Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાઇના મેટલ શૅરોમાં મારફાડ તેજીનું કારણ બન્યું, ત્રણ દિવસ બાદ બજારમાં સુધારો

ચાઇના મેટલ શૅરોમાં મારફાડ તેજીનું કારણ બન્યું, ત્રણ દિવસ બાદ બજારમાં સુધારો

30 July, 2021 09:13 AM IST | Mumbai
Anil Patel

તત્ત્વ ચિંતન ઇન્ટ્રા-ડેમાં ૨૫૦૦ વટાવી ૧૧૩ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે બંધ, ઝોમૅટો મજબૂત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાતા સ્ટીલ સાતેક ટકા અને હિન્દાલ્કો દસ ટકાના ઉછાળે નવા શિખર સાથે બેસ્ટ ગેઇનરઃ તત્ત્વ ચિંતન ઇન્ટ્રા-ડેમાં ૨૫૦૦ વટાવી ૧૧૩ ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે બંધ, ઝોમૅટો મજબૂત : બલરામપુર ચીનીમાં બાયબૅક તથા તેજસનેટમાં ટેકઓવરનો કરન્ટ, ગ્લોબ ટેક્સ્ટાઇલ્સમાં બોનસ અને સ્પ્લિટની રેકૉર્ડ ડેટ હવે ૪ ઑગસ્ટની : માન ઍલ્યુમિનિયમમાં એનએસઈ અને બીએસઈ વચ્ચેનો ભાવફરક સંકડાયો : પરિણામ સાધારણ રહેતાં કોલગેટમાં ફ્રેશનેસ ગાયબ

યુએસ ફેડ તરફથી વ્યાજદરમાં વધારાની હાલ કોઈ ઉતાવળ નહીં હોવાના નિર્દેશ પાછળ ગુરુવારે વિશ્વ બજારો વત્તે-ઓછે અંશે સુધારાના મૂડમાં રહ્યાં છે. ઘરઆંગણે તેની સાથે જુલાઈ ડેરિવેટિવ્સનું સેટલમેન્ટ હોવાનું કારણ ભળતાં બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહી ૨૦૯ પૉઇન્ટ વધીને બંધ આવ્યું છે. નિફ્ટી ૬૯ પૉઇન્ટના સુધારે ૧૫૭૭૮ થયો છે. આ સાથે બજારની ત્રણ દિવસની નરમાઈ અટકી છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૩ શૅર પ્લસ હતા, તાતા સ્ટીલ ૬.૯ ટકાની તેજીમાં સેન્સેક્સ ખાતે તો હિન્દાલ્કો દસ ટકાથી વધુના ઉછાળે નિફ્ટી ખાતે નવી વિક્રમી સપાટી સાથે ટૉપ ગેઇનર બન્યા છે. ચાઇના ઑગસ્ટથી એક્સપોર્ટ-ડ્યુટી ૧૦થી ૨૫ ટકાની રેન્જમાં વધારશે એવી હવા પાછળ મેટલ શૅરોમાં જબરો જમ્પ આવ્યો હતો. જાતેજાતમાં તેજી હતી. સંખ્યાબંધ કાઉન્ટર નવા શિખરે અને / અથવા તેજીની સર્કિટે ગયા હતા. નફામાં ધારણા કરતાં વધુ ખરાબ દેખાવની અસરમાં મારુતિ સુઝુકી સવાબે ટકા ખરડાઈ ૭૦૦૦ની નીચે બંધ આપી બંને બજાર ખાતે ટૉપ લૂઝર બન્યો છે. બાય ધ વે, ૧૭ ટકાની નફા વૃદ્ધિ સાથે સાધારણ રિઝલ્ટના પગલે કોલગેટ પામોલિવ પણ સાડાચાર ટકાથી વધુની ખરાબીમાં ૧૭૦૯ બંધ આવ્યો છે.



બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારા વચ્ચે અડધા ટકાની આસપાસ, ૧૫૮ પૉઇન્ટ વધી ૩૪૬૯૧ બંધ હતો. સ્ટેટ બૅન્ક ચાર ટકાથી વધુના ઉછાળે ૪૪૩ બંધ આપી ટૉપ ગેઇનર રહી છે. પીએનબી ૩.૪ ટકા અપ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી આમ તો પોણા ટકા કરતાં ઓછો સુધર્યો છે, પરંતુ અત્રે બૅન્ક ઑફ મહારાષ્ટ્રનો અડધા ટકાની કમજોરીને બાદ કરતાં બાકીની ડઝન જાતો સારી એવી વધી હતી, જેમાં યુનિયન બૅન્ક ૯.૨ ટકા, કૅનેરા બૅન્ક ૫.૧ ટકા અને પંજાબ-સિંધ બૅન્ક ૪.૬ ટકાની તેજી સાથે મોખરે હતા. તાતા મોટર્સમાં વિચિત્ર ચાલ છે. મહત્તમ ૨૦૦૦ કરોડની ધારણા સામે કંપનીએ ૪૪૦૦ કરોડથી વધુની નેટ લોસ કરી છે. કંપનીના ગ્રોથને બૂસ્ટ આપે એવું કોઈ કારણ નજીકમાં દેખાતું નથી છતાં શૅર ટકેલો છે. ગઈ કાલે તો ભાવ ત્રણ ટકા વધીને ૨૯૩ બંધ રહ્યો છે જે માટે વાહનોના ભાવમાં વધારાની યોજનાનું કારણ અપાય છે. જોકે આ વાત ચારેક દિવસ જૂની છે. પરિણામ જાહેર થયા ત્યારે જ મૅનેજમેન્ટ તરફથી ભાવવધારો કરવાની વાત થઈ હતી તો પછી એની અસર ચાર દિવસ બાદ કેવી રીતે આવે? આ બધા ખેલ છે. બજાર ફંડામેન્ટલ્સ છોડીને વર્ચ્ચુઅલ રિયલિટીની દુનિયામાં મહાલી રહ્યા હોય, કેસિનો કલ્ચરની બોલબાલા હોય ત્યાં કોઈ લોજિક કામમાં ન આવે.


તત્ત્વ ચિંતનનું મારફાડ લિસ્ટિંગ ઃ ૧૧૩ ટકા પ્રીમિયમે બંધ આવ્યો

શૅરદીઠ ૧૦૮૩ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા મૂડીબજારમાં આવેલી બરોડાસ્થિત તત્ત્વ ચિંતનનો આઇપીઓ ૧૮૦ ગણો ભરાઈ ગયો હતો. ગ્રે માર્કેટમાં પણ સતત ફેન્સી હતી. ૪૦૦ રૂપિયાથી શરૂ થયેલા પ્રીમિયમ વધીને ૧૧૩૫ થઈ ગયા હતા. અમે અવારનવાર રહ્યું હતું લિસ્ટિંગમાં ૨૧૦૦ પાક્કા અને કેટલાક જાણકારો તો ૨૫૦૦નું લેવલ જોઈ રહ્યા છે અને તદાનુસાર છપ્પરફાડ રીટર્ન મળ્યું છે. શૅર લિસ્ટિંગમાં ગઈ કાલે બીએસઈ ખાતે ૨૧૧૨ નજીક ખૂલ્યો, જે તેની બૉટમ હતી. ઉપરમાં ૨૪૮૬ થઈ અંતે ૨૩૧૦ રૂપિયા બંધ થયો છે. એનએસઈમાં ભાવ ૨૧૧૨ નજીક ખૂલી ઉપરમાં ૨૫૩૪ વટાવી ગયો હતો. છેલ્લે બંધ ૨૩૧૨ આવ્યો છે. મતલબ કે ઇશ્યુ પ્રાઇસની તુલનામાં ૧૧૩ ટકાનું રીટર્ન થયું. બંને બજાર ખાતે કુલ મળીને ૮૮ લાખ શૅરના કામકાજ થયા હતા. તાજેતરમાં લિસ્ટેડ થયેલો ઝોમૅટો ગઈ કાલે ઉપરમાં ૧૪૪ થઈ ૭.૭ ટકા વધી ૧૪૨ રૂપિયા બંધ આવ્યો છે. જીઆર ઇન્ફ્રા દોઢ ટકાના ઘટાડે ૧૭૨૦ રૂપિયા, ક્લીન એનર્જી એક ટકો ઘટી ૧૬૧૬ રૂપિયા, દુડલા ડેરી નજીવો ઘટી ૬૧૧ રૂપિયા, ક્રિશ્ના ઇન્સ્ટિટ્યૂટ્સ કે કિમ્સ બે ટકા વધી ૧૨૨૩ રૂપિયા, ઇન્ડિયા પેસ્ટીસાઇડ્સ પોણો ટકો ઘટી ૩૩૩ રૂપિયા, શ્યામ મેટલિક્સ ચાર ટકાની મજબૂતીમાં ૪૩૭ રૂપિયા તો સોના કોમસ્ટાર ૪ ટકા ઊંચકાઈને ૪૩૫ રૂપિયા બંધ હતા. તત્ત્વ ચિંતનના શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયાની છે.


કાર્દા કન્સ્ટ્ર.માં બોનસ અને શૅર વિભાજનની રેકૉર્ડ ડેટ જાહેર

કાર્દા કન્સ્ટ્રકશન્સમાં બે રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન કરવાની તથા શૅર દીઠ ૪ શૅર બોનસ આપવાની જાહેરાત અગાઉ આવી હતી. ગઈ કાલે આ માટેની રેકૉર્ડ ડેટ જાહેર કરાઈ છે. રેકૉર્ડ ડેટ ૧૩ ઑગસ્ટ છે. આથી શૅર ૧૨ ઑગસ્ટના રોજ એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થશે. આની પાછળ ભાવ એનએસઈ ખાતે ૨૦૩ રૂપિયા ઉપર ઑલટાઇમ હાઈ બનાવી પોણા ટકા નજીકના સુધારામાં ૧૯૫ નજીક બંધ રહ્યો છે. બીએસઈમાં શૅર ૨૦૨ પ્લસનું બેસ્ટ લેવલ દર્શાવી નજીવા ઘટાડે ૧૯૨ બંધ રહ્યો છે. કુલ મળીને સાડાત્રણ લાખ શૅરથી વધુના કામકાજ હતા. આ કાઉન્ટર ૨૨૦ વટાવતાં વધ-ઘટે ઝડપથી ૨૫૦ આસપાસ જવાની વાત જાણકારો લાવ્યા છે. દરમિયાન રિયલ્ટી ઇન્ડેક્સ ગુરુવારે દોઢ ટકો વધ્યો છે. સનટેક રિયલ્ટી ૩૯૯ની નવી ઊંચી સપાટી બનાવી ૪.૭ ટકાની મજબૂતીમાં ૩૯૫ આસપાસ બંધ આવ્યો છે.

તેજસનેટ તાતા ગ્રુપના હસ્તક, ૨૫૮ના ભાવે ઓપન ઑફર...

તાતા ગ્રુપની તાતા સન્સ તથા અન્ય કંપનીઓ તરફથી ૧૮૫૦ કરોડ રૂપિયામાં તેજસનેટને હસ્તગત કરવાની જાહેરાત કરાઈ છે, જેના ભાગરૂપ ૨૬ ટકા પબ્લિક હોલ્ડિંગ ખરીદવા નિયમ મુજબ ઓપન ઑફર આવશે. ઓપન ઑફર શૅરદીઠ ૨૫૮ના ભાવે કરાશે. આ અહેવાલ પાછળ તેજસનેટ ગઈ કાલે પાંચ ટકાની તેજીની સર્કિટે ૨૪૬ રૂપિયાની મલ્ટિયર ટોચે બંધ રહ્યો છે. કંપનીનો આઇપીઓ જૂન ૨૦૧૭માં શૅરદીઠ ૨૫૮ના ભાવે આવ્યો હતો. સાઇઝ ૭૭૬ કરોડની હતી, ભરણું ૧.૯ ગણું ભરાયું હતું. શૅરની વર્ષની બૉટમ ૫૫ રૂપિયાની તથા ઑલટાઇમ લો ૨૯ રૂપિયાની છે, જે મે ૨૦૨૦માં બની હતી. ઑલટાઇમ હાઈ જૂન ૨૦૧૮માં ૪૪૫ રૂપિયાની નોંધાઈ હતી. કંપનીએ બોનસ કે શૅર વિભાજન કર્યું નથી. ફેસવૅલ્યુ ૧૦ની છે. માત્ર ૨૦૧૮/૧૯ના વર્ષ માટે એક જ વખત અત્યાર સુધીમાં ડિવિડન્ડ આપ્યું છે અને એ પણ માત્ર ૧૦ ટકાનું. દરમિયાન ગઈ કાલે તેજસનેટ ઉપરાંત હિમાચલ ફ્યુચરિસ્ટિક્સ ૫ ટકા વધી ૭૨ની નજીક, એમટીએનએલ ૪.૮ ટકા વધી ૨૨, જીટીપીએલ ૩.૨ ટકા વધી ૧૯૩ રૂપિયા બંધ હતા. 

હજારી જમ્પ સાથે મેટલ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ, જાતેજાતમાં તેજી

ચાઇના દ્વારા હોટ રોલ્ડ કોઇલ સહિતની સ્ટીલ પ્રોડક્ટ્સની નિકાસ ઉપરની ડ્યુટીમાં ઑગસ્ટથી નવો ૧૦થી ૨૫ ટકા વધારો થવાની શક્યતાના પગલે મેટલ શૅરને ઘરઆંગણે વધવાનું નવું કારણ મળી ગયું છે. નિફ્ટી મેટલ ૫૮૫૨ની નવી વિક્રમી સપાટી બનાવી ૫ ટકા કે ૨૭૮ પૉઇન્ટના ઉછાળે ૫૮૧૧ બંધ આવ્યો છે તેની ૧૫માંથી ૧૨ જાતો નરમ હતી. વેલકોર્પ ૩ ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા તથા એપીએલ એપોલો અડધો ટકો નરમ હતા. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ કોલ ઇન્ડિયા સિવાયના બાકીના નવ શૅરોની આગેકૂચમાં ૨૧૩૭૫ની ઑલટાઇમ હાઈ બતાવી ૫.૫ ટકા કે ૧૧૧૪ પૉઇન્ટના જમ્પમાં ૨૧૨૨૪ બંધ આવ્યો છે. ૩૦ જુલાઈ ૨૦૨૦ના રોજ આ આંક ૭૭૧૦ હતો. તાતા સ્ટીલ ૧૪૮૧ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૬.૯ ટકાની તેજીમાં ૧૪૫૯ રૂપિયા, હિન્દાલ્કો ૪૬૧નું બેસ્ટ લેવલ હાંસલ કરીને ૧૦.૧ ટકાના જોરમાં ૪૫૮ રૂપિયા, નાલ્કો ૯૩ ઉપર નવી ટોચે જઈ ૮.૭ ટકા ઊચકાઈ ૯૩ રૂપિયા, વેદાન્તા ૬.૯ ટકાના ઉછાળે ૨૮૮ રૂપિયા બંધ હતા. જેએસડબલ્યુ સ્ટીલ ૩.૭ ટકા, સેઇલ છ ટકા, જિંદાલ સ્ટીલ ૪.૩ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૧.૮ ટકા તથા એનએમડીસી ૫ ટકા વધ્યા છે. ગઈ કાલે આયર્ન તથા સ્ટીલ સેગમેન્ટના ૮૫ શૅર વધ્યા હતા, સામે ઘટેલા શૅરની સંખ્યા ૩૬ની હતી.  

ગ્લોબ ટેક્સ્ટાઇલમાં શૅર વિભાજન તથા બોનસ માટે રેકૉર્ડ ડેટ ૪ ઑગસ્ટ

માત્ર એનએસઈમાં લિસ્ટેડ ગ્લોબ ટેક્સ્ટાઇલમાં એક શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ ડેટ ૩૦ જુલાઈના બદલે હવે ૪ ઑગસ્ટ જાહેર થઈ છે. શૅર ૩ ઑગસ્ટના રોજ એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૧૩ નજીક નવા શિખરે બંધ આવ્યો. માન ઍલ્યુમિનિયમ જે શૅરદીઠ એક બોનસમાં સોમવારે એકસ-બોનસ થવાનો. એના બીએસઈ તથા એનએસઈ ખાતેના ભાવમાં ખાસ્સો પાંચ રૂપિયાનો ફરક હોવાથી આર્બિટ્રેજવાળાને જલસા થવાનો અમે અહીંથી નિર્દેશ કર્યો હતો. ગઈ કાલે ભાવ બીએસઈ ખાતે અડધા ટકાથી વધુ ઘટી ૩૯૨ થયો છે સામે એનએસઈમાં શૅર ટકો વધીને ૩૯૫ બંધ આવ્યો છે. હજી ત્રણ રૂપિયાનો ઝોલ છે. બલરામપુર ચીની મિલ્સની ૯ ઑગસ્ટના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં શૅરના બાયબૅકનો એજન્ડા સામેલ થતાં ભાવ સાડાત્રણ ગણા કામકાજમાં ૩૮૭ના નવા શિખરે જઈને આઠ ટકાની મીઠાસમાં ૩૭૬ નજીક બંધ રહ્યો છે. લોઢા તરફથી પાલવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ખાતેની ૨૨ એકર જમીન જૅપનીઝ કંપનીને વેચી છે. કેટલામાં એ આંકડો જાહેર થયો નથી, પરંતુ લોઢા ગ્રુપની મેક્રોટેક ડેવલપર્સના શૅરમાં કોઈ હલચલ નથી આવી. ભાવ સરેરાશ કરતાં માંડ દસ ટકાના વૉલ્યુમમાં નહીંવત્ ઘટાડે ૮૫૧ બંધ આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2021 09:13 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK