Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સારા ચોમાસાની આગાહી, બજારમાં ૬૬૧ પૉઇન્ટનું પુલ-બૅક આવ્યું

સારા ચોમાસાની આગાહી, બજારમાં ૬૬૧ પૉઇન્ટનું પુલ-બૅક આવ્યું

14 April, 2021 03:34 PM IST | Mumbai
Anil Patel

વાઉ ફૅક્ટરની ગેરહાજરીથી ટીસીએસ તૂટ્યો અને આઇટી ઇન્ડેક્સને પણ તોડ્યો: કોરોના વૅક્સિન માટે સરકારે છેવટે દરવાજા ખોલી નાખ્યા; ફાઇઝર ઊછળ્યો, ડૉ. રેડ્ડીઝ રગડ્યો: સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના બેન્ચમાર્કમાંથી અદાણી પોર્ટની હકાલપટ્ટીથી આંચકો આવ્યો અને ગયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોમવારના સેલ ઑફ પછી ટેક્નિકલ કરેક્શન કે પુલ-બૅકના ભાગરૂપ બજાર ગઈ કાલે ૬૬૧ પૉઇન્ટ વધી ૪૮૫૪૪ તથા નિફ્ટી ૧૯૪ પૉઇન્ટ વધીને ૧૪૫૦૫ નજીક બંધ રહ્યા છે. પ્રથમ સત્રમાં સાંકડી વધઘટમાં રહેલું માર્કેટ દોઢ વાગ્યા પછી એકધારું નોંધપાત્ર સુધારામાં જોવાયું હતું. સ્કાયમેટ તરફથી આ વખતનું મૉન્સૂન એકંદર સારું રહેવાની કરાયેલી આગાહી મુખ્ય ભાગ ભજવી ગઈ હોવાનું મનાઈ છે. વધુમાં કેન્દ્ર સરકારને રાબેતા મુજબ મોડી ડહાપણની દાઢ ફૂટી છે. કોવિડ-૧૯ વૅક્સિનના મામલે દરવાજા ખુલ્લા કરવાની નીતિ અપનાવી છે. આના કારણે સ્પુટનિક ઉપરાંત ફાઇઝર, મૉડર્ના અને અન્ય વૅક્સિન પણ હવે ભારતમાં ઉપલબ્ધ થશે. ફાઇઝરનો શૅર આનાથી ગઈ કાલે પાંચ ગણા વૉલ્યુમમાં સાડાછ ટકા ઊછળીને ૫૦૭૨ રૂપિયા બંધ આવ્યો છે. ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ એનએસઈ ખાતે સવાચાર ટકા, બૅન્ક નિફ્ટી સવાત્રણ ટકા, મેટલ ઇન્ડેક્સ ૩.૪ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૮ ટકા, ફાઇનૅન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ લગભગ સાડાત્રણ ટકા વધ્યા છે. અહીં ઑટો અને બૅન્કિંગ ઇન્ડેક્સનો આટલો વધારો છેતરામણો લાગે છે.

દરમિયાન ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટ તેજીમાં છે. માર્કેટ કૅપ ૨.૧૫ લાખ કરોડ ડૉલરની નવી વિક્રમી સપાટીને વટાવી ગયું છે. બીટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૨૫૩ ડૉલરની નવી ઑલટાઇમ હાઈ બનાવી ચૂક્યો છે. ઇથરમાં ૨૨૨૯ ડૉલરનું નવું બેસ્ટ લેવલ દેખાયું છે. બાય ધ વે, ૬૩૦૧૦ ડૉલરના રનિંગ ક્વૉટ પ્રમાણે બીટકૉઇનનું માર્કેટ કૅપ અત્યારે ૧.૧૭૭ લાખ કરોડ ડૉલરે પહોંચી ગયું છે. માત્ર બાર જ વર્ષમાં બીટકૉઇન એક લાખ કરોડ ડૉલરની ઍસેટ્સ બની ગઈ છે.



ધારણા કરતાં વધુ સારું કશુંક નહીં આવતાં ટીસીએસ ગગડ્યો


આઇટી જાયન્ટ ટીસીએસના પરિણામ અપેક્ષા મુજબના રહ્યા છે. કંપનીએ શૅરદીઠ ૧૫નું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે. અગાઉના ૩ ઇન્ટરિમ ઉમેરતાં ગયા વર્ષનું કુલ ડિવિડન્ડ શૅરદીઠ ૩૮ રૂપિયા કે ૩૮૦૦ ટકા બેસે છે. પરિણામમાં કોઈ ખરાબી નથી. બસ કંઈક અણધાર્યું, શૅરને હાલના વૅલ્યુએશન ઉપર ટકી રહેવાનો મજબૂત સપોર્ટ આપે એવા ફીલગુડ ફૅક્ટરની ગેરહાજરી નડી ગઈ છે. સરવાળે બજાર ઠીક-ઠીક બાઉન્સબૅક થવા છતાં શૅર મંગળવારે નીચામાં ૩૦૭૪ થઈ અંતે ૪.૨ ટકા ગગડીને ૩૧૦૫ રૂપિયા બંધ રહ્યો છે. આના કારણે કંપનીના શૅરધારકોને ગઈ કાલે ૫૦૪૧૩ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. સવાલ માત્ર ટીસીએસ પૂરતો સિમીત નથી રહ્યો, એની પાછળ લગભગ તમામ અગ્રણી આઇટી શૅર ગઈ કાલે પ્રેશરમાં જોવાયા છે.

ફ્રન્ટલાઇનના ભારમાં આઇટી ઇન્ડેક્સ ૧૧૦૦ પૉઇન્ટ નીચે ઊતર્યો


ટીસીએસની પાછળ અન્ય ફ્રન્ટલાઇન આઇટી શૅરમાં પણ વેચવાલીનું પ્રેશર જામતાં ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૨૭૫૦૯ની ઇન્ટ્રા-ડે ટૉપથી ૧૧૦૦ પૉઇન્ટ જેવો ખરડાઈ નીચામાં ૨૬૪૦૨ થઈ ગયો હતો. આંક છેવટે ૨.૯ ટકાની નબળાઈમાં ૨૬૬૭૪ બંધ હતો. અત્રે ૫૧માંથી ૧૭ શૅર જ નરમ હતા, પરંતુ ઘટેલી જાતો ચલણી હોવાથી સમગ્ર ઇન્ડેક્સ એના ભારમાં આવી ગયો હતો. ઇન્ફીના પરિણામ અને બાયબૅકની વિગત બુધવારે જાહેર થવાનાં છે. ભાવ નીચામાં ૧૩૭૫ થઈ ૧.૯ ટકા ઘટી ૧૩૯૯ બંધ રહ્યો છે. એચસીએલ ટેક્નૉલૉજીસ ૨.૭ ટકા, ટેક મહિન્દ્રા ૩.૫ ટકા, વિપ્રો ૩.૨ ટકા, એમ્ફાસિસ ૩.૬ ટકા, કોફોર્જ ૭.૩ ટકા, લાર્સન ટેક્નો ૫.૧ ટકા, માઇન્ડટ્રી ૪.૪ ટકા, તાતા એલેક્સી ૩.૨ ટકા ડાઉન હતા. સામે પક્ષે ઍક્સિસ કેડ્સ, સુબેક્સ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, એપટેક, ૬૩ મૂન્સ, નેલ્કો, સોનાટા સોફ્ટવેર, સિએન્ટ જેવા કાઉન્ટર ૩ ટકાથી લઈને ૧૨ ટકા સુધી ઊંચકાયાં હતાં.

S&Pમાંથી હકાલપટ્ટીનો આંચકો અદાણી પોર્ટે પચાવ્યો...

અદાણી ગ્રુપની અદાણી પોર્ટ્સને સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ ડાઉજોન્સ ઇન્ડાસિસ તરફથી એના સેક્ટરલ ઇન્ડેક્સમાંથી બાકાત કરવાની જાહેરાત કરાઈ છે. મ્યાનમાર ખાતે બળવો કરીને સત્તા પચાવી પાડનારા અને ત્યાર પછી બેફામ જુલમ ગુજારવાના રવાડે ચડેલા લશ્કરી સત્તાધીશો સાથે કંપનીની સાઠગાંઠ હોવાના અહેવાલ બહાર આવતાં આ પગલું લેવાયું છે. ગઈ કાલે એની અસરમાં અદાણી પોર્ટ્સ પાંચેક ટકા તૂટી નીચામાં ૭૦૧ થઈ ગયો હતો. જોકે છેલ્લે ૧.૮ ટકાના ઘટાડે ૭૩૧ રૂપિયા બંધ આવ્યો છે. વૉલ્યુમ સવાયું હતું. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકાની નીચલી સર્કિટે ગયા બાદ છેવટે ૩.૨ ટકા ઘટી ૮૯૯ રૂપિયા અને અદાણી પાવર પણ પાંચ ટકાની નીચલી સર્કિટ બાદ ૨.૭ ટકાના ઘટાડે ૯૦ બંધ હતા. અદાણી એન્ટર ૧૦૫૧ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈને ૧૧૧૬ થઈ અંતે ૨.૮ ટકા વધી ૧૧૦૬ રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી ૧૦૩૪ થયા બાદ ઉપરમાં ૧૧૩૭ બતાવી અઢી ટકાના સુધારામાં ૧૧૧૩ રૂપિયા તો અદાણી ટોટલ નીચામાં ૯૫૦ના લેવલથી ઊછળી ૧૦૬૯ થઈ પાંચ ટકાની તેજીમાં ૧૦૩૯ રૂપિયા બંધ હતો. માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે ઉપરમાં ૧૯૪૦ બનાવી અંતે ૧ ટકા વધીને ૧૯૩૨ બંધ આવ્યો છે. આ કાઉન્ટર છેલ્લા સાતેક મહિનાથી અન્ડર પર્ફોર્મ છે. ક્યારે ભાગવાનું શરૂ કરશે એની ખબર નથી. શૅરમાં હજી આંતરપ્રવાહ કમજોર દેખાય છે. વધવા કરતાં ઘટવાના ચાન્સ વધુ છે.

ખાનગીકરણના ગબારામાં સરકારી બૅન્કોમાં ઊભરો

બુધવારે નીતિ આયોગ, રિઝર્વ બૅન્ક તેમ જ નાણાં મંત્રાલય વચ્ચે બેઠક થવાની છે, જેમાં ખાનગીકરણ માટે કેટલીક બૅન્કોને અલગ તારવવા ચર્ચા-વિચારણા થશે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર આવા ખાનગીકરણની રેસમાં મોખરે હોવાનું મનાય છે. હવે આઇડીબીઆઇ બૅન્કમાં પણ સરકાર એનું હોલ્ડિંગ વેચીને ખસી જવાની વેતરણમાં કહેવાય છે. વધુમાં આગલા દિવસના કડાકામાં બૅન્ક નિફ્ટી પાંચેક ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી આઠ ટકાથી વધુ ધોવાયા હતા એટલે ટેક્નિકલ કરેક્શન સાહજિક છે. આ ધોરણે મંગળવારે બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરના સુધારામાં ૯૮૦ પૉઇન્ટ કે ૩.૨ ટકા વધ્યો છે, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી સાડાચાર ટકા ઊંચકાયો છે. એના બધા જ, ૧૩ શૅર પ્લસ હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧૭.૫ ટકાના ઉછાળે ૨૭ રૂપિયા નજીક બંધ હતો. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૧૦ ટકા, સેન્ટ્રલ બૅન્ક સવાછ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા પોણાછ ટકા વધ્યા હતા. આઇડીબીઆઇ બૅન્ક ૧૦ ટકાથી વધુની તેજીમાં ૩૭ રૂપિયા ઉપર જોવાયો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી સવાત્રણ ટકા અપ હતો. બીએસઈનો બૅન્કેક્સ ૧૧૦૨ પૉઇન્ટ કે ૩.૨ ટકા નજીક ઊછળ્યો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરની ૩૫માંથી ૩૨ જાતો પ્લસ હતી. સાઉથ ઇન્ડિયન બૅન્ક એક ટકાથી વધુ, સીએસબી બૅન્ક પોણા ટકો તો કર્ણાટકા બૅન્ક નામ કે વાસ્તે નરમ હતા. ખાનગી બૅન્કોમાં ફેડરલ બૅન્ક સાડાસાત ટકા, આઇડીએફસી ફસ્ટ બૅન્ક સાતેક ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક તથા ઍક્સિસ બૅન્ક ચાર ટકા ઝળક્યા હતા, સ્ટેટ બ.ન્ક પોણાચાર ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ચાર ટકા, એચડીએફસી બૅન્ક અઢી ટકા તો કોટક બૅન્ક સવાબે ટકા અપ હતા. યસ બૅન્ક પોણાબે ટકા વધીને બંધ રહ્યો એ પણ નવાઈ છે.

સ્પુટનિકનો કરન્ટ ઓસરતાં ડૉ. રેડ્ડીઝ લૅબ વૉલ્યુમ સાથે ડાઉન

સરકારે કોરોના વૅક્સિન સ્પુટનિકને મંજૂરી આપતાં ડૉ. રેડ્ડીઝ લૅબ આગલા દિવસે પાંચ ટકાથી વધુ ઊછળ્યો હતો. પ્રથમ ૨૫ કરોડ ડોઝના વેચાણના હક્ક ડૉ. રેડ્ડીઝ પાસે રહેવાના છે, પરંતુ ભાવ ક્યો હશે એ નક્કી નથી. આથી ડૉ. રેડ્ડીઝની કમાણી કેટલી થશે એ અટકળનો વિષય છે. શૅર ગઈ કાલે સવાત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૫૨૦૦ થયા બાદ ૪૭૫૦ના તળિયે જઈ છેલ્લે સવાચાર ટકા કે ૨૦૯ રૂપિયા તૂટી ૪૭૮૦ બંધ રહ્યો છે. દરમિયાન જેને ૧૦ કરોડ ડોઝનાં ઉત્પાદનનો કરાર મળ્યો છે એ પેનેસિયા બાયોટેક ૨૮૪ પ્લસનું નવું શિખર બતાવી સાડાત્રણ ટકાથી વધુની મજબૂતીમાં ૨૬૮ રૂપિયા બંધ હતો. અન્ય સહયોગી કંપની ગ્લાન્ડ ફાર્મા ૨૭૧૦ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ ૨૫૧૬ થઈ સવાબે ટકાના ઘટાડે ૨૫૩૮ રૂપિયા રહ્યો છે. ગઈ કાલે નિફ્ટી ફાર્મા સવા ટકાની નજીક તો બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ નહીંવત્ નરમ હતા. હેલ્થકૅર બેન્ચમાર્કની ૭૦માંથી ૪૫ જાતો વધી હતી, પણ હા.. રેડ્ડીઝ ઉપરાંત ડૉ. લાલ પેથ લૅબ્સ, સિપ્લા, દીવીસ લૅબ, કૅડિલા હેલ્થકૅર, લુપિન, મેટ્રોપોલિસ, થાયરોકૅર જેવા ચલણી કાઉન્ટર નરમ હતા. મોરપેન લૅબ ૧૪.૬ ટકા, હાઇકલ ૮.૮ ટકા, શેલ્બી ૭.૩ ટકા, ફાઇઝર સાડાછ ટકા, લોરસ લૅબ ૫.૬ ટકા, ઍસ્ટ્રાઝેનેકા ૪.૨ ટકા, પિરામલ એન્ટર ૫.૫ ટકા, સ્પાર્ક ૩.૭ ટકા, વૉકહાર્ટ પોણાત્રણ ટકા અપ હતા. સનફાર્મા દોઢ ટકાના સુધારામાં નિફ્ટી ફાર્મા ખાતે ટૉપ ગેઇનર હતો.

Table

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 03:34 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK