Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ખાદ્ય તેલની આયાત ફેબ્રુઆરીમાં ૩૪ ટકા ઘટી આઠ મહિનાના તળિયે

ખાદ્ય તેલની આયાત ફેબ્રુઆરીમાં ૩૪ ટકા ઘટી આઠ મહિનાના તળિયે

17 March, 2023 02:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૂડ પામતેલની આયાત ફેબ્રુઆરીમાં આગલા મહિના કરતાં ૪૫ ટકા ઘટી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં ખાદ્ય તેલની આયાત ફેબ્રુઆરીમાં આગલા મહિના કરતાં ૩૪ ટકા ઘટીને આઠ મહિનાના તળિયે પહોંચી ગઈ છે. ખાસ કરીને ક્રૂડ પામતેલની આયાતમાં મોટો ઘટાડો થયો હોવાથી કુલ આયાત ૧૧ લાખ ટનની અંદર પહોંચી ગઈ છે. દેશમાં પોર્ટ પર ખાદ્ય તેલનો વિક્રમી સ્ટૉક હોવાથી અને સરકાર ડ્યુટી વધારશે એવી આશાએ અગાઉના બે મહિના મોટી આયાત થયા બાદ ફેબ્રુઆરીની આયાત ઘટીને આવી છે.

સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ મુજબ દેશમાં ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય તેલની કુલ આયાત ૧૦.૯૮ લાખ ટનની થઈ છે, જે અગાઉના મહિના દરમ્યાન ૧૬.૬૧ લાખ ટનની થઈ હતી. ફેબ્રુઆરીની આયાત જૂન ૨૦૨૨ બાદની સૌથી ઓછી માસિક આયાત છે. જૂનમાં ૯.૪૧ લાખ ટનની આયાત થઈ હતી. દેશમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં ખાદ્ય તેલની આયાત ૯.૮૩ લાખ ટનની થઈ હતી, જેની તુલનાએ આયાત વધારે બતાવે છે.



દેશમાં ફેબ્રુઆરી મહિનામાં ક્રૂડ પામતેલની આયાત આગલા માસ કરતાં ૪૫ ટકા ઘટીને ૩.૫૯ લાખ ટન અને સનફ્લાવરની ૬૬ ટકા ઘટીને માત્ર ૧.૫૬ લાખ ટનની આયાત થઈ છે. સનફ્લાવરની જાન્યુઆરીમાં વિક્રમી આયાત થઈ ગઈ હોવાથી હવે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.


રિફાઇન્ડ પામતેલની આયાતમાં મામૂલી વધારો થયો છે, પરંતુ ક્રૂડ પામતેલની આયાત ઘટીને ૩.૫૯ લાખ ટને પહોંચી ગઈ છે. સોયા તેલની આયાતમાં માત્ર ત્રણ ટકાનો ઘટાડો થયો છે. રિફાઇન્ડને બાદ કરતાં તમામ તેલની આયાત ઘટી છે.

પોર્ટ પર સ્ટૉકની સ્થિતિ
દેશમાં પહેલી માર્ચના રોજ વિવિધ પોર્ટ પર ખાદ્ય તેલનો કુલ સ્ટૉક ૧૦.૫૦ લાખ ટનનો છે, જેમાં ક્રૂડ પામતેલનો ચાર લાખ ટન, રિફાઇન્ડનો ૨.૩૦ લાખ ટન, સોયાતેલનો ૧.૮૫ લાખ ટન અને સનફ્લાવરનો ૨.૩૫ લાખ ટનનો સ્ટૉક છે, જ્યારે પાઇપલાઇનમાં ૨૩.૭૫ લાખ ટનનો સ્ટૉક છે. કુલ સ્ટૉક ૩૪.૨૫ લાખ ટનનો છે, જે પહેલી ફેબ્રુઆરીના રોજ સુધારેલા અંદાજ મુજબ ૩૪.૧૩ લાખ ટનનો સ્ટૉક હતો. પોર્ટ પરનો વર્તમાન સ્ટૉક વિક્રમી સ્ટૉક છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK