અતિ વર્ષા થાય ત્યારે શહેરની માળખાકીય સુવિધાઓની દશા શું થાય છે? ત્યારે તમે શું કરો છો? આ વિચારોને ધ્યાનમાં રાખીને હાલ બજારમાં ચાલી રહેલી તેજીના વરસાદમાં શું કરવું એ વિચારવું રહ્યું
પ્રતીકાત્મક તસવીર
ભારે વરસાદ સતત આવ્યા કરે તો શું થાય એ બધાને ખબર છે અને બધા એના અનુભવમાંથી પસાર પણ થયા છે. ઠેર-ઠેર પાણી ભરાય, કીચડ થાય, વાહનો-ટ્રાફિક જૅમ થાય, ટ્રેનોના લોચા થાય, લોકો હેરાન-પરેશાન થાય, મુસાફરીમાં અટવાય, ગૂંચવણો વધે, લોકો નિર્ણય લેતાં ખચકાય વગેરે. આ બધાના શૅરબજારમાં આગવા અર્થ થઈ શકે. હાલ તેજીનો વરસાદ ચાલી રહ્યો છે ત્યારે આ શબ્દોના અર્થ સમજવા હોય તો હાલ બજારમાં શું કરવાની જરૂર છે એ સમજવું પડે. ક્યાંક વરસાદની મજા લઈ પ્રૉફિટ બુક કરવો જોઈએ, ક્યાંક વધુપડતા વરસાદમાં છત નીચે ઊભા રહી જઈ વરસાદ ધીમો પડે એની રાહ જોતાં હોઈએ એમ માર્કેટમાં કરેક્શનની પ્રતીક્ષા કરવી જોઈએ. તોફાની વરસાદના જોખમથી બચવા જેમ બહાર જવા કરતાં ઘરે રહી કામ કરવાનું પસંદ કરીએ એમ બજારથી થોડો સમય દૂર થઈ જવાનું પણ વિચારવું જોઈએ. દરેક રોકાણકારે-ટ્રેડર્સે પોતાના સમય-સંજોગ અને ધીરજ કે જોખમ લેવાની ક્ષમતાને આધારે આગળ વધવું જોઈએ, બાકી અત્યારે તો બજેટ પહેલાંના દિવસોમાં ઊંચી આશાએ માર્કેટ ઊંચે જતું જાય તો નવાઈ નહીં.
વીતેલા સપ્તાહની ઝલક
ADVERTISEMENT
ગયા સોમવારે પ્રૉફિટ-બુકિંગની ધારણા વચ્ચે બજાર બુલિશ રહી વધુ ઊંચે ગયું હતું. નિફ્ટી ૨૪,૦૦૦ને પાર કરી ગયો હતો. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સ પણ જોરમાં રહ્યા હતા. મંગળવારે સતત વૉલેટિલિટી બાદ માર્કેટ સાધારણ નરમ રહ્યું હતું. જોકે બુધવારે પૉઝિટિવ ગ્લોબલ સંકેતોને પરિણામે શરૂઆતથી જ ઉછાળા શરૂ થયા અને સેન્સેક્સ ૮૦,૦૦૦ની સપાટી વટાવ્યા બાદ અંતે ૮૦,૦૦૦ની નીચે નજીકમાં ૭૯,૯૮૬ પૉઇન્ટ બંધ રહ્યો હતો.
જોકે નોંધનીય વાત એ હતી કે એકમાત્ર HDFC બૅન્કના સ્ટૉકને કારણે સેન્સેક્સે મોટો જમ્પ માર્યો હતો, અન્ય બૅન્કોએ પણ એમાં સાથ પુરાવ્યો હતો અને FMCG સ્ટૉક્સનો ફાળો પણ ઉમેરાયો હતો. બજેટની આશાના આ ઉછાળાનો આ પ્રતાપ છે.
ગ્લોબલ સંકેતોની સકારાત્મક અસર
ગ્લોબલ આશાવાદ અને US ફેડરલના રેટકટના સંકેતોને પગલે ગુરુવારે પણ માર્કેટ પૉઝિટિવ ખૂલીને ૮૦,૦૦૦થી સારું એવું આગળ નીકળી ગયું. જોકે પછીથી પ્રૉફિટ-બુકિંગની વેચવાલી આવતાં પાછું ફર્યું. એમ છતાં અંતે સેન્સેક્સ ૮૦,૦૦૦ ઉપર જ બંધ રહ્યો. દેશમાં માર્કેટનું સેન્ટિમેન્ટ સતત સકારાત્મક બની રહ્યું છે. બજેટ બાદ બજાર ચોક્કસપણે વધવાની ઊંચી આશા અત્યારે તો રોકાણકારોને સ્ટૉક્સ ભેગા કરવાનું પ્રોત્સાહન આપી રહી હોવાનું જણાય છે. શુક્રવારે શરૂઆત કરેક્શનથી થઈ જે સારી નિશાની હતી. જોકે અંતમાં કરેક્શન માત્ર સાધારણ જ રહ્યું, પણ સેન્સેક્સ માત્ર ૫૩ પૉઇન્ટ માઇનસ સાથે ૮૦,૦૦૦ નીચે-સાવ નજીક બંધ રહ્યો, જ્યારે નિફ્ટી સાધારણ પ્લસ બંધ રહ્યો. અન્ય સ્ટૉક્સમાં વૃદ્ધિ હતી.
નજર હવે ૯૦ હજાર પર
દરમ્યાન માર્કેટ એક્સપર્ટ અને સુંદરમ મ્યુચ્યુઅલ ફન્ડના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર સુનીલ સુબ્રમણ્યમના મતે સેન્સેક્સ આ વર્ષના અંત સુધીમાં ૯૦,૦૦૦ સુધી પહોંચી જાય એવી શક્યતા છે. એનાં કારણોમાં તેઓ કહે છે કે લાર્જ કૅપ-હાઈ વેઇટેજ સ્ટૉક્સ વધી રહ્યા છે તેમ જ ફૉરેન ઇન્વેસ્ટર્સ જોરપૂર્વક પાછા ફર્યા છે. સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ ખાસ્સા ઊંચા ગયા હોવાથી લાર્જ કૅપની વૃદ્ધિનો સ્કોપ વધ્યો છે.
ફૉરેન ઇન્વેસ્ટર્સનો વધેલો રસ
એપ્રિલ અને મે મહિનામાં સતત વેચવાલ રહેનાર ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) જૂનમાં નેટ-બાયર્સ રહ્યા અને તેમણે ભારતીય માર્કેટમાં ૩.૨ અબજ ડૉલરનું રોકાણ કર્યું જે માર્ચ-૨૦૨૪માં ૪.૨ અબજ ડૉલર હતું. એપ્રિલ-મે મહિનામાં આ રોકાણકારોએ આશરે ચાર અબજ ડૉલરનું વેચાણ કરી નાણાં પાછાં ખેંચી લીધાં હતાં જે હવે પાછાં આપણી બજારમાં આવતાં થયાં છે. ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)એ ૧૬થી ૩૦ જૂન સુધીમાં ૩૪ હજાર કરોડ રૂપિયાથી વધુની ભારતીય ઇક્વિટીઝ ખરીદી છે, જેમાં ૧૭ સેક્ટર્સના સ્ટૉક્સનો સમાવેશ થાય છે. જોકે પાવર, મેટલ્સ અને FMCG સેક્ટરમાં તેમણે પ્રૉફિટ-બુકિંગ કર્યું છે. નવી સરકારના તરફથી પૉલિસી કન્ટિન્યુટીના વિશ્વાસ સાથે ફૉરેન ઇન્વેસ્ટર્સનો ભારતીય બજારમાં કૉન્ફિડન્સ વધી રહ્યો છે. એક અભ્યાસ મુજબ આગામી ત્રણ-પાંચ વરસમાં FPI તરફથી ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ અપેક્ષિત છે.
કૅપિટલ ગેઇન ટૅક્સમાં સુધારાની આશા
બજેટમાં નાણાપ્રધાન આ વખતે કૅપિટલ ગેઇન ટૅક્સ વિશે ચોક્કસ સુધારા કરે એવી આશા વધી છે. આમાં કોઈ પૉઝિટિવ રૅશનલાઇઝેશન યા ઘટાડો થશે તો ઇન્વેસ્ટર્સને અને ઇન્વેસ્ટમેન્ટને જબરદસ્ત બૂસ્ટ મળી શકશે.
આર્થિક મોરચે નક્કર ગતિ
આર્થિક મોરચે જોઈએ તો નવા નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં ઉત્પાદ ક્ષેત્રની કામગીરી સારી રહી છે. જૂનમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કલેક્શન ૮ ટકા વધીને ઊંચું જળવાઈ રહ્યું છે, પૅસેન્જર કાર્સનું વેચાણ વધ્યું છે. જોકે હીટ વેવની અસરે અમુક સેક્ટર્સ પર નેગેટિવ અસર પણ થઈ છે. મહત્ત્વની વાત એ ખરી કે રોજગાર-સર્જનમાં વૃદ્ધિ નોંધાઈ છે. નિકાસમાં પણ વૃદ્ધિની આશા છે. સારું-નૉર્મલ ચોમાસું સંજોગોને વધુ બહેતર બનાવી શકે છે. આગામી સમયમાં આવનારી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કંપનીઓ જે તૈયારી કરી રહી છે એને જોતાં મોબાઇલ ફોન્સ, ટૂ-વ્હીલર્સ વાહનો, અપૅરલ્સ સહિત વિવિધ કન્ઝ્યુમર્સ ગુડ્સના વેચાણમાં વધારો થવાની ધારણા મુકાય છે. ઇનિશિયલ પબ્લિક ઑફર (IPO) છલકાઈ અને ઊંચા ભાવે ખૂલી રહ્યા હોવાની ઘટના પણ માર્કેટ માટે પૉઝિટિવ સંકેત આપે છે.
ચીફ જસ્ટિસની પણ સતેજ રહેવાની સલાહ
નવાઈની વાત એ છે કે આ વખતની બજારની તેજી સામે સેન્સેક્સ ૮૦,૦૦૦ના લેવલે પહોંચ્યા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે નિયમન તંત્ર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) અને સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલ (SAT-જે SEBI ઉપરની સત્તા છે)ને સજાગ-સતેજ રહેવાની સલાહ આપી છે. સંભવત કૅપિટલ માર્કેટના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બન્યું છે.
સેન્સેક્સની ડબલ થવાની યાત્રાની ઝલક
સેન્સેક્સની રચના ૧૯૮૬માં થઈ હતી, એ પછી એને ૧૦૦૦ના લેવલે પહોંચતાં સાડાચાર વર્ષ લાગ્યાં હતાં. ૨૫ જુલાઈ, ૧૯૯૦માં એ ૧૦૦૦ પૉઇન્ટ થયો હતો. ૧૫ જાન્યુઆરી ૧૯૯૨માં ૨૦૦૦ના લેવલે પહોંચ્યો, ૧૧ ઑક્ટોબર ૧૯૯૯માં સેન્સેક્સ ૫૦૦૦ થયો, ફેબ્રુઆરી ૨૦૦૬માં ડબલ થઈ ૧૦,૦૦૦ થયો, પછી માત્ર બે વર્ષમાં ડિસેમ્બર ૨૦૦૭માં ૨૦,૦૦૦ થઈ ગયો, ત્યાર બાદ જૂન ૨૦૧૯માં પુનઃ ડબલ થઈ તેણે ૪૦,૦૦૦નું લેવલ હાંસિલ કર્યું અને હાલ પાંચ વર્ષ બાદ ૩ જુલાઈ ૨૦૨૪માં સેન્સેક્સ ૮૦,૦૦૦ થયો.
વિશેષ ટિપ
ઇન્વેસ્ટમેન્ટ એ જીવનમાં એક જ વારની તક નથી, આ તો જીવનની લાંબી યાત્રા છે, ડહાપણપૂર્વક કરેલું રોકાણ સમય સાથે વૃદ્ધિ પામતું રહે છે. આપણે નાની રકમ સાથે વહેલાસર શરૂ કરી એના કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ)નો ચમત્કારસમાન લાભ મેળવી શકીએ છીએ.

