° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


બજારથી ઉપર જવાતું નથી, નીચે રહેવાતું નથી: માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ યથાવત‍્, ઑટો નરમ

19 November, 2022 01:29 PM IST | Mumbai
Anil Patel

સીએલએસએના ચાર્ટિસ્ટોને ૨૦૨૩માં ૨૧૮૫૦નો નિફ્ટી દેખાવા માંડ્યો, જૂન-જુલાઈનાં લેવલ રૉક બૉટમ ઃ એનડીટીવી ઉપલી સર્કિટ પછી મંદીની સર્કિટમાં, આર્ચિન કેમિકલ લિસ્ટિંગ નજીક આવતાં ગ્રે માર્કેટમાં ઝળક્યો ઃ બૅન્ક ઑફ બરોડા પોણો ટકો નરમ,

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ચાઇનામાં કોવિડ સંબંધી નિયંત્રણો હળવાં બનાવાઈ રહ્યાં છે ત્યાં બીજી તરફ નવા કેસની સંખ્યા વધવા માંડી છે અને એ રેકૉર્ડ હાઈની નજીક પહોંચી ગઈ છે. સરવાળે રીઓપનિંગ ઢીલમાં પડવાની આશંકા જાગે છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ ગગડીને ૯૦ ડૉલરની નીચે આવી ગયું છે. કૉપર, ઝ‌િન્ક અને ટિન જેવી ઇન્ડસ્ટ્રિયલ મેટલના વાયદા સવાબેથી સાડાચાર ટકા ગગડ્યા છે. ઍલ્યુમિનિયમ વાયદો એકાદ ટકો નરમ પડ્યો છે. શુક્રવારે એશિયન શૅરબજારો મહત્તમ અડધા ટકા જેવી વધ-ઘટે મિશ્ર હતાં. ચાઇના તથા સિંગાપોર હાફ પર્સન્ટ ડાઉન તો ઇન્ડોનેશિયા એટલું પ્લસ બંધ આવ્યું છે. સામે યુરોપ પૉઝિટિવ વલણમાં અડધા-પોણા ટકાની આસપાસ રનિંગમાં ઉપર દેખાયું છે. 

ઘરઆંગણે શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો હાથી પૂંછડીએ અટવાઈ પડ્યો છે. બજાર બે વખત ૬૨૦૦૦ની પાર થયું, પણ બંધમાં ત્યાં ટકી શક્યું નથી. નો પ્રૉબ્લેમ, ૨૦૨૨ની વિદાય સુધી તો નવાં શિખર નક્કી જ છે. સીએલએસએના ટેક્નિકલ ઍનલિસ્ટો કહે છે કે બજારમાં વધ-ઘટે જે સુધારાનો ટ્રેન્ડ શરૂ થયો છે એ ૨૦૨૩ના પૂર્વાર્ધમાંય જળવાઈ રહેશે, જેમાં નિફ્ટી ૨૧૮૫૦ સુધી જઈ શકે છે. મતલબ કે ૭૨૦૦૦ આસપાસનો સેન્સેક્સ થયો. આ તો થોડી દૂરની વાત થઈ, હાલનું કહીએ તો શુક્રવારે બજાર પૉઝિટિવ ઓપનિંગ બાદ તરત ૧૮૦ પૉઇન્ટના સુધારામાં ઉપરમાં ૬૧૯૩૦ થયું હતું અને સીધી લપસણી મારી બે કલાકથીય ઓછા સમયમાં ૫૬૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયું હતું. ત્યાર પછી સાંકડી રેન્જમાં ઉપર-નીચે થઈ ૬૧૩૩૭નું ઇન્ટ્રા-ડે બૉટમ બતાવ્યું હતું. શૅરઆંક છેવટે ૮૭ પૉઇન્ટ ઘટીને ૬૧૬૬૩ બંધ થયો છે. નિફ્ટી ૩૬ પૉઇન્ટના ઘટાડે ૧૮૩૦૮ હતો. ગઈ કાલે બન્ને બજારોનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં હતાં. માત્ર પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકો વધ્યો છે. નવા બેસ્ટ લેવલે પણ ગયો છે. આઇટી તથા રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ યથાવત્ હતા. માર્કેટ બ્રેડ્થ ખરાબ જ રહી છે. એનએસઈમાં વધેલા ૭૧૮ શૅરની સામે ૧૨૬૭ શૅર ઘટીને બંધ હતા. સ્મૉલકૅપ ઇન્ડેક્સ આમ તો અડધો ટકો જ ઘટ્યો છે, પરંતુ એના ૯૬૦માંથી ૬૧૫ શૅર માઇનસ હતા. બ્રૉડર માર્કેટ ૭૨ પૉઇન્ટ જેવું સામાન્ય નરમ હતું છતાં અહીં ૫૦૧માંથી ૩૪૬ શૅર ઘટ્યા છે. 

વિશાલ બેરિંગ્સ જંગી કામકાજ સાથે ઉપલી સર્કિટ મારીને નવા બેસ્ટ લેવલે
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ તેમ જ નિફ્ટીના ૫૦માંથી ૩૫ શૅર ડાઉન હતા. મહિન્દ્ર અઢી ટકાની વધુ ખરાબીમાં ૧૨૨૭ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ લૂઝર રહ્યો છે. બજાજ ઑટો ૧.૮ ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૨ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૬ ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકા, આઇશર દોઢ ટકા, બજાજ ફાઇ. ૧.૬ ટકા, સિપ્લા ૧.૪ ટકા બગડ્યા છે. હિન્દુસ્તાન યુનિલીવર એક ટકો વધીને ૨૪૮૩ના બંધ  બજારને સૌથી વધુ ૧૯ પૉઇન્ટ ફળ્યો છે. સ્ટેટ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફી, તાતા મોટર્સ સાધારણથી લઈ એકાદ ટકો જેવા પ્લસ હતા. રિલાયન્સ નીચામાં ૨૫૭૨ દેખાડી નહીંવત્ પીછેહઠમાં ૨૫૯૭ હતો. અદાણી પાવર ૦.૩ ટકા, અદાણી વિલ્મર ૧.૭ ટકા, અદાણી ટોટલ અઢી ટકા, અદાણી ગ્રીન પોણો ટકો ઘટ્યા છે. એસીસી સાધારણ સુધર્યો હતો. અદાણીના અન્ય શૅર સામાન્ય વધ-ઘટે હતા. એનડીટીવી માથે ઓપન ઑફર વચ્ચે ઇન્ટ્રા-ડેમાં એક વધુ ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૪૪૪ થયા પછી મંદીની સર્કિટમાં ૪૦૨ બતાવી ત્યાં જ બંધ રહ્યો છે. 

વિશાલ બેરિંગ્સ રોજના સરેરાશ ૨૮૯૫ શૅરની સામે ગઈ કાલે ૨.૨૨ લાખ શૅરના જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૦ની નવી ટોચે ગયો હતો. આઇએફબી ઇન્ડસ્ટ્રીઝ અઢી ગણા કામકાજે ૧૫.૭ ટકાના જમ્પમાં ૧૦૮૧ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૮.૭ ટકા, પૉલિસી બાઝાર આઠ ટકા તો ગ્રેફાઇટ ઇન્ડિયા સાત ટકા ઊંચકાયા હતા. ચલેટ હોટેલ્સ પોણાત્રણ ગણા કામકાજમાં ૩૫૭ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૩૦૪ થઈ સવાદસ ટકાની ખરાબીમાં ૩૧૮ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર હતો. સમ્રાટ ફાર્મા નીચલી સર્કિટમાં ૮૦૩ થયા બાદ ઉપરમાં ૮૪૬ બતાવી અઢી ટકા ઘટીને ૮૨૪ રહ્યો છે. દરમ્યાન સોમવારે આર્ચિન કેમિકલનો ઇશ્યુ લિસ્ટિંગમાં જવાનો છે. બેના શૅરદીઠ ૪૦૭ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધીને ૧૧૨ જેવાં થઈ ગયાં છે. 

સરકારી બૅન્કોના જોરમાં પીએસયુ બૅન્ક નિફ્ટી વિક્રમી સપાટીએ, બંધન બૅન્ક ડાઉન 

બજારની એકંદર વ્યાપક નબળાઈ વચ્ચે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૩૮૮૪ની સર્વોચ્ચ સપાટી બનાવી દોઢ ટકા વધી ૩૮૪૯ના નવા બેસ્ટ લેવલે બંધ થયો છે. જોકે બૅન્ક નિફ્ટી ૨૧ પૉઇન્ટ જેવા મામૂલી ઘટાડે સુસ્ત હતો. એના ૧૨માંથી ૬ શૅર પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૩ શૅર વધ્યા છે. ઇન્ડિયન બૅન્ક ૨૭૫ની નવી ટૉપ બનાવી પોણો ટકો વધી ૨૭૪ રહી છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાત્રણ ગણા કામકાજે ૨૬ નજીક નવા શિખરે જઈને ૮.૭ ટકાની મજબૂતીમાં ૨૫ હતો. પીએનબી ૪૭ નજીકની ઐતિહાસિક ઊંચી સપાટી બાદ સાડાત્રણ ટકા વધી ૪૬ તથા યુનિયન બૅન્ક ૭૪ ઉપરની નવી ટોચે પહોંચીપાંચ ટકાની આગેકૂચમાં ૭૪ થયો છે. યુકો બૅન્ક ૪.૬ ટકા વધીને પોણાસોળની આસપાસ વર્ષના શિખરે બંધ આવી છે. 
ઇક્વ‌િટાસ સ્મૉલ બૅન્કમાં ડીએસપી ઇન્વે. મૅનેજર્સ પ્રા.લિ. દ્વારા ૧૦ ટકા હિસ્સો લેવાયાની વાત છે. શૅર જોકે અડધો ટકો વધ્યો છે. આઇઓબી ૫.૪ ટકા મજબૂત થયો છે. સેન્ટ્રલ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, જેકે બૅન્ક સવાબેથી સવાચાર ટકા અપ હતા. સૂર્યોદય સ્મૉલ બૅન્ક, ઉજ્જીવન બૅન્ક, ફેડરલ બૅન્ક, ડીસીબી બૅન્ક, સિટી યુનિયન બૅન્ક દોઢ-બે ટકા બગડ્યા છે. બંધન બૅન્ક ૨૧૨ના નવા વર્સ્ટ લેવલે જઈ દોઢ ટકાની નરમાઈમાં ૨૧૭ રહ્યો છે. ૧૩૯માંથી ૮૭ શૅર ઘટવા છતાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ લગભગ ફ્લૅટ બંધ આવ્યો છે. પૉલિસી બાઝાર આઠ ટકાના ઉછાળે ૪૦૩ હતો. પેટીએમ આગલા દિવસના સવાદસ ટકાના ધબડકા બાદ નીચામાં ૫૨૭ બતાવી સવા ટકો સુધરી ૫૪૬ તો એલઆઇસી પોણો ટકો ઘટીને ૬૩૯ બંધ આવ્યો છે. ટૂરિઝમ ફાઇ. કૉર્પો, આઇઆઇએફએલ, પૈસા લો ડિજિટલ પાંચથી પોણાસાત ટકા ઊંચકાયા હતા. હુડકો ચાર ટકા કટ થયો છે. રેપ્કો હોમ, આવાસ, મણપ્પુરમ અને સાટિન ક્રેડ‌િટ ત્રણથી પોણાચાર ટકા તૂટ્યા છે. 
ઇઝી ટ્રિપ બોનસ અને શૅર વિભાજનની પૂર્વસંધ્યાએ ઘટ્યો, બિકાજીમાં નવું બૉટમ 

તાજેતરમાં લિસ્ટેડ થયેલી બિકાજી ફૂડ્સ ૩૦૩નું નવું વર્સ્ટ બૉટમ બનાવી ૧.૪ ટકા ઘટી ૩૧૭ થઈ છે. ગ્લોબલ હેલ્થ સવા ટકાની નરમાઈમાં ૪૧૪ નજીક રહી છે. ડીસીએક્સ સિસ્ટમ્સ ૨૬૦નું વર્સ્ટ લેવલ દેખાડી અઢી ટકાના બાઉન્સ બૅકમાં ૨૬૭ વટાવી ગઈ હતી. પેસ ઈ-કૉમર્સ એક વધુ મંદીની સર્કિટમાં પાંચ ટકા ગગડી ૩૯ની સૌથી નીચી સપાટીએ ગઈ છે. ડેપ્સ ઍડ્વર્ટાઇઝિંગ પણ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૭ના સૌથી નીચા ભાવે બંધ આવી છે. વાઇટલ કેમટેક ઉપલી સર્કિટમાં પાંચ ટકા ઊછળી ૧૪૮ની વિક્રમી સપાટીએ રહી છે. રેટન ટીએમટી ૧૮૦ની સર્વોચ્ચ સપાટી નોંધાવી દોઢ ટકો વધીને ૧૭૪ હતી. 

વિમેન્સ વેર સેગમેન્ટમાં જાણીતી ટીસીએનએસ ક્લોધિંગ્સમાં પ્રમોટર્સ ટીએ અસોસિએટ્સનો ૨૯ ટકા હિસ્સો ખરીદવા રિલાયન્સ રીટેલ, નાયકા, આદિત્ય બિરલા ફૅશન્સ, ટ્રેન્ટ ઇત્યાદિને રસ હોવાના અહેવાલ છે. શૅર ઉપરમાં ૫૯૯ થયા બાદ બે ટકા ઘટીને ૫૮૨ બંધ થયો છે. ટીસીપીએલ પૅકેજિંગ બિઝનેસ આઉટલુક સ્ટ્રૉન્ગ હોવાની થીમમાં સવાત્રણ ગણા કામકાજે ૧૬૯૬ની મલ્ટ‌િયર ટૉપ બનાવી ૨૧૯ રૂપિયા કે ૧૫.૪ ટકાની તેજીમાં ૧૬૩૭ બંધ રહ્યો છે. પિરામલ ફાર્મા સવાસાત ટકા ઊછળીને ૧૩૬ વટાવી ગયો છે.
ઇઝી ટ્ર‌િપ પ્લાનર્સમાં શૅરદીઠ ત્રણ બોનસમાં એક્સ-બોનસ તથા બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની તારીખ ૨૧ નવેમ્બર છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૯૪ અને નીચામાં ૩૭૩ થઈ ત્રણેક ટકા ઘટીને ૩૮૧ બંધ આવ્યો છે. જેટ ઍરવેઝમાં રિવાઇલ પ્લાન ઘોંચમાં પડતાં કંપનીએ એના ૬૦ ટકા સ્ટાફને વગર પગારે ત્રણ મહિના માટે રજા પર ઉતારી દીધો છે. આ સમાચાર બજાર બંધ થયા પછી આવ્યા હતા. શૅર ગઈ કાલે પોણો ટકો ઘટીને ૭૭ની અંદર બંધ હતો. 
ઑટોની ગાડી વધુ રિવર્સમાં ચાલી, ઇન્ફી ટીસીએસ સાધારણ વધ-ઘટમાં

ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૧૫માંથી ૧૧ શૅરના ઘટાડે સર્વાધિક સવા ટકો કે ૩૬૪ પૉઇન્ટ ડાઉન હતો. અહીં મારુતિ સુઝુકી, આઇશર, બજાજ ઑટો, મહિન્દ્ર તથા ટીવીએસ મોટર્સ દોઢથી અઢી ટકા ડૂલ થયા હતા. હીરો મોટોકૉર્પ પોણો ટકો નરમ હતો. ઑટો કમ્પોનન્ટ્સ સેગમેન્ટમાં ૩૫ શૅર પ્લસ તો ૬૭ જાતો માઇનસ હતી. એલિકોન કાસ્ટ ઍલૉય, લુમેક્સ ઇન્ડ, ગેબ્રિયલ ઇન્ડિયા, જેટેક્ટ ઇન્ડિયા ચારથી બાર ટકા ઊંચકાયા હતા. અતુલ ઑટો ૩૨૨ના નવા શિખરે જઈને સાડાત્રણ ટકા વધી ૩૨૦ બંધ હતો. ૨૬ જૂને અહીં ૧૪૫નું બૉટમ બન્યું હતું. આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી માત્ર ૧૯ શૅર વધવા છતાં ફ્લૅટ રહ્યો છે. માસ્ટેક ૫.૪ ટકા બગડી ૧૫૩૭ના નવા તળિયે પહોંચ્યો છે. બ્લૅક સ્ટોન દ્વારા ટેકઓવરના કરન્ટમાં આગલા દિવસે મજબૂત રહેલો આર. સિસ્ટમ્સ ઉપરમાં ૨૭૯ થયા બાદ નીચામાં ૨૬૧ બતાવી ૩.૪ ટકાની નબળાઈમાં ૨૬૨ હતો. ઇન્ફી સાધારણ પ્લસ તો ટીસીએસ સામાન્ય નરમ હતા. વિપ્રો પોણા ટકાની નજીક ડાઉન હતો. 
ભારતી ઍરટેલ ૮૫૨ નજીક નવી વિક્રમી સપાટી હાંસલ કરીને એક ટકો ઘટી ૮૩૭, તો એનો પાર્ટપેઇડ દોઢ ટકો ઘટી ૪૬૨ બંધ હતો. વીંધ્ય ટેલિ ૧૦૫ રૂપિયા કે સાત ટકાના જમ્પમાં ૧૬૦૮ બંધ રહેતાં પહેલાં ઇન્ટ્રા-ડેમાં ૧૬૮૮ના બેસ્ટ લેવલે ગયો હતો. સ્ટરલાઇટ ટેક્નૉ સવાચાર ટકા ઊંચકાયો છે. પીવીઆર તથા આઇનોક્સ લિઝર દોઢ ટકો ઢીલા હતા. કોલ ઇન્ડિયા, સેઇલ, નાલ્કો, એનટીપીસી, પ્રેસ્ટિજ એસ્ટેટ, હિન્દુ. ઑઇલ, ચેન્નઈ પેટ્રો, જિન્દલ ડ્રિલિંગ દોઢથી ત્રણ ટકા માઇનસ થયા છે. 

19 November, 2022 01:29 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

વોડાફોનના સીઈઓ નિક રીડે આપ્યું રાજીનામું, આ છે કારણ…

નિકે તેમના કાર્યકાળ દરમિયાન ધ્યાન યુરોપ અને આફ્રિકા પર હતું

05 December, 2022 02:34 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ચાલો, જાણીએ મ્યુચ્યુઅલ ફન્ડનાં ઉદ્દેશો અને કાર્યોને

એકસમાન નાણાકીય લક્ષ્ય ધરાવતા મોટી સંખ્યામાં લોકો પાસેથી નાણાં એકત્રિત કરીને પછી એનું લિસ્ટેડ કંપનીઓના શૅર, કૉર્પોરેટ અને સરકારી બૉન્ડ્સ અને અન્ય મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા બહુવિધ વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે.

05 December, 2022 01:05 IST | Mumbai | Khyati Mashru Vasani

ઘઉંમાં તોળાતી તેજી : સરકારી સ્ટૉકનાં તળિયાં દેખાવાનો અંદાજ

ગરીબ કલ્યાણ યોજનામાં સરકારે ઘઉંના બદલે ચોખાની માત્રા વધારી છતાં સ્ટૉકની સ્થિતિ ચિંતાજનક : ઘઉંના વાવેતરમાં ચાલુ વર્ષે થયેલો પાંચ-સાત ટકાનો ઘટાડો રિકવર થવાનો અંદાજ

05 December, 2022 01:02 IST | Mumbai | Mayur Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK