નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના બીજા ક્વૉર્ટરમાં BSEના મુખ્ય અને સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) એમ બન્ને બોર્ડમાં કુલ મળીને ૯૭ નવી કંપનીઓનું લિસ્ટિંગ થયું છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) લિમિટેડે ૨૦૨૫ની ૩૦ સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થયેલા ક્વૉર્ટરનાં પરિણામ જાહેર કર્યાં છે. આ ત્રિમાસિક ગાળામાં BSEની કુલ આવક વાર્ષિક ધોરણે ૪૦ ટકા વધીને ૧૧૪૦ કરોડ રૂપિયા થઈ છે. આ સાથે જ BSEએ સતત દસમા ક્વૉર્ટરમાં રેકૉર્ડ ત્રિમાસિક આવક હાંસલ કરી છે. સપ્ટેમ્બર, ૨૦૨૫ ક્વૉર્ટરમાં BSEનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૬૧ ટકાના વધારા સાથે ૫૫૭ કરોડ રૂપિયા થયો છે. BSE લિમિટેડનું નેટ પ્રૉફિટ માર્જિન ૪૨ ટકાથી વધીને ૪૯ ટકા થયું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ના બીજા ક્વૉર્ટરમાં BSEના મુખ્ય અને સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) એમ બન્ને બોર્ડમાં કુલ મળીને ૯૭ નવી કંપનીઓનું લિસ્ટિંગ થયું છે. આ કંપનીઓએ કુલ ૫૩,૫૪૮ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. સપ્ટેમ્બર, ૨૦૨૫ ક્વૉર્ટરમાં BSEના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ૬૪૨ કરોડ કૉન્ટ્રૅક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું. એનાથી એક્સચેન્જને કુલ ૬૨૪ કરોડ રૂપિયાની આવક થઈ હતી.
ADVERTISEMENT
આ પરિણામો પર ટિપ્પણી કરતાં BSEના વડાએ જણાવ્યું હતું કે અમને વધુ એક ઉત્તમ ત્રિમાસિક ગાળાની જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં અમારી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ ગ્રાહક કેન્દ્રિત અભિગમ, ગવર્નન્સનાં ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા અને અમારા વ્યવસાયના તમામ સ્તરે સરળતા અને કાર્યકારી સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા પર મજબૂત રીતે આધારિત રહેશે.


