° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


રિલાયન્સની રહેમમાં નિફ્ટી નવેમ્બર સિરીઝ ૧૭૫૦૦ ઉપર બંધ આપીને વિદાય

26 November, 2021 02:22 PM IST | Mumbai | Anil Patel

સિમેન્સના નફામાં માંડ ત્રણ ટકાનો ઘટાડો થતાં ભાવ સાડાપાંચ ટકા તૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ ૧૪૩ રૂપિયા વધીને બંધ રહેતાં સેન્સેક્સને ૪૧૭ પૉઇન્ટનો ફાયદો, રિલા. ઇન્ડ. ઇન્ફ્રા ૨૦ ટકાની તેજીમાં બંધ : સિમેન્સના નફામાં માંડ ત્રણ ટકાનો ઘટાડો થતાં ભાવ સાડાપાંચ ટકા તૂટ્યો : તાતા મોટર્સની સબસિડિયરી ઑટો. કૉર્પો. ઑફ ગોવા ૨૦ ટકાની તેજીની સર્કિટ મારીને નવા શિખરે બંધ : લાયકા લૅબ્સમાં બુલ-રન જારી, ઇપ્કામાં નરમાઈ

ગુરુવારે બજાર પ્રમાણમાં સારી એવી બેતરફી વધઘટ બાદ ૪૫૪ પૉઇન્ટ વધીને ૫૮૭૯૫ તો નિફ્ટી ૧૨૧ પૉઇન્ટના સુધારામાં ૧૭૫૩૬ બંધ આવ્યા છે. આ સાથે નિફ્ટીમાં નવેમ્બર સિરીઝનો ૧૭૫૦૦ના મનોવૈજ્ઞાનિક લેવલની ઉપરના બંધ સાથે અંત આવ્યો છે અને આનો સૌથી વધુ યશ કેવળ રિલાયન્સને જાય છે. ગેસિફિકેશન બિઝનેસને પૂર્ણ માલિકીની સબસિડિયરીમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય આ માટે કારણભૂત ગણાવાય છે, પરંતુ આ નિર્ણય એવો મોટો કે મહત્ત્વનો તો નથી જ કે એના લીધે શૅર સીધો છ ટકાથી પણ વધુ ઉપલી જાય. સેન્સેક્સ ૪૫૪ પૉઇન્ટ વધ્યો એમાં આ એક જ શૅરનો ફાળો ગઈ કાલે ૪૧૭ પૉઇન્ટ કરતાંય વધુનો હતો. આને કહેવાય ઇન્ડેક્સ મૅનેજમેન્ટ... રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૩૭ બંધ થયો છે અને મુકેશ-સખા આનંદ જૈનની જયકૉર્પ પણ ૧૩ ટકા ઊંચકાઈ છે.
દરમિયાન ગઈ કાલે નાયકા ઇન્ટ્રા-ડેમાં ૨૪૩૧ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાસાત ટકાના જમ્પમાં ૨૩૯૮ બંધ થઈ છે. પેટીએમ ઉપરમાં ૧૮૭૫ દેખાડી અઢી ટકાની આગેકૂચમાં ૧૭૯૬, પૉલિસી બાઝાર સાડાત્રણ ટકાના ઘટાડે ૧૨૫૯, એસજેએસ એન્ટરપ્રાઇસીસ સાડાત્રણ ટકા વધીને ૫૦૯ની ઉપર, સિગાચી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૫૧૫ થઈ એની નજીક ૫૧૬ બંધ હતા. બાય ધ વે, લેટેન્ટ વ્યૂ ઉપલી સર્કિટની આગેકૂચમાં ૨૦ ટકાના ઉછાળે ૭૦૨ના નવા શિખરે જોવાયો છે. વિરારની નિદાન લૅબ લિસ્ટિંગની સાથે જ મંદીની સર્કિટનો સિલસિલો આગળ ધપાવતાં પાંચ ટકા તૂટીને ૭૮ બંધ થઈ છે. પારસ ડિફેન્સ ૫ ટકા વધી ૭૨૫ હતો. 
રિલાયન્સે છ ટકાની છલાંગ લગાવીને માહોલ બદલ્યો
રિલાયન્સ દ્વારા એના ગેસિફિકેશન યુનિટ કે બિઝનેસને પૂર્ણ માલિકીની સબસિડિયરી રિલાયન્સ સિન્ગેસ લિમિટેડને ટ્રાન્સફર કરવાનું નક્કી થયું છે. આના પગલે ભવિષ્યમાં રિલાયન્સ સિન્ગેસ પણ આઇપીઓ લાવી અલગ કંપની તરીકે લિસ્ટેડ થઈ શકે છે. શૅર છેલ્લા કેટલાક દિવસની નોંધપાત્ર ખરાબી બાદ ગઈ કાલે આના પગલે ૨૩૫૧ના આગલા બંધ સામે ઉપરમાં ૨૫૦૩ થઈ ૬.૧ ટકા કે ૧૪૩ રૂપિયાના ઉછાળે ૨૪૯૪ બંધ આવ્યો છે. એના કારણે સેન્સેક્સને સર્વાધિક ૪૧૭ પૉઇન્ટનો ફાયદો થયો છે. એટલું જ નહીં, બીએસઈનો એનર્જી ઇન્ડેક્સ જે ગુરુવારે ૪.૫ ટકા કે ૩૩૭ પૉઇન્ટ વધીને બંધ રહ્યો એમાં પણ રિલાયન્સનું પ્રદાન ૩૩૬ પૉઇન્ટનું હતું. અત્રે એજીસ લોજિસ્ટિક્સ દસ ગણા કામકાજમાં સૌથી વધુ એવી ૧૭.૭ ટકાની તેજીમાં ૨૩૮ બંધ હતો. ગલ્ફ ઑઇલ કૉર્પોરેશન સારા કામકાજ વચ્ચે ઉપરમાં ૩૨૩ બતાવી ૭.૪ ટકા વધી ૩૨૨ બંધ રહ્યો છે. બીએસઈનો ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧૦માંથી છ શૅરના સુધારામાં ૧.૨ ટકા કે ૨૧૭ પૉઇન્ટ વધ્યો એમાં રિલાયન્સનો ફાળો ૨૦૭ પૉઇન્ટ હતો. અત્રે હિન્દુ. પેટ્રોલિયમ અઢી ટકા, ઇન્ડિયન ઑઇલ દોઢ ટકા, પેટ્રોનેટ એલએનજી અડધો ટકો તો ભારત પેટ્રો. પોણો ટકો ડાઉન હતા. અદાણી ગ્રુપ ખાતે અદાણી ટ્રાન્સમિશન ઉપરમાં ૨૦૨૦ થઈ પાંચ ટકાની ઉપલી સર્કિટે ત્યાં જ, અદાણી પાવર પોણો ટકો ઘટી ૧૦૫, અદાણી ગ્રીન એનર્જી સવા ટકો વધી ૧૪૦૫ રૂપિયા, અદાણી એન્ટર અડધો ટકો વધી ૧૭૬૩, અદાણી પોર્ટ્સ જૈસે-થેમાં ૭૬૨ તથા અદાણી ટોટલ અડધો ટકો વધીને ૧૬૫૮ રૂપિયા બંધ હતા. 
સિમેન્સમાં રિઝલ્ટનો વસવસો : કોલગેટમાં વર્ષનું નવું બૉટમ
સિમેન્સ તરફથી સપ્ટેમ્બરમાં પૂરા થતા ૨૦૨૦-૨૧ના સમગ્ર વર્ષમાં આવકમાં ૩૩ ટકાના વધારાની સામે ચોખ્ખા નફામાં ૪૦.૩ ટકા વૃદ્ધિ હાંસલ કરાઈ છે, પણ સપ્ટેમ્બર ક્વૉર્ટર દરમિયાન નફાશક્તિ ભીંસમાં રહેવાથી નેટ પ્રૉફિટ ત્રણેક ટકા ઘટ્યો છે. સરવાળે શૅર ગઈ કાલે દોઢ ગણા કામકાજમાં ૨૨૭૭ના આગલા બંધ સામે નીચામાં ૨૦૯૯ થઈ ૫.૫ ટકા કે ૧૨૫ રૂપિયાના ગાબડામાં ૨૧૫૨ બંધ થયો છે. એના લીધે કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સને સર્વાધિક ૭૦ પૉઇન્ટનો માર પડ્યો હતો. આ બેન્ચમાર્ક ગુરુવારે ૧૩૧ પૉઇન્ટ ડાઉન હતો. એની ૨૧માંથી ૧૦ જાતો પ્લસ હતી. ફિનોલેક્સ કેબલ્સ ૩.૩ ટકા, ટીમકેન ઇન્ડિયા ૧.૪ ટકા, ભારત ઇલે. દોઢ ટકા વધ્યા હતા. સામે કાર્બોરેન્ડમ યુનિ, વી-ગાર્ડ, એબીબી ઇન્ડિયા, ગ્રેફાઇટ ઇન્ડિયા, હિન્દુ. ઍરોનોટિક્સ દોઢથી સવાબે ટકા ઢીલા હતા. લાર્સન અડધો ટકો ઘટી ૧૮૪૯ રૂપિયા જોવાયો છે. બીએસઈનો એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૪૭ શૅરના સુધારા વચ્ચે ૨૬ પૉઇન્ટ પ્લસ હતો. હેવી વેઇટ્સ આઇટીસી દોઢ ટકા વધી ૨૩૧ રૂપિયા હતો, પણ હિન્દુ. યુનીલીવર ૧.૧ ટકા તો બ્રિટાનિયા દોઢ ટકા નરમ હતા. કોલગેટ ૧૪૪૬ની વર્ષની બૉટમ બનાવી પોણો ટકો ઘટીને ૧૪૬૦ બંધ થયો છે. નિપ્પોન બૅટરીઝ અર્થાત ઇન્ડોનૅશનલ આઠ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૫૦૭ બતાવી ૧૦.૫ ટકાની તેજીમાં ૪૭૮ બંધ રહ્યો છે. તાતા કન્ઝ્યુમર એક ટકો સુધર્યો હતો. ગોદરેજ કન્ઝ્યુમર અડધો ટકો વધ્યો હતો. હેરિટેજ ૨.૯ ટકા નરમ હતો. 
બજાજ ઑટોએ લાખેણીનો ટૅગ ગુમાવ્યો, હીરો મોટોકૉર્પ વર્ષના તળિયે
બજાજ ઑટો ધીમા ઘસારાની ચાલમાં ગઈ કાલે ચારેક ગણા કામકાજમાં પોણો ટકો ઘટી ૩૩૯૦ બંધ થયો છે. કંપનીનું માર્કેટ કૅપ છ આંકડાની અંદર, ૯૮૦૯૫ કરોડ રૂપિયા થઈ ગયું છે. ઇન્ટ્રા-ડેમાં ભાવ નીચામાં ૩૩૭૮ થયો હતો એ ૨૦૨૧ના વર્ષનું અત્યાર સુધીનું બૉટમ છે. અન્ય ઑટો શૅરમાં મારુતિ સવા ટકા, હીરો મોટોકૉર્પ ૨૫૮૧ની વર્ષની નીચી સપાટી બનાવી એક ટકા ઘટી ૨૫૯૫ રૂપિયા, અશોક લેલૅન્ડ અડધો ટકો, આઇશર પોણો ટકો નરમ હતા. તાતા મોટર્સ પોણો ટકો વધી ૪૯૩ નજીક હતો. એનો ડીવીઆર પોણા ટકાની નરમાઈમાં ૨૭૬ હતો. એસ્કોર્ટ્સ પોણા ટકાની આગેકૂચમાં ૧૮૧૫ બંધ થયો છે. ઑટો પાર્ટ્સ સેગમેન્ટમાં તાતા મોટર્સની સબસિડિયરી ઑટો મોબાઇલ કૉર્પો. ઑફ ગોવા ૧૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૨૬ની વિક્રમી સપાટી બનાવી ૮૧૮ બંધ હતી. સુપ્રજીત ૭.૫ ટકા, ભારત ગિઅર ૭.૬ ટકા, પ્રિસીઝન કેમશાફટ ૭.૩ ટકા, ઑટોમોટિવ સ્ટેમ્પિંગ પાંચ ટકા વધ્યા હતા. જેબીએમ ઑટો સાધારણ વધી ૭૪૭ હતો. જેકે ટાયર્સ પોણાબે ટકા તો સિએટ બે ટકા સુધારામાં અને એમઆરએફ પોણા ટકાના ઘટાડે બંધ આવ્યા છે. રબર ઉત્પાદન હેરિસન મલયાલમ પોણાછ ટકાની તેજીમાં ૧૬૭ બંધ હતો. એમએમ રબર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં બાવન નજીક જોવાયો છે. કાઇનેટિક એન્જી. પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૫ની ઉપર ગયો છે.
હેલ્થકૅર-ફાર્માની લાલી વધી, જીએસકે ફાર્મા નવા શિખરે
ગુરુવારે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨૦માંથી ૩ શૅરના ઘટાડા વચ્ચે ૧.૨ ટકા તથા નિફ્ટી હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૦માંથી ૧૫ શૅર પ્લસમાં આપીને ૧.૬ ટકા વધ્યા છે. બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક દોઢ ટકા કે ૩૮૨ પૉઇન્ટની લાલીમાં હતો. એના ૯૦માંથી ૭૦ શૅર વધ્યા છે. ગ્લેક્સો અર્થાત જીએસકે ફાર્મા ૧૮૨૪ની આશરે સાડાપાંચ વર્ષની ટૉપ બનાવી ૮.૯ ટકા વધીને ૧૭૫૯ બંધ આવ્યો છે. કિમ્સ સાડાછ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૬.૪ ટકા, લૌરસ લૅબ ૬.૩ ટકા, ફરમેન્ટા ૪.૨ ટકા, ટોરન્ટ ફાર્મા ૫.૭ ટકા, વિમતા લૅબ ૫.૬ ટકા ઊચકાયા હતા. સામે સિકવન્ટ સાયન્ટિફિક ૫.૭ ટકા ગગડીને ૧૬૩ નીચે તથા સસ્ટસુંદર પાંચ ટકાના ઘટાડે ૫૩૬ હતો. વિનસ રેમેડીઝ ૩.૮ ટકા કટ થયો છે. દીવીસ લૅબ ૨.૨ ટકા, સનફાર્મા પોણો ટકો, સિપ્લા પોણો ટકો પ્લસ હતા. ડૉ. રેડ્ડીઝ લૅબ નજીવો ઘટીને ૪૫૯૨ હતો. ઇપ્કા તરફથી એક્વિઝિશન અને ઓપન ઑફરના પગલે લાયકા લૅબ્સ ઉપલી સર્કિટમાં ૧૪૨ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે ઇપ્કા લૅબ પોણાબે ટકા જેવી પીછેહઠમાં સવાયા કામકાજ સાથે ૨૦૨૪ રહ્યો છે. કૅડિલા હેલ્થકૅર પોણા ટકા નજીકના સુધારામાં ૪૬૩ હતો. 
આઇટીમાં ઇન્ફીની આગેવાની, બૅન્ક નિફ્ટી સાધારણ ઘટ્યો
ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૦.૯ ટકા કે ૩૦૪ પૉઇન્ટ વધ્યો છે જેમાં ઇન્ફી દોઢ ટકો બાઉન્સબૅક થઈ ૧૭૨૨ બંધ રહેતાં એનું પ્રદાન લગભગ ૨૦૦ પૉઇન્ટનું હતું. ટેક મહિન્દ્રા સવા ટકો, એચસીએલ ટેક્નૉલૉજીસ અડધો ટકો, લાર્સન ઇન્ફોટેક ૧.૯ ટકા, માઇન્ડ ટ્રી ૧.૭ ટકા વધ્યા હતા. વિપ્રો ૬૩૬ના આગલા લેવલે ફ્લેટ હતો. ટીસીએસ બે રૂપિયાના પરચુરણ સુધારામાં ૩૫૪૬ રહ્યો છે. આર. સિસ્ટમ્સ ઇન્ટરનૅશનલ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૮૭ નજીક નવા શિખરે ગયો છે. મજેસ્કો અર્થાત્ ઓરમ પ્રોપટેક ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯૩ને વટાવી ગયો છે. સેરેબ્રા ઇન્ટર. સાડાબાર ટકા ઊચકાયો હતો. એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સ ૧૦ ટકા, નીટ લિમિટેડ છ ટકા, ઇન્ફીબીમ સવાપાંચ ટકા, નઝારા ટેકનો પાંચ ટકા, બ્રાઇટકૉમ પાંચ ટકા, તાન્લા પ્લૅટફૉર્મ ૪.૬ ટકા, ક્વીકહીલ સવાત્રણ ટકા વધ્યા હતા. એપટેક પોણાબે ટકા નજીકના સુધારામાં ૩૯૩ બંધ હતો. ન્યુક્લીઅસ ૫.૯ ટકાની ખરાબીમાં ૫૭૦ જોવાયો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકો રણક્યો છે. વોડાફોન છ ટકા ઊછળીને ૧૧.૬૫ રૂપિયા, તાતા ટેલી રાબેતા મુજબ પાંચ ટકાની તેજીની સર્કિટે ૯૭ નજીક નવી ટોચે, તેજસ નેટ ૫ ટકાની તેજીની સર્કિટમાં ૪૮૮, ભારતી ઍરટેલ પોણો ટકો વધી ૭૬૫, એનો પાર્ટ પેઇડ શૅર સામે પોણા ટકાના ઘટાડે ૪૨૧ નજીક બંધ આવ્યા છે.
બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૧૨ શૅર પ્લસ હતા. ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક સર્વાધિક ૪.૪ ટકા વધીને ૬૬ બંધ હતો. બંધન બૅન્ક ૧.૯ ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક સવા ટકો, યસ બૅન્ક સવા ટકો, કોટક મહિન્દ્રા બૅન્ક એક ટકાથી વધુ તો ધનલક્ષ્મી બૅન્ક એક ટકો અપ હતા. ઇન્ડિયન બૅન્ક અઢી ટકાની નજીક ઘટી ૧૫૩ થયો છે. યુકો બૅન્ક પોણાબે ટકા, એયુ બૅન્ક દોઢ ટકો, પીએનબી તથા યુનિયન બૅન્ક સવા ટકો ઢીલા હતા. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૯૫૧ની છ મહિનાની બૉટમ બનાવી ૧.૩ ટકા ઘટી ૯૫૯ તો આઇસ‌ીઆઇસીઆઇ બૅન્ક ૧.૨ ટકા ઘટી ૭૫૧ નજીક બંધ હતા. બૅન્ક નિફ્ટી ૭૨ પૉઇન્ટ જેવો સાધારણ ડાઉન હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી બે શૅરના સુધારા વચ્ચે અડધા ટકાથી વધુ નરમ રહ્યો છે. સ્ટેટ બૅન્ક અડધો ટકો કટ થઈ ૪૯૦ હતો. 

26 November, 2021 02:22 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK