આખલા-રીંછ વચ્ચેની લડાઈને પગલે નિફ્ટીમાં ૧૫,૦૦૦ની સપાટી તૂટી

પ્રતીકાત્મક તસવીર
હાલ સમગ્ર વિશ્વમાં આખલા અને રીંછ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો અનુભવ ભારતમાં પણ થઈ રહ્યો છે. અમેરિકન બૉન્ડની વધેલી ઊપજ અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં થયેલી વૃદ્ધિને પગલે અમેરિકન ઇક્વિટી માર્કેટમાં ગુરુવારનો આખો દિવસ વૉલેટિલિટી રહી હતી અને દિવસના અંતે બજાર ઘટીને બંધ રહ્યું હતું. એ જ ક્રમ શુક્રવારે એશિયન બજારોમાં અને તેને પગલે ભારતમાં જળવાયો હતો. ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસ સતત વધી રહ્યા છે એ સંજોગોમાં નાણાં મંત્રાલયે દેશના વૃદ્ધિદર બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ બધાં પરિબળોને લીધે બન્ને મુખ્ય ઇન્ડેક્સ ઘટ્યા હતા. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૪૪૦.૭૬ પૉઇન્ટ (૦.૮૭ ટકા) ઘટીને ૫૦,૪૦૫.૩૨ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૧૪૨.૬૫ પૉઇન્ટ (૦. ૯૫ ટકા)નો ઘટાડો થતાં ૧૫,૦૦૦ની સપાટી તૂટી હતી અને ઇન્ડેક્સ ૧૪,૯૩૮.૧૦ બંધ રહ્યો હતો.
બજારમાં ફાઇનૅન્શિયલ, ફાર્મા અને આઇટી ક્ષેત્રના સ્ટૉક્સમાં મોટો ઘટાડો થયો હતો. બીએસઈ પર મુખ્ય ઘટેલા સ્ટૉક્સમાં ઇન્ડસઇન્ડ બૅન્ક (૪.૭૯ ટકા), સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૩.૦૩ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧.૮૦ ટકા), એચસીએલ ટેક (૧.૭૭ ટકા), બજાજ ફિનસર્વ (૧.૭૪ ટકા), ઇન્ફોસિસ (૧.૦૭ ટકા), ડૉ. રેડ્ડી લેબ (૧.૮૬ ટકા), સન ફાર્મા (૧.૨૪ ટકા) અને એચડીએફસી (૧.૫૫ ટકા) સામેલ હતા. છેલ્લા થોડા દિવસના પ્રૉફિટ બુકિંગ બાદ ઓએનજીસીમાં શુક્રવારે ૧.૯૫ ટકાની વૃદ્ધિ થઈ હતી. અન્ય વધેલા સ્ટૉક્સમાં મારુતિ (૧.૬૦ ટકા), કોટક બૅન્ક (૧.૩૮ ટકા), નેસલે ઇન્ડિયા (૦.૭૫ ટકા) અને રિલાયન્સ (૦.૧૩ ટકા)નો સમાવેશ થતો હતો.
મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં વધારે ધોવાણ
બ્રોડર માર્કેટમાં મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ વધારે ધોવાણ થયું હતું. એનએસઈનો મિડ કૅપ ૫૦ ઇન્ડેક્સ ૨.૭૯ ટકા અને સ્મૉલ કૅપ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૫૫ ટકા ઘટ્યો હતો. બજારમાં સાર્વત્રિક ઘટાડો થયો હતો, જ્યારે વૉલેટિલિટી ઇન્ડેક્સ (વિક્સ) ૫.૮૩ ટકા વધીને ૨૫.૫૬ થયો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બૅન્ક સર્વાધિક એટલે કે ૩.૯૩ ટકા ઘટ્યો હતો. નિફ્ટી મેટલ ૨.૭૦ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૧.૫૮ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૪૨ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૨૯ ટકા, નિફ્ટી આઇટી ૧.૫૭ ટકા અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧.૨૪ ટકા ઘટ્યા હતા. આમ એક્સચેન્જના તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સના તમામ સ્ટૉક્સ ઘટ્યા
નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સમાં સામેલ બૅન્ક ઑફ બરોડા (૫.૬૫ ટકા), કૅનરા બૅન્ક (૪.૮૭ ટકા), જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક (૪.૨૬ ટકા), પંજાબ નૅશનલ બૅન્ક (૩.૬૭ ટકા), બૅન્ક ઑફ ઇન્ડિયા (૩.૩૯ ટકા) અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (૩.૩૦ ટકા) મુખ્ય ઘટેલા શૅર હતા. ઇન્ડેક્સની અન્ય બૅન્કોના સ્ટૉક્સમાં પણ ૦.૩૯ ટકાથી લઈને ૩ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો.
બીએસઈ પર ટ્રેડ થયેલા કુલ શૅરમાંથી ૧૯૦૪ શૅરમાં ઘટાડો અને ૧૦૮૩માં વધારો નોંધાયો હતો. આમ બજાર ઘટાડાતરફી વલણ તરફ આગળ વધ્યું હતું. એક્સચેન્જનું માર્કેટ કૅપ ગુરુવારના ૨૦૯.૭૨ લાખ કરોડમાંથી ૨.૩૯ લાખ કરોડના ઘટાડા સાથે શુક્રવારે ૨૦૭.૩૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એક્સચેન્જ પર ઑઇલ ઍન્ડ ગૅસ તથા ઍનર્જી સિવાયના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટ્યા હતા, જેમાંથી મેટલ ૨.૧૬ ટકા, પાવર ૧.૮૦ ટકા, ટેક ૧.૫૨ ટકા અને રિયલ્ટી ૧.૪૬ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ‘એ’ ગ્રુપમાં મુખ્ય વધેલા સ્ટૉક્સ ઉષા માર્ટિન (૧૯.૦૨ ટકા), સીએસબી બૅન્ક (૯.૫૯ ટકા), બાલાજી ટેલિફિલ્મ્સ (૮.૮૫ ટકા), ટીવી૧૮ બ્રોડકાસ્ટ (૭.૪૧ ટકા) અને મોતીલાલ ઓસવાલ (૫.૯૭ ટકા) હતા. આ ગ્રુપમાં તાતા મોટર્સ, સ્ટેટ બૅન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વિપ્રોમાં ટર્નઓવર વધ્યું હતું.
એફઆઇઆઇ નેટ વેચવાલ રહ્યા
નોંધનીય છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સતત બીજા દિવસે નેટ વેચાણ કર્યું હતું. ગુરુવારના ૨૨૩.૧૧ કરોડ બાદ શુક્રવારે ૨૦૧૪.૧૬ કરોડ રૂપિયાનું નેટ વેચાણ થયું હતું.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૩,૧૪,૦૯૩.૭૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૩,૪૫૬ સોદાઓમાં ૨૬,૪૨,૮૪૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૧૭,૯૩૬ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૧૮.૨૯ કરોડ રૂપિયાના ૯૫ સોદામાં ૧૫૬ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૫૪,૦૩૬ સોદામાં ૨૦,૩૬,૨૯૩ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૫૦,૨૩૭.૧૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૯,૩૨૫ સોદામાં ૬,૦૬,૪૦૦ કૉન્ટ્રૅક્ટ સાથે ૬૩,૮૩૮.૩૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ટેક્નિકલ દૃષ્ટિએ
નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ઘટાડે ખૂલ્યા બાદ સતત ઘટતો ગયો હતો. ચાર્ટ પર દોજી કૅન્ડલ રચાઈ છે, જે દિશાવિહોણી સ્થિતિ દર્શાવે છે. વૉલ્યુમ પણ ઘટ્યું છે અને સાપ્તાહિક ચાર્ટ પર ઉપલા મથાળે પ્રૉફિટ બુકિંગ થવાની શક્યતા દેખાઈ રહી છે.
બજાર કેવું રહેશે?
આવતા સપ્તાહે નિફ્ટી નીચામાં ૧૪,૭૫૦ અને ત્યાર બાદ ૧૪,૫૫૦ તથા ઉપરમાં ૧૫,૧૫૦ અને ૧૫,૨૮૦ની સપાટી સુધી જઈ શકે છે. બજાર હાલતુરત મોટી રૅન્જમાં અથડાતું રહેવાની શક્યતા છે. ૧૫,૨૫૦ની ઉપર બ્રેકઆઉટ થાય ત્યાં સુધી સાવચેતીભર્યું વલણ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.