° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


ગ્લોબલ સ્લોડાઉનની ફિકરમાં વિશ્વબજારો ડાઉન, રિલીફ-રૅલીનાં સપનાં રોળાઈ જશે

23 June, 2022 05:10 PM IST | Mumbai
Anil Patel

રિલાયન્સ ત્રણ ટકાથી વધુ કટ થયો, અદાણીના તમામ ૭ શૅર રેડ ઝોનમાં

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

બોફા સિક્યૉરિટી તરફથી વર્ષાંતે નિફ્ટીમાં ટાર્ગેટ ઘટાડીને ૧૪૫૦૦ કરાયો, ડૉલર સામે રૂપિયો ઑલટાઇમ નવા તળિયે : રિલાયન્સ ત્રણ ટકાથી વધુ કટ થયો, અદાણીના તમામ ૭ શૅર રેડ ઝોનમાં : ખરાબ બજારમાં એલઆઇસીએ ધીમો સુધારો આગળ ધપાવ્યો, આઇટી ફ્રન્ટલાઇન ડાઉન પણ ટીસીએસ અપવાદ : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ માઇનસ થયાં, માર્કેટ-બ્રેડ્થમાં નોંધપાત્ર બગાડ

જેફરીઝના ઇક્વિટી સ્ટ્રૅટેજી ડિપાર્ટમેન્ટના ગ્લોબલ હેડ ક્રીસવુડ આમ તો મોદી સરકારના વિશેષ ચાહક છે, પણ મામલો પૈસાનો હોય ત્યાં પ્રેમ સેકન્ડરી બની જાય છે. વુડે હમણાં જ કહ્યું છે કે નિફ્ટી ૧૪૦૦૦ થાય તો અમે ભારતમાં રોકાણ કરવા વિશે વિચારીશું. મતલબ કે હાલનું બજાર રોકાણ માટે યોગ્ય નથી. બૅન્ક ઑફ અમેરિકાની બોફા સિક્યૉરિટીઝે નિફ્ટી વર્ષાંતે ૧૬૦૦૦ થવાનો અંદાજ આવ્યો હતો. હવે એ ઘટાડીને ૧૪૫૦૦ કરી નાખ્યો છે. આની સાથે તેણે એમ પણ કહ્યું છે કે ઑગસ્ટ-સપ્ટેમ્બર દરમ્યાન માર્કેટ બૉટમઆઉટ થશે.એટલે કે બૉટમઆઉટ થતાં પહેલાં નિફ્ટી ૧૪૫૦૦ કરતાં નીચે જશે. મંગળવારે સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૨૦૦ અને છેલ્લે ૯૩૪ પૉઇન્ટ વધીને બંધ થયો, રોકાણકારોની સંપત્તિમાં પોણાછ કરોડનો વધારો કરી ગયો ત્યારે ચેનલિયા પંડિતો રિલીફ રૅલીના મંડાણની વાતો માંડવા લાગ્યા હતા. અમે શંકા દર્શાવતાં અહીં લખ્યું હતું કે બજાર વધુ ઘટવાની જગ્યા કરવા માટે વધ્યું હોય એમ લાગે છે અને વળતા જ દિવસે મંગળવારનો મોટા ભાગનો સુધારો સાફ થઈ ગયો છે. બજાર માઇનસ ઝોનમાં ખૂલ્યા પછી બુધવારે આખો દિવસ રેડ ઝોનમાં રહી ૭૦૯ પૉઇન્ટ ઘટી ૫૧૮૨૨ થયું છે. નિફ્ટી ૨૨૫ પૉઇન્ટની પીછેહઠમાં ૧૫૪૧૩ હતો. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક નીચામાં ૫૧૭૪૦ દેખાયો હતો. અમેરિકન ફેડ જુલાઈમાં વ્યાજદરમાં બીજો પોણા ટકાનો વધારો કરવાની ધારણા પ્રબળ બની છે એની સાથે યુએસ ઇકૉનૉ સ્લોડાઉન નહીં, પણ રિસેશનમાં સરી પડશે એવો ડર પણ વધ્યો છે. આની અસરમાં તમામ અગ્રણી એશિયન બજારો ગઈ કાલે ડાઉન હતાં. સાઉથ કોરિયન કરન્સી વૉન ડૉલર સામે ૧૩ વર્ષના તળિયે જતાં શૅરબજાર પોણાત્રણ ટકા લથડ્યું છે. હૉન્ગકૉન્ગ તથા તાઇવાન અઢી ટકાની આસપાસ, ચાઇના સવા ટકો, થાઇલૅન્ડ એક ટકો ડૂલ થયા હતા. યુરોપ ગૅપ-ડાઉન

ઓપનિંગ બાદ સવાથી અઢી ટકા નીચે
ચાલતું હતું. વિશ્વસ્તરે સ્લોડાઉનની વધતી આશંકામાં બ્રેન્ટ ક્રૂડ પોણાચાર ટકા ગગડીને ૧૧૦ ડૉલરની અંદર આવી ગયું છે. જોકે ઇન્ડસ્ટ્રિયલ મેટલ પ્રત્યાઘાતી સુધારામાં હતી. ઝિન્ક વાયદો સવાબે ટકા, ટિન વાયદો પોણાબે ટકા, કૉપર અને ઍલ્યુમિનિયમ સાધારણ પ્લસ હતા. 

મૉર્ગન્સ પછી જેફરીઝના બુલિશ વ્યુ વચ્ચે રિલાયન્સ ૭૯ રૂપિયા કપાયો 
મૉર્ગન સ્ટૅન્લી અને જેપી મૉર્ગન પછી જેફરીઝ પણ રિલાયન્સમાં બુલિશ બની છે. આ લોકો ૨૯૫૦થી લઈને ૩૪૦૦ સુધીનો ભાવ અહીં જોઈ રહ્યા છે. જોકે બ્રોકરેજ હાઉસના આ ભવિષ્યની તારીખના ચેકમાં બજારને હાલમાં જરાય રસ પડ્યો નથી, શૅર ગઈ કાલે નીચામાં ૨૫૦૧ બતાવી ૩.૧ ટકાની ખરાબીમાં ૨૫૦૫ બંધ આપી સેન્સેક્સને સૌથી વધુ ૨૪૨ પૉઇન્ટ નડ્યો છે. ગઈ કાલે ૩૦માંથી ૩ અને નિફ્ટીના ૫૦માંથી પાંચ શૅર પ્લસ હતા. નિફ્ટી ખાતે ભારત પેટ્રો સવા ટકો અને હીરો મોટોકૉર્પ ૦.૯ ટકા વધી ટૉપ ગેઇનરમાં મોખરે હતા. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ સવાપાંચ ટકા તૂટી વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. ભાવ નીચામાં ૮૩૫ના ઐતિહાસિક તળિયે ગયો હતો. નિફ્ટી ખાતે હિન્દાલ્કો ૫.૯ ટકા ગગડી ૩૧૯ હતો. યુપીએલ ૬૧૧નું નવું બૉટમ બતાવી ૬.૩ ટકાની ખુવારીમાં ૬૧૩ રહ્યો છે. આ ઉપરાંત જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, બજાજ ફિનસર્વ, કોલ ઇન્ડિયા, તાતા કન્ઝ્‍યુમર, ઇન્ડસઇન્ડ બૅન્ક, એચસીએલ ટેક્નૉ અઢીથી સવાચાર ટકા ડૂલ થયા છે. રોકડું અને બ્રૉડર માર્કેટ સેન્સેક્સ નિફ્ટીના ૧.૪ ટકાની સામે થોડુંક વધુ નરમ હતું, પણ ઘટાડાનો વ્યાપ વધુ હોવાથી માર્કેટ-બ્રેડ્થ બગડી છે. એનએસઈમાં વધેલા ૬૨૩ શૅર સામે ૧૪૫૮ શૅર ઘટ્યા છે. સ્મૉલ કૅપ બેન્ચમાર્ક આમ તો ૧.૧ ટકા ડાઉન હતો, પરંતુ એના ૯૦૮માંથી ૬૩૭ શૅર નરમ રહ્યા છે. આગલા દિવસથી વિપરીત ચાલમાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ બુધવારે રેડ ઝોનમાં દેખાયાં છે. મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ, પાંચ ટકા કે ૭૮૫ પૉઇન્ટ પીગળ્યો છે. બજારનું માર્કેટ કૅપ ૩.૪૩ લાખ કરોડ રૂપિયા ડૂલ થયું છે. 

અદાણીના ચાર શૅરની નબળાઈ ચાર ઇન્ડાઇસિસને ભારે પડી ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧૧માંથી ૯ શૅરના ઘટાડે બે ટકાથી વધુ, યુટિલિટી ઇન્ડેક્સ ૨૩માંથી ૨૦ શૅરની નરમાઈમાં ૨.૧ ટકા, એનર્જી બેન્ચમાર્ક ૨૬માંથી ૧૮ શૅરની ખરાબીમાં સવાબે ટકા તથા ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅરની નબળાઈમાં બે ટકા ડાઉન હતા. અદાણી ગ્રુપની અદાણી ટોટલ ગૅસ સાડાચાર ટકા તૂટી ૨૨૭૦, અદાણી ગ્રીન સવાચાર ટકા બગડી ૧૭૩૨, અદાણી ટ્રાન્સ. સાડાત્રણ ટકા ઘટીને ૨૧૨૭ તથા અદાણી પાવર અઢી ટકાના અંધારપટમાં ૨૪૭ બંધ રહેતાં આ ચારેય ઇન્ડેક્સને સર્વાધિક હાનિ થઈ છે, જેમ કે પાવર ઇન્ડેક્સના ૮૨ પૉઇન્ટના ઘટાડામાં અદાણીના ત્રણ પાવર શૅરનો ફાળો ૫૮ પૉઇન્ટનો, યુટિલિટીઝના ૬૮ પૉઇન્ટના ઘટાડામાં આ ત્રણ શૅરનું પ્રદાન ૪૫ પૉઇન્ટનું, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સની ૩૬૩ પૉઇન્ટની નરમાઈમાં અદાણી ટોટલનો હિસ્સો ૧૭૨ પૉઇન્ટનો હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી એન્ટર. ૩.૪ ટકા ગગડી ૨૦૮૮, અદાણી પોર્ટ્સ ત્રણ ટકા ઘટી ૬૬૮, તો અદાણી વિલ્મર પોણાત્રણ ટકાની નબળાઈમાં ૫૫૮ બંધ હતા. બાય ધ વે, રુચિ સોયા પોણો ટકો ઘટીને ૯૯૪ હતી, મેટલ ઇન્ડેક્સ પાંચ ટકા લથડ્યો છે. હિન્દાલ્કો બીએસઈમાં પોણાસાત ટકાના કડાકામાં ૩૧૬ બંધ હતો. નાલ્કો ૬ ટકા, જિન્દલ સ્ટીલ છ ટકા નજીક, વેદાન્તા ૫.૯ ટકા, તાતા સ્ટીલ સવાપાંચ ટકા, એનએમડીસી પાંચ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ સાડાચાર ટકા તૂટ્યા છે. હિન્દુસ્તાન કૉપર ૬.૮ ટકા અને સાંડૂર મૅન્ગેનીઝ પાંચ ટકા બગડ્યા હતા. 

ભારત પેટ્રો દોઢેક ટકા, હિન્દુ. પેટ્રો અઢી ટકા, એમઆરપીએલ સાડાચાર ટકા, મહાનગર ગૅસ પોણાત્રણ ટકા અપ હતા. ગુજરાત ગૅસ તથા ઓએનજીસી ત્રણ ત્રણ ટકા અને ઑઇલ ઇન્ડિયા સવાબે ટકા ઘટ્યા છે. લાર્સન દોઢ ટકો ઘટીને ૧૪૭૮ના બંધમાં ૧.૪ ટકા કે ૩૬૨ પૉઇન્ટ ઘટેલા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૧૭૭ પૉઇન્ટ નડ્યો છે. એફએમસીજી બેન્ચમાર્ક એક ટકાની નજીક નરમ હતો. હિન્દુસ્તાન યુનિલીવર નજીવો સુધરીને ૨૨૦૯ થયો છે, પણ આઇટીસી પોણાબે ટકા ઘટી ૨૬૫ હતો. મારુતિ ૭૭૮૨ના લેવલે ફ્લૅટ હતો. હીરો મોટોકૉર્પ પોણો ટકો વધ્યો છે. ઑટો ઇન્ડેક્સ બાકીના ૧૩ શૅરના ઘટાડે પોણો ટકો ઢીલો હતો. તાતા મોટર્સ સવા ટકો, મહિન્દ્ર ૧.૩ ટકા, આઇશર દોઢ ટકો, એસ્કોર્ટ્સ બે ટકા અને અશોક લેલૅન્ડ ૨.૪ ટકા માઇનસ હતા. 

પ્રાઇવેટ અને સરકારી બૅન્કોમાં સામસામા રાહ, આઇટી નરમ 
બૅન્ક નિફ્ટી પીએનબીના સામાન્ય સુધારા સિવાય બાકીના ૧૧ શૅરના ઘટાડામાં એક ટકો કે ૩૪૬ પૉઇન્ટ ડાઉન હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅર પ્લસમાં આપી નહીંવત્ ઢીલો રહ્યો છે, જ્યારે પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં એક ટકાથી વધુ માઇનસ થયો છે. પબ્લિક સેક્ટરની બૅન્કોમાં આઇઓબી સવાપાંચ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાચાર ટકા અને યુકો બૅન્ક ચાર ટકા પ્લસ હતા. સ્ટેટ બૅન્ક ૦.૭ ટકા ઘટી છે, જ્યારે ૧૯ પ્રાઇવેટ બૅન્કમાં આરબીએલ બૅન્ક ૨.૮ ટકા અને ધનલક્ષ્મી દોઢેક ટકો વધી હતી, બાકીની ૧૭ ઘટી છે. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ચાર ટકા, સીએસબી બૅન્ક સવાત્રણ ટકા, ડીસીબી બૅન્ક ત્રણ ટકા ડાઉન હતી. પાંચેપાંચ સ્મૉલ બૅન્કિંગ શૅર રેડ ઝોનમાં રહ્યા છે. સૂર્યોદય બૅન્ક સર્વાધિક ૪.૭ ટકા બગડી છે. ઉજ્જીવન બૅન્ક સાડાત્રણ ટકા અને એયુ બૅન્ક બે ટકો માઇનસ હતી. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૨૭માંથી ૩૧ શૅરના સુધારા વચ્ચે ૦.૯ ટકા નરમ હતો. ધનવર્ષા સવાબાર ટકા તૂટી
૬૩ થઈ છે. આવાસ ફાઇ. પાંચ ટકાની ખરાબીમાં હતી. સ્પંદન સ્ફૂર્તિ સવાનવ ટકા, ક્રિસિલ સાડાપાંચ ટકા, મેક્સ વેન્ચર્સ સાડાત્રણ ટકા અપ હતા. એચડીએફસી ટ્વિન્સમાં અડધા-પોણા ટકા જેવી પીછેહઠ દેખાઈ છે. 

આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૪૧ શૅરની પીછેહઠ બતાવી પોણા ટકાથી વધુ ઢીલો હતો. ઇન્ફી ૦.૯ ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, વિપ્રો સવાત્રણ ટકા અને એચસીએલ ટેક્નૉ અઢી ટકા માઇનસ હતા. ટીસીએસ સામાન્ય સુધારામાં ૩૨૨૨ થયો છે. મેટ્રિમોની સાડાછ ટકાની તેજીમાં ૮૨૧ના બંધમાં અહીં ટૉપ ગેઇનર હતો. લાર્સન ટ્વિન્સ અઢી-પોણાત્રણ ટકા કરાયા છે. ટેલિકૉમમાં આઇટીઆઇ સવાસત્તર ટકાના ઉછાળે ૧૦૪ને વટાવી ગયો છે. ભારતી ઍરટેલ દોઢ ટકો નરમ રહ્યો છે. સનટીવી સાડાઆઠ ટકા તૂટી ૪૦૮, સારેગામા પાંચ ટકા બગડી ૩૬૩, નેટવર્ક૧૮ પોણાપાંચ ટકા, ઝી એન્ટર સાડાચાર ટકા, જસ્ટ ડાયલ ત્રણ ટકા ખરડાતાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ સવાત્રણ ટકા ડાઉન થયો છે. દરમ્યાન એલઆઇસીએ સુધારાની ચાલ જાળવી રાખતાં અડધો ટકો વધીને ૬૬૮ને વટાવી ગયો છે. ડૉલરની સામે રૂપિયો ગગડીને ૭૮.૪૦ના નવા વર્સ્ટ લેવલે પહોંચી ગયો છે. 

23 June, 2022 05:10 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વસનીયતા વધારવા માટે મહારેરાનું વધુ એક પગલું

મહારેરા પોતાની આઇટી સિસ્ટમમાં સુધારો કરી રહ્યું છે

02 July, 2022 01:48 IST | Mumbai | Parag Shah

યુદ્ધ અને પ્રતિબંધોની અસરે મોંઘવારી દર લાંબા સમય સુધી ઊંચો રહેશેઃ રિઝર્વ બૅન્ક

નાણાકીય વ્યવસ્થા આર્થિક પુનરુત્થાન માટે સ્થિતિસ્થાપક અને સહાયક રહે છે

02 July, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ, ડીઝલ અને એવિયેશન ફ્યુઅલના નિકાસ ટૅક્સની પખવાડિયે સમીક્ષા થશેઃ નાણાપ્રધાન

જુલાઈથી પેટ્રોલ-એવિયેશન ફ્યુઅલ લિટરે છ રૂપિયા અને ડીઝલમાં ૧૩ રૂપિયા નિકાસ ટૅક્સ

02 July, 2022 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK