° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે જીએસટીઆર–૯ અને ૯-સી ભરવા અંગેની અંતિમ તારીખ સંબંધી ચિંતા નિરર્થક

19 November, 2021 05:10 PM IST | Mumbai | Shailesh Sheth

ઑક્ટોબર હીટનો સમય પૂરો થયો છે. હજી શિયાળો બેઠો નથી, પરંતુ વાતાવરણમાં ઠંડીના ચમકારા વર્તાયા કરે છે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

ઑક્ટોબર હીટનો સમય પૂરો થયો છે. હજી શિયાળો બેઠો નથી, પરંતુ વાતાવરણમાં ઠંડીના ચમકારા વર્તાયા કરે છે. આ વર્ષે શિયાળો પણ આકરો રહેશે એ નિઃશંક છે, પરંતુ સામાન્યજન ઠંડીથી ઠૂંઠવાય એ પહેલાં જ જીએસટીના કરદાતાઓ અને કરસલાહકારો સાવ જુદા જ કારણથી ધ્રૂજી રહ્યા છે! એમની આ ધ્રુજારી નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે જીએસટીઆર–૯ અને જીએસટીઆર ૯-સી ભરવા માટેની અંતિમ તારીખને લગતી છે. 
કરદાતાઓ અને વ્યાવસાયિક કરસલાહકારો સુધ્ધાંમાં હાલ એ વ્યાપક માન્યતા પ્રવર્તે છે કે ઉક્ત રિટર્ન/સ્ટેટમેન્ટ ભરવા માટેની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ છે. જેમ-જેમ આ તારીખ નજીક આવતી જાય છે તેમ-તેમ સૌની ચિંતા વધતી જાય છે. આવકવેરા કાયદા સહિત અન્ય કાયદાઓ હેઠળ વિવિધ પ્રકારે કાયદાપાલન સંબંધી નિર્દિષ્ટ અંતિમ તારીખો સામે જ્યારે સૌ ઝઝૂમી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે જીએસટી રિટર્ન ભરવા અંગેની આ ગૃહિત અંતિમ તારીખથી સૌની માનસિક તાણ વધે! અને એથી જ આ તારીખને લંબાવવા માટેની માગણી ધીરે-ધીરે જોર પકડતી જાય છે. 
પરંતુ પ્રશ્ન એ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે જીએસટીઆર–૯ અને જીએસટીઆર ૯-સી ભરવા માટેની છેલ્લી તારીખ શું ખરેખર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ છે? શું કરદાતાઓ અને કરસલાહકારો આ તારીખને અંતિમ તારીખ માનીને ચિંતા કરે એ વાજબી છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ અને સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ની અમુક કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ આવશ્યક છે. 
રજિસ્ટર્ડ કરદાતાએ અકાઉન્ટ્સ અને અન્ય રેકૉર્ડ્ઝ રાખવા સંબંધેની જોગવાઈઓ સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૩૫માં સમાવિષ્ટ છે. પ્રસ્તુત સેક્શન ૩૫ના સબ-સેક્શન ૫ની જોગવાઈ, જે ૩૧ જુલાઈ, ૨૦૨૧ સુધી અમલમાં હતી એ મુજબ જે કરદાતાનું નાણાકીય વર્ષ દરમિયાન કુલ ટર્નઓવર નિર્દિષ્ટ મર્યાદાથી વધુ હોય એણે ઑડિટેડ ઍન્યુઅલ અકાઉન્ટ્સ તથા સેક્શન ૪૪(૨)ની તત્કાલીન જોગવાઈ હેઠળ નિર્દિષ્ટ રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ સૂચિત તારીખ પહેલાં દાખલ કરવા આવશ્યક હતાં. ૩૧ જુલાઈ, ૨૦૨૧ પહેલાં અમલમાં રહેલા સેક્શન ૪૪ અંતર્ગત નિર્દિષ્ટ રજિસ્ટર્ડ કરદાતાએ ‘વાર્ષિક રિટર્ન’ ભરવા અંગેની જોગવાઈ સમાવિષ્ટ હતી. તત્કાલીન અમલમાં રહેલા પ્રસ્તુત સેક્શન ૪૪(૧)ની જોગવાઈ મુજબ પ્રત્યેક રજિસ્ટર્ડ કરદાતાએ સંબંધિત નાણાકીય વર્ષ માટે જીએસટીઆર–૯ ફોર્મમાં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત હતું, જે એણે પછીના વર્ષની ૩૧ ડિસેમ્બર પહેલાં દાખલ કરવું પડતું હતું. સાથે-સાથે અમુક નિર્દિષ્ટ પ્રકારના રજિસ્ટર્ડ કરદાતાઓએ પણ આ પ્રમાણે ૩૧ ડિસેમ્બર પહેલાં જીએસટીઆર ૯-સીમાં રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ અને એની સાથે ઑડિટેડ ઍન્યુઅલ અકાઉન્ટ્સ દાખલ કરવાં પડતાં હતાં. 
પરંતુ કરદાતાઓ અને ખાસ કરીને નાના તથા મધ્યમ કક્ષાના કરદાતાઓને આ જોગવાઈઓથી થતી હેરાનગતિને ધ્યાનમાં લઈને જીએસટી કાઉન્સિલે આ વાર્ષિક રિટર્ન અને રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ ભરવા અંગેની કાયદાકીય જોગવાઈઓમાં ધરખમ સુધારા કરવાની ભલામણો કરી હતી. આ ભલામણો છેવટે ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૧ના સેક્શન ૧૧૦ અને ૧૧૧ અન્વયે સેક્શન ૩૫ અને ૪૪માં સુધારારૂપે અમલમાં મૂકવામાં આવી હતી. અત્રે એ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રસ્તુત સેક્શન ૩૫ અને સેક્શન ૪૪માં કરવામાં આવેલા સુધારા ૩૦ જુલાઈ, ૨૦૨૧ના રોજ ઇશ્યુ કરવામાં આવેલા નોટિફિકેશન નં. ૨૯/૨૦૨૧ – સેન્ટ્રલ ટૅક્સ અન્વયે ૧ ઑગસ્ટ, ૨૦૨૧થી અમલી બનાવવામાં આવ્યા છે. 
સૌપ્રથમ તો ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૧ના સેક્શન ૧૧૦ અન્વયે સીજીએસટી ઍક્ટ, ૨૦૨૧ના સેક્શન ૩૫ના સબ-સેક્શન ૫ની જોગવાઈને જ સંપૂર્ણ રદબાતલ કરવામાં આવી છે. પરિણામે, રજિસ્ટર્ડ કરદાતાએ આ અગાઉ અમલમાં રહેલી પ્રસ્તુત જોગવાઈ અંતર્ગત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે કોસ્ટ અકાઉન્ટન્ટ પાસે વાર્ષિક અકાઉન્ટ્સ ઑડિટ કરાવીને એને જીએસટીઆર ૯-સીમાં રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ સાથે દાખલ કરવાની જે કાયદાકીય આવશ્યકતા હતી એ હવે રહેતી નથી. 
ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૧ના સેક્શન ૧૧૧ દ્વારા વાર્ષિક રિટર્ન સંબંધી જોગવાઈઓ જેમાં સમાવિષ્ટ હતી એ સેક્શન ૪૪ને બદલે સંપૂર્ણતઃ નવા સેક્શન ૪૪ને અમલમાં મૂકવામાં આવ્યું છે. ૧ ઑગસ્ટ, ૨૦૨૧થી અમલમાં આવેલા આ નવા સેક્શન ૪૪ના સબ-સેક્શન ૨ની જોગવાઈ મુજબ અમુક નિર્દિષ્ટ કરદાતાઓને બાદ કરતાં પ્રત્યેક કરદાતાએ પ્રત્યેક નાણાકીય વર્ષ માટે વાર્ષિક રિટર્ન (જીએસટીઆર–૯) અને સ્વ-પ્રમાણિત રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ (જીએસટીઆર ૯-સી) દાખલ કરવાનું રહે છે. આ રિટર્ન અને સ્ટેટમેન્ટ કરદાતાએ સૂચિત તારીખ પહેલાં દાખલ કરવાનાં રહેશે. 
વાર્ષિક રિટર્ન અને રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ દાખલ કરવા અંગેની સમયમર્યાદા અંગેની જોગવાઈ સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના રૂલ ૮૦ અંતર્ગત સમાવિષ્ટ છે, પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે ૧ ઑગસ્ટ, ૨૦૨૧થી સેક્શન ૩૫ અને ૪૪ની સુધારિત જોગવાઈઓ અમલમાં આવી હોવા છતાં પ્રસ્તુત રૂલ ૮૦માં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. રૂલ ૮૦ની પ્રવર્તમાન જોગવાઈ હજી પણ ૩૧ જુલાઈ, ૨૦૨૧ સુધી અમલમાં રહેલા સેક્શન ૩૫ અને ૪૪ની જોગવાઈઓને અનુલક્ષીને છે. પરિણામે, હાલ સેક્શન ૪૪(૨)ની નવી જોગવાઈ મુજબ નિર્દિષ્ટ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે વાર્ષિક રિટર્ન (જીએસટીઆર–૯) અને સ્વ-પ્રમાણિત રિ-કન્સિલિયેશન સ્ટેટમેન્ટ (જીએસટીઆર ૯-સી) દાખલ કરવા અંગે કોઈ તારીખ રૂલ ૮૦ હેઠળ સૂચિત કરવામાં આવી જ નથી. 
આ સંજોગોમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટે જીએસટીઆર–૯ અને ૯-સી દાખલ કરવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ને અંતિમ તારીખ ગણવાની સૌની માન્યતા પાયા વગરની અને અસ્થાને છે. એથી આ તારીખને નજર સામે રાખીને સૌકોઈ હાલ જે ચિંતા અને મૂંઝવણમાં છે એની પાછળ કોઈ નક્કર કાયદાકીય વજૂદ નથી. આ મુદ્દે ચિંતા કર્યા વગર સૌ જીએસટી કાઉન્સિલ કઈ તારીખ ઘોષિત કરે છે એની રાહ જુએ એ જ હિતાવહ છે. 

19 November, 2021 05:10 PM IST | Mumbai | Shailesh Sheth

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK