° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


વૈશ્વિક ઘઉંના પાકમાં ૪૦ લાખ ટનનો ઘટાડો કરાયો

23 November, 2021 01:00 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ગ્રેન કાઉન્સિલના મતે ૭૭૭૦ લાખ ટન ઘઉં પાકશે : ઉત્પાદન ઘટાડાના અંદાજથી વૈશ્વિક ભાવ ઊંચા રહે એવી ધારણા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ નવ વર્ષની ઊંચી સપાટી પર ટ્રેડ કરી રહ્યા છે ત્યારે ઘઉંમાં ભાવ વધુ ઊંચકાય એવા સમાચાર આવ્યા છે. ઇન્ટરનૅશનલ ગ્રેન કાઉન્સિલ એજન્સીએ વૈશ્વિક ઘઉંના પાકના અંદાજમાં ૪૦ લાખ ટનનો ઘટાડો કર્યો છે. બીજી તરફ ઘઉં અને મકાઈ વચ્ચેનો ભાવફરક આઠ વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
ઇન્ટરનૅશનલ ગ્રેન કાઉન્સિલ દ્વારા ગત સપ્તાહે જાહેર કરવામાં આવેલા માસિક અહેવાલ મુજબ વિશ્વમાં ઘઉંના ઉત્પાદનના અંદાજમાં અગાઉની તુલનાએ ૪૦ લાખ ટનનો ઘટાડો કરીને હવે ૭૭૭૦ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. ખાસ કરીને ઈરાનમાં ઉત્પાદન ઘટવાની ધારણાએ કુલ અંદાજ ઘટાડવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા ઈરાનના પાકનો અંદાજ અગાઉ ૧૪૦ લાખ ટનનો મૂક્યો હતો, જે હવે ઘટાડીને ૧૧૫ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. ઈરાનમાં છેલ્લાં ૫૦ વર્ષનો સૌથી ખરાબ દુષ્કાળ જોવા મળ્યો હોવાથી ઘઉં સહિતની તમામ કૉમોડિટીનાં ઉત્પાદન પર અસર પહોંચી છે.
ઈરાન ઉપરાંત અલ્જેરિયાના ઘઉંના પાકનો અંદાજ પણ ૩૫ લાખ ટનથી ઘટાડીને ૩૦ લાખ ટન કરવામાં આવ્યો છે, જે પણ ગત વર્ષે ૩૮ લાખ ટનનો થયો હતો. આમ ગત વર્ષની તુલનાએ ૮ લાખ ટનનો ઘટાડો થશે.
ગ્રેન કાઉન્સિલ દ્વારા મકાઈના પાકનો અંદાજ ૨૦ લાખ ટન વધારીને ૧૨,૧૨૦ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને અમેરિકાના પાકનો અંદાજ અગાઉ ૩૮૧૫ લાખ ટન હતો, જે વધારીને હવે ૩૮૨૬ લાખ ટન મૂકવામાં આવ્યો છે.
વૈશ્વિક બજારમાં બેન્ચમાર્ક ગણાતા શિકાગો એક્સચેન્જમાં ઘઉંના ભાવ નવા વર્ષની ઊંચી સપાટી પર ૮.૨૨ ડૉલર આસપાસ અથડાઈ રહ્યા છે, જેની તુલનાએ મકાઈના ભાવ વાયદામાં ૨.૫૦ ડૉલર પ્રતિ બુશેલ જેટલા નીચા છે. મકાઈની સામે ઘઉંનું આ પ્રીમિયમ છેલ્લાં ૮ વર્ષનું સૌથી વધુ પ્રીમિયમ છે, જે બતાવે છે કે ઘઉંની બજારમાં તેજી મોટી છે.
બીજી તરફ અમેરિકન કૃષિ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર વિશ્વમાં ઘઉંના સ્ટૉક સામે વપરાશનો રેશિયો ૧૨.૧ ટકા રહેવાનો અંદાજ છે, જે વિક્રમી નીચો છે. અમેરિકન કૃષિ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતા છેલ્લા છ દાયકાના આંકડાઓના અભ્યાસ મુજબ આ સૌથી નીચો રેશિયો છે. ગત વર્ષે આ રેશિયો ૧૪.૮ ટકા હતો અને છેલ્લાં પાંચ વર્ષનો સરેરશ રેશિયો ૧૭ ટકાનો હતો. વિશ્વમાં મકાઈના સ્ટૉક સામે વપરાશનો રેશિયો ગત વર્ષની તુલનાએ મામૂલી વધારે છે.
વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ સરેરાશ મજબૂત રહેવાને પગલે ભારતીય બજારમાં પણ ઘઉંના ભાવ મજબૂત રહે એવી ધારણા છે. ભારતમાં નવી સીઝનમાં ઘઉંના ઉત્પાદનમાં કેટલો ફરક આવે છે એના ઉપર પણ નજર છે. વાવેતરના અહેવાલ નબળા આવી રહ્યા છે, પરંતુ સરકારી અંદાજો મુજબ ઉત્પાદનમાં બહુ ફરક ન પડે એવી સંભાવના છે.

23 November, 2021 01:00 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

04 December, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જૂની કારના ખરીદદારોમાં યુવાનો સૌથી વધારે છે : કાર્સ-૨૪ના અભ્યાસનું તારણ

ની કારના ખરીદદારોમાં યુવાનોનું પ્રમાણ ૮૦ ટકા છે

04 December, 2021 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુકેશ અંબાણીએ ડેટા પ્રાઇવસી અને ક્રિપ્ટોકરન્સીના ખરડાને આપ્યું સમર્થન

ભારતનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને એના સંગ્રહ તથા ઉપયોગની બાબતે દેશની અંદર જ કડક નિયમ ઘડવામાં આવવા જોઈએ એવો અંબાણીનો મત રહ્યો છે

04 December, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK