અમેરિકન ડૉલર સતત બીજા દિવસે ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ પહોચતાં સપ્ટેમ્બરમાં ૨૫ને બદલે ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ-કટના ચાન્સ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સતત ૪ દિવસ સોનાનો ભાવ ઘટ્યા બાદ ગઈ કાલે પ્રતિ ૧૦ ગ્રામ ૫૮૦ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ સ્ટેડી રહ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ જુલાઈમાં ૨.૩૭ લાખ ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ ૭૬.૭૩ લાખે પહોંચ્યા હતા, જે જૂનમાં ૭૯.૧૦ લાખ હતા, માર્કેટની ધારણા ૮૧ લાખ નંબર્સની હતી. ખાસ કરીને અમેરિકાના હેલ્થ કૅર અને સોશ્યલ અસિસ્ટન્સ સેક્ટરમાં સૌથી વધુ ૧.૮૭ લાખ ઓપનિંગ નંબર્સ ઘટ્યા હતા. માત્ર પ્રોફેશનલ અને બિઝનેસ સર્વિસિસ સેક્ટરમાં જૉબ ઓપનિંગ નંબર્સ વધ્યા હતા એના સિવાયનાં મોટા ભાગનાં સેક્ટરમાં જૉબ ઓપનિંગ નંબર્સ ઘટ્યા હતા. અમેરિકામાં નોકરી ગુમાવનારાઓની સંખ્યા જુલાઈમાં વધીને ૩૨.૭૭ લાખ પર પહોંચી હતી, જે જૂનમાં ૩૨.૧૪ લાખ હતી. પ્રાઇવેટ એજ્યુકેશન અને હેલ્થ સર્વિસિસમાં કામ કરનારા વર્કરોએ સૌથી વધુ નોકરી ગુમાવી હતી.
અમેરિકાની એક્સપોર્ટ જુલાઈમાં ૦.૫ ટકા વધતાં અને ઇમ્પોર્ટ ૨.૧ ટકા વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને બે વર્ષની ઊંચાઈએ ૭૮.૮ અબજ ડૉલરે પહોંચી હતી, જે જૂનમાં ૭૩ અબજ ડૉલર હતી. અમેરિકાની ઇમ્પોર્ટ વધીને અઢી વર્ષની ઊંચાઈએ પહોંચતાં ટ્રેડ ડેફિસિટમાં મોટો વધારો થયો હતો.
અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૩૦ ઑગસ્ટે પૂરા થયેલા સપ્તાહના અંતે એક બેસિસ પૉઇન્ટ ઘટીને ૬.૪૩ ટકાએ પહોંચ્યા હતા, જે ૧૬ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને મૉર્ગેજ રેટમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો થયો હતો. મૉર્ગેજ રેટ ઘટતાં મૉર્ગેજ ઍપ્લિકેશનનો ઉપાડ ગયા સપ્તાહે ૧.૬ ટકા વધ્યો હતો.
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત બીજા દિવસે ઘટીને ૧૦૧.૨૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે વધીને બે દિવસ પહેલાં ૧૦૧.૮૩ થયો હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવ્યા બાદ જૉબ ઓપનિંગ ડેટા પણ ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ફેડ સપ્ટેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવશે એવી આગાહીઓ બજારમાં થવા માંડતાં ડૉલરમાં વેચવાલી વધી હતી. અગાઉ એનલિસ્ટોના મતે ફેડ ૨૦૨૪ના એન્ડ પહેલાં ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઘટાડશે એવી ધારણા હતી એ વધીને હવે ૧૨૫ બેસિસ પૉઇન્ટના ઘટાડાની ધારણા મુકાઈ રહી છે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે સપ્ટેમ્બરમાં રેટ-કટ લાવવાનું મન લાંબા સમયથી બનાવી રાખ્યું હતું, પણ કેટલાક ફેડ ઑફિશ્યલ્સ એનો વિરોધ કરતા હતા અને ઇન્ફ્લેશન જ્યાં સુધી બે ટકા સુધી ન આવે ત્યાં સુધી રેટ-કટ જોખમી હોવાની દલીલ કરતા હતા, પણ અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ફેડ ઑફિશ્યલ્સનો ટોન બદલાઈ ગયો છે. ઍટલાન્ટાના ફેડ પ્રેસિડન્ટ રાફેલ બોસ્ટિકે કમેન્ટ કરી હતી કે જે ઝડપથી અમેરિકાની જૉબ માર્કેટ નબળી પડી રહી છે એ જોતાં હવે રેટ-કટ માટે ઇન્ફ્લેશન બે ટકા સુધી ઘટે ત્યાં સુધી રાહ જોઈ શકાય એમ નથી. શુક્રવારે મોડી રાતે જાહેર થનારા નૉન પાર્મ પે-રોલ ડેટા ૧.૨૦ લાખ આવવાની ધારણા છે. જો ધારણા પ્રમાણે અથવા એનાથી ઓછા પે-રોલ ડેટા આવશે અને ૧૧ સપ્ટેમ્બરે ઑગસ્ટના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે એની ધારણા ૨.૬ ટકા છે એ પણ ધારણા પ્રમાણે અથવા એનાથી નીચા આવશે તો ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટાડાની શક્યતા વધશે જેને કારણે સોનું રેટ-કટના ડિસિઝન સુધી ધીમી ગતિએ વધતું રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૧,૮૭૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૧,૫૮૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૧,૩૩૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)