આઇસી૧૫ ઇન્ડેક્સ ૨૬૭૦ પૉઇન્ટ વધ્યો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ફુગાવો ઘટ્યો એની અસર તળે અને પ્રમુખપદના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટોકરન્સી બાબતે સકારાત્મક નિવેદન કર્યું એને પગલે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૩.૧૭ ટકા (૨૬૭૦ પૉઇન્ટ) વધીને ૮૬,૯૩૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૪,૨૬૮ ખૂલીને ૮૭,૨૦૨ની ઉપલી અને ૮૪,૨૧૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી લાઇટકૉઇન ૭.૦૧ ટકા સાથે ટોચનો વધનાર હતો. ઇથેરિયમ, અવાલાંશ, સોલાના અને ટોનકૉઇન ૩થી ૫ ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે ટ્રોન અને એક્સઆરપી ઘટ્યા હતા.
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકાને વિશ્વની ક્રિપ્ટોકરન્સીની રાજધાની અને બિટકૉઇનનું સુપરપાવર બનાવવા માગે છે. આ જ રીતે અમેરિકાના સંસદસભ્ય સિન્થિયા લ્યુમિસે બિટકૉઇનની વ્યૂહાત્મક અનામત રાખવા બાબતે ખરડો રજૂ કરવાનું આયોજન કર્યું છે. તેમનો પ્રસ્તાવ છે કે અમેરિકન સરકારે એક મિલ્યન બિટકૉઇન અથવા તો બિટકૉઇનના જથ્થાના પાંચ ટકા જેટલા કૉઇન ખરીદીને ઓછામાં ઓછાં વીસ વર્ષ સુધી રાખવા જોઈએ. આ જ રીતે હૉન્ગકૉન્ગમાં સંસદસભ્ય જૉની એનજીએ હૉન્ગકૉન્ગ શહેરની નાણાકીય અનામત તરીકે બિટકૉઇન રાખવાની હિમાયત કરી છે.