Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશની ઇકૉનૉમિક રિકવરી ધારણાથી ઝડપી રહેતાં સોનું 9 મહિનાના તળિયે

દેશની ઇકૉનૉમિક રિકવરી ધારણાથી ઝડપી રહેતાં સોનું 9 મહિનાના તળિયે

05 March, 2021 09:42 AM IST | Mumbai
Bullion Watch

દેશની ઇકૉનૉમિક રિકવરી ધારણાથી ઝડપી રહેતાં સોનું 9 મહિનાના તળિયે

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકા સહિત અનેક દેશની ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં ઝડપી રહેતાં તેમ જ કોરોનાથી મુક્ત થવાનો વિશ્વાસ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ૯ મહિનાના તળિયે પહોંચ્યું હતું, જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૭૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૭૯૩ રૂપિયા તૂટી હતી.

વિદેશી પ્રવાહો



સોનું વર્લ્ડ માર્કેટમાં બુધવારે ઓવરનાઇટ ઘટીને ૧૭૦૧.૪૦ ડૉલર થયું હતું, જે છેલ્લા ૯ મહિનાની સૌથી નીચી સપાટી છે. સોનું ઘટ્યા બાદ ગુરુવારે સવારથી થોડું સુધર્યું હતું, પણ કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી, કારણ કે અમેરિકન ટ્રેઝરી યીલ્ડ સતત ત્રણ દિવસ ઘટઠ્યા બાદ ફરી વધ્યા હતા. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવ્યા છતાં ડૉલર સુધર્યો હતો. બૉન્ડ યીલ્ડના વધારા છતાં ફેડનું સ્ટેન્ડ ઇન્ટરેસ્ટ રેટ નીચા રાખવાનું એકદમ મક્કમ હોવાથી હાલમાં સોનાના ભાવ સુધરે એવાં કારણો માર્કેટ પાસે બચ્યાં નથી. સોનું, પ્લૅટિનમ અને પેલેડિયમ ઘટ્યાં છતાં ચાંદી સુધરી હતી, કારણ કે ઇકૉનૉમિક રિકવરીને પગલે ઇલેક્ટ્રિક વેહિકલ અને સોલર પૅનલની ડિમાન્ડ વધશે જેમાં ચાંદીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર


અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબ રિપોર્ટમાં ફેબ્રુઆરીમાં ૧.૧૭ લાખ લોકોને નવી નોકરીઓ મળી હતી, જાન્યુઆરીમાં ૧.૭૪ લાખ લોકોને નવી નોકરીઓ મળી હતી, ઇકૉનૉમિસ્ટોની ધારણા ૧.૭૭ લાખ લોકોને નવી નોકરીઓ મળવાની હતી. પ્રાઇવેટ સેક્ટરમાં સર્વિસ સેક્ટર અને હૉસ્પિટાલિટી સેક્ટરમાં જૉબ વધ્યાં હતાં, પણ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં જૉબ ઘટ્યાં હતાં. ઇકૉનૉમિસ્ટોના મતે પ્રાઇવેટ સેક્ટરનો જૉબ રિપોર્ટ નિરાશાજનક હતો. ઑસ્ટ્રેલિયાની એક્સપોર્ટ જાન્યુઆરીમાં છ ટકા વધીને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ બે ટકા ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. જપાનનો કન્ઝયુમર્સ મોરલ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૩૩.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના નબળા જૉબડેટા સામે ટેનયર યીલ્ડ વધતાં સોનામાં વધુ ઘટાડો નોંધાયો હતો.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ


અમેરિકાની ઇકૉનૉમિક રિકવરી ધારણા કરતાં વધુ સારી હોવાથી ડૉલર સતત મજબૂત બની રહ્યો છે, જેને પગલે ટેનયર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ એક વર્ષની ઊંચાઈએ છે. વિશ્વમાં વૅક્સિનેશનની ગતિ ફાસ્ટ હોવાથી કોરોના વાઇરસ પર કાબૂ મેળવવાનો વિશ્વાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. જોકે હજી સંક્રમિત કેસની સંખ્યામાં ઉતાર-ચડાવ મોટો જોવા મળી રહ્યો છે. બુધવારે વિશ્વમાં ફરી કોરોનાના કેસ વધીને સાડાચાર લાખ નજીક પહોંચી ગયા હતા. ખાસ કરીને બ્રાઝિલ, ફ્રાન્સ, ઇટલી, પોલૅન્ડ, ભારત અને ટર્કીમાં ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે. ઇકૉનૉમિક રિકવરી અને કોરોનાનું ચિત્ર ઉપરાંત હવે નજર શુક્રવારે જાહેર થનારા અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા પર છે. જાન્યુઆરીમાં અમેરિકામાં માત્ર ૪૯,૦૦૦ લોકોને નવી નોકરી મળી હતી, જે ફેબ્રુઆરીમાં વધીને ૧.૮૦ લાખ થવાની ધારણા છે. અમેરિકાના જૉબડેટા જો સ્ટ્રૉન્ગ આવશે તો સોનામાં મંદી થવાનું એક કારણ ઉમેરાશે. સોનું સુધરે એવાં કોઈ કારણો હાલમાં માર્કેટમાં નથી. આથી શૉર્ટ ટર્મ સોનું ઘટશે. કોરોનાની સ્થિતિ હવે સોનામાં લૉન્ગ ટર્મ તેજી થશે કે નહીં એ નક્કી કરશે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 09:42 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK