જુલાઈથી પેટ્રોલ-એવિયેશન ફ્યુઅલ લિટરે છ રૂપિયા અને ડીઝલમાં ૧૩ રૂપિયા નિકાસ ટૅક્સ

નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે ક્રૂડ, ડીઝલ અને એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ પર લાદવામાં આવતા નવા કરની દર પખવાડિયે સમીક્ષા કરશે. સરકારે શુક્રવારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ (એટીએફ) પર નિકાસ કર લાદ્યો હતો, જ્યારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પર વિન્ડફૉલ ટૅક્સ લાદવામાં યુકે જેવા દેશોમાં પણ જોડાયું હતુ.
પહેલી જુલાઈથી પેટ્રોલ અને એટીએફની નિકાસ પર છ રૂપિયા પ્રતિ લિટર ટૅક્સ અને ડીઝલની નિકાસ પર ૧૩ રૂપિયા પ્રતિ લિટર ટૅક્સ લાગુ થશે.
તેમણે કહ્યું કે આ ‘અસાધારણ સમય’ છે અને તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તરે બેલગામ છે. અમે નિકાસને નિરાશ કરવા માગતા નથી, પરંતુ સ્થાનિક પુરવઠામાં વધારો કરવા માગીએ છીએ. જો ક્રૂડતેલ ઉપલબ્ધ નથી અને નિકાસ આવા અસાધારણ નફા પર થઈ રહી છે, તો આપણે ઓછામાં ઓછા તેમાંથી કેટલુંક આપણા પોતાના નાગરિકો માટે રાખવું જરૂરી છે.
સરકારે ઇંધણની નિકાસ ઉપર નિયંત્રણો લાદ્યાં
સરકારે નિકાસકારોને સ્થાનિક બજારમાં ચોક્કસ માત્રામાં સપ્લાય કરવા નિર્દેશ આપીને પેટ્રોલ અને ડીઝલ પર નિકાસ નિયંત્રણો લાદ્યાં છે, જેનો હેતુ દેશની અંદર પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડની સૂચના અનુસાર પેટ્રોલ નિકાસકારે નિકાસ સમયે સંબંધિત કસ્ટમ્સ ઑથોરિટીને સ્વઘોષણા સબમિટ કરવી જરૂરી છે જે પુષ્ટિ કરે છે કે ૫૦ ટકા જથ્થામાં ઉલ્લેખિત છે. ગૅસ ઑઇલ અથવા ઑટોમોટિવ ડીઝલ નિકાસકારો માટે, જથ્થો ૩૦ ટકા નક્કી કરવામાં આવ્યો છે. જોકે, ભૂટાન અને નેપાળમાં નિકાસને આ શરતમાંથી મુક્તિ આપવામાં આવી છે