Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીએસટીના ફેરફાર સરકારની આવક વધારશે અને ભાવવધારાને બળ પણ આપશે

જીએસટીના ફેરફાર સરકારની આવક વધારશે અને ભાવવધારાને બળ પણ આપશે

04 July, 2022 02:08 PM IST | Mumbai
Jitendra Sanghvi

વ્યાજદરના વધારા પછીયે વિદેશી મૂડીનો આઉટફ્લો, રૂપિયાનો ઘસારો અને આયાતોનો વધારો ચાલુ જ

પ્રતીકાત્મક તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર


એક પછી એક દેશના પ્રગટ થતા ભાવવધારાના આંકડા વૈશ્વિક સ્તરે એના ફેલાવા અને ગંભીરતાનો ખ્યાલ આપે છે. તાજેતરમાં મળેલા જપાન, ફ્રાન્સ અને પાકિસ્તાનના આંકડા આ વાતનું સમર્થન કરે છે.

ગયા અઠવાડિયે આપણે ત્યાં કરાયેલા જીએસટીના મોટા ફેરફાર આપણી ભાવવધારાની સમસ્યામાં વધારો કરશે એમ માની શકાય. જૂન મહિને (સાઉથ-વેસ્ટ ચોમાસાનો પ્રથમ મહિનો) વરસાદની ખાધ (૮ ટકા) નોંધાઈ છે. જુલાઈ મહિને આખા દેશમાં ચોમાસું નૉર્મલ તારીખ કરતાં વહેલું બેસી ગયું છે, જે સારી વાવણી કરવામાં મદદરૂપ બનશે. ચાલુ મહિને વરસાદ નૉર્મલ રહેવાની આગાહી છે. ચોમાસું ધારણા પ્રમાણે નૉર્મલ રહે તો ભાવવધારા પર એની સારી અસર પડી શકે. જોકે એ વિશે હાલ પૂરતું ચોક્કસ કાંઈ કહી શકાય એમ નથી.



વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ પાછું ખેંચાતું રહે છે એટલે રૂપિયો ડૉલર સામે સતત ઘસાતો રહે છે, જેને કારણે ભાવવધારો વધતો રહ્યો છે.


અમેરિકા અને યુરોપિયન દેશોના રશિયા પરના વેપારી પ્રતિબંધોને કારણે રશિયા પાસેથી આપણને બજારભાવ કરતાં સસ્તા ભાવે ક્રૂડ ઑઇલ મળી રહ્યું છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે ૭૦થી વધુ દેશોએ ચાલુ વર્ષે વ્યાજદર વધાર્યા છે એટલે વિશ્વભરમાં આર્થિક સ્લોડાઉન (કદાચ મંદી)ની દહેશત વધતી જાય છે. એ સંજોગોમાં ક્રૂડની માગમાં ઘટાડો થઈ શકે એટલે ક્રૂડના ભાવ હાલ પૂરતા રેન્જ-બાઉન્ડ (બૅરલદીઠ ૧૧૦થી ૧૨૦ ડૉલર) રહે છે.

રશિયા પાસેથી મળતું સસ્તું ક્રૂડ અને વિશ્વમાં એના રેન્જ-બાઉન્ડ ભાવો આપણા આયાતના બિલને થોડે ઘણે અંશે સીમિત કરશે. સરકારે ક્રૂડ ઑઇલની નિકાસ પર ડ્યુટી નાખતાં આપણી ક્રૂડની નિકાસનો સંભવિત ઘટાડો પણ આપણા આયાતના બિલને મર્યાદિત બનાવશે. સરકારે સોના પરની આયાત ડ્યુટી પણ વધારી છે જે આપણી વેપારખાધ અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ મર્યાદિત કરવામાં સહાય કરશે.


આ બધા વચ્ચે જૂન મહિને જીએસટીની આવક છેલ્લાં પાંચ વર્ષની બીજા નંબરની સૌથી ઊંચી છે. કોર સેક્ટર ઇન્ડેક્સમાં મે મહિનામાં ૧૩ મહિનાનો સૌથી ઊંચો વધારો નોંધાયો છે તો જૂન મહિને ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ ૯ મહિનાનો સૌથી નીચો છે. પેટ્રોલ-ડીઝલના તેમ જ વીજળીના વપરાશમાં મોટા વધારા નોંધાયા છે.

માર્ચ ક્વૉર્ટરમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઘટી છે. ૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો મૂડીના આઉટફ્લોએ નવો વિક્રમ સરજ્યો છે તો પણ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી સતત ઘટી રહેલા વિદેશી હૂંડિયામણમાં જૂન ૨૪ના અઠવાડિયે વધારો થયો છે. રશિયા યુક્રેન યુદ્ધ પછીના ચાર મહિનામાં વિદેશી હૂંડિયામણમાં ૪૦ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે.

કોવિડ-19ના રોજના નવા કેસ ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ વચ્ચે સ્થિર થયા છે. જોકે ઍક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. હાલ પૂરતો મહામારીના ચોથા મોજાનો ભય સાવ ગયો નથી, પણ ઓછો જરૂર થયો છે. આ મોજું કે લહેર ન આવે તો આપણી આર્થિક રિકવરી ઝડપી બની શકે.

સરકાર ફિસ્કલ-૨૩ના અંદાજપત્રમાં જાહેર કરાયા પ્રમાણે સરકારી બૅન્કોના સંપૂર્ણ ખાનગીકરણ (થોડો હિસ્સો વેચવા દ્વારા કરાતું ડિસઇન્વેસ્ટમેન્ટ નહીં)ની દિશામાં આગળ વધી રહી હોવાના અહેવાલ છે. ક્રૂડ ઉત્પાદન કરતી દેશી કંપનીઓ (ઓએનજીસી, વેદાંતા અને ઑઇલ ઇન્ડિયા)ને સરકારે તેમનું ક્રૂડ રિફાઇનરીઓને વેચવા બાબતે સ્વતંત્રતા આપી છે. આમ સરકાર આર્થિક સુધારા બાબતે આગળ વધી રહી છે.

મુંબઈમાં બે દિવસ પડેલા ૨૩ ઇંચ વિક્રમજનક વરસાદે વાતાવરણમાં બદલાવ આવ્યો છે, પણ આઠ-દસ દિવસના હાઈ-પ‌િચ ડ્રામા પછી અને કેટલાક ક્લાઇમૅક્સ અને ઍન્ટિ-ક્લાઇમૅક્સ પછી મહારાષ્ટ્રમાં ફરી એક વાર બીજેપી-શિવસેનાના ગઠબંધનવાળી સરકાર રચાઈ છે. સંખ્યાબળના હિસાબે મોટો રાજકીય પક્ષ (આ કેસમાં બીજેપી) નાના રાજકીય પક્ષ (આ કેસમાં શિવસેનાના રિબેલિયન વિધાનસભ્યો)ને ટેકો આપે અને નાના પક્ષના વિધાનસભ્ય સરકારનું સુકાન સંભાળીને મુખ્ય પ્રધાન બન્યા હોય એવા ભૂતકાળના અનુભવ સુખદ નથી, એટલે આ વખતે એકનાથ શિંદેની સરકાર મહારાષ્ટ્રને કેટલી સ્થિર સરકાર આપી શકશે એ વિશે અનેક અટકળો થઈ રહી છે.

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ માથા પર છે. સાથે-સાથે દેશના રાષ્ટ્રપતિ (પ્રેસિડેન્ટ)ની ચૂંટણી માટેનો તખ્તો પણ તૈયાર થઈ ગયો છે. આડકતરી રીતે આ બધી રાજકીય ઘટનાઓ દ્વારા બીજેપીનો એક એજન્ડા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની જોરશોરથી તૈયારી શરૂ કરવાનો છે એ વાત સહેજેય સમજાય એવી છે.

વિશ્વભરમાં ભાવવધારો ફેલાઈ રહ્યો છે

જપાનમાં ભાવવધારો લોકોના વપરાશના બાસ્કેટની ચીજવસ્તુઓમાં ફેલાતો જાય છે. ધીમે-ધીમે કરીને આજે ઘરવપરાશની ૭૦ ટકા ચીજોના ભાવ વધી ગયા છે જે છેલ્લાં ૨૦ વર્ષનો સૌથી મોટો ફેલાવો છે. ઇન્પુટની વસ્તુઓને આભારી આ ભાવવધારાનો સામનો કારીગરો અને નોકરિયાત વર્ગના વેતનના વધારા દ્વારા અને મહામારીના અંકુશ દ્વારા કરાવો જોઈએ, નહીં કે વ્યાજદરના વધારા દ્વારા, એવો બૅન્ક ઑફ જપાનનો મત છે. ફ્રાન્સના ભાવ વધારાનો ૬.૫ ટકાનો દર ૨૦ વર્ષનો સૌથી ઊંચો છે. મુખ્યત્વે આ વધારો ઊર્જાના ૩૩ ટકા જેટલા મોટા ભાવવધારાને આભારી છે. તો પાકિસ્તાનનો ૨૧ ટકાનો ભાવવધારો છેલ્લાં ૧૩ વર્ષનો સૌથી ઊંચો છે.

ભારત સહિતના ઊભરતા દેશો માટે માત્ર ફ્યુઅલના જ ભાવો નહીં, પણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ ચિંતાનો વિષય બન્યો છે.

બૅન્ક ફૉર ઇન્ટરનૅશનલ સેટલમેન્ટ (કેન્દ્રવર્તી બૅન્કોની કેન્દ્રવર્તી બૅન્ક  બીઆઇએસ)ના મતે વિશ્વનું અર્થતંત્ર ઊંચા ભાવવધારાના યુગમાં પ્રવેશી રહ્યું છે. વિશ્વને માથે સ્ટેગફ્લેશનનું જોખમ એટલે વધતું જાય છે કે ભાવવધારાના આ સમયે આર્થિક વિકાસ માટેના સંયોગો તો નબળા છે જ, પણ એ સાથે નાણાકીય જોખમો પણ વધતાં જાય છે. રશિયાના યુક્રેન પરના આક્રમણ અને ચીનના લૉકડાઉને પરિસ્થિતિને વધારે ખરાબ કરી છે.

જીએસટીના વધારાથી ભાવ વધે, ભાવવધારાથી જીએસટીની આવક

૨૦૧૭ની ૧ જુલાઈએ અમલમાં આવેલા સ્વતંત્ર ભારતના ઇતિહાસના કરવેરા ક્ષેત્રના સૌથી ક્રાન્તિકારી જીએસટીના અમલને પાંચ વર્ષ પૂરાં થયાં. ઘણાબધા કરવેરા એમાં મર્જ કરાવાને લીધે એની પ્રક્રિયા એક રીતે સરળ બની. એની આવકમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો, કારણ કે બિઝનેસમાં રહેવા અને ટકવા માટેની ઘણી બધી છટકબારીઓ બંધ થઈ જતાં જીએસટીના નેટવર્કમાં જોડાવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહીં.

જૂન મહિનામાં ૫૬ ટકાના વધારા સાથેની ૧.૪૪ લાખ કરોડની કુલ આવક જીએસટીના ઇતિહાસમાં બીજા નંબરની સૌથી મોટી છે. જોકે આવકનો અમુક વધારો ચીજવસ્તુઓના ભાવવધારાને આભારી છે. માત્ર બ્રૅન્ડેડ ફૂડ આઇટમ જ નહીં, પૅકેટમાં વેચાતા દરેક ખાદ્ય પદાર્થ પર ૧૮ જુલાઈથી પાંચ ટકાનો જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવતાં ઘણા બધા ખાદ્ય પદાર્થોના ભાવો વધશે. પ્રવર્તમાન ભાવવધારો અસરકારક માગને ધીમી પાડી રહ્યો છે એવા સમયે જીઅસેટીના આવા ફેરફાર ભાવવધારાના પ્રશ્નને ઉગ્ર બનાવશે. સરકારની આવક વધશે, સાથે ભાવવધારો પણ. એનું સમાધાન શું?

એક બાજુ દેશમાં ચીજવસ્તુઓની માગ ઓછી થશે, બીજી તરફ અમેરિકા અને ઈયુ દેશોમાં સંભવિત મંદીને કારણે આપણી નિકાસો (ખાસ કરીને લેધર અને ટેક્સટાઇલ્સ) પણ ચાલુ નાણાકીય વર્ષે ૧૦થી ૨૦ ટકા ઘટવાના સંયોગ ઊભા થયા છે.

કેન્દ્ર દ્વારા રાજ્યોની જીએસટીની આવક ઘટે તો પહેલાં પાંચ વર્ષ માટે (જૂન ૨૦૨૨ સુધી) ચૂકવાતા વળતરની મુદત વધારાઈ નથી એટલે રાજ્યો માટે એમની આવક ઘટવાના ચાન્સ મજબૂત બન્યા છે.

રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી પછી પણ રૂપિયો ઘસાતો જાય છે

ડૉલર સામે રૂપિયાની કિંમત લગભગ ૭૯ (૨૯ જૂને ૭૮.૯૭)ને આંબી જઈ નવી નીચી સપાટીએ પહોંચી છે. માત્ર રૂપિયો જ નહીં, પણ એશિયાના અનેક દેશોનાં ચલણ ડૉલર સામે નબળાં પડ્યાં છે એ સંદર્ભે રૂપિયાની ડૉલર સામેની કિંમતનો સાપેક્ષ ઘટાડો થોડો ઓછો ગણાય.

જૂન મહિનમાં ૪૬,૦૦૦ કરોડ રૂપિયાનો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાયેલો આઉટફ્લો અત્યાર સુધીનો બીજા નંબરનો સૌથી મોટો માસિક આઉટફ્લો છે. આ સાથે ૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં ૨.૧૫ લાખ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે જે અત્યાર સુધીનો આવા ૬ મહિનાનો સૌથી મોટો આંકડો છે. રશિયા યુક્રેન યુદ્ધ પછીના ચાર મહિનામાં આ આઉટફ્લો ૨૧ બિલ્યન ડૉલર (૧.૭૦ લાખ કરોડ રૂપિયા)નો થયો છે. આ આઉટફ્લોએ સ્ટૉક માર્કેટમાં અનેક આશ્ચર્ય સરજ્યાં છે.

ભારતની ક્રૂડ ઑઇલની આયાત માટે રશિયા સૌથી મોટો સપ્લાયર દેશ બન્યો, ઇરાક ધકેલાયું નંબર બે પર

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતને જબ્બર આર્થિક ફટકો પડ્યો એ સાચું, પણ ભારતની ક્રૂડ ઑઇલની જરૂરિયાત માટે એ છૂપા આશીર્વાદ સાબિત થયો. અન્ય દેશોએ રશિયાથી થતી તેમની ક્રૂડની આયાત બંધ કરતાં રશિયાને એ જથ્થો ૩૦ ટકા ડિસ્કાઉન્ટથી ભારતને વેચવાની ફરજ પડી અને પરિણામે ક્રૂડની આયાત માટે રશિયા આપણો સૌથી મોટો સપ્લાયર દેશ બન્યો. ઇરાક ધકેલાયું નંબર બે પર. જોકે આ યુદ્ધ અનિશ્ચિત રીતે લંબાય તો ભારતને એ અનેક રીતે ભારે પડી શકે. એટલે ખરાબમાં ખરાબ પરિસ્થિતિના સામના માટે સજ્જ રહેવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ આપણે માટે બચ્યો નથી. 

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2022 02:08 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK