Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થતાં સોનું પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ નજીવું ઘટ્યું

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થતાં સોનું પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદ નજીવું ઘટ્યું

06 December, 2022 10:15 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત ચોથા સેશનમાં ઘટીને પાંચ મહિનાના તળિયે પહોંચતાં સોનામાં લેવાલી વધી: મુંબઈમાં સોનું ૧૯૮ અને ચાંદી ૧૩૩૦ રૂપિયા ઊછળી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થતાં સોનું પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ત્યાર બાદ ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ આવતાં નજીવો ઘટાડો નોંધાયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૩૩૦ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 



ચીને કોરોનાનાં નિયંત્રણોમાં અનેક પ્રકારની છૂટછાટો મૂકીને બુધવારે વધુ છૂટછાટો મુકાશે એવી જાહેરાત કરતાં સોનું પાંચ સપ્તાહની ઊંચાઈએ ૧૮૦૯.૯૧ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ પ્રૉફિટ બુકિંગને પગલે થોડું ઘટ્યું હતું, છતાં પણ સોનું ૧૮૦૦ ડૉલરની સપાટી નજીક હતું. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થવાના પગલે ચાઇનીઝ કરન્સી યુઆન સામે ડૉલર નબળો પડતાં કરન્સી બાસ્કેટમાં પણ ડૉલર નબળો પડતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનામાં પ્રત્યાઘાતી ઘટાડાને પગલે ચાંદી ઘટી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ વધ્યાં હતાં.


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૫.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૫.૪ પૉઇન્ટની હતી. ભારતીય સર્વિસ સેક્ટરમાં આઉટપુટ અને જૉબ ક્રીએશનમાં મોટો વધારો નોંધાયો હતો. સર્વિસ સેક્ટરમાં કોરોનાકાળ પછી પ્રથમ વખત એક્સપોર્ટ ઑર્ડર વધ્યા હતા. સર્વિસ સેક્ટરમાં એમ્પ્લૉયમેન્ટનો વધારો છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો હતો. જોકે ઇન્પુટ કૉસ્ટમાં જુલાઈ પછીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો હતો. એની અસરે કંપનીઓ કૉસ્ટ બર્ડન ગ્રાહક પર નાખી રહી હોવા છતાં ન્યુ ઑર્ડર અને એક્સપોર્ટ ઑર્ડર વધી રહ્યા છે. 


ચીનમાં પબ્લિકના વિરોધને ધ્યાનમાં રાખીને ગવર્નમેન્ટ ઑથોરિટીએ કોરોનાનાં નિયંત્રણો ઝડપથી હળવા કરવાની શરૂઆત કરી દીધી છે. બીજિંગ અને હેંગજુઓમાં પબ્લિક પ્લેસમાં અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન માસ ટેસ્ટિંગ બંધ કર્યું છે તેમ જ અનેક મેટ્રો સિટીમાં લૉકડાઉન અને માસ ટેસ્ટિંગનાં નિયંત્રણો હળવા કર્યાં છે. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા રિયલ્ટી સેક્ટર માટે અનેક પ્રકારની રાહતો જાહેર થતાં ઇકૉનૉમિક ગ્રોથ માટે પણ ફરી આશા જાગી હતી. આ તમામ ઘટનાક્રમને પગલે સોમવારે ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય ડૉલર સામે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. 

ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૪૬.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૮.૪ પૉઇન્ટ હતો. ચીનના સર્વિસ સેક્ટરના ગ્રોથમાં સતત ત્રીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. સર્વિસ સેક્ટરમાં ન્યુ ઑર્ડરનો ઘટાડો છેલ્લા છ મહિનાનો સૌથી મોટો હતો તેમ જ સર્વિસ સેક્ટરમાં એમ્પ્લૉયમેન્ટમાં ઘટાડો ૧૭ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ઇન્પુટ કૉસ્ટમાં સતત ત્રીજે મહિને ઘટાડો થતાં એની અસરે સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધુ નબળો બનતો અટક્યો હતો. ચીનના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૪૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૮.૫ પૉઇન્ટ હતો. 

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સોમવારે સતત ચોથા સેશનમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો જે નવેમ્બરના આરંભે ૧૧૪.૧૭ના લેવલે હતો. અમેરિકી જૉબડેટા ધારણા કરતાં સારા આવવા છતાં આવતા સપ્તાહે યોજાનારી ફેડની મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધે એવી શક્યતા છે. ફેડે અગાઉની ચાર મીટિંગમાં ૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો ઝડપથી હળવા થવા લાગતાં યુઆન સુધરતાં ડૉલર પર દબાણ વધ્યું હતું. 

ચાલુ સપ્તાહે અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોના ઇન્ટરેસ્ટ રેટ વિશે નિર્ણયો જાહેર થશે, જેમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, બ્રાઝિલ અને ભારતનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયા અને કૅનેડામાં ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, પણ હજી બન્ને દેશોની સેન્ટ્રલ બૅન્કના ટાર્ગેટ કરતાં ઇન્ફ્લેશન વધારે હોવાથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થવાનું નક્કી છે, પણ વધારાની ગતિ થોડી ધીમી પડી શકે છે. ચીન, બ્રાઝિલ, ટર્કી, રશિયા, ફિલિપીન્સ, મેક્સિકો અને નેધરલૅન્ડ્સના નવેમ્બર મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. અમેરિકાના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. 

અમેરિકામાં નવેમ્બરમાં ૨.૬૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જેની ધારણા બે લાખની હતી અને ઑક્ટોબરમાં ૨.૮૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જ્યારે અમેરિકાનો અન-એમ્પ્લૉયમેન્ટ રેટ નવેમ્બરમાં ૩.૭ ટકા જળવાયેલો હતો, જે સપ્ટેમ્બરમાં ૨૯ મહિનાની નીચી સપાટીએ ૩.૫ ટકા હતો. અમેરિકામાં વર્કરોના મળતા વેતનનો વધારો ૧૦ મહિનાની ઊંચી સપાટીએ નવેમ્બરમાં ૧૮ સેન્ટ એટલે કે ૦.૬ સેન્ટ વધ્યો હતો, અમેરિકાના વર્કર્સને પ્રતિ કલાકના ૩૨.૮૨ ડૉલર મળી રહ્યા છે. વર્કરોને મળતા વેતનનો ગ્રોથ ઑક્ટોબરમાં ૦.૫ ટકા હતો અને માર્કેટની ધારણા નવેમ્બર માટે ૦.૩ ટકા વધારાની હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સવાદસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની અસર હવે ઘટી રહી છે અને સાથે આ બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એ હવે આમ પબ્લિક ભૂલી રહી છે. વર્લ્ડના મોટા ભાગના ઍનલિસ્ટો માની રહ્યા છે કે બન્ને દેશો વચ્ચેનું યુદ્ધ ક્રિસમસ પહેલાં શાંતિમંત્રણા દ્વારા ઉકેલાઈ જશે. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થવા અને અમેરિકી ડૉલરમાં સતત ઘટાડાની અસર સોનાની તેજી પર દેખાવા લાગી છે. સોનું ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરીને તેજીતરફી આગેકૂચ કરી રહ્યું છે. ફેડ આગામી સપ્તાહે ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે એ નિશ્ચિત બનતાં એની અસર ડૉલર પર ઓલરેડી થઈ ચૂકી છે, પણ હવે અન્ય કરન્સી ડૉલર સામે મજબૂત બની રહી હોવાથી ડૉલર પણ ઝડપથી ઘટી રહ્યો છે. સોનામાં તેજી થવા માટેનાં નવાં કારણો ઉમેરાઈ રહ્યાં છે જે સોનાને ૨૦૨૩માં ૨૦૦૦થી ૨૧૦૦ ડૉલર સુધી જવાનો રાહ બનાવશે.  

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૩,૮૫૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૩,૬૩૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૫,૭૬૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2022 10:15 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK