Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ‘સેલ ઇન ટ્રાન્ઝિટ’ અથવા ‘બિલ ટુ શિપ ટુ’ વ્યવહારોમાં સપ્લાયનું સ્થળ કોને કહેવાય છે?

‘સેલ ઇન ટ્રાન્ઝિટ’ અથવા ‘બિલ ટુ શિપ ટુ’ વ્યવહારોમાં સપ્લાયનું સ્થળ કોને કહેવાય છે?

19 August, 2022 02:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવા વ્યવહારોમાં સપ્લાયનું સ્થળ કોને કહેવાય એ અગત્યનો સવાલ હોય છે

પ્રતીકાત્મક તસવીર

સમજો જીએસટી

પ્રતીકાત્મક તસવીર


જીએસટી હેઠળ ‘સેલ ઇન ટ્રાન્ઝિટ’ અથવા ‘બિલ ટુ શિપ ટુ’ વ્યવહારો સંબંધિત જોગવાઈઓ વિશે આપણે ગયા વખતે વાત શરૂ કરી હતી. આવા વ્યવહારોમાં સપ્લાયનું સ્થળ કોને કહેવાય એ અગત્યનો સવાલ હોય છે.

આઇજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૦(૧)(બી) મુજબ સેલ ઇન ટ્રાન્ઝિટના કિસ્સામાં ગુડ્સની સપ્લાયનું સ્થળ એને કહેવાય, જ્યાં સપ્લાયરે એજન્ટ તરીકે અથવા અન્ય કોઈ રીતે કામ કરનાર ત્રીજી વ્યક્તિની સૂચના અનુસાર પ્રાપ્તિકર્તાને અથવા અન્ય કોઈ વ્યક્તિને ડિલિવરી આપી હોય એ સ્થળ. આ સૂચના માલની હેરફેર દરમ્યાન અથવા એની પહેલાં આપવામાં આવી હોઈ શકે છે. એના માટે માલના ટાઇટલના દસ્તાવેજની ટ્રાન્સફર કરવામાં આવી હોઈ શકે છે અથવા બીજી કોઈ રીતે ટ્રાન્સફર થઈ હોઈ શકે છે. આ રીતે થયેલી સપ્લાય સંબંધે એવું ગણવામાં આવશે કે ત્રીજી વ્યક્તિને માલ મળ્યો છે અને જે જગ્યાએ સપ્લાય પહોંચાડવામાં આવી હશે એને એ ત્રીજી વ્યક્તિના બિઝનેસનું મુખ્ય સ્થળ ગણવામાં આવશે.



દા.ત. : હરિયાણામાં કાર્યરત એબીસી પ્રાઇવેટ લિમિટેડ પોતાનો માલ બૅન્ગલોરની બીસીડી લિમિટેડને વેચે છે. આ માલની હેરફેર શરૂ થાય એની પહેલાં જ અથવા તો માલ હરિયાણાથી બૅન્ગલોર પહોંચે એની પહેલાં જ બીસીડી લિમિટેડને એ જ માલ માટે મુંબઈના પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પરચેઝ ઑર્ડર મળે છે. આથી એબીસી પ્રાઇવેટ લિમિટેડ કન્સાઇનીના સરનામામાં પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડનું નામ લખીને મોકલે છે અને માલ ત્યાં જ પહોંચી જાય છે. એબીસી પ્રાઇવેટ લિમિટેડ માટે સપ્લાયનું સ્થળ બૅન્ગલોર ગણાશે, કારણ કે બીસીડી લિમિટેડની સૂચના અનુસાર માલની ડિલિવરી મુંબઈમાં કરવામાં આવી છે. ઉક્ત કલમ અનુસાર બીસીડી લિમિટેડ માટે સપ્લાયનું સ્થળ મુંબઈ ગણાશે.


ઉક્ત કિસ્સામાં માલની હેરફેર માટે એક જ ઈ-વે બિલની જરૂર પડશે. જો લાગું પડતું હોય તો બન્ને વેચાણકર્તા ડીલરના રેકૉર્ડ માટે તથા દસ્તાવેજીકરણ માટે ઈ-વે બિલ બનાવી લેવું જોઈએ.

જીએસટી કાયદા હેઠળ પાળવાની શરતો
૧) સંબંધિત વેચાણકર્તાના દરેક વ્યવહાર માટે વૈધ ટૅક્સ ઇન્વૉઇસ જોઈશે, બિલ ઑફ સપ્લાય નહીં.
૨) ઇન્વૉઇસમાં બિલ ટુ પાર્ટી અને શિપ ટુ પાર્ટીની વિગતો હોવી જરૂરી છે. આ કિસ્સામાં હરિયાણાની એબીસી પ્રાઇવેટ લિમિટેડ બિલ ટુ પાર્ટી તરીકે બૅન્ગલોરની બીસીડી લિમિટેડનું નામ લખશે અને શિપ ટુ પાર્ટીમાં પીક્યુઆર લિમિટેડ, મુંબઈનું નામ લખશે. નિયમ ક્રમાંક ૪૬ મુજબ ઇન્વૉઇસની અન્ય વિગતો પણ લખવાની રહેશે. 
૩) બીસીડી લિમિટેડના સેલ ઇન્વૉઇસમાં બીસીડી લિ., બૅન્ગલોરના બિલિંગથી હરિયાણાની એબીસી પ્રાઇવેટ લિમિટેડના ડિસ્પેચ સુધીની વિગતો લખવામાં આવશે.  
૪) ઈ-વે બિલ કેવી રીતે બનાવવું એ ઉપર જણાવ્યું છે.
૫) ઇ-વે બિલમાં પણ બિલ ટુ શિપ ટુ અને બિલિંગ ફ્રૉમ શિપિંગની વિગતો ભરવાની રહેશે.


આઇટીસી
ઉક્ત કિસ્સામાં બીસીડી લિમિટેડ અને પીક્યુઆર પ્રાઇવેટ લિમિટેડ ટૅક્સ ઇન્વૉઇસના આધારે જીએસટી કાયદાઓ હેઠળ તથા જીએસટી કાયદા હેઠળની અન્ય શરતોનું પાલન કરવામાં આવ્યું હશે તો એના આધારે આઇટીસી મેળવવા પાત્ર ગણવામાં આવશે.

પછીના ખરીદદારો/વેચાણકર્તાઓએ ઈ-વે બિલ નહીં બનાવ્યાં હોય તો પણ આઇટીસી માટેની પાત્રતા લાગુ પડશે.

જીએસટી હેઠળનાં રિટર્ન્સ
જીએસટી હેઠળ યોગ્ય રિટર્ન ભરવાનું અત્યંત મહત્ત્વનું છે, કારણ કે એના આધારે જ ચૂકવવાપાત્ર કરવેરો નક્કી થાય છે અને જીએસટી રિટર્ન્સ તથા બુક્સ ઑફ અકાઉન્ટ્સના આધારે લાગુ પડતી આઇટીસી આપવામાં આવે છે. આઇટીસીનો તાળો જીએસટીઆર2બી રિટર્ન સાથે મેળવી લેવાનું હિતાવહ છે, જેથી ભવિષ્યમાં જીએસટી ખાતા સાથે કે વેન્ડર્સ સાથે કોઈ વાદવિવાદ ન થાય અને કંપનીને નુકસાન ન થાય.

નિષ્કર્ષ
માલ વેચવાની દૃષ્ટિએ સેલ ઇન ટ્રાન્ઝિટનો વિકલ્પ ઘણો લાભદાયક ઠરે છે. એની મદદથી રજિસ્ટર્ડ પર્સન માલના સંગ્રહનો અને પરિવહનનો ઘણો ખરો ખર્ચ બચાવી શકે છે. બીજું, કંઈ નહીં તો, માલની હેરફેર ઝડપી બને છે. મારું અંગત સૂચન છે કે યોગ્ય રેકૉર્ડની જાળવણી કરવી, જેથી ભવિષ્યમાં કોઈ સ્ક્રૂટિની, ઑડિટ વગેરે આવે તો એ વખતે બધા સવાલોના જવાબ આપી શકાય.

સવાલ તમારા…
સેલ ઇન ટ્રાન્ઝિટ/બિલ ટુ શિપ ટુ મૉડલ સર્વિસિસને પણ લાગુ પડે છે?
હા. હવે જીએસટી કાયદા હેઠળ આ મૉડલ સર્વિસિસને પણ લાગુ પાડવામાં આવ્યું છે. એના માટે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૬(૨) સાથે સ્પષ્ટતા આપવામાં આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK