° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ તળિયે : રૂપિયો ગગડતાં ભારતમાં ભાવઘટાડો ઓછો રહ્યો

26 September, 2022 04:34 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

દશેરા, ધનતેરસ, દિવાળીના તહેવારો અને નવેમ્બરથી જુલાઈ સુધીની લગ્નની સીઝનમાં સોનું ધૂમ ખરીદાશે ઃ સોનું ઘટીને ૪૮,૫૦૦થી ૪૯,૦૦૦ રૂપિયા થયા બાદ ફરી ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ થવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર

સોનાની ખરીદીનું પરંપરાગત આકર્ષણ દરેક ભારતીય ઘરમાં વધતે-ઓછે અંશે જોવા મળે છે. પેઢી દર પેઢી સોનું ખરીદવાનો ક્રૅઝ અકબંધ રહ્યો છે. સોનું વધે કે ઘટે, એની તરફનું આકર્ષણ કયારેય ઘટ્યું નથી. ખેર, ઇન્ટરનૅશનલ માર્કેટમાં હાલ સોનાના ભાવ અઢી વર્ષના તળિયે પહોંચ્યા છે. મોંઘવારીને કાબૂમાં લેવા જગત જમાદાર અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઉપરાઉપરી વધારો કરવામાં આવતાં ડૉલરનું મૂલ્ય ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું છે અને ડૉલરની સરખામણીમાં ભારતીય રૂપિયો સહિત તમામ દેશોની કરન્સીનું મૂલ્ય સતત ગગડી રહ્યું છે. ભારતીય રૂપિયો હાલ ઑલટાઇમ નીચી સપાટી ૮૧ની સપાટીએ પહોંચ્યો છે, જે રૂપિયો હજી પણ ઘટીને એક ડૉલર સામે ૮૩થી ૮૪ના લેવલે પહોંચી શકે છે. એક ડૉલર સામે ભારતીયને થોડા મહિનાઓ પહેલાં ૭૭ રૂપિયા ખર્ચવા પડતા હતા એ હવે એક ડૉલર સામે ૮૧ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. ડૉલર સામે વધુ રૂપિયા ખર્ચવા પડી રહ્યા હોવાથી ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે, પણ ભારતમાં ઇન્ટરનૅશનલ માર્કેટના ઘટાડાની સરખામણીમાં ઓછો ઘટાડો થયો છે. 

અમેરિકામાં મોંઘવારી સાડાચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચી હોવાથી મોંઘવારીને ઘટાડવાની પ્રાધાન્યતા દિવસે-દિવસે વધી રહી છે. અમેરિકન ગવર્નમેન્ટ મોંઘવારીને કોઈ પણ ભોગે વધતી અટકાવવા મથી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે મોંઘવારીને રોકવા વિશેષ પગલાં લેવાં પડી રહ્યાં છે. અમેરિકન સરકાર પાસે એક જ રસ્તો બચ્યો છે કે વ્યાજદર વધારીને પ્રજાને દેખાડવું કે અમે મોંઘવારી ઘટાડવા તનતોડ મહેનત કરી રહ્યા છીએ. કોરોના પછી આખું વિશ્વ જે રીતે બદલાઈ ગયું છે એ જ રીતે આ વખતની મોંઘવારી પણ જુદા પ્રકારની છે. સામાન્ય રીતે જ્યારે બજારમાં માગ નીકળે ત્યારે મોંઘવારી વધે એવી સામાન્ય સમજ છે, પણ આ વખતની મોંઘવારી સપ્લાય તૂટી રહી હોવાથી વધી રહી છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો આથી રશિયા પર આર્થિક પ્રતિબંધ મૂકવા તમામ વેસ્ટર્ન દેશો એક થયા છે ત્યારે રશિયાએ વળતા પ્રહાર તરીકે ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ, ઘઉં, મકાઈ વગેરેની સપ્લાય અટકાવી દેતાં આ મોંઘવારી વધી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું હતું, જેને આઠ મહિના થવા આવ્યા છે. આ યુદ્ધ અટકે એવા કોઈ ચાન્સ નથી, કારણ કે હજી ગયા સપ્તાહે જ રશિયન પ્રેસિડન્ટ પુતિને યુદ્ધને વધુ આક્રમક બનાવવાની જાહેરાત કરીને યુક્રેન પર હુમલાઓ વધારી દીધા છે. 
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી મોંઘવારી ઘટે એમ નથી અને જ્યાં સુધી મોંઘવારી છે ત્યાં સુધી અમેરિકા અને તમામ દેશો વ્યાજદર વધારતા જ રહેશે. વ્યાજદર વધતા રહેશે ત્યાં સુધી ડૉલર મજબૂત બનશે અને સોના-ચાંદી ઘટતાં રહેશે. 

સોનું ઇન્ટરનૅશનલ માર્કેટમાં ઘટશે, પણ ભારતમાં રૂપિયાની નબળાઈથી વધુ નહીં ઘટે : સુરેન્દ્ર મહેતા નૅશનલ સેક્રેટરી, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન, મુંબઈ 

ચીન સંબંધે અનિશ્ચિતતાઓ સતત વધી રહી છે અને બીજી તરફ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ સતત લંબાતું જતું હોવાથી મોંઘવારી પર કાબૂ મેળવવો મુશ્કેલ છે. મોંઘવારી જ્યાં સુધી વધતી રહેશે ત્યાં સુધી અમેરિકન ફેડ વ્યાજદર વધારતું રહેશે અને ડૉલર મજબૂત બનશે. ફેડરલ રિઝર્વે તાજેતરમાં ૨૦૨૨ના અંતે વ્યાજદર વધારવાનો ટાર્ગેટ વધાર્યો હતો. ચીન સંબંધે અનિશ્ચિતતાઓ વધતી હોવાથી સોનું ઘટીને પ્રતિ ઔંસ ૧૫૬૮ ડૉલર થશે. ભારતીય રૂપિયાની ગણતરીએ પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૦૦ રૂપિયા ઘટશે. ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી ઇન્ટરનૅશનલ માર્કેટના ઘટાડાની ભારતીય માર્કેટમાં સોનાના ભાવ પર વધુ નહીં પડે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાનો ભાવ ૧૮૪૦ ડૉલર હતો ત્યારે ભારતમાં સોનાના ભાવ હતા એ જ ભાવ ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનું ઘટીને ૧૬૫૦ ડૉલર થયા ત્યારે જોવા મળી રહ્યા છે. સોનાના પગલે ચાંદી પણ ઘટતી જશે. ચાંદીના ભાવ પણ ઘટીને ડૉલર ટર્મમાં ૧૭.૭૦ ડૉલર સુધી ઘટશે. રૂપિયો ઘટીને ૮૧ના સ્તરે પહોંચ્યો છે એ વધુ ઘટવાની શક્યતા નથી. હાલ સોશ્યલ મીડિયામાં ફરી રહેલા ચીનના ઘટનાક્રમના સમાચારો જો સાચા હશે તો સોમવારે તમામ માર્કેટ મંદીની સર્કિટમાં ખૂલશે અને એના પરથી ચીનના ઘટનાક્રમની પણ ખરાઈ થશે.

નવરાત્રિથી મિડ જુલાઈ સુધી તહેવારો અને લગ્નની સીઝનની સોનામાં ધૂમ ખરીદી રહેશે : કુમાર જૈનનૅશનલ સ્પોકપર્સન, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન, મુંબઈ

ડૉલરની મજબૂતી અને વ્યાજદર વધારાના કારણે ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનું તૂટી રહ્યું છે, પણ લોકલ માર્કેટમાં રૂપિયાની નબળાઈને કારણે ભાવ ઘટ્યા નથી. હાલ ઝવેરીબજારમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૧,૫૦૦ રૂપિયા ચાલે છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં કોઈ નવું કારણ આવે તો સોનાના ભાવ ઘટીને અહીં પ્રતિ ૧૦ ગ્રામ ૪૮,૫૦૦થી ૪૯,૦૦૦ રૂપિયા થઈ શકે છે, પણ બેથી ત્રણ મહિનામાં સોનું ફરી વધીને ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયા થશે, કારણ કે નવરાત્રિથી ૨૦૨૩ના મિડ જુલાઈ સુધી સોનાની ધૂમ ખરીદીના દિવસો આવશે. શ્રાધ્ધ પક્ષમાં હાલ જે સોનામાં ઘરાકી જોવા મળી છે એવી ઘરાકી અગાઉ ક્યારેય જોવા મળી નથી. નવરાત્રિથી દિવાળી સુધી તહેવારોની ઘરાકી ફુલ ફોર્સથી જોવા મળશે, કારણ કે ચોમાસું સારું ગયું છે અને કોરોનાનો કોઈ ડર નથી. વળી દિવાળીને દિવસે ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી ડબલ ઘરાકી જોવા મળશે. દિવાળી પછી નવેમ્બરથી મિડ જુલાઈ સુધી સતત લગ્નની સીઝન ચાલુ રહેશે. ગયા વર્ષે આ સમયગાળામાં ૮૦થી ૮૫ શુભ મુહૂર્ત હતા એ ચાલુ વર્ષે ૧૫૫ છે. એક મુહૂર્તમાં દેશમાં સામાન્ય રીતે ૨૫થી ૩૦ હજાર લગ્નો યોજાય છે.

સોના-ચાંદીમાં આગામી ત્રણથી ચાર મહિના તેજી થવાની કોઈ શક્યતા દેખાતી નથી : સ્મિત ભાયાણી એસો. રિસર્ચ ઍનૅલિસ્ટ, નિર્મલ બંગ સિક્યૉરિટી, મુંબઈ

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો હોવાથી આગામી ત્રણથી ચાર મહિના સોના-ચાંદીમાં તેજી થવાની કોઈ શક્યતા દેખાતી નથી. ટેક્નિકલ લેવલ પર નજર નાખીએ તો ૧૬૫૦ ડૉલરનું લેવલ સોનામાં સ્ટ્રૉન્ગ સપોર્ટનું લેવલ હતું, પણ આ લેવલ તૂટતાં હવે વધુ ઘટાડાના સંકેત મળી રહ્યા છે. સોનું વીકલી ૧૬૪૩ ડૉલર બંધ આવતાં હવે સોનું ૧૬૦૦ ડૉલર સુધી ઘટે એવું નિશ્ચિત દેખાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ રેટ હજી ૨૦૨૩ સુધી વધારવાનો સંકેત આપતાં ડૉલર ઇન્ડેક્સ ૧૧૪થી ૧૧૫ સુધી મજબૂત થઈ શકે છે. અમેરિકાનું ઇન્ફ્લેશન પણ હજી લાંબા સમય સુધી વધતું રહેશે એવી ધારણા છે. અમેરિકાના રીટેલ અને હાઉસિંગ સેક્ટરના ડેટા નબળા આવવાના ચાલુ થયા બાદ રિસૅશનની અસર જોવા મળશે. ચાંદીમાં પણ સોનાની સાથે જ ઘટાડો જોવા મળશે. ચાંદીના ભાવ સોના અને બેઝ મેટલ બન્નેને અનુસરતા હોવાથી ચાંદીમાં વધુ ઘટાડો થયો નથી. સોનું વધશે ત્યારે ચાંદી પણ એને અનુસરીને વધશે. આગામી ત્રણથી ચાર મહિના સુધી સોના-ચાંદીમાં તેજીની શક્યતા નથી. ત્યાર બાદ સોનું વધશે, પણ ૧૯૦૦થી ૨૦૦૦ ડૉલરના ભાવ થાય એવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. 

26 September, 2022 04:34 PM IST | Mumbai | Mayur Mehta

અન્ય લેખો

એચઆરએ માટે ખોટી રીતે અપાયેલા પર્મનન્ટ અકાઉન્ટ નંબર (પૅન)ની ગેરરીતિ આ રીતે પકડાઈ

એચઆરએને આવકમાંથી મળતું એક્ઝૅમ્પ્શન આવકવેરા ધારાની કલમ ૧૦ (૧૩એ) હેઠળ આવરી લેવાયેલ છે

06 December, 2022 10:20 IST | Mumbai | Nitesh Buddhadev

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થતાં સોનું પાંચમહિનાની ઊંચાઈએ પહોંચ્યા બાદઘટ્યું

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત ચોથા સેશનમાં ઘટીને પાંચ મહિનાના તળિયે પહોંચતાં સોનામાં લેવાલી વધી: મુંબઈમાં સોનું ૧૯૮ અને ચાંદી ૧૩૩૦ રૂપિયા ઊછળી

06 December, 2022 10:15 IST | Mumbai | Mayur Mehta

બજાર પ્રારંભિક પીછેહઠ પચાવીને ફ્લૅટ બંધ, માર્કેટ કૅપ નવા શિખરે, મેટલ શૅરોમાં ઝમક

સટ્ટાકીય ખેલામાં રેટન ટીએમટી સતત ઉપલી સર્કિટ સાથે નવી વિક્રમી સપાટીએ : આઇટીમાં એકંદર ઢીલા વલણ વચ્ચે ૬૩ મૂન્સ સાડાપાંચ ટકા ઝળક્યો : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ 

06 December, 2022 10:12 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK