Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આખરે રિઝર્વ બૅન્ક ઍક્શન મોડમાં

આખરે રિઝર્વ બૅન્ક ઍક્શન મોડમાં

09 May, 2022 11:10 AM IST | Mumbai
Jitendra Sanghvi

પસંદગીનો કળશ ભાવવધારો રોકવા પર, વ્યાજના દરવધારાની આ તો હજી શરૂઆત છે

પ્રતીકાત્મક તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર


લાંબા સમય સુધી ઝઝૂમ્યા પછી આખરે રિઝર્વ બૅન્કે ભાવવધારાના જોખમ સામે પોતાના ભાથામાંનું વ્યાજના દરના વધારાનું શસ્ત્ર ઉગામ્યું છે. હવે વધુ સમય માટે નરમ મૉનેટરી પૉલિસી ચાલુ રહે તો ભાવવધારાને કારણે અર્થતંત્ર મંદી તરફ પણ ધકેલાઈ જાય. એવી નોબત ન આવે એની તકેદારી રૂપે રિઝર્વ બૅન્કે આવતા મહિનાની પૉલિસીની જાહેરાત સુધી રાહ જોવાને બદલે તરત જ અૅક્શન મોડમાં જવાનું પસંદ કર્યું છે.

એ પછી તરત જ ફેડરલ રિઝર્વે અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ વ્યાજના દર વધાર્યા છે.



વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારો દ્વારા એશિયાના ઇક્વિટી માર્કેટ (ભારત સહિત)માંથી એપ્રિલ મહિને વિદેશી મૂડીનો સતત આઉટફ્લો (૧૪ બિલ્યન ડૉલર) ચાલુ રહ્યો છે. ભારતના વિદેશી હૂંડિયામણમાં થઈ રહેલ સતત ઘટાડો અને પરિણામે રૂપિયાની બાહ્ય કિંમતના અવમૂલ્યન દ્વારા  મોંઘી બનતી આયાતોના રૂપમાં  વિદેશોનો ભાવવધારો (ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન) આપણા અર્થતંત્ર પર અવળી અસર ન કરે એ માટે રિઝર્વ બૅન્કે મૉનેટરી પૉલિસી બાબતે વિશ્વના અનેક દેશોની કેન્દ્રવર્તી બૅન્કોને અનુસરવાનો વિકલ્પ અપનાવ્યો છે.


રિઝર્વ બૅન્કનું આ તાત્કાલિક પગલું બજારોની, અર્થશાસ્ત્રીઓની, કન્સલ્ટન્ટોની અને અર્થશાસ્ત્રીઓ કે બૅન્કરોની અપેક્ષાથી વિરુદ્ધનું છે.

એપ્રિલ મહિનાના મેક્રો-ઇકૉનૉમિક પેરામિટર્સમાં જીએસટીનું કલેક્શન (રૂપિયા ૧.૬૮ લાખ કરોડ) છેલ્લાં પાંચ વર્ષનું (જીએસટી જુલાઇ ૨૦૧૭માં લાગુ કરાયો) સૌથી વધુ છે.


ઑટોમોબાઇલ્સના કુલ છૂટક વેચાણમાં (૩૭ ટકા) અને કમર્શિયલ વાહનોનાં વેચાણમાં (૫૨ ટકા) એપ્રિલ મહિને મોટો વધારો નોંધાયો છે. એપ્રિલ મહિને પીએમઆઇના સેવાના ક્ષેત્રનો ઇન્ડેક્સ પાંચ મહિનાનો સૌથી ઊંચો છે તો ઉત્પાદન ક્ષેત્રના ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે.

સ્ટેમ્પ ડ્યુટીના રાહતના દરની મર્યાદા પૂરી થઈ ગયા છતાં, મહારાષ્ટ્ર સરકારે પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન ઉપર એક ટકાનો મેટ્રો ટૅકસ નાખ્યા પછી અને રો-મટીરિયલ્સ (ખાસ કરીને સ્ટીલ અને સિમેન્ટ)ના ભાવ વધ્યા પછી પણ એપ્રિલ મહિને મુંબઈમાં પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન (૧૧૭૦૦ પ્લસ) અત્યાર સુધીના સૌથી વધુ છે.

ગયા વરસે મુલતવી રખાયેલ અને બહુ ચર્ચાયેલ એલઆઇસીના આઇપીઓનું ભરણું ચાલુ છે. ચાલુ મહિને બીજા છ પબ્લિક ઇશ્યુ ભરણાં માટે ખુલ્લા મુકાશે. આમ મે ૨૦૨૨ આઇપીઓ દ્વારા નાણાં ઊભા કરવા બાબતે નવેમ્બર ૨૦૨૧ પછીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થશે. જાહેર ક્ષેત્રની ત્રણ વીમા કંપનીઓના મર્જરથી એક કંપની ઊભી કરીને તેનું ભરણું (પબ્લિક ઇશ્યુ) લાવવાની પણ સરકારની દરખાસ્ત છે. આમ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા મોટી રકમ ઊભી કરવા માટે સરકાર કાર્યરત છે.

સ્ટૉક માર્કેટ નવા વિક્રમો સર કરતું રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફિસ્કલ ૨૨માં ૧૦૫ બિલ્યન ડૉલરના રેવન્યુ સાથે ૧૦૦ બિલ્યન ડૉલર ઓળંગી જનાર પ્રથમ ભારતીય કંપની છે.

કંપનીઓની મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બનાવવાના ભાગરૂપે ઑગસ્ટ ૧૫થી કેન્દ્ર સરકારે નૅશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. બીજા શબ્દોમાં સરકારની આર્થિક સુધારાઓ માટેની પ્રક્રિયા ચાલુ છે. 

વર્લ્ડ હેલ્થ  ઑર્ગેનાઇઝેશને પ્રસિદ્ધ કરેલ અહેવાલના ભારતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષમાં થયેલ મૃત્યુના ઊંચા આંકડાએ (૪૭ લાખ) વાદવિવાદ સર્જ્યો છે.

ભારત સરકારે સત્તાવાર પ્રસિદ્ધ કરેલ આંકડા (પાંચ લાખ ) કરતાં તે ઘણો મોટો (લગભગ દસ ગણો) છે. ભારતમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા હોવા છતાં એકંદરે પરિસ્થિતિ કાબૂમાં છે.
ચીનમાં સતત વધી રહેલ નવા કેસને કારણે તેના શાંગહાઈ સહિતના લગભગ ૪૦ જેટલાં શહેરોમાં લૉકડાઉન અમલમાં છે. આ પરિસ્થિતિમાં ચીને સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયન ગેમ્સ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખેલ છે. શાંગહાઈ ચીનનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર અને સૌથી મોટું બંદર હોવાને કારણે ચીનની નિકાસને ભારે અવળી અસર થઈ છે. ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ અને બંગલા દેશે આનો મોટો લાભ ઉઠાવ્યો છે. ભારતને પણ ચીનની આ સ્થિતિનો થોડો ફાયદો થયો છે. આપણી ઇલેક્ટ્રૉનિકસ અને ઇજનેરી માલસામાનની નિકાસમાં મોટો વધારો થયો છે.

લગભગ છેલ્લાં ચાર વર્ષનો વ્યાજદરનો પહેલો વધારો
ગયે અઠવાડિયે રિઝર્વ બૅન્કે બે વર્ષ પછી રેપો રેટ (કમર્શિયલ બૅન્કો પાસેથી ધિરાણ માટે વસૂલાતો દર) ૪૦ બેસિસ પૉઇન્ટ વધારીને  ૪.૪૦ ટકા કર્યો છે. સાથે સીઆરઆર ૫૦ બેસિસ પૉઇન્ટ વધારીને ૪.૫૦ ટકાનો કરાયો છે. પરિણામે બૅન્કિંગ સિસ્ટમમાંથી ૮૫,૦૦૦ કરોડ રૂપિયાની લિક્વિડિટી ઓછી થશે.

રિઝર્વ બૅન્કના આ નિર્ણયના ગણતરીના કલાકોમાં ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો. રિઝર્વ બૅન્કના નિર્ણયની જાહેરાતનો સમય બહુ મહત્ત્વનો છે. જે ન કરાઈ હોત તો ફેડના વ્યાજના દરના વધારા અને એલઆઇસીના આઇપીઓને કારણે રૂપિયાની કિંમત પરનું દબાણ વધ્યું હોત.

દેશનું  વિદેશી હૂંડિયામણ છેલ્લાં આઠ અઠવાડિયાંથી સતત ઘટી રહ્યું છે. છેલ્લા સાત મહિનામાં  ટોચના લેવલથી તેમાં ૪૫ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે. આ સાથે એપ્રિલ ૨૯ના પૂરા થયેલ અઠવાડિયે આપણું વિદેશી હૂંડિયામણ ૬૦૦ બિલ્યન ડૉલરની નીચે (૫૯૭ બિલ્યન ડૉલર) ઊતરી ગયું છે.

મૉનેટરી પૉલિસી કમિટીના મતે રશિયા-યુક્રેન યુદ્ધને પગલે થયેલ ભાવવધારાના જોખમને ટાળવા માટે ધીમા પણ મક્કમ પગલાંની જરૂર હતી. જેથી સપ્લાય સાઇડના આંચકાઓની બીજા રાઉન્ડની અસર મર્યાદિત કરી શકાય. હાલમાં ખાદ્ય ચીજોનો, ક્રૂડ ઑઇલનો અને કૉર (ફૂડ અને ફ્યુઅલ સિવાયનો) સેક્ટરનો ભાવવધારો એટલે કે સર્વવ્યાપી ભાવવધારો જોવા મળે છે : માર્ચ મહિનાનો જથ્થાબંધ ભાવાંક છેલ્લા ૧૨ મહિનાથી ડબલ ડિજિટમાં છે અને છૂટક ભાવવધારો છેલ્લા ૧૭ મહિનાનો સૌથી ઊંચો છે. 

રિઝર્વ બૅન્કના ઝડપી અૅક્શન માટેનાં મુખ્ય કારણો
એપ્રિલ મહિનાના ભાવવધારાના આંકડા (જે આ અઠવાડિયે જાહેર કરાશે) માર્ચ મહિના કરતાં પણ ઊંચા હોવાની પ્રબળ શક્યતા આ જાહેરાત પાછળનું ચાલકબળ છે. એને કારણે હવે પછીના વ્યાજના દરના વધારા ફ્રન્ટ લોડેડ (વ્યાજના વધારાના ઊંચા દરથી શરૂઆત કરવી) હશે. જૂન મહિને ૫૦ બેસિસ પૉઇન્ટના અને તે પછીના મહિનાઓમાં ૭૫ બેસિસ પૉઇન્ટના વધારાની અપેક્ષા રાખી શકાય. આમ થાય તો ઑગસ્ટ સુધીમાં રેપો રેટ ૫.૫૦ ટકાથી પણ વધી શકે. ભાવવધારા સામેની લડાઈ જેટલી મોડી શરૂ કરીશું તેટલું ભાવવધારો કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ બનતું જશે.

લોનના વ્યાજના દર વધશે, પણ ડિપોઝિટના જલદી ન પણ વધે
હાલનો વ્યાજના દરનો વધારો હવે પછી આવનાર સંખ્યાબંધ વધારામાંનો પ્રથમ છે. પરિણામે હોમ લોન પરના માસિક હપ્તાની રકમમાં વધારો થશે. વેહિકલ માટેની લોન પણ મોંઘી થવાની. સાથે બૅન્કોની ફિકસ્ડ ડિપોઝિટ પરના વ્યાજના દર પણ વધવા જોઈએ. જોકે આપણો સામાન્ય અનુભવ એવો છે કે રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારે ત્યારે કમર્શિયલ બૅન્કો લોન પરના વ્યાજના દર ઝડપથી વધારે છે, પણ ડિપોઝિટ પરના વ્યાજના દર વધારવામાં સમય નીકળી જાય છે. રિઝર્વ બૅન્કની હાલની જાહેરાત એલઆઇસી આઇપીઓના લિસ્ટિંગ દિવસના વળતરની આશા ઉપર પાણી ફેરવી દે તો નવાઈ નહીં. મહામારીના પ્રારંભે ૨૦૨૦ની શરૂઆતમાં વ્યાજના દરના સતત ઘટાડાની જે નીતિ વિશ્વની કેન્દ્રવર્તી બૅન્કોએ અપનાવેલી તેમાં હવે યુ-ટર્ન જોવા મળે છે.

રિયલ વ્યાજના દર નેગેટિવ થઈ જાય એ કેમ ચાલે? 
રશિયા-યુક્રેન યુદ્ધના અંતના કોઈ ચિહ્‌નો નજરે પડતા નથી એટલે ટૂંકા ગાળામાં કેટલેક અંશે આર્થિક વિકાસના ભોગે રિઝર્વ બૅન્કે ભાવવધારાને રોકવા પર પસંદગી ઉતારી છે. આર્થિક વિકાસનો દર વધે તેનો સીધો ફાયદો સામાન્ય અને ગરીબ વર્ગને થાય કે ન થાય, પણ ભાવવધારાની સૌથી વધુ ખરાબ અસર સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગને થવાની એ આપણો જાત અનુભવ છે. હકીકતમાં તેની મોટી અને ખરાબ અસર આવકના રિવર્સ પ્રમાણમાં થાય છે. જેમ આવક ઓછી તેમ ભાવવધારાની અસર વધુ.

એપ્રિલ ૨૦૨૨ની પૉલિસીની જાહેરાત પછી પ્રસિદ્ધ થયેલ માર્ચના સાત ટકાના છૂટક ભાવવધારાએ અને જૂન ૨૦૨૨ની પૉલિસી પહેલાં જાહેર થનાર એપ્રિલના ૭.૬ ટકા જેટલા ઊંચા ભાવવધારાની સંભાવનાએ (રિઝર્વ બૅન્કની ઉપરની લિમિટથી ૧.૬ ટકા જેટલા ઊંચો) રિઝર્વ બૅન્કને વિચારતી અને દોડતી કરી મૂકી.

૨૦૨૦ની શરૂઆતમાં મહામારીને કારણે રિઝર્વ બૅન્કે વ્યાજના દરમાં બે ઘટાડા દ્વારા ૧૧૫ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો. જેને કારણે ભાવવધારો ઝડપી બનતા રિયલ વ્યાજના દર (ભાવવધારા માટે એડજસ્ટ કરાયેલ દર) નેગેટિવ થઈ ગયા હતા. જેની રાષ્ટ્રીય બચત પર અવળી અસર થાય જ.

એમ કહી શકાય કે ૨૦૨૦ની શરૂઆતમાં ઘટાડાયેલ વ્યાજના દર અને ક્ષિતિજ પર દેખાઈ રહેલ મોટા ભાવવધારાને બેલેન્સ કરવા માટે રિઝર્વ બૅન્કે સૌના આશ્ચર્ય વચ્ચે બૅટિંગ શરૂ કરી છે જેથી    મર્યાદિત સમયમાં (મૅચની મર્યાદિત ઓવરો પૂરી થાય તે પહેલાં એટલે કે ભાવવધારો અંકુશ બહાર જાય તે પહેલાં) ધારણા પ્રમાણે સ્કોર કરીને આર્થિક બૅટલ જીતી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2022 11:10 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK