ભારતીય નિકાસકારોને ઑર્ડર મળે એવી આશા

પ્રતીકાત્મક તસવીર
પાડોશી દેશ બંગલાદેશે વધુ એક ૫૦,૦૦૦ ટન ઘઉંની આયાત માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં ભારતને પણ સરકાર છૂટ આપે તો ઑર્ડર મળે એવી સંભાવના છે. બંગલાદેશનું આ વૈશ્વિક ટેન્ડર હોવાથી ગમે એ મલ્ટિ નૅશનલ કંપનીઓ પણ બીડ ભરી શકે છે. જોકે એમાં આ કંપનીઓ બીજા દેશોમાં ભારતીય ઘઉં હોય તો સપ્લાય કરી શકે છે.
બંગલાદેશ દ્વારા ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ પાંચમી જુલાઈ છે. જે બાયરની બીડ લાગે અને કરારો થાય એના ૪૦ દિવસમાં શિપમેન્ટ કરવાની શરતો મૂકવામાં આવી છે. આ ટેન્ડરમાં ઇઝરાયેલને બાદ કરીને વિશ્વના કોઈ પણ દેશો બીડ ભરી શકે છે.
ભારતીય ઘઉંના નિકાસકારોએ જણાવ્યું હતું કે બંગલાદેશના ૫૦,૦૦૦ ટન ઘઉંના ટેન્ડરમાં સામાન્ય રીતે ભારતીય નિકાસકારોને ઑર્ડર મળવાની પૂરી સંભાવના છે, પરંતુ હાલના સંજોગોમાં ભારતમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ છે અને માત્ર સરકારી મંજૂરીને આધીન જ નિકાસ કરી શકે છે. પરિણામે જો સરકાર આ ટેન્ડર માટે ઘઉંની નિકાસ કરવાની છૂટ આપે તો આ ઑર્ડર ભારતને મળે એમ છે.
જો ભારતીય કંપનીઓ કે મલ્ટિનૅશનલ કંપનીઓ ભારતીય ઘઉં માટે બીડ ન મળે તો બંગલાદેશને ઊંચા ભાવ ભરીને વિશ્વના અન્ય દેશોમાંથી ઘઉંની ખરીદી કરવી પડે એવી સંભાવના છે. બીજી તરફ વૈશ્વિક ભાવ ઘટવા લાગ્યા છે પરિણામે એની મોટી અસર થઈ શકે છે.