Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Business News In Short: રિયલ્ટી સેક્ટરની ૧૮ અબજ ડૉલરની લોન સંકટમાં : એનારોક અને બીજા સમાચાર એક ક્લિકમાં

Business News In Short: રિયલ્ટી સેક્ટરની ૧૮ અબજ ડૉલરની લોન સંકટમાં : એનારોક અને બીજા સમાચાર એક ક્લિકમાં

27 July, 2021 01:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્કો અને નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ તથા હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને આપેલી કુલ લોનમાંથી આશરે ૧૮ અબજ ડૉલર જેટલી લોન ગંભીર સંકટમાં છે, એવું પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૅન્કો અને નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ તથા હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને આપેલી કુલ લોનમાંથી આશરે ૧૮ અબજ ડૉલર જેટલી લોન ગંભીર સંકટમાં છે, એવું પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

જોકે એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી ૬૭ ટકા એટલે કે આશરે ૬૭ અબજ ડૉલરની લોન સંપૂર્ણપણે સંકટમુક્ત છે. કોવિડ રોગચાળાની અસર અર્થતંત્રનાં તમામ ક્ષેત્રોમાં થઈ છે. ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રની સંકટ હેઠળની લોનનું પ્રમાણ વધવાની આશંકા હતી, પરંતુ ખાસ કરીને રહેણાક સેગમેન્ટમાં બાંધકામ ક્ષેત્રની કામગીરી પ્રમાણમાં સારી રહી છે.



એનારોક કૅપિટલના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શોભિત અગરવાલે કહ્યા મુજબ ૨૦૧૯ના અંતે રિયલ એસ્ટેટ ક્ષેત્રને અપાયેલી ૯૩ અબજની લોનની આશરે ૧૬ ટકા લોન સંકટમાં હતી. કોરોનાના રોગચાળાની અસર થવા છતાં આજે ૧૦૦ અબજ ડૉલરની લોનમાંથી ફક્ત ૧૮ ટકા લોન સંકટમાં છે. આ સ્થિતિ ટેલિકૉમ અને સ્ટીલ ક્ષેત્ર કરતાં સારી છે.


રિયલ એસ્ટેટ ક્ષેત્રને અપાયેલી કુલ લોનમાંથી લગભગ ૬૩ ટકા લોન નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓએ આપી છે. બૅન્કોનો હિસ્સો ૩૭ ટકા છે. ગ્રેડ ‘એ’ના ડેવલપરોને અપાયેલા કુલ ધિરાણમાંથી ઓછામાં ઓછી ૭૫ ટકા લોન જોખમમુક્ત છે અને ‘બી’ તથા ‘સી’ ગ્રેડના ડેવલપરોને અપાયેલી લોનના મોટા ભાગના હિસ્સા પર નજર રાખવી જરૂરી છે.

બૅન્કોની એનપીએ ઘટીને ૮.૩૪ લાખ કરોડ રૂપિયા


સરકારે લીધેલાં વિવિધ પગલાંને કારણે બૅન્કોની નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) ગત ૩૧ માર્ચના અંતે ૬૧,૧૮૦ કરોડ રૂપિયા ઘટીને ૮.૩૪ લાખ કરોડ રૂપિયા થઈ છે, એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન ભાગવત કે. કરાડે સોમવારે જણાવ્યું હતું. કરાડે લોકસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે એનપીએની સમસ્યાનો પારદર્શક રીતે સ્વીકાર કરવાથી શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્કોની કુલ એનપીએ ૩૧ માર્ચ ૨૦૧૫ના રોજ ૩,૨૩,૪૬૪ કરોડ રૂપિયા હતી, જે વધીને ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૦,૩૬,૧૮૭ કરોડ રૂપિયા થઈ હતી. બૅન્કિંગ ક્ષેત્રે કરેલા સુધારા અને મૂડીકરણને કારણે એનપીએ ઘટીને ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ ૯,૩૩,૭૭૯ કરોડ રૂપિયા અને ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ ૮,૯૬,૦૮૨ કરોડ રૂપિયા થઈ હતી. અંદાજિત આંકડા મુજબ ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ એનું પ્રમાણ ૮,૩૪,૯૦૨ કરોડ રૂપિયા છે.

બીડીઆર ફાર્માએ ટૂ-ડીજીનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યા

બીડીઆર ફાર્માએ જણાવ્યા મુજબ કોવિડ-19ની સારવાર માટેની ટૂ-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ(ટૂ-ડીજી)નું ઉત્પાદન, વિતરણ અને માર્કેટિંગ કરવા માટે ડીઆરડીઓ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુક્લિયર મેડિસિન ઍન્ડ અલાઇડ સાયન્સિસ સાથે કરાર કરવામાં આવ્યા છે. કોવિડની સારવારમાં તાકીદની સ્થિતિમાં વાપરવા માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ગયા મહિને આ દવાને મંજૂરી આપી હતી.

 

કટોકટીથી બચવા માટે સરકાર નવી કરન્સી નોટો નહીં છાપે

કોરોના વાઇરસ રોગચાળાના ફેલાવાને કારણે દેશમાં આર્થિક કટોકટી ઊભી થઈ છે એ છતાં એનાથી બચવા માટે નવી ચલણી નોટો છાપવાનો કેન્દ્ર સરકારનો કોઈ વિચાર નથી, એમ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે. ઘણા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક જગતના નિષ્ણાતોએ એવું સૂચન કર્યું છે કે કોરોના બીમારીના ફેલાવાને કારણે જે આર્થિક પાયમાલી થઈ છે એની સામે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકારે વધારે ચલણી નોટો છાપવી જોઈએ અને નોકરીઓને રક્ષણ પૂરું પાડવું જોઈએ. આ વિશે લોકસભામાં પુછાયેલા સવાલના જવાબમાં નાણાપ્રધાન સીતારમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે નવી ચલણી નોટો છાપવાનો સરકારનો કોઈ વિચાર નથી.

સેકન્ડ વેવને લીધે આર્થિક વૃદ્ધિના અંદાજ બદલાશે : કુમારમંગલમ બિરલા

દેશના અગ્રણી આદિત્ય બિરલા ગ્રુપના ચૅરમૅન કુમારમંગલમ બિરલાએ કહ્યું છે કે કોરોના રોગચાળાના બીજા મોજાને પગલે હવે દેશના આર્થિક વૃદ્ધિદરના અંદાજમાં ફેરફાર કરવો પડી શકે છે. જોકે, લાંબા ગાળે દેશના સંજોગો ઊજળા રહેવાની ધારણા છે. બીજા મોજા વખતે પણ ઉત્પાદન અને પુરવઠાની વ્યવસ્થા પર ઓછી અસર થઈ હતી એ બાબત રાહત આપનારી છે, એમ બિરલાએ ગ્રુપની કંપની અલ્ટ્રાટેક સિમેન્ટના નવીનતમ વાર્ષિક અહેવાલમાં કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે રસીકરણના કાર્યક્રમમાં ઝડપ આવશે તો લોકોની અવરજવર પરનાં નિયંત્રણો પણ હળવાં થશે અને એની સાનુકૂળ અસર આર્થિક પ્રવૃત્તિઓ પર પડશે. વળી, વૈશ્વિક સ્તરે સુધારો થઈ રહ્યો હોવાથી નિકાસ વધવાની તક સર્જાઈ છે. આમ, લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટેની સંભાવના ઉજ્જવળ છે.

એલઍન્ડટીનો નફો ૨૮૭ ટકા વધ્યો

લાર્સન ઍન્ડ ટુબ્રોએ સોમવારે જણાવ્યા મુજબ ગત એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં તેનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨૮૭ ટકા વધીને ૧૧૭૪ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. ગત વર્ષના જૂનના અંતે નફો ૩૦૩ કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક વર્ષાનુવર્ષે ૩૮ ટકા વધીને ૨૯,૩૩૫ કરોડ રૂપિયા થઈ હતી. ગયા વર્ષે આવક ૨૧,૨૬૦ કરોડ રૂપિયા હતી. સમગ્ર ગ્રુપને ગત ૩૦ જૂને પૂરા થયેલા ક્વૉર્ટર દરમિયાન ૨૬,૫૫૭ કરોડ રૂપિયાના ઑર્ડર મળ્યા હતા.

તાતા મોટર્સની ૪૪૫૦ કરોડ રૂપિયાની ખોટ

તાતા મોટર્સ કંપનીએ ગત જૂનના અંતે ૪૪૫૦.૧૨ કરોડ રૂપિયાની કન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ કરી છે. ગયા નાણાકીય વર્ષે સમાન અરસામાં ૮૪૪૩.૯૮ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ સમીક્ષા હેઠળના ગાળાની કન્સોલિડેટેડ આવક ૬૬,૪૦૬.૦૫ કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ પહેલાં ૩૧,૯૮૩.૦૬ કરોડ રૂપિયા હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK