° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


ફેડના જમ્બો રેટહાઇકના ડરે રિસ્કી ઍસેટમાં કડાકો : ડૉલરમાં સંગીન તેજી

19 September, 2022 02:13 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

ફોર્થ ક્વૉર્ટરમાં કરન્સી અને ઇન્ટરેસ્ટ રેટ વૉલેટિલિટી ચરમસીમાએ પહોંચવાનાં એંધાણ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક) કરન્સી કૉર્નર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આજથી ૫૦ વરસ પહેલાં ડૉલર તૂટ્યો હતો. યુરોપિયન કરન્સીમાં ફાટફાટ તેજીથી અકળાઈને યુરોપિયન બૅન્કરોએ અમેરિકાના તત્કાલીન ટ્રેઝરી સેક્રેટરી કોનેલીને ડૉલરની મંદીની ફરિયાદ કરી ત્યારે એમણે કહ્યું કે ‘ડૉલર ઇઝ અવર કરન્સી ઍન્ડ યૉર પ્રૉબ્લેમ’. આજે ૫૦ વરસે ઇતિહાસ અલગ રીતે રિપીટ થઈ રહ્યો છે. અમેરિકન ડૉલરમાં ફાટફાટ તેજી છે અને યુરોપિયન કરન્સીઓ ધરાશાયી થઈ ગઈ છે. ડૉલર ઇઝ અવર કરન્સી યૉર પ્રૉબ્લેમ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, પણ યુરોપને બોલવાના હોશ નથી. મોંઘવારી, યુક્રેન-રશિયા યુદ્ધ, એનર્જી ક્રાઇસિસે યુરોપને ખોખલું કરી નાખ્યું છે. રશિયા-નાટો વચ્ચે લશ્કરી સંઘર્ષની શક્યતા વધી છે અને સંરક્ષણ-ઊર્જા મામલે યુરોપ અમેરિકાનું ઓશિયાળુ થતું જાય છે એટલે ડૉલર મામલે કોઈ દાદ-ફરિયાદ કરવાની સ્થિતિ નથી.

બજારોની વાત કરીએ તો બુધવારે ફેડની બેઠકમાં પોણો ટકો વ્યાજદર વધવાની અટકળ વચ્ચે પાઉન્ડ, યુરો, ઇમર્જિંગ બજારો અને બૉન્ડમાં ભારે વેચવાલી હતી. અમેરિકામાં જ્યાં સુધી ફુગાવો કાબૂમાં ન આવે ત્યાં સુધી વ્યાજદર વધારા ચાલુ રહેશે એવા સંકેતો છે. ફેડે માર્ચમાં પા ટકા વ્યાજદર વધાર્યા ત્યારે ફેડના ચૅરમૅન પૉવેલે કહ્યું હતું કે હવેની દરેક મીટિંગ ‘લાઇવ’ રહેશે. એ પછી માર્ચમાં પા ટકો, મેમાં અડધો ટકો, જૂન અને જુલાઈમાં પોણો ટકો વ્યાજદર વધારા પછી હાલ ફેડ ફન્ડ રેટ ૨.૨૫ ટકા થયો છે. સપ્ટેમ્બરમાં પોણો ટકો અને ડિસેમ્બરમાં પોણો ટકો ગણતાં વરસના અંતે ફેડ ફન્ડ રેટ ૩.૭૫-૪ની રેન્જમાં આવી શકે. ફેડનું વર્તમાન ટાઇટનિંગ ૮૦ના દાયકા પછીનું ફાસ્ટેસ્ટ ટાઇટનિંગ છે. અમેરિકી અર્થતંત્રની મજબૂતાઈ ડૉલર ઇન્ડેક્સમાં રિફ્લેકટ થાય છે. ડૉલર ઇન્ડેક્સનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ડૉલેક્સ ૧૯૮૧માં ૧૬૫ના ટૉપથી ઘટી ૨૦૦૮માં ૬૯ થયો, અંદાજે ૧૭-૧૮ વરસ મંદી થઈ, એ પછી આઠ-દસ વરસ ૯૦-૯૨-૧૦૪ વચ્ચે કન્સોલિડેટ થઈ હવે ડૉલેક્સ ૧૧૦ છે. હાલની તેજી સુપર સાઇકલ પ્રકારની તેજી દેખાય છે એ જોતાં ડૉલેકસ ૧૯૮૫માં બનેલું ૧૨૧નું ટૉપ વટાવે તો નવાઈ નહીં.    

 યુરોપની વાત કરીએ તો પાઉન્ડ ૩૭ વરસની નીચી સપાટી ૧.૧૪૫૦ અને યુરો ૨૨ વરસની નીચી સપાટી ૦.૯૮૯૯ થઈ ગયા છે. જે રીતે રશિયા-યુક્રેન યુદ્ધ લંબાયું છે અને નાટોના સભ્ય બનવા આર્કટિક અને બાલ્કન દેશોમાં આતુરતા છે એ જોતાં રશિયા-નાટો અથવા ચીન-રશિયા અને અમેરિકા-નાટોનો બહુકોણિય સંઘર્ષ નકારી શકાય નહીં. યુરોપ માટે આર્થિક મંદી, ઊર્જા સંકટ, બૅન્કોની નબળી બૅલૅન્સશીટ, રાજકિય અને સામાત્રજક તનાવ એમ અનેક પડકારો ઊભા છે. ઇટલીમાં ઉદ્દામ જમણેરી વિચારધારાનો ઉદય, જર્મનીનું ઊર્જાસંકટ, યુકેની રાજકીય અસ્થિરતા અને મંદી. યુરોપ માટે ‘કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ’ જેવા હાલાત છે.

એશિયામાં યુઆન ૭ની સપાટી વટાવી ગયો છે. ચીનમાં છ માસથી ક્યાંક ને ક્યાંક લૉકડાઉન ચાલે છે. ચાઇનાની આર્થિક મંદી ૧૯૯૦ની મંદી કરતાં વધુ ખરાબ લાગે છે. ૧૬ ઑક્ટોબરે ચીનમાં પોલિટ બ્યુરોની બેઠક શરૂ થશે. શી જિનપિંગ ત્રીજી વાર સત્તા સંભાળશે. વડા પ્રધાન લી રાજીનામું આપશે. 

ઘરઆંગણે રૂપિયો ૭૯.૨૫થી ઘટીને ૭૯.૭૪ બંધ હતો. ૭૯.૯૦-૮૦ આસપાસ રિઝર્વ બૅન્ક ડૉલર વેચી રૂપિયાની મંદી પર બ્રેક મારે છે. ઘરઆગંણે રેવન્યુ ગ્રોથ અને સરકારી ખર્ચમાં વધારો છે. ઇન્વેસ્ટમેન્ટ અને વપરાશમાં સુધારો છે, પણ વેપારખાધ અને બજેટખાધનો વધારો, મોંઘવારીનો પડકાર અને વૈશ્વિક ડૉલરમાં સોલિડ તેજી અને અમેરિકામાં સુપર ટાઇટનિંગ જોતાં રિઝર્વ બૅન્કે ૪૦-૫૦ બેસિસ પૉઇન્ટ વ્યાજદર વધારવો પડશે. ફેડની બેઠક પછી રૂપિયાની ચાલ સ્પષ્ટ થશે. વૈશ્વિક રાજકીય અને આર્થિક પડકારો જોતાં ડૉલરમાં મોટી બુલ માર્કેટ અને ઝડપી વ્યાજદર વધારા યુરોપ, ચાઇના અને ઇમર્જિંગ બજારો માટે કૅપિટલ આઉટફ્લોનાં જોખમો સર્જી શકે અને એ સંજોગોમાં વિદેશી મૂડીને બહાર જતી અટકાવવા વ્યાજદરો વધારાની અને કરન્સી અવમૂલ્યન કરીને નિકાસ સ્પર્ધાત્મકતા વધારવાની રેસ જામે તો કરન્સી અને ઇન્ટરેસ્ટ રેટ વૉર ફાટી નીકળે. એકંદરે રૂપિયો નરમ રહેવાની શક્યતા વધારે છે. શૉર્ટ ટર્મ રેન્જ - ડૉલર રૂપી ૭૯.૩૦-૮૦.૬૦, યુરો રૂપી રેન્જ ૭૮.૨૦-૮૦.૮૦, પાઉન્ડ રૂપી ૮૯-૯૧.૭૦, યુરો ડૉલર ૦.૯૮૨૦-૧.૧૦૫૦, પાઉન્ડ ડૉલર ૧.૧૩૦૦-૧.૧૭૦૦, યેન ૧૪૦-૧૪૫.

19 September, 2022 02:13 PM IST | Mumbai | Biren Vakil

અન્ય લેખો

અનિલ અંબાણીને મોટી રાહત, બોમ્બે HCએ આ કેસમાં કાર્યવાહી ન કરવાનો આપ્યો આદેશ

બોમ્બે હાઈકોર્ટે સોમવારે આવકવેરા વિભાગને બ્લેક મની એક્ટ હેઠળ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી કારણ બતાવો નોટિસ પર 17 નવેમ્બર સુધી કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો

26 September, 2022 05:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવ દિવસમાં દેવીનાં નવ સ્વરૂપ પાસેથી શીખવાના બોધપાઠ

નવરાત્રિમાં નાણાકીય બાબતોની નવી જાણકારી સાથે આગળ વધીને દશેરાનું શુભમુહૂર્ત ઊજવાય એવી શુભકામના. 

26 September, 2022 04:40 IST | Mumbai | Khyati Mashru Vasani

ઇન્ટરનૅશનલ માર્કેટમાં સોનાના ભાવ તળિયે : રૂપિયો ગગડતાં ભારતમાં ભાવઘટાડો ઓછો

દશેરા, ધનતેરસ, દિવાળીના તહેવારો અને નવેમ્બરથી જુલાઈ સુધીની લગ્નની સીઝનમાં સોનું ધૂમ ખરીદાશે ઃ સોનું ઘટીને ૪૮,૫૦૦થી ૪૯,૦૦૦ રૂપિયા થયા બાદ ફરી ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ થવાની આગાહી

26 September, 2022 04:34 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK