બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ રેટ વધારતાં ડૉલર નબળો પડતાં સોનામાં ખરીદી વધી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલના અટૅકથી હમાસ અને હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના લીડરના મોતથી મિડલ ઈસ્ટ ટેન્શન વધતાં સેફ હેવન ડિમાન્ડના સપોર્ટથી સોનું વધ્યું હતું. બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતાં ડૉલરના ઘટાડાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને ૨૪૨૪.૫૦ ડૉલર સુધી વધ્યા બાદ સાંજે ૨૪૧૯થી ૨૪૨૦ ડૉલરની રેન્જમાં હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૨૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૬૨૪ રૂપિયા વધ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ રેટમાં અપેક્ષાકૃતિ પચીસ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો જેને કારણે શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ ઝીરોથી ૦.૧ ટકા થયા હતા જે ઝીરો હતા. બૅન્ક ઑફ જપાને જાન્યુઆરી-માર્ચ ૨૦૨૬થી બૉન્ડ બાઇંગમાં ઘટાડો કરીને ત્રણ ટ્રિલ્યન યેનના બૉન્ડ ખરીદવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બૅન્ક ઑફ જપાને એની પાંચ ટ્રિલ્યન ડૉલરની બૅલૅન્સ-શીટમાં પણ ઘટાડો કરશે એવી જાહેરાત કરી હતી. બૅન્ક ઑફ જપાને ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષમાં ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૨.૮ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કર્યું હતું તેમ જ ગ્રોથ પ્રોજેક્શન ૦.૮ ટકાથી ઘટાડીને ૦.૬ ટકા કર્યું હતું. બૅન્ક ઑફ જપાનના રેટ વધારાના નિર્ણય બાદ જૅપનીઝ યેન વધીને ૧૫૨.૬ ડૉલર થયો હતો જે એક તબક્કે ઘટીને ૩૮ વર્ષની નીચી સપાટીએ ૧૬૧ ડૉલર થયો હતો. બૅન્ક ઑફ જપાનના રેટ વધારાના નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સ ૦.૧૧ ટકા ઘટીને ૧૦૪.૪૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ ઘટતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૨ ટકા ઘટીને ૪.૧૩૮ ટકાએ પહોંચ્યા હતા.
ચીનનો જુલાઈ મહિનાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૪૯.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૩ પૉઇન્ટની હતી. જુલાઈ મહિનાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૦.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૫૦.૫ પૉઇન્ટની હતી. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જુલાઈમાં ઘટીને ૧૯ મહિનાની નીચી સપાટીએ ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૦.૫ પૉઇન્ટ હતો.
અમેરિકાના જૉબઓપનિંગ નંબર્સ જૂનમાં ઘટીને ૮૧.૮૪ લાખે પહોંચ્યા હતા જે મે મહિનાના અંતે ૮૨.૩૦ લાખ હતા. માર્કેટની ધારણા ૮૦ લાખની હતી, જ્યારે અમેરિકામાં નોકરી ગુમાવનારાઓની સંખ્યા જૂનમાં ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ ૩૨.૮૨ લાખે પહોંચી હતી જે મે મહિનાના અંતે ૩૪.૦૩ લાખ હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇઝરાયલે લેબૅનનમાં બૈરુત પર ઍરસ્ટ્રાઇક કરીને હિઝબુલ્લાના કમાન્ડરને ખતમ કર્યો હતો. બીજી તરફ ઈરાને હમાસલીડર ખતમ થયાની જાહેરાત કરી હતી. આ બે બનાવથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું. હમાસે એના કમાન્ડરના મોત માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. હમાસના લીડરનું મોત થતાં હવે ઇઝરાયલ-હમાસ વચ્ચેની યુદ્ધ-સમાપ્તિની મંત્રણા પણ ખોરંભે પડી જશે, કારણ કે હમાસનો આ લીડર યુદ્ધ-સમાપ્તિની મંત્રણામાં મુખ્ય ભાગ ભજવતો હતો. હમાસ અને હિઝબુલ્લાના બન્ને લીડરોના મોત બાદ યમન-ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હુથીના મોત બાદ ઇઝરાયલ પર શાબ્દિક હુમલો કર્યો હતો. આમ મિડલ ઈસ્ટમાં હવે હમાસ, હિઝબુલ્લા અને હુથી આતંકવાદીઓ ઇઝરાયલ સામે મરણિયા બનીને લડશે. બૅન્ક ઑફ જપાને ગિયર બદલીને છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો જેનાથી ડૉલર નબળો પડ્યો હતો. તમામ ઘટનાક્રમ સોનામાં ફરી તેજીનો સ્પષ્ટ સંકેત આપે છે ત્યારે જો ફેડ સપ્ટેમ્બરમાં રેટ-કટની જાહેરાત હાલ ચાલી રહેલી મીટિંગ પછી કરશે તો સોનામાં તેજીની આગેકૂચને બૂસ્ટર-ડોઝ મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૯,૩૦૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૯,૦૩૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૨,૦૭૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)