Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ-નિફ્ટીની સુસ્તી વચ્ચે સાઇડ કાઉન્ટર ડિમાન્ડમાં, રોકડું ખાસ્સું વધ્યું

સેન્સેક્સ-નિફ્ટીની સુસ્તી વચ્ચે સાઇડ કાઉન્ટર ડિમાન્ડમાં, રોકડું ખાસ્સું વધ્યું

23 September, 2021 01:53 PM IST | Mumbai
Anil Patel

ટાયર શૅરોમાં તેજીની હવા ભરાઈ, એમઆરએફ ૧૫૨૯ રૂપિયા ઊંચકાયો, બાલક્રિશ્ના નવી ઊંચી સપાટીએ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સોની સાથે સગપણ થતાં ઝી ગ્રુપના શૅરોમાં લાલી છવાઈ : ઝી પાછળ અન્ય મીડિયા શૅરોમાં ભળતો ઉછાળો, નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ મજબૂત : માઇન્ડ ટ્રી, લાર્સન-ટ્વીન્સ, માસ્ટેક, એમ્ફેસિસ, એચસીએલ ટેક્નો, સોનાટા, બ્રાઇટકૉમ બિરલા સોફ્ટ, ટેક મહિન્દ્ર સહિત ડઝન આઇટી શૅર નવા શિખરે : ટાયર શૅરોમાં તેજીની હવા ભરાઈ, એમઆરએફ ૧૫૨૯ રૂપિયા ઊંચકાયો, બાલક્રિશ્ના નવી ઊંચી સપાટીએ : રિયલ્ટી ઇન્ડેક્સ સાડા આઠ ટકા ઊછળ્યો, હાઉસિંગ ફાઇનૅન્સ શૅરો ડિમાન્ડમાં

બુધવારે સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ જેવી અતિ સામાન્ય વધ-ઘટ દાખવી સુસ્ત ચાલમાં ૭૮ પૉઇન્ટ ઘટી ૫૮૯૨૭ બંધ થયો છે. નિફ્ટી ૮૫ પૉઇન્ટ જેવી પરચૂરણ રેન્જ વચ્ચે અથડાઈ ૧૫ પૉઇન્ટ ઘટી ૧૭૫૪૭ જોવાયો છે. સેન્સેક્સ નિફ્ટીની સુસ્તી વચ્ચે સાઇડ કાઉન્ટર્સ ખાસ્સા લાઇમ-લાઇટમાં હતા. બીએસઈનો સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૮૯૫માંથી ૬૪૭ શૅરની આગેકૂચમાં સવા ટકાનો મિડ કૅપ ઇન્ડેકસ ૧૦૬માંથી ૭૦ શૅરના સુધારામાં દોઢ ટકા ઊંચકાયો છે. બીએસઈ-૫૦૦ અર્થાત બ્રોડર માર્કેટનો આંક આમ તો ૦.૩ ટકા જ વધ્યો છે પરંતુ તેના ૫૦૧ શૅરમાં ઘટેલા શૅરની સંખ્યા ફક્ત ૧૫૧ હતી, આના કારણે માર્કેટ બ્રેડ્થ ખાસ્સી હકારાત્મક રહી છે. નિફ્ટીના ૫૦માંથી ૨૭ તો સેન્સેક્સના ૩૦માંથી ૧૫ વધેલા શૅરમાં ટેક મહિન્દ્ર ૩.૭ ટકાની મજબૂતી સાથે બેસ્ટ પર્ફોમર બન્યો છે. બૅન્કિંગ, ફાઇનૅન્સ તેમ જ એફએમસીજીની સામાન્ય પીછેહઠ બાદ કરતાં બજારના બાકીના સેક્ટોરલ પ્લસ હતા. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૧૩.૬ ટકાની તેજીમાં સૌથી મોખરે હતો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ દસે-દસ શૅરમાં ઝમક સાથે ૮.૫ ટકાના જમ્પમાં નવા શિખરે ગયો છે. નોઇડા ખાતે એક જ દિવસમાં ૫૭૫ કરોડનાં રહેણાક વેચાયાના અહેવાલે ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧૯૭૩ની વિક્રમી સપાટી દેખાડી ૧૩ ટકાની તજીમાં ૧૯૫૦ હતો. આ ઉપરાંત ડીએલએફ ૧૧.૬ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૮.૮ ટકા, ફિનિક્સ છ ટકા, શોભા છ ટકા અને ઓબેરોય રિયલ્ટી ત્રણ ટકા અપ હતા. રિયલ્ટી પાછળ હાઉસિંગ ફાઇનૅન્સ શૅર જેમ કે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, એલઆઇસી હાઉસિંગ, એસઆરજી હાઉસિંગ, કેનફીન હોમ્સ ૫થી સાડા છ ટકા તો રેપ્કો હોમ, પીએનબી હાઉસિંગ અને જીઆરસી હાઉ. ત્રણ સાડા ત્રણ ટકા વધ્યા છે.  
સોની સાથે મર્જરની જાહેરાતથી ઝી ગ્રુપના શૅરોમાં તેજીની ચાલ
મૅનેજમેન્ટ કન્ટ્રોલ ટકાવી રાખવાના જંગમાં ઝી એન્ટરટેઇનમેન્ટના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તરફથી બુધવારની વહેલી સવારે સોની પિકચર્સ નેટવર્કસ ઇન્ડિયા સાથે અણધાર્યા, ઘડિયા લગ્નની જાહેરાત કરવામાં આવી છે. મર્જરની યોજના હાલ તો નોન-બાઇન્ડિંગ એગ્રીમેન્ટ સ્વરૂપની હોવાથી પ્રાથમિક તબક્કે કહી શકાય. આગામી ૯૦ દિવસ દરમ્યાન વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી બન્ને પક્ષો તેને આખરી ઓપ આપશે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ગોએલ ગ્રુપના વર્ચસ્વને કંપનીમાંથી ખતમ કરવા મેદાને પડેલા વિદેશી ઇક્વિટી ફન્ડ મર્જરની યોજના તેમ જ તેના ભાગરૂપ નવી કંપનીમાં પુનિત ગોએન્કાને પાંચ વર્ષ સુધી સુકાની તરીકે સ્વીકારવા તૈયાર થશે ખરા?  ઝી એન્ટરમાં પ્રમોટર્સ ગોએલ ફૅમિલીનો હિસ્સો માંડ ચાર ટકા પણ નથી અને તેમાંથી પણ ૫૨.૭ ટકા માલ તો ગિરવે પડ્યો છે. સામે એફઆઇઆઇ ૫૭.૫ ટકાનું હોલ્ડિંગ ધરાવે છે. ૧૦ ટકા માલ વીમા કંપનીઓ પાસે અને આઠ ટકાથી વધુ હોલ્ડિંગ મ્યુ. ફન્ડો પાસે છે. વળી મર્જરનો રેશિયો ક્યો નક્કી થાય છે તે પણ મહત્ત્વનું છે.
મર્જરની સ્કીમ પ્રમાણે સોની તરફથી ઝી એન્ટર.માં આશરે ૧૨૦૦૦ કરોડનું રોકાણ કરાશે, બદલામાં નવી કંપનીમાં તેનો હિસ્સો ૫૨.૯ ટકાથી વધુનો હશે. કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં બહુમતી સોનીની રહેશે, પણ કંપનીના મૅને. ડિરે. અને સીઈઓ તરીકે પુનિત ગોએન્કા પાંચ વર્ષ ચાલુ રહેશે. 
મર્જરની જાહેરાતના પગલે ઝી એન્ટરનો શૅર ગઈ કાલે ઉપરમાં ૩૫૫ની વીસ માસની ટોચે જઈ ૩૧.૯ ટકાના ઉછાળે ૩૩૭ બંધ હતો. ઝી મીડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨.૩૬ તથા ઝી લર્ન ૧૪.૩ ટકા ઊંચકાઇ ૧૬ રૂપિયા નજીક બંધ હતા. આ બન્ને કંપનીઓમાં પણ ગોએલ ગ્રુપના વર્ચસ્વ સામે કેટલાક મોટા રોકાણકારોએ વિરોધ શરૂ કરી દીધો છે. ડીશ ટીવી એક ટકો વધી ૧૯.૮૦ બંધ હતો. ઇપીએલ ૨.૩ ટકા વધીને ૨૫૬ રહ્યો છે. ઝી મીડિયામાં પ્રમોટર્સ ગોએલ ફૅમિલી સાડા આઠ ટકા હોલ્ડિંગ ધરાવે છે. તેમાંથી ૬૨.૩ ટકા માલ ગિરવે છે. ઝી લર્નમાં તેમનું હોલ્ડિંગ ૨૧.૭ ટકા છે અને અહીં ૫૦ ટકાથી વધુ માલ ગિરવે છે. 
ન્યુક્લિયસમાં બાયબૅકનો કરન્ટ, એમ્ફેસિસ નવા બેસ્ટ લેવલે
ન્યુક્લિયસ સોફ્ટવેર તરફથી શૅરના બાયબૅક માટે ૨૪મીએ બોર્ડ મીટિંગની નોટિસ લાગતા ભાવ ગઈ કાલે ૧૫ ગણા કામકાજમાં ઉપરમાં ૬૧૨ થઈ અંતે ૧૨.૨ ટકાની તેજીમાં ૫૯૪ બંધ રહ્યો છે. તો એમ્ફેસિસ તરફથી અમેરિકન કંપની બ્લીન્ક યુએક્સને ૯૪૦ લાખ ડૉલર (આશરે ૭૦૦ કરોડ રૂપિયા)માં હસ્તગત કરવાની જાહેરાત આવતાં શૅર ૩૩૦૧ના નવા બેસ્ટ લેવલે જઈ ૧.૮ ટકા વધી ૩૨૫૬ બંધ હતો. દરમ્યાન આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ૬૦માંથી ૪૬ શૅરના સુધારામાં ૩૫૭૦૫ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૨૨૧ પૉઇન્ટ વધી ૩૫૪૩૭ બંધ થયો છે. ઇન્ફી સુધારાની આગેકૂચમાં ૧૭૩૯ થઈ સહેજ ઘટાડે બંધ હતો. ટીસીએસ ઉપરમાં ૩૮૯૭ થયા બાદ અઢી રૂપિયા ઘટ્યો હતો. ટેક મહિન્દ્ર અઢી ગણા કામકાજમાં ૧૫૨૭ની નવી ઊંચી સપાટી હાંસલ કરી ૩.૭ ટકાના જમ્પમાં ૧૫૧૪ હતો. એચસીએલ ટેક્નો ૧૩૨૮ની નવી વિક્રમી સપાટી બાદ ૧.૩ ટકા વધી ૧૩૧૬ તથા માઇન્ડ ટ્રી ૪૫૭૦ની ઑલટાઇમ હાઈ બાદ ૩.૯ ટકાના ઉછાળે ૪૫૨૪ હતો. લાર્સન-ટ્વીન્સ પણ નવા શિખરે ગયા છે. લાર્સન ઇન્ફ્રોટેક ૫૮૮૦ની વિક્રમી સપાટી દેખાડી ૧.૮ ટકા વધી ૫૮૪૦ બંધ થતાં તેનું માર્કેટ કૅપ ૧.૦૨ લાખ કરોડને વટાવી ગયું છે. લાર્સન ટેક્નોલૉજીસ ૪૭૪૫ની લાઇફટાઇમ હાઈ બનાવી બે ટકા ઊંચકાઈને ૪૬૮૩ હતો. માસ્ટેક બમણા કામકાજ સાથે ૩૧૬૭ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૫.૯ ટકાની તેજીમાં ૩૧૪૨ રહ્યો છે. સોનાટા સોફ્ટવેર તગડા વૉલ્યુમ સાથે ૯૪૪ની નવી ટૉપ બનાવી ૬.૮ ટકાની તેજીમાં ૯૨૯ થયો છે. ઝેનટેક, પર્સિસ્ટન્ટ, બિરલા સોફ્ટ, કેપીઆઇટી, બ્રાઇટકૉમ, ઇન્ડિયા માર્ટ, ક્વીકહીલ ૩.૮ ટકાથી લઈ ૬.૪ ટકા સુધી પ્લસ હતા. 
આઇટીની હૂંફ તથા ઝીના જોરમાં ટેક્નોલૉજી ઇન્ડેક્સ નવા શિખરે
આઇટીની હૂંફની સાથે ઝી ગ્રુપના શૅરોમાં તેજીની આગેવાની ભળતાં ટેક્નોલૉજી ઇન્ડેક્સ ૧૫૮૬૧ની નવી વિક્રમી સપાટી બતાવી એક ટકો વધી ૧૫૭૮૦ બંધ હતો. ઝીના ઉછાળા પાછળ અન્ય મીડિયા શૅરમાં પણ ભળતી તેજી દેખાઈ છે. ટીવી-૧૮ બ્રોડકાસ્ટ ૬.૭ ટકા, સન-ટીવી ૪.૬ ટકા, જાગરણ પ્રકાશન ૩.૨ ટકા, હેથવે કૅબલ ૪.૬ ટકા, એનડી-ટીવી સતત ત્રીજી ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૯૬ રૂપિયા બંધ હતા. આ ઉપરાંત બાલાજી ટેલિફિલ્મ્સ સવા છ ટકા, આઇનોક્સ લિઝર ૧૧.૫ ટકા, પીવીઆર ૩.૯ ટકા, નેટવર્ક ૧૮ મીડિયા ત્રણ ટકા પ્લસ હતા. ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૮૪, સારેગામા પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૩૯૦૮ના નવા શિખરે, શેમારુ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૬૯ તો ઇરોઝ ઇન્ટરનૅશનલ પાંચ ટકા વધી ૨૦ રૂપિયા બંધ થયા છે. મુકતા આર્ટસ ૪.૯ ટકા અપ હતો. પ્રીતિશ નાંદી કૉમ્યુ. ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૪૧ને વટાવી ગયો છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૨૨૬૮ના નવા બેસ્ટ લેવલે જઈ ૧૩.૬ ટકાની તેજીમાં ૨૨૦૫ બંધ આવ્યો છે, તેના ૧૦માંથી ૧૦ શૅર પ્લસ હતા. 
દરમ્યાન બૅન્ક નિફ્ટી બારમાંથી ૫ શૅરના સુધારા વચ્ચે ૨૯૧ પૉઇન્ટ નરમ હતો તો પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો વધ્યો હતો. તેના ૧૩માંથી બે શૅર નરમ હતા. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની ૩૫ જાતોમાંથી ૨૦ પ્લસ હતી. ઇન્ડિયન બૅન્ક ૧.૬ ટકા, સીએસબી બૅન્ક દોઢ ટકા, કૅનેરા બૅન્ક સવા ટકા, આરબીએલ ૧.૮ ટકા અને ડીસીબી ૧.૩ ટકા અપ હતા. સામે કોટક બૅન્ક ૧.૨ ટકા, આઇડીબીઆઇ ૧.૮ ટકા, એચડીએફસી બૅન્ક એક ટકા તથા એકસીસ બૅન્ક પોણો ટકો ઢીલા હતા. એક રસપ્રદ બાબત તરીકે બુધવારે શરાબ કંપનીઓના ૧૫ શૅરમાંથી ૧૫ શૅર વધ્યા છે. ગ્લોબસ સ્પિરિટ પાંચ ટકાના ઉછાળે ૧૩૭૯ હતો. 
જીજી એન્જિનિયરિંગ ઇલે. વ્હીકલ્સ માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવશે
મુંબઈના મલાડ ખાતેની જીજી એન્જિનિયરિંગ ગઈ કાલે સાડા બાર લાખ શૅરથી વધુના વૉલ્યુમમાં ઉપરમાં ૨૨ નજીક જઈ પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૮.૯ ટકા ઘટી ૧૯ રૂપિયા જેવો બંધ રહ્યો છે. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયાની છે. કંપની જુલાઈ-૨૦૧૭માં ૧૦ના શૅરદીઠ ૨૦ રૂપિયાના ભાવે બીએસઈના એસએમઈ પ્લૅટફૉર્મ માટે આઇપીઓ લઈને આવી હતી. કંપનીએ જૂન ૨૦૨૧માં ત્રણ શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન કર્યું હતું. કંપની ટૂંકમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉત્પાદન શરૂ કરવા માગે છે. ટૂ-થ્રી વ્હીલર્સ તથા ફોર વ્હીલર્સનું ચાર્જિંગ તેનાથી કરી શકાશે. ઇલેક્ટ્રીક વ્હીકલ્સ ઉપર સાર્વત્રિક ફોક્સ જોતાં તેના ચાર્જિંગ સ્ટેશનની ડિમાન્ડને સારો અવકાશ છે. શૅર છેલ્લા કેટલાક દિવસથી કૉન્સોલિડેશન મૂડમાં છે. નીચા લેવલે હાઈ નેટવર્થ બાઇંગ આવતું રહે છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૪ ટકા જેવું છે. દરમ્યાન ડોંબિવલીની બીઇડબ્લ્યુ એન્જિનિયરિંગ લિસ્ટિંગ બાદ તેજીમાં સતત વધતી રહી ગઈ કાલે પાંચ ટકાની સર્કિટમાં ૧૬૩ નજીક નવા શિખરે બંધ હતી. તો પ્રોવિઝન ફિગર પ્રમાણે પારસ ડિફેન્સનો આઇપીઓ બીજા દિવસે કુલ મળીને ૪૦ ગણા જેવો તથા રીટેલમાં ૬૮ ગણો ભરાઈ ગયો હોવાના અહેવાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 01:53 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK