Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બે વર્ષના તળિયે પહોંચતાં સોનું વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બે વર્ષના તળિયે પહોંચતાં સોનું વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ

05 October, 2022 03:42 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ નેગેટિવ આવ્યા બાદ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટતાં સોનામાં ખરીદીનો પ્રવાહ વધ્યો : મુંબઈમાં સોનામાં ૮૯૯ અને ચાંદીમાં ૩૭૧૭ રૂપિયાનો ઉછાળો, ચાંદી ૬૦,૦૦૦ને પાર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બે વર્ષના તળિયે પહોંચતાં સોનામાં તેજીની આગેકૂચ યથાવત્ રહી હતી અને સોનું વર્લ્ડ માર્કેટમાં ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૧૭૦૦ ડૉલરની સપાટી પર પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૯૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૭૧૭ રૂપિયા ઊછળી હતી. 

વિદેશી પ્રવાહ 



અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં અને ગત સપ્તાહે સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ પણ નેગેટિવ આવતાં હવે ફેડ ઇન્ટરેસ્ટ રેટના વધારાની ગતિને ધીમી કરશે એ ધારણાએ ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટ્યાં હતાં અને સોનું વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. ગત સપ્તાહે ચાર ટકા સુધી પહોંચતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટીને ૧.૯ ટકા થયા હતા. ૧૧૪.૧૭ના લેવલે પહોંચેલો ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૧૦.૯૯ થયો હતો. સોનામાં સતત છઠ્ઠા સેશનમાં તેજી જોવા મળી હતી. સોનું વધતાં ચાંદી અને પ્લૅટિનમ વધ્યાં હતાં. પૅલેડિયમ જળવાયેલું હતું. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૨.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૨ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરનો ઇન્ડેક્સ ઘટીને ૪૭.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૩ પૉઇન્ટ હતો તેમ જ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટનો ઇન્ડેક્સ પણ ૫૪.૨ પૉઇન્ટથી ઘટીને ૪૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં મીડિયમથી લૉન્ગ ટર્મ ડિમાન્ડ વિશે અનિશ્ચિતતા સતત વધી રહી હોવાથી હાલ એમ્પ્લૉયમેન્ટ હાયરિંગ ફ્રીઝ કરવામાં આવ્યું છે. 


અમેરિકન ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારો ધીમો પડે એવી શક્યતાને પગલે છેલ્લા કેટલાક દિવસથી ડૉલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે ૨૭ સપ્ટેમ્બરે વધીને ૧૧૪.૧૭ હતો જે ઘટીને મંગળવારે ૧૧૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ન્યુ યૉર્કના ફેડ પ્રેસિડન્ટ જોહન વિલિયમ્સે જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન ઘટવાના સ્પષ્ટ સંકેતો મળવાના ચાલુ થતાં હવે ફેડ ૭૫ બેસિસ પૉઇન્ટને બદલે ૫૦ કે ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે. અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટીનો ગ્રોથ બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાની ઝડપને ઓછી કરવાની ફરજ પડશે, કારણ કે ઊંચા ઇન્ટરેસ્ટ રેટને કારણે ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથને મોટો ફટકો પડી રહ્યો છે. 

અમેરિકામાં કન્સ્ટ્રક્શન્સ સ્પેન્ડિંગ ઑગસ્ટમાં ૦.૭ ટકા ઘટ્યું હતું. જોકે માર્કેટની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી એના કરતાં ઘટાડો વધુ રહ્યો હતો. જુલાઈમાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કન્સ્ટ્રક્શન્સ ઍક્ટિવિટીમાં ઑગસ્ટમાં થયેલો ઘટાડો છેલ્લા ૨૦ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન્સ ૦.૯ ટકા, મૅન્યુફૅક્ચરિંગ કન્સ્ટ્રક્શન્સ ૦.૫ ટકા અને પાવર કન્સ્ટ્રક્શન્સ ૦.૯ ટકા ઘટ્યું હતું. 

ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨.૬૦ ટકાએ પહોંચાડ્યા હતા. માર્કેટની ધારણા ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાની હતી, કારણ કે અગાઉની ચાર મીટિંગમાં દરેક વખતે ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે મે મહિનામાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરાયો હતો. 

ગ્લોબલ મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટીને બતાવતો જે. પી. મૉર્ગન ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૦.૩ પૉઇન્ટ હતો. ગ્લોબલ મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ ૨૮ મહિના પછી પ્રથમ વખત ઘટ્યો હતો, કારણ કે નવા ઑર્ડર અને ન્યુ એક્સપોર્ટ ઑર્ડર બન્ને પણ ઘટીને ૨૮ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં પ્રોડક્શન ૩૧ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં રિસેશનનો સ્પષ્ટ સંકેત મળતો હતો. ખાસ કરીને ઇન્પુટ કૉસ્ટ વધતાં ચીન સહિત અનેક દેશોમાં મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી ધીમી પડી રહી છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન ડૉલરની તેજી તકલાદી સાબિત થઈ છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવતાં અને સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ નેગેટિવ આવતાં રિસેશનની કગારે અમેરિકા પહોંચ્યું હોવાના અહેસાસથી ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડની તેજી ઝડપથી તૂટી હતી. એના પરિણામે એક તબક્કે ૧૬૦૦ ડૉલરની સપાટી નજીક પહોંચેલું સોનું માત્ર ચાર દિવસમાં ૧૭૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયું છે. યુરોપિયન ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં ૧૦ ટકાની ઉપર આવતાં હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને ફેડ કરતાં પણ વધુ આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારો કરવો પડે એવી નોબત આવતાં યુરો સામે ડૉલર ગગડ્યો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે અને રિસેશનના સ્પષ્ટ સંકેતો મળવા લાગ્યા હોવાથી ફેડને ઇન્ટરેસ્ટ રેટના વધારાને ધીમો કરવો પડશે. આ સંજોગોમાં સોનામાં હજી ૪૦થી ૫૦ ડૉલરની તેજી થઈ શકે છે, એનાથી વધુ તેજી થવી હાલના તબક્કે મુશ્કેલ દેખાય છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૧,૨૮૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૧,૦૮૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૧,૦૩૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2022 03:42 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK