° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021


શું શો-કૉઝ નોટિસ ઇશ્યુ કર્યા વિના કરદાતા પાસેથી કરની વસૂલાત થઈ શકે?

07 May, 2021 11:28 AM IST | Mumbai | Shailesh Sheth

શું ડિપાર્ટમેન્ટ કરદાતા પાસેથી કોઈ પણ કારણોસર કરની વસૂલાત શો-કૉઝ નોટિસ ઇશ્યુ કર્યા વિના કરી શકે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શું ડિપાર્ટમેન્ટ કરદાતા પાસેથી કોઈ પણ કારણોસર કરની વસૂલાત શો-કૉઝ નોટિસ ઇશ્યુ કર્યા વિના કરી શકે? શું કરદાતા ફૉર્મ જીએસટી ડીઆરસી-૦૧એમાં મળેલા સ્ટેટમેન્ટની સામે ફરજિયાતપણે પેમેન્ટ કરવા બંધાયેલો છે? શું ઑડિટ અધિકારીઓ ઑડિટ દરમિયાન જે ડિમાન્ડ કાઢે એ મુજબ કરદાતાએ પેમેન્ટ કરવું પડે? શું કરદાતાની પૂછપરછ કે એની સામેની તપાસ દરમિયાન ડિપાર્ટમેન્ટ કરદાતાને કોઈ પણ પ્રકારના કરની ભરપાઈ કરવાની ફરજ પાડી શકે?

ઉપરોક્ત પ્રશ્નો કરદાતાઓને સતત મૂંઝવતા રહ્યા છે અને એ સંદર્ભે કરદાતા અને ડિપાર્ટમેન્ટ વચ્ચે સતત વિવાદો સર્જાતા રહે છે. નિર્વિવાદપણે, જે દાવાઓ કરવામાં આવે છે એનાથી વિપરીત રેવન્યુ અધિકારીઓ સતત ‘કેસ’ (Case or demands) અને ‘કૅશ’ (Cash or Collections)ના લક્ષ્યાંકોને પાર પાડવાના દબાણ હેઠળ જ જીવતા હોય છે. પરિણામે આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તેઓ પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંતોને નેવે મૂકી દે એમાં કશું આશ્ચર્યજનક નથી! 

કરદાતા પાસેથી સીજીએસટીએ ૨૦૧૭ના સેક્શન ૭૩ કે ૭૪ હેઠળ શો-કૉઝ નોટિસ ઇશ્યુ કર્યા વિના કરની કોઈ પણ પ્રકારે વસૂલાત કરી શકે નહીં. પ્રસ્તુત કાયદાકીય જોગવાઈઓ જીએસટી પહેલાં અમલમાં રહેલા સેન્ટ્રલ એક્સાઇઝ ઍક્ટ, ૧૯૪૪ના સેક્શન ૧૧એ તથા ફાઇનાન્સ ઍક્ટ, ૧૯૯૪ના સેક્શન ૭૩ અથવા પ્રવર્તમાન કસ્ટમ્સ ઍક્ટ, ૧૯૬૨ના સેક્શન ૨૮ પર જ આધારિત છે. તેથી આ કાયદાકીય જોગવાઈઓના પરિપ્રેક્ષ્યમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંતો પર નજર નાખીએ. 

મેટલ ફૉર્જિંગ્સ વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે કેવળ સૂચન કે સલાહ ધરાવતા પત્રને શો-કૉઝ નોટિસ ગણી શકાય નહીં. આનું કારણ એ છે કે કાયદાનુસાર સંબંધિત કાનૂની જોગવાઈ હેઠળ શો-કૉઝ નોટિસ ઇશ્યુ કરવી ફરજિયાત છે અને એને કોઈ પત્રવ્યવહાર કે ઑર્ડરના ભાગ તરીકે ઇશ્યુ કરી શકાય નહીં. આ નોટિસમાં ડિમાન્ડની રકમનો ઉલ્લેખ કરવો અને એની સામે કરદાતાને રજૂઆતની તક આપવી અનિવાર્ય છે. ડિપાર્ટમેન્ટ તરફથી કરદાતાને મળતા દરેક પત્ર કે ઑર્ડરને શો-કૉઝ નોટિસ કહી શકાય નહીં. આ કાનૂની સિદ્ધાંતનું અન્ય અનેક કાનૂની ચુકાદાઓમાં પ્રતિપાદન થતું રહ્યું છે. 

પ્રસ્તુત કાયદાકીય સિદ્ધાંત જીએસટીના કાયદા અંતર્ગત પણ લાગુ પડે છે. તેથી ડિપાર્ટમેન્ટ સેક્શન ૭૩ કે ૭૪ની જોગવાઈનું પાલન કર્યા વિના અને એ અંતર્ગત શો-કૉઝ નોટિસ ઇશ્યુ કર્યા વિના કરદાતા પાસેથી કરની કોઈ વસૂલાત કરી શકે નહીં. આ જ સિદ્ધાંત ઑડિટ અધિકારીઓ દ્વારા ઑડિટ દરમિયાન કોઈ પણ મુદ્દે કરવામાં આવતી ડિમાન્ડને પણ લાગુ પડે છે. જ્યાં સુધી સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના રૂલ ૧૪૨(૧એ) અંતર્ગત કરદાતાને શો-કૉઝ નોટિસ ઇશ્યુ કરતાં પહેલાં ફૉર્મ જીએસટી ડીઆરસી-૦૧એ હેઠળ જે સ્ટેટમેન્ટ ઇશ્યુ કરવાની જોગવાઈ છે એનો હેતુ કેવળ કરદાતાને પ્રસ્તાવિત કરની જવાબદારી અંગે આગોતરી જાણ કરવાનો છે, જેથી કરદાતા ઇચ્છે તો જરૂરી રકમ ભરપાઈ કરીને કાનૂની લડતની લાંબી પ્રક્રિયાને ટાળી શકે. પ્રસ્તુત ફૉર્મ ડીઆરસી-૦૧એમાં પ્રસ્તાવિત ડિમાન્ડ કરદાતા પર લગીરે બંધનકર્તા નથી અને કરદાતા એની સામે રજૂઆત કરીને શો-કૉઝ નોટિસનો આગ્રહ રાખી શકે છે. 

એ જ પ્રમાણે કરદાતાની પૂછપરછ કે એની સામેની તપાસ દરમિયાન એની પાસેથી યેનકેન પ્રકારેણ ડિમાન્ડ વસૂલ કરવાની ઘટના સામાન્ય છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિઓ અપનાવીને રેવન્યુ અધિકારીઓ કરદાતાને અધિકારીઓએ નક્કી કરેલી અને તેમની મરજી મુજબની કરની રકમ ભરપાઈ કરવાની ફરજ પાડતા હોય છે. બળજબરીથી વસૂલ કરવામાં આવતી આ ડિમાન્ડને ત્યાર બાદ ‘સ્વૈચ્છિક’ કહીને અધિકારીઓ સઘળી જવાબદારીમાંથી છટકી જવાની પેરવી કરતા હોય છે. આ પ્રમાણે કરવામાં આવતી વસૂલાત પણ સંપૂર્ણતઃ ગેરકાયદે છે. ડિપાર્ટમેન્ટની આ ગેરકાનૂની કાર્યવાહીની ગંભીર નોંધ લઈને તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટે ભૂમિ અસોસિએટ્સ વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં અત્યંત સખત શબ્દોમાં એની ઝાટકણી કાઢી છે અને દૂરગામી અસરો ધરાવતાં અમુક સૂચનો પણ કર્યાં છે, જેથી આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. અત્રે શ્રી નંદી દાલ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ ડીજીજીએસટીના કેસમાં મદ્રાસ હાઈ કોર્ટે ૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ આપેલો ચુકાદો પણ ઉલ્લેખનીય છે. આ કેસમાં કાયદાનુસાર જીએસટી લાગુ ન પડતો હોવા છતાં રેવન્યુ અધિકારીઓએ  કરદાતાની પૂછપરછ દરમિયાન એને અંદાજે બે કરોડ રૂપિયા જેટલી કરની રકમ ‘સ્વૈચ્છિક’ ભરવાની ફરજ પાડી હતી. કંપનીએ આ ચુકવણી કર્યા બાદ એની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને છેવટે હાઈ કોર્ટમાં ધા નાખી હતી. સમગ્ર હકીકતોની નોંધ લઈને હાઈ કોર્ટે છેવટે આ કરની વસૂલાતને સદંતર ગેરવાજબી અને ગેરકાનૂની ઠેરવીને કરદાતાને સંપૂર્ણ રકમ પરત કરવાનો ડિપાર્ટમેન્ટને હુકમ કર્યો હતો.  કાયદા હેઠળ ઉપલબ્ધ પારાવાર અને નિરંકુશ સત્તા અને બીજી બાજુ ઉત્તરદાયિત્વના સદંતર અભાવનું રેવન્યુ અધિકારીઓના આ મનસ્વી અને ગેરકાનૂની વલણમાં પ્રતિબિંબ પડે છે. કરવસૂલીના લક્ષ્યાંકો હાંસલ કરવાનું દબાણ કેવળ ‘બળતામાં ઘી હોમવાનું’ જ કામ કરે છે! છેવટે એક ‘લક્ષ્ય આધારિત’ કરવ્યવસ્થા ‘જુલમી’ કરવ્યવસ્થા બની રહે એમાં શી નવાઈ છે?

07 May, 2021 11:28 AM IST | Mumbai | Shailesh Sheth

અન્ય લેખો

પ્રોવિઝનલ અટૅચમેન્ટની કાયદાકીય જોગવાઈનો વ્યાપ અમર્યાદપણે વધારતા સુધારાની ભીતરમાં

પાછલા લેખમાં આપણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૮૩ હેઠળ કમિશનરને ઉપલબ્ધ પ્રોવિઝનલ અટૅચમેન્ટની સત્તા તથા એના દુરુપયોગ સામે કરદાતાઓને રક્ષણ પૂરું પાડતા વિવિધ હાઈ કોર્ટના ચુકાદાઓ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી

18 June, 2021 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુઝ શૉર્ટમાં: કમિશન પાછું આપશે એચડીએફસી બૅન્ક, વાંચો બીજા સમાચાર

ઑટો લોનની સાથે જીપીએસ ડિવાઇસ આપવાની ગેરરીતિના કેસમાં એચડીએફસી બૅન્કે ગ્રાહકોને જીપીએસ ડિવાઇસનું કમિશન પાછું આપવાની જાહેરાત કરી છે

18 June, 2021 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અર્થતંત્રને ફરી ચેતનવંતું બનાવવા માટે ત્રણ લાખ કરોડના પૅકેજની જરૂર : CII

સરકારે દેશના અર્થતંત્રમાં પ્રાણ પૂરવા માટે ત્રણ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પૅકેજ જાહેર કરવું જોઈએ, એવો મત ઔદ્યોગિક સંસ્થા કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ વ્યક્ત કર્યો છે.

18 June, 2021 12:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK