° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


બજાર બૂસ્ટર ડોઝ લઈને ચાલતું હોવાથી તેજીની ઇમ્યુનિટી મજબૂત

10 January, 2022 02:00 PM IST | Mumbai | Jayesh Chitalia

માર્કેટે તેજીના ટ્રેન્ડને જાળવીને નવા વરસના પ્રથમ સપ્તાહની શરૂઆત તો પૉઝિટિવ કરી છે, હવે બજેટ પહેલાંની ધારણા સાથે વધઘટ જોવા મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારની નૅશનલ સ્ટૅટસ્ટિકલ ઑફિસે શુક્રવારે બહાર પાડેલા અંદાજ મુજબ ૨૦૨૧-૨૨માં જીડીપી દર ૯.૨ ટકા રહેશે, જે ઇકૉનૉમી રિકવરીનો સંકેત આપે છે. બીજી બાજુ કોરોનાના કેસ ચિંતા અને અનિશ્ચિતતા વધારી રહ્યા છે. આમાં માર્કેટે તેજીના ટ્રેન્ડને જાળવીને નવા વરસના પ્રથમ સપ્તાહની શરૂઆત તો પૉઝિટિવ કરી છે, હવે બજેટ પહેલાંની ધારણા સાથે વધઘટ જોવા મળશે...

છેલ્લાં ૧૦ વરસનો ઇતિહાસ કહે છે કે બજેટ પહેલાંના મહિનામાં શૅરબજાર ૧૦માંથી છ વાર કરેક્શનમાં ગયું છે ત્યારે આ નવા વરસે શું થશે એ સવાલ ચર્ચાનો વિષય છે. જોકે આ વરસના સંજોગો કંઈક જુદા જ છે જેમાં ધારણા બાંધવી વધુ કઠિન છે. ખેર, અત્યારે તો કોવિડ-ડેલ્ટા-ઓમાઇક્રોનનો ફેલાવો ઝડપ ધારણ કરી રહ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ માર્ચ પહેલાં વ્યાજદર વધારે એવા સંજોગો નક્કર આકાર પામી રહ્યા છે. ઇન્ફ્લેશન માથે ચડી બેસી ગયું છે. આ બધા વચ્ચે ભારતની ઇકૉનૉમીના સંકેત સારા છે, કમસે કમ બૂરાં નથી. જોકે ડિસેમ્બર અંતમાં આશરે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરનાર ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ) જાન્યુઆરીના આરંભથી નેટ બાયર્સ બની ગયા છે. બાત કયા હૈ? કોરોનાના વધતા કેસ સાથે શૅરબજાર ઘટવાને બદલે વધી રહ્યું છે. બજાર જાણે હેવી બૂસ્ટર ડોઝ અને હાઈ ઇમ્યુનિટી સાથે બેઠું હોય એવું વલણ દર્શાવે છે, જ્યારે કે બેર પાર્ટીઓ (મંદીવાળા) બજેટ પૂર્વે બજારને તોડવાના મૂડમાં હોય એવું ચર્ચાઈ રહ્યું છે. જોકે સરકાર બજેટ પહેલાં અને બજેટમાં આર્થિક સુધારાના શ્રેણીબદ્ધ પગલાં લાવશે એવા અહેવાલ છે, જેનું કેન્દ્રીય લક્ષ્ય અર્થતંત્રની રિકવરીનું હશે. શુક્રવારે કેન્દ્ર સરકારના વિભાગે જીડીપીનો અંદાજ ૯.૨ ટકા મૂકયો છે, જે રિઝર્વ બૅન્કના ૯.૫ ટકાના અંદાજ કરતાં ઓછો છે. નવાઈની વાત એ છે કે કોરોના કેસ વધે છે એમ ઇન્ડેકસ વધે છે, કેમ કે આર્થિક રિકવરીની ઉમ્મીદ ઊંચી છે.
પ્રથમ દિવસે ૧૦૦૦ પૉઇન્ટ
નવા વરસના નવા સપ્તાહનો આરંભ ઉછાળા સાથે થયો હતો, સેન્સેક્સે ૫૦૦ પૉઇન્ટની છલાંગ શરૂઆતના કલાકમાં જ મારી દીધી હતી, જ્યાંથી વધતાં-વધતાં ૧૦૦૦ પૉઇન્ટ વટાવીને આખરે ૯૨૯ પૉઇન્ટ વધીને બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૨૭૧ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૧૭,૬૦૦ ઉપર બંધ રહ્યો. જીએસટી કલેક્શન વધુ એક વાર એક લાખ કરોડની ઉપર, ૧.૩૦ લાખ કરોડ, ઑટો સેક્ટરના આકર્ષક ડેટા અને સતત છઠ્ઠા મહિને મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સનો સુધારો બજારની ઊંચી રિકવરી માટે કારણ બન્યાં હતાં. હાલ તો વાઇરસને લીધે લદાયેલાં નિયંત્રણો આર્થિક પ્રવૃ‌ત્ત‌િઓને રોકી રહ્યાં નથી, એ સૌથી મહત્ત્વનું પૉઝિટિવ પરિબળ છે. મંગળવારે પુનઃ મંગલમય આરંભ થયો. આગલા દિવસે જાહેર થયેલા નિકાસના વિક્રમી આંકડાએ પૉઝિટિવ પરિબળનું કામ કર્યું હતું. ભારતની નિકાસ આ વરસના પ્રથમ નવ મહિનામાં ૩૦૦ અબજ ડૉલરને વટાવી ગઈ, જે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય અર્થાત્ બિઝનેસ સ્કોપ વધી રહ્યો છે અને ઇકૉનૉમીને બૂસ્ટર મળવાનું ચાલુ છે તેમ જ રહેશે એવો માહોલ બની રહ્યો છે. સેન્સેક્સ ૬૭૨ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭૯ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. બુધવારે સુધારાની હૅટ-ટ્રિક ચાલુ રાખી સેન્સેક્સ ૬૦,૦૦૦ને વટાવી ગયો હતો. ફૉરેન ઇન્વેસ્ટરો નવેસરથી સક્રિય થયા હોવાની આ કમાલ ગણાય છે. સેન્સેક્સ ૩૬૭ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૦ પૉઇન્ટ પ્લસ બંધ રહી ૧૮,૦૦૦ નજીક પહોંચી ગયો હતો. 
કરેક્શનનું રિઍક્શન
ગુરુવારે બજારે આંચકો આપ્યો. ગ્લોબલ નબળા સંકેત, ફેડરલ રિઝર્વના વ્યાજવધારાના અને ઇન્ફ્લેશન તેમ જ જૉબ માર્કેટ અંગેના સંકેત, ઓમાઇક્રોનના યુએસમાં લાખોની સંખ્યામાં વધતા કેસ વગેરે. શરૂઆતના સમયમાં જ માર્કેટે ૭૦૦ પૉઇન્ટનો કડાકો બોલાવી દીધો હતો. અંતમાં સેન્સેક્સ ૬૨૧ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭૯ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે આમ જોઈએ તો છેલ્લા ચાર દિવસના ૨૫૦૦ પૉઇન્ટના વધારા સામે આ ઘટાડો બહુ મોટો કે ચિંતાજનક ન ગણાય, પરંતુ સેન્ટિમેન્ટ પર ચોક્કસ અસર થાય. સડસડાટ નહીં તેજી ચાલે, નહીં મંદી ચાલે. ઘટાડા-ખાસ કરીને મોટા ઘટાડા અને ઊંચા કરેક્શનને સિલેક્ટિવ ખરીદી માટેનો કરેક્ટ ટાઇમ માનવો. 
ગ્લોબલ-એફઆઇઆઇ પર ધ્યાન
શુક્રવારે કરેક્શન આગળ વધવાના અનુમાન વચ્ચે બજારે સુધારા સાથે શરૂઆત કરી હતી, પરંતુ પછીથી પ્લસ-માઇનસ થઈને આખરમાં સાધારણ પૉઝિટિવ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૪૨ પૉઇન્ટ પ્લસ સાથે ૫૯,૭૪૪ અને નિફ્ટી ૬૬ પૉઇન્ટ વધીને ૧૭,૮૧૨ બંધ રહ્યા હતા. આમ જાન્યુઆરીનું પ્રથમ ટ્રેડિંગ સપ્તાહ ઓવરઑલ સકારાત્મક રહ્યું હતું. અલબત્ત, હાલ ગ્લોબલ માર્કેટ તો અસર કર્યા જ કરશે. એફઆઇઆઇની પ્રવૃ‌ત્ત‌િ કઈ તરફ છે એ પણ મહત્ત્વનું બનશે. તેઓ બાયર રહેશે તો ટ્રેન્ડ બુલિશ અને  વેચશે તો બેરિશ સપ્તાહ જોવા મળી શકે.   
બૅન્કોના ધિરાણમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કંપનીઓની આવક વધવાની ધારણા મજબૂત બનતી જાય છે અને એફઆઇઆઇ સતત નેટ સેલર રહ્યા બાદ છેલ્લા અમુક દિવસથી બાયર્સ બન્યા છે. ભારતીય ઇકૉનૉમીની રિકવરી ચાલુ રહી હોવાથી પણ સેન્ટિમેન્ટ પૉઝિટિવ રહ્યું છે. ૨૦ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધીમાં જ રોકાણકારોની સંપત્તિમાં ૨૦ લાખ કરોડનો વધારો જોવાયો હતો.  
ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણને વેગ
હાલ ત્રીજી લહેરની શંકા, ભય અને અનિશ્ચિતતા વચ્ચે આ વરસે ખાનગી ક્ષેત્ર તરફથી જંગી મૂડીરોકાણ થવાની શક્યતા છે. આના સંકેત મળવા લાગ્યા છે. ભારતીય અર્થતંત્ર મજબૂત રિકવરી સાથે આગળ વધશે. સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કિમ તેમ જ નીચા વ્યાજદરોને પરિણામે મૂડીરોકાણને વેગ મળશે. ઓમાઇક્રોને વિશ્વના ચોક્કસ દેશોમાં ભય જરૂર ફેલાવ્યો છે, પરંતુ ભારતમાં હજી એની ગંભીર અસર જણાઈ નથી. જો આ વિઘ્ન ટળી ગયું તો ઇકૉનૉમીનો વેગ વધશે. જો સમસ્યા ગંભીર બનીને લૉકડાઉન સુધી પહોંચી તો માર્કેટ ડાઉનવર્ડ ટ્રેન્ડ અવશ્ય બતાવશે. જોકે એ ટ્રેન્ડ લાંબો સમય નહીં રહે, પ્રવાહિતાનું જોર ખરીદીનો પ્રવાહ લાવશે. ફૉરેન ઇન્વેસ્ટરો ભારતીય આઇપીઓ અને અનલિસ્ટેડ સ્ટૉક્સમાં ભરપૂર રોકાણ કરી રહ્યા છે, જ્યારે કે સ્થાનિક રોકાણકારો તો જબ્બર કમાણી કરીને બેઠા હોવાથી તેઓ ઘટાડાનો લાભ લેવા સક્રિય બનશે.

રીટેલ ઇન્વેસ્ટર્સ આ ધ્યાન રાખે

ભારતીય શૅરબજાર હાલ રીટેલ ઇન્વેસ્ટરોનું વધુ ધ્યાન ખેંચતું રહ્યું છે, આ રોકાણકારો સૌથી વધુ ઍક્ટિવ છે. જોકે રીટેલ ઇન્વેસ્ટરોએ તેમનું ફોકસ માત્ર ફંડામેન્ટલ્સ પર રાખવાની અને સ્પેક્યુલેશનથી દૂર અથવા સાવેચત રહેવાની જરૂર છે, કારણ કે ઇકૉનૉમિક ફંડામેન્ટલ્સ સારાં-સુધારાતરફી કહી શકાય એવા છે. અલબત્ત, રોકાણકારોએ લોસ કરતી કંપનીઓના સ્ટૉક્સ ટાળવા જોઈએ, જે અમેરિકાના રોકાણકારોએ ત્યાં એ ખરીદવાની ભૂલ કરી છે, તેમની મૂડી આવા સ્ટૉક્સમાં તૂટી છે. આવી ભૂલ કરીને માર્કેટને બૂરી કહેવી વાજબી નથી. ભારતીય માર્કેટમાં ઘણી તક છે, જેને ઓળખવા અભ્યાસ, ધીરજ, સમય આપવો આવશ્યક છે. 

10 January, 2022 02:00 PM IST | Mumbai | Jayesh Chitalia

અન્ય લેખો

શેરબજાર ખૂલતાની સાથે જ ગબડી પડ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો

બાદમાં બજારની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

25 January, 2022 01:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

News In Short: સ્વિગી બની ગઈ ડેકાકૉર્ન : ભેગું કર્યું ૭૦૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

આમ આ કંપની હવે ડેકાકૉર્ન (જેનું મૂલ્ય ૧૦ અબજ ડૉલરથી વધારે હોય એવી કંપની) બની ગઈ છે. 

25 January, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ રિઝર્વની આગામી બેઠકે બન્ને માર્કેટમાં અજંપો વધાર્યો

ટેલિગ્રામના સ્થાપકે ક્રિપ્ટો પર પ્રતિબંધના રશિયાના પ્રસ્તાવનો વિરોધ કર્યો : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૮.૬ ટકા કરતાં વધુનો ઘટાડો

25 January, 2022 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK