Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં ૫૮નું શિખર અને ફેબ્રુઆરી પછીના બેસ્ટ ગેઇન સાથે સપ્તાહની વિદાય

બજારમાં ૫૮નું શિખર અને ફેબ્રુઆરી પછીના બેસ્ટ ગેઇન સાથે સપ્તાહની વિદાય

04 September, 2021 03:09 PM IST | mumbai
Anil Patel

પ્રમાણમાં ઘણી સાંકડી એવી ૪૫૦ પૉઇન્ટની રેન્જમાં ઉપર-નીચે થઈ સેન્સેક્સ શુક્રવારે ૫૮૧૯૫ નજીક ગયા બાદ ૨૭૭ પૉઇન્ટ વધીને ૫૮૧૩૦ તથા નિફ્ટી ૧૭૩૪૦ની ટૉપ બનાવી ૮૯ પૉઇન્ટની આગેકૂચમાં ૧૭૩૨૪ની અંદર બંધ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વીકલી ધોરણે સેન્સેક્સ ૨૦૦૫ પૉઇન્ટ વધ્યો, માર્કેટ કૅપમાં ૧૦.૪૭ લાખ કરોડનો ઉમેરો થયો : રિલાયન્સ ચાર ટકા તો તેનો પાર્ટલી પેઇડ શૅર સાડા પાંચ ટકાની તેજીમાં નવા શિખરે ગયા : ટેકઓવર-ડીલની અસરમાં એચડીએફસી લાઇફ ડાઉન, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉછાળો : લાર્સન-ટ્વીન્સ, વિપ્રો, માઇન્ડ ટ્રી, પર્સિસ્ટન્ટ, ઝેન ટેક્નોમાં નવા બેસ્ટ લેવલ જોવાયા

પ્રમાણમાં ઘણી સાંકડી એવી ૪૫૦ પૉઇન્ટની રેન્જમાં ઉપર-નીચે થઈ સેન્સેક્સ શુક્રવારે ૫૮૧૯૫ નજીક ગયા બાદ ૨૭૭ પૉઇન્ટ વધીને ૫૮૧૩૦ તથા નિફ્ટી ૧૭૩૪૦ની ટૉપ બનાવી ૮૯ પૉઇન્ટની આગેકૂચમાં ૧૭૩૨૪ની અંદર બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડે તથા ક્લોઝિંગની રીતે નવા સર્વોચ્ચ શિખરની સાથે વીકલી ધોરણે ફેબ્રુઆરી પછીના બેસ્ટ ગેઇન સાથે બજારે સપ્તાહને વિદાય આપી છે. સેન્સેક્સ વિદાય લેતા સપ્તાહમાં ૨૦૦૫ પૉઇન્ટ કે ૩.૬ ટકા તથા નિફ્ટી ૬૧૮ પૉઇન્ટ કે ૩.૭ ટકા ઊંચકાયા છે. બજારનું માર્કેટ કૅપ એક જ સપ્તાહમાં ૧૦.૪૭ લાખ કરોડના ઉમેરામાં ૨૫૪.૨૧ લાખ કરોડને આંબી ગયું છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર પ્લસ હતા. રિલાયન્સ ચાર ટકાથી વધુની તેજીમાં બન્ને ખાતે બેસ્ટ પર્ફોમર હતો. ઓએનજીસી ચાર ટકા વધી ૧૨૩ ઉપર બંધ રહ્યો છે. એચડીએફસી લાઇફ સવા ત્રણ ટકાથી વધુ ખરાબીમાં નિફ્ટી ખાતે તો હિન્દુ. યુનિલીવર સવા ટકા નજીકની પીછેહઠમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર હતા. સહેજ પૉઝિટિવ બાયસ વચ્ચે માર્કેટ બ્રેડ્થમાં રસાકસી રહી છે. રિલાયન્સ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, ચેન્નઈ પેટ્રો, હિન્દુસ્તાન પેટ્રો, અદાણી ટ્રાન્સમિશન જેવા શૅર સવા ત્રણથી દસ ટકા જેવા વધવાની સામે અન્ય શૅર પણ સુધારામાં રહેવાના લીધે અૅનર્જી ઇન્ડેક્સ સાડાત્રણ ટકા તો ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક સવા બે ટકા વધી નવા બેસ્ટ લેવલે બંધ થયા હતા. હેલ્થકૅર શૅરોમાં વલણ ઘટાડાનું હતું પરંતુ આરપીજી લાઇફ ૬૩૧ની નવી ટૉપ બનાવી સાડા દસ ટકાના ઉછાળે ૬૧૪ બંધ આવ્યો છે. શૅરની ફેસ-વૅલ્યુ આઠ રૂપિયાની છે. દરમ્યાન છેલ્લા દિવસના અંતે વિજ્યા ડાયગ્નોસ્ટિક્સ ક્યુઆઇબીમાં ૧૩ ગણા રિસ્પોન્સના કારણે કુલ સાડાચાર ગણો ભરાઈ ગયો છે. સુરતની અમી ઓર્ગેનિક્સનો આઇપીઓ તગડા રિસ્પોન્સમાં ૬૪.૫ ગણો છલકાયો છે. અહીં રીટેલ પોર્શન ૧૩.૪ ગણો અને હાઈ-નેટવર્થ પોર્શન લગભગ ૧૫૫ ગણો છલકાયો છે.



રિલાયન્સ ઑલટાઇમ હાઈ, માર્કેટ કૅપ ૧૫ લાખ કરોડની પાર


માર્કેટ લીડર રિલાયન્સ શુક્રવારે ૨૩૯૪ની સર્વોચ્ચ સપાટી બનાવી ૪.૧ ટકા કે ૯૫ રૂપિયાના ઉછાળે ૨૩૮૮ બંધ રહ્યો છે. આ અગાઉ ૧૬ સપ્ટે. ૨૦૨૦ના રોજ શૅર ૨૩૬૯ નજીકના બેસ્ટ લેવલે ગયો હતો. લગભગ એક વર્ષની અંદર ભાવ ફરી એકવાર નવા વિક્રમી સ્તરે પહોંચ્યો છે. આ સાથે ગઈ કાલે તેનું માર્કેટ કૅપ ૫૯૯૭૧ કરોડ રૂપિયા વધી ૧૫.૧૪ લાખ કરોડના નવા બેસ્ટ લેવલે આવી ગયું છે. છેલ્લા એક માસમાં રિલાયન્સ ૧૪ ટકા વધ્યો છે. જોકે એક વર્ષની રીતે અહીં માંડ ૧૩ ટકાનું રિટર્ન મળ્યું છે. જ્યારે કે સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ ટકા જેવા ઊંચકાયા છે. રિલાયન્સનો પાર્ટલી પેઇડ તો ગઈ કાલે જબરી તેજીમાં ૧૭૫૧ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૫.૬ ટકા કે ૯૩ રૂપિયાના જમ્પમાં ૧૭૪૮ બંધ રહ્યો છે. પાર્ટલી પેઇડ શૅર એક મહિનામાં ૨૦.૪ ટકા તથા એક વર્ષમાં ૫૬.૫ ટકા વધ્યો છે. મતલબ કે આખા બાસમતી ચોખા કરતાં કણકી કે ટુકડામાં તેજીની સોડમ વધુ ફીલ થઈ છે. રિલાયન્સ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા સવા ટકો વધી ૬૬૨ રૂપિયા, નેટવર્ક-૧૮ છ ટકા ઊંચકાઈ ૫૨ રૂપિયા, ટીવી-૧૮ બ્રોડકાસ્ટ ત્રણ ટકા વધી ૩૬ રૂપિયા, ડેન નેટવર્ક ૩.૬ ટકા વધી ૪૯ રૂપિયા, હેથવે કેબલ ૨.૪ ટકા વધી ૨૪ રૂપિયા, જસ્ટ ડાયલ એક ટકાના સુધારામાં ૯૯૨ રૂપિયા બંધ હતા. અનિલ અંબાણી ગ્રુપમાં રિલાયન્સ પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતો. રિલાયન્સ નેવલ બે ટકા ડાઉન હતો. બાકીની જાતો સાધારણથી લઈ બે ટકાની આસપાસ પ્લસ હતી. અદાણી ગ્રુપ ખાતે અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૭૪૯ નજીક નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો છે. લગભગ મહિના પૂર્વે ૩૦ જુલાઈના રોજ ભાવ ૭૬૫ રૂપિયા હતો. અદાણી પાવર ઇન્ટ્રા-ડેમાં ઉપલી સર્કિટે ૧૧૪ બતાવી છેલ્લે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૩ રહ્યો છે.

એચડીએફસી લાઇફમાં નરમાઈ, પણ એક્સાઇડની બૅટરી ચાર્જ થઈ


એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ તરફથી એક્સાઇડ લાઇફ ઇન્સ્યોરન્સનો સંપૂર્ણ હિસ્સો ૬૮૮૭ કરોડ રૂપિયામાં ખરીદી લેવાની જાહેરાત થઈ છે. દેશના ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આ આજ સુધીની સૌથી મોટી ડીલ ગણાવાય છે. આની અસરમાં એચડીએફસી લાઇફનો શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં નીચામાં ૭૨૯ની અંદર ગયા બાદ છેલ્લે ૩.૨ ટકા ઘટીને ૭૩૪ બંધ રહ્યો છે, પરંતુ એકસાઇડ ઇન્ડસ્ટ્રીઝને ૬૮૮૭ કરોડની રોકડી થવાના પગલે ભાવ નવ ગણા કામકાજમાં ૨૦૩ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે ૬.૩ ટકા વધી ૧૯૦ બંધ રહ્યો છે. એક્સાઇડ લાઇફમાં એક્સાઇડ ઇન્ડ દ્વારા કરાયેલું રોકાણ આશરે ૧૬૮૦ કરોડનું છે. ૬૮૮૭ કરોડની ડીલમાંથી ૭૨૫ કરોડ રૂપિયા રોકડામાં ચૂકવાશે, બાકીના નાણાંના બદલે એચડીએફસી લાઇફના ૮૭૦ લાખ શૅર એક્સાઇડને શૅરદીઠ ૬૮૫ના ભાવે ઇશ્યુ થશે. સરવાળે એક્સાઇડનું હોલ્ડિંગ એચડીએફસી લાઇફમાં ૪.૧ ટકાનું રહેશે. ગઈ કાલે લાઇફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે આઇસીઆઇસીઆઇ-પ્રુ લાઇફ સવા ત્રણ ટકા વધી ૬૯૭ બંધ આપતાં પૂર્વે ૭૦૮ના નવા શિખરે ગયો હતો. એસબીઆઇ લાઇફ નહીંવત્ ઘટી ૧૨૩૯ અને મેક્સ લાઇફ પોણા બે ટકા ઘટી ૧૦૬૭ બંધ હતા. નોન-લાઇફ સેગમેન્ટમાં ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ ૧.૪ ટકા વધી ૧૬૦ રૂપિયા જનરલ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન દોઢેક ટકો વધી ૧૫૨ રૂપિયા, આઇસીઆઇસીઆઇ-લોમ્બાર્ડ નજીવો સુધરી ૧૬૩૦ રૂપિયા બંધ હતા. દરમ્યાન આગલા દિવસે ૧૧.૫ ટકાના કડાકામાં ૧૬૧૭ બંધ આવેલો પિલાની ઇન્વેસ્ટમેન્ટ ગઈ કાલે પોણા ચૌદ ટકાની તેજીમાં ૧૮૩૯ રૂપિયા બંધ થયો છે. બજાજ હોલ્ડિંગ્સ દોઢ ટકો તો કામા હોલ્ડિંગ્સ બે ટકા પ્લસ હતા.

ઝેન ટેક્નોમાં સતત ઉપલી સર્કિટ, લાર્સન ટેક્નોમાં ૩૮૫નો ઉછાળો

ઇન્ડિયન અૅરફોર્સ તરફથી ૧૫૫ કરોડનો ઓર્ડર મળવાના કરન્ટમાં ઝેન ટેક્નોલૉઝીસ ગઈ કાલે પણ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૪ નજીક નવા બેસ્ટ લેવલે બંધ રહ્યો છે. ત્રણ દિવસ પહેલાં ભાવ ૯૫ રૂપિયા હતો. લાર્સન ટેક્નોલૉઝીસમાં ૨૦૨૪-૨૫ સુધીમાં ૧૫૦ કરોડ ડૉલરની રેવન્યુ સાથે ૧૮ ટકાના ગ્રોસ પ્રૉફિટનું સ્ટ્રૉન્ગ ગાઇડન્સીસ આવતાં ભાવ ચારગણા કામકાજમાં ૩૮૫ રૂપિયાના ઉછાળે ૪૪૩૬ની વિક્રમી સપાટી બનાવી અંતે ૭.૨ ટકાના જમ્પમાં ૪૩૪૦ બંધ રહ્યો છે. લાર્સન ઇન્ફોટેક પણ ૫૪૯૮ની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ દોઢ ટકો વધી ૫૪૬૮ હતો. ગુરુવારે હીરો બનેલો ટીસીએસ ગઈ કાલે નામકે વાસ્તે વધીને ૩૮૪૧ બંધ થયો છે. ઇન્ફી પોણા ટકાના સુધારામાં ૧૭૦૦ હતો. વિપ્રો ૬૫૬ના નવા શિખર બાદ અડધો ટકો વધી ૬૫૫, એમ્ફેસિસ બે ટકા વધી ૨૯૪૩, માઇન્ડ ટ્રી ૩૮૦૯ની નવી ટોચ બનાવી પોણો ટકો વધી ૩૭૭૪, પર્સિસ્ટન્ટ સિસ્ટમ ૩૪૬૫ની ઑલટાઇમ હાઈ દેખાડી ૧.૬ ટકા વધી ૩૪૪૧ બંધ હતા. બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ૩૪૫૧૪ની એક વધુ વિક્રમી સપાટી બનાવી ૧૭૩ પૉઇન્ટની આગેકૂચમાં ૩૪૪૧૦ જોવાયો છે તેના ૫૦માંથી ૩૧ શૅર પ્લસ હતા. બ્રાઇટકોમ સતત બીજા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટે બંધ હતો.

આઇટીની હૂંફ સાથે સ્ટરલાઇટ ટેક્નો ચાર ટકા, ટીવી-૧૮ ત્રણ ટકા, ઇન્ડ્સ ટાવર અઢી ટકા, ઝી એન્ટર સવા બે ટકા, વોડાફોન પોણા બે ટકા, ડીશ ટીવી સવા ટકો વધતાં ટેક્નોલૉજી ઇન્ડેક્સ પણ ૧૫૦૭૩ના બેસ્ટ લેવલે જઈ ૫૪ પૉઇન્ટ સુધરી ૧૫૦૩૨ બંધ રહ્યો છે. અત્રે ૨૭માંથી ૨૩ શૅર પ્લસ હતા. ભારતી અૅરટેલ સવા ટકો ઘટી ૬૫૮ જોવાયો છે.

બૅન્કિંગમાં સુસ્તી, ઑટોમાં સુધારો, મેટલની આગેકૂચ

શુક્રવારે બૅન્ક નિફ્ટી બારમાંથી ૭ શૅર સુધરવા છતાં ૭૦ પૉઇન્ટ જેવો સાધારણ નરમ બંધ આવ્યો છે. પીએનબી તથા આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક દોઢ ટકો વધી અત્રે ટૉપ ગેઇનર હતા. એચડીએફસી બૅન્કમાં પોણા ટકાની પીછેહઠ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી એક શૅરની નરમાઈ અને ત્રણ શૅર ફ્લેટ આપી નવ શૅરના સુધારામાં પોણા ટકા જેવો પ્લસ રહ્યો છે. બૅન્ક ઑફ ઇન્ડિયા ઘટાડાની આગેકૂચમાં અડધો ટકો વધુ ઘસાઈ ૫૯ હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૧૮ શૅર પ્લસ હતા. કર્ણાટકા બૅન્ક ત્રણ ટકા, સૂર્યોદયા સ્મૉલ બૅન્ક સવા બે ટકા અને કરૂર વૈશ્ય બૅન્ક બે ટકા ડાઉન હતા.

મારુતિ સુઝુકી તરફથી ખામી ભરેલા ૧.૮૦ લાખ વાહનો રિકોલ કરવાની જાહેરાત છતાં શૅર એક ટકો વધીને ૬૭૬૩ રૂપિયા બંધ રહ્યો છે. હીરોમોટો કોર્પ અને આઇશર મોટર્સ અઢી ટકા, ટીવીએસ મોટર ૧.૯ ટકા, બજાજ ઑટો ૧.૨ ટકા, તાતા મોટર પોણો ટકો પ્લસ હતા. અશોક લેલેન્ડ પોણો ટકો ઘટીને ૧૨૧ની નજીક તો મહિન્દ્ર ઘટાડાની ચાલ આગળ વધારતાં ૦.૪ ટકાની નરમાઈમાં ૭૫૦ બંધ હતા. ઑટો પાર્ટસ સેગમેન્ટમાં ૫૨ શૅર વધ્યા હતા, ૪૮ નરમ હતા. સોના કોમસ્ટાર સવા છ ટકાની આગેકૂચમાં ૫૨૬ના શિખરે બંધ થયો છે. ફિએમ ઇન્ડસ્ટ્રીઝ સાડા પાંચ ટકા તૂટી ૧૦૬૩ તો હિન્દુ. હાર્ડી ૪.૪ ટકાની ખરાબીમાં ૨૯૯ બંધ હતા.

નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧.૨ ટકા વધ્યો છે. અત્રે ૧૫માંથી નવ જાતો પ્લસ હતી. નાલ્કો ૪.૭ ટકા, જિંદાલ સ્ટીલ ચાર ટકા, કોલ ઇન્ડિયા સાડા ત્રણ ટકા ઊંચકાયા હતા. સેઇલ, તાતા સ્ટીલ તથા હિન્દાલ્કો પોણાથી એક ટકો અપ હતા. ઓરિસ્સા મિનરલ્સ બાર ગણા કામકાજમાં પોણા આઠ ટકા કે ૨૧૪ રૂપિયા ઊછળી ૨૯૮૮ રૂપિયા બંધ હતો. ફેસ-વૅલ્યુ એકની છે. આશાપુરા માઇનકેમમાં પાંચ ટકાની તેજીની સર્કિટ લાગેલી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2021 03:09 PM IST | mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK