Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં લાલચથી કે ગભરાટથી નહીં, અનુભવથી અને તટસ્થતાથી લાભ લઈ શકાય છે

શૅરબજારમાં લાલચથી કે ગભરાટથી નહીં, અનુભવથી અને તટસ્થતાથી લાભ લઈ શકાય છે

12 April, 2021 01:01 PM IST | Mumbai
Khyati Mashru Vasani

એક આખા વર્ષ દરમિયાન કોરોનાના રોગચાળાની સ્થિતિ, ક્રૂડ ઑઇલના ભાવ, કેન્દ્રીય બજેટની જાહેરાતો, અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતા વગેરે પરિબળો કામ કરી ગયાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગલી ક્રિકેટર અને વિરાટ કોહલી જેવા પ્રોફેશનલ ક્રિકેટરમાં ઘણો તફાવત હોય છે એ વાતને તમે સ્વીકારો છો? ગલી ક્રિકેટરની પણ પોતાની એક આગવી શૈલી હોય છે અને એ પણ મૅચ જીતી બતાવતો હોય છે, પરંતુ વિરાટ કોહલીના સ્તરે પહોંચવા માટે કંઈક વિશેષ જોઈતું હોય છે, ખરુંને?

ઉક્ત મુદ્દાને આપણે રોકાણના સંદર્ભમાં જોઈએ. ગયા વર્ષના માર્ચ મહિના બાદ શૅરબજારમાં ઘણી જ ઊતર-ચડ થઈ છે. એક આખા વર્ષ દરમિયાન કોરોનાના રોગચાળાની સ્થિતિ, ક્રૂડ ઑઇલના ભાવ, કેન્દ્રીય બજેટની જાહેરાતો, અર્થતંત્રમાં નાણાંની પ્રવાહિતા વગેરે પરિબળો કામ કરી ગયાં છે.



સ્ટૉક માર્કેટમાં તેજી આવે કે તરત જ ઉત્સાહી સમાચાર ચૅનલો, બીજાં પ્રસાર માધ્યમો, પરિવારજનો અને મિત્રો-પરિચિતો તમારા નાણાકીય સલાહકાર બની જાય છે અને તમને શૅરબજારમાંથી ઝડપી કમાણી કરી લેવાને લગતી ઘણી સલાહો આપવા માંડે છે. નાણાં સહેલાઈથી મળી જાય એ સ્થિતિ સૌને ગમે, પણ શું શૅરબજારમાં ઊંચું વળતર મેળવવું એ બોલવા જેટલી સહેલી વાત છે?


લોકો બધેથી જાતજાતની વાતો સાંભળીને અમારા જેવા નાણાકીય સલાહકારનો પણ મત મેળવવા આવતા હોય છે. શૅરબજાર તૂટ્યું ત્યારે મને પણ સંખ્યાબંધ લોકોના ફોન આવ્યા. તેમનો એક જ પ્રશ્ન હતો કે વધુ નુકસાનીથી બચવા માટે શૅરબજારમાંથી નાણાં ઉપાડી લેવા કે કેમ. ઇક્વિટી માર્કેટમાં ધબડકો બોલાયો હોય એવા વખતે દરેકને ચિંતા થાય એ સ્વાભાવિક છે. એ વખતે ઘણા રોકાણકારો એવા હશે જેમણે ૨૦૧૪ પછી શૅરબજારમાં રોકાણ શરૂ કર્યું હશે અને રોકાણ માંડ-માંડ થોડી સારી સ્થિતિમાં દેખાવા લાગ્યું હશે. એવામાં અચાનક જ ધડબડાટી બોલાઈ જાય તો ગભરાટ ફેલાય એ સમજી શકાય એવી વાત છે.

અહીં જણાવવું રહ્યું કે આજના વિશ્વમાં દરેક માણસ પર માહિતીનો રીતસરનો જોરદાર મારો ચલાવવામાં આવે છે. ઘરના ફુવારાની નીચે સરસમજાનું શાવર લેવામાં મજા આવે, પણ ઘણા ઊંચેથી મોટો ધોધ માથા પર પડે તો માથું ફાટી જવાનું જોખમ રહે છે. આવું જ માહિતીના ધોધને કારણે બની શકે છે. તમારા જીવનમાં જરાય જરૂર ન હોય એવી માહિતી પણ સતત તમારી પાસે આવ્યા કરતી હોય છે અને તમને મૂંઝવતી હોય છે.


દરરોજ બિઝનેસ ટીવી ચૅનલો પર કોઈ ને કોઈ નિષ્ણાત તમને શૅરની ખરીદી-વેચાણ અને સ્ટૉપ લોસ વિશે સલાહ-શીખામણ આપતા હોય છે. ઘણા ટેક્નિકલ ઍનૅલિસ્ટો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, મૂવિંગ ઍવરેજ કન્વર્ઝન્સ ડાઇવર્ઝન્સ, દોજી પૅટર્ન વગેરે શબ્દોનો મારો ચલાવીને તમને જ્ઞાન પીરસતા હોય છે. જો એ બધા લોકોની સલાહ સાંભળીને સંપત્તિનું સર્જન થતું હોય તો પછી તે લોકો બીજાને સલાહ આપીને પોતાની સંપત્તિમાં ભાગ પડી જાય એવું શું કામ કરતા હોય છે? જો તેમની સલાહથી જ પૈસાવાળા બની જવાતું હોય તો લોકો બીજો કામ-ધંધો મૂકીને આખો દિવસ ટીવી જોયા કરે, સલાહ પ્રમાણે રોકાણ કર્યા કરે અને સંપત્તિસર્જન સહેલાઈથી થયા કરે! પરંતુ ખરેખર એવું હોતું નથી.

સમાચાર ચૅનલ, નિષ્ણાતો વગેરે જે માહિતી આપે છે એ ફક્ત જાણકારી માટેની હોય છે. તમને રોકાણ વિશેની સમજ આપવા પૂરતો એનો ઉપયોગ બરાબર છે, પરંતુ ફક્ત એને કારણે માણસ શ્રીમંત બની જાય એ શક્ય નથી. એના આધારે પરિવારનું નાણાકીય આયોજન થઈ શકે નહીં.

કોરોનાને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિમાં ભવિષ્ય અનિશ્ચિત લાગતું હતું એવા વખતે મારી પાસે આવેલા લોકોને મેં એમ જ કહ્યું હતું કે કાળાં વાદળોને રૂપેરી કોર હોય છે. હું તેમને આ સલાહ આપી શકી, કારણ કે હું તટસ્થપણે અને નાણાકીય સલાહકાર બનવા માટે મળેલી તાલીમના બળે તેમને સલાહ આપવા સક્ષમ હતી. ગલી ક્રિકેટર અને પ્રોફેશનલ ક્રિકેટર વચ્ચે જે તફાવત હોય એ રોકાણજગતમાં પણ લાગુ પડે છે. નાણાકીય બાબતોમાં તટસ્થપણું ઘણું જ જરૂરી હોય છે.

આજે શૅરબજાર માર્ચ ૨૦૨૦ના સ્તરેથી લગભગ બમણું થઈ ગયું છે, પરંતુ હજી વૉલેટિલિટી ચાલુ છે. આવામાં જે માનસિક ઊથલપાથલ થાય એનો સામનો કરવામાં નાણાકીય સલાહકાર મદદરૂપ થઈ શકે છે, કારણ કે તેમને એ પ્રકારની તાલીમ મળેલી હોય છે અને પ્રોફેશનલ તરીકેનો અનુભવ પણ હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 01:01 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK