Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકન ઇન્ફ્લેશન ઘટવા છતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટને વધારો ચાલુ રાખશે એવી કમેન્ટથી સોનું ઘટ્યું

અમેરિકન ઇન્ફ્લેશન ઘટવા છતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટને વધારો ચાલુ રાખશે એવી કમેન્ટથી સોનું ઘટ્યું

12 August, 2022 04:48 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકાની બજેટ ડેફિસિટ ૩૦ ટકા ઘટતાં ડૉલર-ટ્રેઝરી યીલ્ડની મજબૂતીથી સોનામાં વેચવાલી વધી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


અમેરિકન ઇન્ફ્લેશન રૉકેટ ગતિએ વધી રહ્યું હતું તેમાં જુલાઈ મહિનામાં નોંધપાત્ર પીછેહઠ થતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટવધારો ધીમો પાડશે તેવી ધારણાને ફેડના વિવિધ ઑફિશિયલ્સે ખોટી ઠેરવતાં ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ વધ્યાં હતાં જેને પગલે સોનું-ચાંદી ઘટ્યા હતા, પણ મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૫૬ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 



અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા ધારણાથી નીચા આવતાં અમેરિકી ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટતાં સોનું બુધવારે વધીને ૧૮૦૯.૮૦ ડૉલર થયું હતું, પણ ત્યાર બાદ અમેરિકાના ત્રણ પ્રોવિન્સ સૅન ફ્રાન્સિસ્કો, મિનીઆપોલિસ અને શિકાગોના ફેડ પ્રેસિડન્ટે  ઇન્ટરેસ્ટ રેટવધારાની ગતિ ફેડરલ રિઝર્વ જાળવી રાખશે તેવી કમેન્ટ કરતાં ડૉલર ઊછળ્યો હતો અને ટ્રેઝરી યીલ્ડ પણ ઘટતા અટકી સુધર્યા હતા તેને પગલે સોનું-ચાંદી ઘટ્યા હતા. સોનું બુધવારે ૧૮૦૯.૮૦ ડૉલર સુધી વધ્યું હતું જે ઘટીને ગુરુવારે ૧૭૮૩.૧૦ ડૉલર થયું હતું તે જ રીતે ચાંદી બુધવારે વધીને ૨૦.૯૪ ડૉલર થઈ હતી જે ઘટીને ગુરુવારે ૨૦.૪૧ ડૉલર થઈ હતી. આમ, સોનું-ચાંદી ઊંચા મથાળેથી ઘટ્યા છતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ મજબૂત રહ્યાં હતાં. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું જુલાઈ મહિનાનું ઇન્ફ્લેશન ઘટીને ૮.૫ ટકા આવ્યું હતું જે જૂનમાં સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ ૯.૧ ટકા હતું. માર્કેટની ધારણા ૮.૭ ટકા આવવાની હતી તેના બદલે ઇન્ફ્લેશનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. ઇન્ફ્લેશન ઘટવાના મુખ્ય કારણમાં ગૅસોલિનના ભાવ જુલાઈમાં ૪૪ ટકા વધ્યા હતા જે જૂનમાં ૫૯.૯ ટકા વધ્યા હતા.  ફ્યુઅલ ઑઇલના ભાવ જુલાઈમાં ૭૫.૬ ટકા વધ્યા હતા જે જૂનમાં ૯૮.૫ ટકા વધ્યા હતા અને નૅચરલ ગૅસના ભાવ જુલાઈમાં ૩૦.૫ ટકા વધ્યા હતા જે જૂનમાં ૩૮.૪ ટકા વધ્યા હતા. આમ, ત્રણેય મુખ્ય એનર્જી પ્રોડક્ટના ભાવ ઘટતાં એનર્જી ઇન્ફ્લેશન જૂનમાં ૪૨ વર્ષની ઊંચાઈએ ૪૧.૬ ટકા વધ્યો હતો જે જુલાઈમાં ૩૨.૯ ટકા જ વધ્યો હતો. જોકે ઇલેક્ટ્રિસિટીના ભાવ ૧૫.૨ ટકા વધ્યા હતા જે ફેબ્રુઆરી ૨૦૦૬ પછી સૌથી વધુ વધ્યા હતા. નવા વેહિકલના ભાવ અને  ઍરલાઇન્સનાં ભાડાં ઘટ્યાં હતાં. ખાણી-પીણીની ચીજોના ભાવ મે, ૧૯૭૯ પછી સૌથી વધુ ૧૦.૯ ટકા વધ્યા હતા.
અમેરિકન ગવર્નમેન્ટની બજેટ ડેફિસિટ  જુલાઈમાં ૩૦ ટકા ઘટીને ૨૧૧ અબજ ડૉલરે પહોંચી હતી, જે ગયા વર્ષે જુલાઈમાં ૩૦૨ અબજ ડૉલર હતી છતાં માર્કેટની ૧૯૪ અબજની ધારણા કરતાં બજેટ ડેફિસિટ ઊંચી રહી હતી. અમેરિકન ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોવાથી ગવર્નમેન્ટની આવક ૩ ટકા વધીને ૨૬૯ અબજ ડૉલર રહી હતી, જેની સામે ગવર્નમેન્ટનો ખર્ચ ઘટીને ૪૮૦ અબજ ડૉલર રહ્યો હતો. ખાસ કરીને કોરોનાની અસર ઓછી થતાં ગવર્નમેન્ટનો ખર્ચ ઘટ્યો હતો. અમેરિકન ફાઇનૅન્શિયલ યર ૨૦૨૨ના પ્રથમ દસ મહિનામાં અમેરિકન ગવર્નમેન્ટની ડેફિસિટ ઘટીને ૭૨૧ અબજ ડૉલર રહી હતી જે ગયા વર્ષના આ સમયગાળાથી ૭૧ ટકા ઓછી હતી. અમેરિકાની હોલસેલ રિકવરી જૂનમાં ૧.૮ ટકા વધીને ૮૯૫.૪ અબજ ડૉલરે પહોંચી હતી, જે મે મહિનામાં પણ ૧.૯ ટકા વધી હતી અને માર્કેટની ધારણા જૂનમાં ૧.૯ ટકા વધારાની હતી. 


ચીનની ઑટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ઇકૉનૉમી સાથે જોડાયેલો છે ત્યારે ચીનમાં ઑટો સેલ્સ જુલાઈમાં યર ટુ યર ૨૯.૭ ટકા વધીને ૨૪.૨ લાખ યુનિટે પહોંચ્યું હતું જે જૂનમાં ૨૩.૮ ટકા વધ્યું હતું. ચીનમાં ઑટો સેલ્સ સતત બીજે મહિને વધ્યું હતું. ખાસ કરીને ન્યુ એનર્જી વેહિકલ જેમાં ઇલેક્ટ્રિક વેહિકલ, પ્લગ ઇન હાઇબ્રીડ અને હાઇડ્રોજન ફ્યુઅલ વેહિકલનું વેચાણ જુલાઈમાં ૧૨૦ ટકા વધ્યું હતું. ૨૦૦૨ના પ્રથમ સાત મહિનામાં ચીનમાં વેહિકલ સેલ્સ ગયા વર્ષથી બે ટકા વધ્યું હતું. ચાઇનીઝ ગવર્નમેન્ટ દ્વારા ન્યુ એનર્જી વેહિકલ ઇન્ડસ્ટ્રીઝ, જેમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદન અને વેચાણને મોટું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાનું ઇન્ફ્લેશન જુલાઈમાં ધારણા કરતાં વધુ ઘટતાં સપ્ટેમ્બરમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધીમો પાડશે તેવી ધારણાથી સોનું ઊછળ્યું હતું, પણ ફેડના અનેક મેમ્બર્સે ઇન્ટરેસ્ટ રેટમાં સપ્ટેમ્બરમાં પણ મોટો વધારો થશે તેવો સંકેત આપ્યો હતો. સૅન ફ્રાન્સિસ્કોનાં ફેડ પ્રેસિડન્ટ મેરી ડાલેએ ઇન્ફ્લેશન સામેની લડાઈ જીતી જવાની વાતને હસી કાઢી હતી અને હજુ ઇન્ફ્લેશન ઘણું ઊંચું હોવાથી સપ્ટેમ્બરમાં પણ ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવો જોઈએ તેવી કમેન્ટ કરી હતી. મિનીઆપોલિસના ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરીએ ૨૦૨૨ના અંત સુધીમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૩ ટકા અને ૨૦૨૩ના અંત સુધીમાં ૪.૪ ટકા કરવા જોઈએ તેમ કહ્યું હતું. શિકાગો ફેડ પ્રેસિડન્ટ કાર્લિસ ઇવેન્સે પણ ફેડ રેટ ચાર ટકાએ પહોંચાડવાની ભલામણ કરી હતી. ફેડના તમામ મેમ્બર્સ હાલ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ભલામણ કરી રહ્યા, છે પણ હવે પછીની ફેડ મીટિંગ ૨૬ સપ્ટેમ્બરે યોજાશે તે અગાઉ ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશન ડેટા, ઑગસ્ટના જૉબ ડેટા અને અન્ય અનેક ડેટા જાહેર થશે. આથી હાલ ફેડના મેમ્બર્સની કમેન્ટને આધારે એમ કહેવું વહેલું ગણાશે કે ફેડ સપ્ટેમ્બરમાં ૫૦થી ૭૫ બેસિસ પૉઇન્ટ વધારશે. અમેરિકાનું ઇન્ફલેશન ઘટ્યું હોવાથી હવે ડૉલરમાં મોટી તેજી થવાની શક્યતા નથી તે સોનાને હવે પછી ધીમી ગતિએ ઊંચકાવશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૨,૪૬૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૨,૨૫૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૮,૭૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2022 04:48 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK