Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સાવચેતીના માનસ વચ્ચે વૈશ્વિક સોના-ચાંદી મક્કમ

સાવચેતીના માનસ વચ્ચે વૈશ્વિક સોના-ચાંદી મક્કમ

03 June, 2020 07:48 AM IST | Mumbai
Bullion Watch

સાવચેતીના માનસ વચ્ચે વૈશ્વિક સોના-ચાંદી મક્કમ

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકામાં ચાલી રહેલા હિંસક પ્રદર્શન અને દેખાવોના કારણથી ડૉલર પર જોરદાર દબાણ જોવા મળી રહ્યું છે. જોખમી સમયમાં સોનાની સ્પર્ધામાં ડૉલર પણ સલામતીનું સ્વર્ગ ગણવામાં આવે છે. ડૉલર ચાર દિવસથી સતત નબળો પડી રહ્યો છે અને બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી, વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનાં વાદળો જેવાં અન્ય પરિબળો મોજૂદ હોવાથી સોના અને ચાંદીમાં મક્કમ હવામાન ગઈ કાલે જોવા મળી રહ્યું હતું. જોકે રોકાણકારો શૅરબજારમાં સતત ખરીદી કરી રહ્યા હોવાથી ચળકતી ધાતુઓમાં તેજી સાવચેતીના માનસ સાથે જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં કોમેકસ ખાતે સોનાનો ઑગસ્ટ વાયદો ૦.૧૭ ટકા કે ૨.૯૦ ડૉલર વધી ૧૭૫૩.૨૦ ડૉલર અને હાજરમાં ૦.૧૭ ટકા કે ૨.૯૭ ડૉલર વધી ૧૭૪૨.૫૨ ડોલર પ્રતિ ઔંસની સપાટી પર હતા. હાજરમાં ચાંદીનો ભાવ ૦.૧૨ ટકા કે ૨ સેન્ટ વધી ૧૮.૩૨ ડૉલર અને ચાંદી જુલાઈ વાયદો ૦.૩૬ ટકા કે ૭ સેન્ટ ઘટી ૧૮.૭૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.



ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં વૃદ્ધિ


ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનાનો ટૅક્સ સિવાયનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ૩૨ વધી ૪૭,૦૭૫ રૂપિયા રહ્યો હતો. ચાંદીના ભાવ પ્રતિ કિલો ૨૧૦ વધી ૪૯,૫૪૦ રૂપિયા રહ્યા હતા. હાજરમાં દુકાનો ખૂલી રહી છે, પણ હજી વ્યાપાર જોવા મળી રહ્યા નથી. ખાનગીમાં બુલિયન ટ્રેડમાં હજી પણ સોદા અટકેલા જ છે. સોમવારે ૪૯,૧૯૬ રૂપિયા સામે ગઈ કાલે સોનું ૪૮,૪૨૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. સામે ચાંદીનો ભાવ ૪૦૦ વધી ૫૦,૯૮૧ રૂપિયાની સપાટી પર હતો.

સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૭,૧૭૦ ખૂલી, ઉપરમાં ૪૭,૨૦૦ અને નીચામાં ૪૬,૮૬૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૧૫ ઘટીને ૪૬,૯૬૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૬૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૯૫૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૭૩૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૨ વધીને બંધમાં ૪૭,૦૭૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.


ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૧,૨૩૫ ખૂલી, ઉપરમાં ૫૧,૨૩૫ અને નીચામાં ૫૦,૨૮૪ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧૦ ઘટીને ૫૦,૪૦૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૯૨ ઘટીને ૫૦,૭૫૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૨૦૨ ઘટીને ૫૦,૮૧૦ બંધ રહ્યા હતા.

સતત બીજા મહિને ભારતમાં સોનાની આયાત ૯૯ ટકા ઘટી

એપ્રિલ મહિનામાં ભારતની સોનાની આયાત આગલા વર્ષ સામે ૯૯.૯ ટકા ઘટી માત્ર ૫૦ કિલોગ્રામ રહી હતી. આ પછી મે મહિનામાં પણ આયાત ૯૯ ટકા ઘટી માત્ર ૧.૪ ટન રહી છે. ભારતે એપ્રિલ ૨૦૧૯માં ૧૧૦.૧૮ ટન અને મે ૨૦૧૯માં ૧૧૩.૬ ટન સોનાની આયાત કરી હતી.

દેશમાં લૉકડાઉનના કારણે હાજર બજારો બંધ હતાં. જેમ્સ ઍન્ડ જ્વેલરીનું ઉત્પાદન બંધ હતું. આ ઉપરાંત વિમાની-સેવાઓ પણ માત્ર આવશ્યક ચીજો પૂરતી માર્યાદિત હતી એટલે સોનાની આયાતને જંગી ફટકો પડ્યો છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં મૂલ્યની દૃષ્ટિએ ભારતે માત્ર ૭.૯૧ કરોડ ડૉલર સોનાની આયાત પાછળ ખર્ચ્યા છે જે ગયા વર્ષે ૮.૭૫ અબજ ડૉલર હતા. સોનાની આયાત ઘટવાના કારણે ભારતની ટ્રેડ ડેફિસિટમાં પણ ઘટાડો થશે. ભારત વિશ્વમાં સોનાનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાં બીજા ક્રમે આવે છે.

ડૉલરનાં વળતાં પાણી, રૂપિયો ક્રેડિટ ડાઉનગ્રેડ પછી પણ વધ્યો

વૈશ્વિક બજારમાં ડૉલરના ભાવ સતત ચોથા દિવસે ઘટેલા હતા. આ તરફ, એશિયા અને ઇમર્જિંગ માર્કેટમાં શૅરમાં જોવા મળેલી તેજી ભારતમાં વિદેશી ફંડ્સની સતત ખરીદી વચ્ચે ડૉલર સામે રૂપિયો આજે વધ્યો હતો. મૂડીઝે ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું હોવા છતાં રૂપિયો આજે વધીને બંધ આવ્યો હતો. સોમવારે ડૉલર સામે રૂપિયો ૭૫.૫૪ બંધ આવ્યો હતો. આજે ક્રેડિટ રેટિંગમાં ઘટાડાના કારણે એ ઘટી ૭૫.૫૭ ખૂલ્યો અને વધુ નબળો પડી ૭૫.૬૨ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રમાં વ્યાપક સુધારણા લાવીશું એવું નિવેદન કરતાં શૅરની સાથે ચલણમાં પણ તેજી આવી હતી એ વધીને ૭૫.૩૬ બંધ આવ્યો હતો જે આગલા બંધ કરતાં ૧૮ પૈસાની વૃદ્ધિ દર્શાવે છે.

કોરોના વાઇરસના લૉકડાઉન પછી એક પછી એક અર્થતંત્ર ખૂલી રહ્યાં છે અને એની આશાએ રોકાણકારો જોખમ ઉઠાવી રહ્યા છે. આ સ્થિતિમાં સલામત ગણાતો ડૉલર ઘટી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ડૉલર ઇન્ડેક્સ ૧૪ દિવસ ઘટીને બંધ આવ્યો છે. ડૉલર ઇન્ડેક્સ અમેરિકન ચલણની વિશ્વનાં છ ચલણો સામેનું મૂલ્ય નક્કી કરતો ઇન્ડેક્સ છે. સોમવારે ૦.૫૩ ટકા ઘટ્યા પછી ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૫ ટકા ઘટી ૯૭.૬૫૦ની સપાટી પર છે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2020 07:48 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK