Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short: શૅરબજારમાં સંભવિત કાર્ટેલાઇઝેશન વિશે નાણાપ્રધાને ચિંતા વ્યક્ત કરી

News In Short: શૅરબજારમાં સંભવિત કાર્ટેલાઇઝેશન વિશે નાણાપ્રધાને ચિંતા વ્યક્ત કરી

21 May, 2022 01:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશ માટે કાર્ટેલાઇઝેશન પડકાર બની રહેશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે બજારમાં સંભવિત કાર્ટેલાઇઝેશન વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને કૉમોડિટીના ઓછા પુરવઠાનાં કારણોને પણ જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાના ૧૩મા વાર્ષિક દિવસના ફંક્શનમાં બોલતાં પ્રધાને એમ પણ કહ્યું હતું કે નિયમનકારને મર્જર અને ઍક્વિઝિશનની ‘સક્રિય સમજ’ હોવી જરૂરી છે. કાર્ટેલાઇઝેશન એક પડકાર બની રહેશે.



વિવિધ પરિબળોને કારણે કૉમોડિટીના વધતા ભાવનો ઉલ્લેખ કરતી વખતે તેમણે કહ્યું કે ટૂંકા પુરવઠાની સ્થિતિનાં કારણોને જોવાની જરૂર છે. ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે નાણાપ્રધાનનું આ નિવેદન સૂચક છે.


કૉર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીનો હવાલો સંભાળતાં સીતારમણે કહ્યું કે સીસીઆઇએ સંવેદનશીલ તેમ જ મક્કમ બનવાની જરૂર છે.

બૅન્કોનું ધિરાણ ૧૦.૮૨ ટકા અને ડિપોઝિટ ૯.૭૧ ટકા વધ્યાં


બૅન્કોના ૬ઠ્ઠી મેએ પૂરા થયેલા પખવાડિયા દરમ્યાન ધિરાણમાં ૧૦.૮૨ ટકાનો વધારો થઈને ૧૨૦.૪૬ લાખ કરોડ અને ડિપોઝિટ ૯.૭૧ ટકા વધીને ૧૬૬.૯૫ લાખ કરોડની થઈ છે એમ રિઝર્વ બૅન્કના ડેટા કહે છે.
૨૦૨૧માં આ જ સમયે ધિરાણ ૧૦૮.૭૦ લાખ કરોડ અને ડિપોઝિટ ૧૫૨.૧૬ લાખ કરોડ હતી. ૨૨ એપ્રિલે પૂરા થયેલા પખવાડિયામાં ધિરાણ ૧૦.૦૭ ટકા વધી ૧૧૯.૫૪ લાખ કરોડ અને ડિપોઝિટ ૯.૮૩ ટકા વધીને ૧૬૬.૨૪ લાખ કરોડનું રહ્યું હતું.

એફડીઆઇનો પ્રવાહ ગયા વર્ષે વિક્રમી ૮૩.૫૬ અબજ ડૉલર આવ્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં ૨૦૨૧-’૨૨માં ૮૩.૫૭ અબજ ડૉલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે જે અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક રોકાણ છે. ૨૦૨૦-’૨૧માં ૮૧.૯૬ અબજ ડૉલરનું રોકાણ આવ્યું હતું. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં વિદેશી રોકાણ માટે ભારત ઝડપથી પસંદગીના સ્થાન તરીકે ઊભરી રહ્યું છે. મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ૨૦૨૧-’૨૨માં ૨૧.૩૪ અબજ ડૉલરનું આવ્યું છે જે અગાઉના વર્ષ દરમ્યાન ૧૨.૦૯ અબજ ડૉલરનું આવ્યું હતું, આમ એમાં ૭૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. ટોચના રોકાણકાર દેશોની વાત કરીએ તો ગયા નાણાકીય વર્ષમાં સિંગાપોર ૨૭ ટકા સાથે ટોચ પર છે. ત્યાર બાદ અમેરિકા ૧૮ ટકા અને મૉરિશ્યસ ૧૬ ટકા સાથે ત્રીજા સ્થાને છે.

ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધ હટાવ્યો હોવા છતાં ભારતની ખાદ્ય તેલોની આયાત ખાસ વધશે નહીં

જૂનમાં ભારતમાં પામતેલની ૫.૫૦ લાખ ટનની આયાત થાય એવી ધારણા

ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પરનો પ્રતિબંધ સોમવારથી દૂર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ભારતમાં તરત એની કોઈ અસર થાય એવી સંભાવના ઓછી છે. ખાદ્ય તેલના પાંચ ડીલરોએ શુક્રવારે જણાવ્યું હતું કે પામ ઑઇલના ભાવમાં તેજીને કારણે હરીફ સોયા ઑઇલ રિફાઇનર્સ માટે વધુ આકર્ષક બન્યું હોવાથી ઇન્ડોનેશિયા દ્વારા વિદેશમાં શિપમેન્ટ પરનો પ્રતિબંધ હટાવવાના નિર્ણય છતાં જૂનમાં ભારતની પામ ઑઇલની આયાતમાં વધારો થવાની શક્યતા નથી.
વિશ્વમાં સૌથી મોટા પામ ઑઇલ ખરીદનાર ભારત દ્વારા સામાન્ય કરતાં ઓછી આયાત, મલેશિયન પામ ઑઇલના ભાવ પર ભાર મૂકી શકે છે, પરંતુ શિકાગો સોયા ઑઇલના ભાવને ટેકો આપતાં આર્જેન્ટિના, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી સોયા ઑઇલનાં શિપમેન્ટમાં વધારો થઈ શકે છે.
ખાદ્ય તેલ બ્રોકરેજ અને કન્સલ્ટન્સી ફર્મ સનવિન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું કે ‘ઇન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધને કારણે કિંમતમાં ઉછાળો આવ્યો હોવાથી ભારતીયો ખરીદી માટે ઉતાવળ કરી રહ્યા નથી.’
ભારતીય ખરીદદારો માટે પામ ઑઇલ પર સોયા ઑઇલનું પ્રીમિયમ ઘટીને માત્ર ૭૦ ડૉલર પ્રતિ ટન થયું છે, એમ ડીલરોએ જણાવ્યું હતું. 
ભારતમાં ક્રૂડ સોયાબીન તેલના ૧૮૨૦ ડૉલરની સરખામણીમાં જૂન શિપમેન્ટ માટે ખર્ચ, વીમો અને નૂર (CIF) સહિત લગભગ ૧૭૫ ડૉલર પ્રતિ ટનના ભાવે ક્રૂડ પામ ઑઇલ ઑફર કરવામાં આવી રહ્યું હતું. એક મહિના પહેલાં પામ ઑઇલ સોયા ઑઇલના મુકાબલે ૧૫૦ ડૉલર પ્રતિ ટનના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
મે મહિનામાં ભારતની પામ ઑઇલની આયાત ઘટીને લગભગ ૫,૦૦,૦૦૦ ટન થઈ શકે છે જે એક મહિના અગાઉ ૫,૭૨,૫૦૮ ટન હતી, એમ ડીલરોએ જણાવ્યું હતું.
ઇન્ડોનેશિયાએ નિકાસને મંજૂરી આપી હોવાથી જૂનમાં આયાત વધશે, પરંતુ એમાં મોટો ઉછાળો જોવા મળશે નહીં. પામના ભાવ બહુ આકર્ષક નથી, એમ વૈશ્વિક ટ્રેડિંગ ફર્મ સાથેના મુંબઈસ્થિત ડીલરે જણાવ્યું હતું.
ભારતની પામ ઑઇલની આયાત જૂનમાં વધીને ૫,૫૦,૦૦૦ ટન થઈ શકે છે, એમ ડીલરોએ જણાવ્યું હતું. ભારત દર મહિને સરેરાશ ૭,૦૦,૦૦૦ ટન પામ તેલની આયાત કરે છે. સોયા તેલની આયાત એપ્રિલમાં ૨,૭૩,૧૫૧ ટનથી વધીને મે મહિનામાં ૪.૫૦ લાખ ટન થઈ શકે છે, જ્યારે જૂનમાં સોયા ઑઇલની આયાત વધીને લગભગ ૪.૮૦ લાખ ટન થઈ શકે છે, એમ તેઓએ જણાવ્યું હતું.

ખાંડના ચાલુ વર્ષે અત્યાર સુધી ૮૫ લાખ ટનના નિકાસ વેપારો થયા

દેશની શુગર મિલોએ ૩૪૮ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું

દેશમાંથી ખાંડના વિક્રમી નિકાસ વેપારો થાય છે અને શુગર મિલોના સગંઠન ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઇસ્મા) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાંથી ૧૫ મે સુધીમાં કુલ ૮૫ લાખ ટનના નિકાસ વેપારો સંપન્ન થઈ ચૂક્યા છે અને એમાંથી ૭૧ લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે.
ઇસ્માના મતે ગયા વર્ષે આ જ સમયે ૪૩.૧૯ લાખ ટનની નિકાસ થઈ હતી, જેની તુલનાએ નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. આશરે ૮થી ૧૦ લાખ ટન જેટલી ખાંડના નિકાસ વેપારો પાઇપલાઇનમાં છે, જે ચાલુ મહિનાના અંત સુધીમાં થઈ જાય એવી ધારણા છે. વર્તમાન નિકાસ વેપારોની સ્થિતિ જોતાં ભારતમાંથી ચાલુ વર્ષે કુલ ૯૦ લાખ ટન ખાંડની નિકાસ થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૭૧.૯૧ લાખ ટનની નિકાસ થઈ હતી.
દેશની શુગર મિલોએ ૧૫ મે સુધીમાં કુલ ૩૪૮.૮૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષે આજ સમયે ૩૦૪.૭૭ લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું. આમ ગયા વર્ષની તુલનાએ ખાંડના ઉત્પાદનમાં ૪૪.૦૬ લાખ ટનનો વધારો થયો છે. આશરે ૩૪.૦૮ લાખ ટન ખાંડ બને એટલી શેરડીમાંથી ઇથેનૉલ બનાવવામાં આવ્યું છે, જે ગયા વર્ષે માત્ર ૨૦.૦૭ લાખ ટન બનાવવામાં આવ્યું હતું.

ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા સુધર્યો 

ભારતીય રૂપિયામાં ડૉલર સામે સરેરાશ ૧૮ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. ભારતીય શૅરબજારમાં સુધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી આવી હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૭.૫૨ની સપાટી પર ખૂલ્યો હતો, દિવસ દરમિયાન ૭૭.૬૧ની સપાટીને સ્પર્શીને દિવસના અંતે ૭૭.૫૫૨૫ પર બંધ રહ્યો હતો. ગુરુવારે ભારતીય રૂપિયો ૭૭.૭૩૫૦ પર બંધ રહ્યો હતો.
અમેરિકન ડૉલરમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત બાદનું સૌથી ખરાબ સપ્તાહ સાબિત થયું હતું. ડૉલર ઇન્ડેક્સ મુખ્ય છ કરન્સી સામે ૧૦૨.૮૬ની સપાટી પર પહોંચ્યો હતો, જે આગલા દિવસે ભારતીય બજાર બંધ થયું ત્યારે ૧૦૩.૩૫ની સપાટી પર હતો. ભારતીય રૂપિયામાં આગામી સપ્તાહે સરેરાશ બેતરફી વધઘટની સંભાવના છે. ભારતીય શૅરબજારમાં સુધારો ચાલુ રહેશે તો રૂપિયામાં પણ સુધારો જોવા મળી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 01:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK