એમાંથી બાકાત રાખવાનું નક્કી કર્યું છે.
પ્રધાને જણાવ્યું હતું કે ટેલિકૉમ કંપનીઓએ ચૂકવવી પડતી રકમ પરના ઊંચા વ્યાજ, દંડ, દંડ પરનું વ્યાજ વગેરેમાં પણ ફેરફાર કરાયો છે. કંપનીઓને દંડ પર લાગુ પડતું વ્યાજ અત્યાર સુધી માસિક ધોરણે ચક્રવૃદ્ધિ ગણવામાં આવતું હતું, પણ હવે વાર્ષિક ચક્રવૃદ્ધિ ગણવામાં આવશે. એટલું જ નહીં, હવે દંડ રદ કરવામાં આવ્યો છે. આ સુધારાઓને પગલે ટેલિકૉમ ક્ષેત્રે મોટા પાયે રોકાણ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં ટેલિકૉમ સ્પેક્ટ્રમના લિલામ માટેનો સમયગાળો ૨૦ વર્ષને બદલે ૩૦ હશે. ભવિષ્યમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા બાદ જો બિઝનેસની સ્થિતિ અથવા ટેક્નોલૉજી બદલાઈ જાય તો કંપની ૧૦ વર્ષના લૉક ઇન બાદ સ્પેક્ટ્રમ ચાર્જ ચૂકવીને લાઇસન્સ સરેન્ડર કરી શકશે. હવેથી સ્પેક્ટ્રમ શૅરિંગ સંપૂર્ણપણે માન્ય રહેશે અને એને સંપૂર્ણપણે નિઃશુલ્ક બનાવવામાં આવ્યું છે. આ ફેરફારોને લીધે ટેલિકૉમ ક્ષેત્રની કંપનીઓની નાણાભીડ હળવી થશે, એમ વૈષ્ણવે કહ્યું હતું.

ટેલિકૉમ ક્ષેત્ર માટેના નિર્ણયોને આવકારટેલિકૉમ ક્ષેત્ર માટેના નિર્ણયોને આવકાર



કેન્દ્ર સરકારે ટેલિકૉમ ક્ષેત્રમાં પ્રાણ પૂરનારા જે નિર્ણયો લીધા તેને ચોમેરથી આવકાર મળ્યો છે. માત્ર ટેલિકૉમ કંપનીઓ જ નહીં, વેપાર-ઉદ્યોગના મોભીઓએ પણ આ પગલાંનું સ્વાગત કર્યું છે. 
અગ્રણી ટેલિકૉમ કંપની જિઓએ આ સુધારાઓ અને રાહત પૅકેજને આવકારતાં કહ્યું છે કે ભારતના ટેલિકૉમ સેક્ટરને મજબૂત બનાવવા માટે આ પગલાં એકદમ સમયસર લેવાયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને આ પગલાં વધુ વેગવંતું બનાવશે અને ભારતને વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટીમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ નીવડશે.
જિઓનું મિશન ૧.૩૫ અબજ ભારતીયો સુધી ડિજિટલ ક્રાંતિનાં ફળ પહોંચાડવાનું છે. આ મિશન અંતર્ગત અમે એ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીયો પાસે વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તા ધરાવતો અને સૌથી વધુ પ્રમાણમાં ડેટા હોય અને તે પણ આસાનીથી પોસાય તેવા ભાવે. સરકારે ટેલિકૉમ સેક્ટરમાં કરેલા સુધારા ગ્રાહકોને નવા અને વધુ ફાયદા આપવા માટે પ્રોત્સાહક નીવડશે.
આ તબક્કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું કે ટેલિકૉમ સેક્ટર અર્થતંત્રને ધબકતું રાખનાર મહત્ત્વનું ક્ષેત્ર છે અને ભારતને ડિજિટલ સોસાયટી બનાવવા માટેનું ચાવીરૂપ પરિબળ છે. આ પગલાં બદલ વડા પ્રધાનનો આભાર માનું છું.
ભારતી ઍરટેલના ચૅરમૅન સુનીલ મિત્તલે બુધવારે કહ્યું હતું કે સરકારના નિર્ણયને પગલે હવે આ ઉદ્યોગમાં નિર્ભયપણે રોકાણ થઈ શકશે. અમારી કંપની રોકાણ કરીને દેશની વૃદ્ધિને વેગ આપવા માટેની વડા પ્રધાનની હાકલને પ્રતિસાદ આપશે. હવે ડિજિટલ માળખાકીય સુવિધા ઊભી કરવા માટેની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ છે. તેને પગલે એક અબજ ભારતીયોની ડિજિટલ આકાંક્ષાઓ પૂરી કરી શકાશે. 
ટેલિકૉમ ક્ષેત્રની સંસ્થા સીઓએઆઇ (સેલ્યુલર ઓપરેટર્સ અસોસિએશન્સ ઑફ ઇન્ડિયા)એ કહ્યું છે કે સરકારનું પૅકેજ હાલ અત્યંત તાણમાં રહેલા ક્ષેત્રને મોટી રાહત આપશે. સંસ્થાએ લાંબા સમયથી કરેલી માગણીઓને સરકારે સંતોષી છે. કે. એસ. લીગલ ઍન્ડ અસોસિએટ્સના મૅનેજિંગ પાર્ટનર સોનમ ચંદવાનીએ કહ્યું હતું કે વોડાફોન આઇડિયા જેવી કંપનીને કરોડો રૂપિયાની રકમની ચુકવણી માટે સમય મળ્યો હોવાથી ઘણી રાહત થશે. પૅકેજની મદદથી ટેલિકૉમ કંપનીઓ બજારમાં ટકી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK