ચાલુ સીઝન વર્ષમાં ખાદ્ય તેલની કુલ આયાત ૧૨૯ લાખ ટનની થવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર
ભારતીય ખાદ્ય તેલની આયાત સ્થાનિક તેલીબિયાંના પુરવઠામાં વધારાને કારણે અને વૈશ્વિક ખાદ્ય તેલના ભાવ ઊંચી સપાટી પર પહોંચ્યા હોવાથી માગ પર અસર થવાને પગલે સતત ત્રીજા વર્ષે આયાતમાં ઘટાડો થવાની ધારણા છે.
ભારત ખાદ્ય તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે અને એની ૩૧ ઑક્ટોબરે પૂરા થનાર ચાલુ સીઝન વર્ષ ૨૦૨૧-’૨૨માં કુલ ૧૨૯ લાખ ટનની આયાત થાય એવી ધારણા છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં ૧૩૧.૩ લાખ ટનની આયાત થઈ હતી એમ સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી. મહેતાએ જણાવ્યું હતું
મહેતાએ દુબઈમાં ગ્લોબલ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ભારતમાં સતત ત્રીજા વર્ષે સામાન્ય ચોમાસાના એંધાણે ખાદ્ય તેલની સ્થાનિક પ્રાપ્યતામાં ૧૫ લાખ ટનનો વધારો કર્યો છે અને આયાત ઘટાડવામાં મદદ કરી છે.’
ભારતમાં ખાદ્ય તેલનો વપરાશ છેલ્લા બે દાયકામાં ત્રણ ગણો વધ્યો, કારણ કે વસ્તી વધી, આવક વધી અને રેસ્ટોરાં વધ્યાં હોવાથી ખાદ્ય તેલનો વપરાશ વધ્યો છે.
દેશની ખાદ્ય તેલની આયાત માત્ર બે દાયકા પહેલાં ૪૦ લાખ ટનથી વધીને ૧૫૦ લાખ ટન થઈ ગઈ છે, પરંતુ રોગચાળાને લગતા લૉકડાઉનને કારણે વપરાશ પર અસર થતાં ૨૦૧૯-’૨૦ અને ૨૦૨૦-’૨૧માં આયાત ઘટી છે.
મહેતાએ જણાવ્યું હતું કે વર્તમાન માર્કેટિંગ વર્ષમાં સરકારે નિયંત્રણો હટાવ્યાં છે, પરંતુ વિક્રમી ઊંચા ભાવો વપરાશમાં ઘટાડો કરી રહ્યા છે.
ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ ઑઇલ ખરીદે છે, જેમાં સોયાતેલ મોટા ભાગે આર્જેન્ટિના અને બ્રાઝિલમાંથી આયાત કરવામાં આવે છે. રશિયા અને યુક્રેન પાસેથી સૂર્યમુખી તેલ ખરીદે છે.
૨૦૨૧-’૨૨ માર્કેટિંગ વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતે ૬૫.૪ લાખ ટન ખાદ્ય તેલની આયાત કરી હતી, જે એક વર્ષ અગાઉ કરતાં ૪.૩ ટકા વધુ છે, એમ મહેતાએ જણાવ્યું હતું. વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના વિક્રમી ભાવને પગલે પણ આયાત પર અસર પહોંચી શકે છે. તાજેતરમાં ઇન્ડોનેશિયાએ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી એની અસર પણ મોટી માત્રામાં થઈ રહી છે.