° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત : હવે ભવિષ્યના બિગટિકિટ માળખાકીય સુધારાઓ ધીમા પડી શકે

22 November, 2021 01:40 PM IST | Mumbai | JItendra Sanghvi

વિશ્વ હજી કોરોનામુક્ત થયું નથી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

સરકારના અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને બજારની ઘટનાઓને કારણે વીતેલા સપ્તાહ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સીમાચિહ્‌નરૂપ બની રહેશે. ખૂબ વિવાદાસ્પદ બનેલ અને જેણે એક વર્ષ જેટલા લાંબા સમય માટે ઉગ્ર આંદોલનનું રૂપ પકડ્યું હતું એવા ત્રણ કૃષિ કાયદાઓ સંસદના શિયાળુ સત્રમાં પાછા ખેંચવાની જાહેરાત એ સૌથી અગત્યના સમાચાર. બીજા અગત્યના સમાચાર તે અત્યાર સુધીના સૌથી મોટા (પેટીએમ) પબ્લિક ઇશ્યુની સૌથી મોટી નિષ્ફળતા.
વડા પ્રધાને જાહેર ક્ષેત્રની બૅન્કોને સ્ટાર્ટ અપ અને ઉદ્યોગોને ધિરાણ કરવામાં જરૂરી જોખમ ઉઠાવવાની અને તે દ્વારા બૅન્કની અને દેશની બેલેન્સશીટ (આર્થિક વિકાસનો દર) સુધારવાની સલાહ આપી છે. આ સમય છે નીતનવા વિચારો (એટલે કે સ્ટાર્ટ અપ્સ)માં રોકાણ કરવાનો, નહીં કે પૂંજી (એસેટ)માં. સારા આશયથી લેવાયેલ ધિરાણને લગતા વાજબી નિર્ણયો માટે બૅન્કરોની હેરાનગતિ કરવામાં નહીં આવે. પ્રામાણિકપણે બૅન્કના હિતમાં લેવાયેલ નિર્ણયોને સરકારનું સંપૂર્ણ પીઠબળ મળી રહેશે.
આપણે જે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ તેણે રાજકારણ, અર્થકારણ અને સમાજની કરેલ જુદી વ્યાખ્યાઓથી યુગોમાં એકાદવાર બને તેવાં પરિવર્તનો આજે થઈ રહ્યાં છે. જેને કારણે કેટલાંક નવાં જોખમો પણ ઊભા થઈ રહ્યાં છે. એટલે કોઈ એક ચોક્કસ વર્ગનો સ્વાર્થ સધાય એને બદલે તે દ્વારા વેપાર, મૂડીરોકાણ અને પ્રજાના વિશાળ વર્ગનું હિત સધાય એ રીતે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાની પણ વડા પ્રધાને સલાહ આપી છે.
નાણાપ્રધાને પણ વેપાર ઉદ્યોગને મૂડીરોકાણ માટે થોડું જોખમ લેવાનો આ સહી સમય હોવાની સલાહ આપી છે. માગ જ્યારે વધી રહી છે અને જાહેર ક્ષેત્રની બૅન્કોની બેલેન્સશીટ મજબૂત બનતી જાય છે ત્યારે મૂડીરોકાણ દ્વારા નવી ઉત્પાદનક્ષમતા ઊભી કરવા માટે અને આયાતો પરની આપણી નિર્ભરતા ઘટાડવાની સલાહ આપી છે. જ્યાં નવી ટેક્નોલૉજી દેખાય ત્યાં ભાગીદાર બનીને માળખાકીય સવલતો સુધારવા વેપાર ઉદ્યોગે આગળ આવવું જોઈએ. આ સંદર્ભમાં ઑટો સેક્ટરની માગ વધી હોવા છતાં સેમી કન્ડક્ટર (ચીપ્સ) અને કન્ટેઇનરની અછતને કારણે આપણે તે પૂરી કરી શક્યા નથી તેનો ઉલ્લેખ કરાયો છે. સરકારના ‘આત્મનિર્ભર ભારત’ના સ્લોગનને મજબૂત કરવાનો આ સમય છે.
કંપનીઓનો નફો વધ્યો, નફાશક્તિ નહીં 
દરમ્યાન અર્થતંત્ર મજબૂત થતું જાય છે. ભાવવધારાનું જોખમ અલબત્ત ઊભું છે. જથ્થાબંધ ભાવાંક ઑક્ટોબર મહિને પાંચ મહિનાનો સૌથી ઊંચો છે(૧૨.૫ ટકા). ઑક્ટોબર ૨૦૨૦માં તે સાવ નીચો (૧.૩ ટકા) હતો. ગયે મહિને છૂટક ભાવાંકની અડધા ઉપરાંતની ચીજવસ્તુઓનો ભાવવધારો રિઝર્વ બૅન્કની ટોલરન્સ લિમિટના છ ટકાથી વધુ હતો. ક્રૂડ ઑઇલનો ભાવવધારો માથે ઝળુંબે છે. 
સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૮૦૦ કંપનીઓની આવક અને નફામાં વધારો થયો છે એ ખરું, પણ તેની નફાશક્તિ ઘટી છે. વધતા જતા વૅક્સિનેશન સાથે સુધરતી જતી માગને કારણે હવે પછીના બે ક્વૉર્ટરમાં કંપનીઓની બેલેન્સશીટ સુધરવાની અપેક્ષા રાખી શકાય.
વિશ્વ હજી કોરોનામુક્ત થયું નથી
દિવાળીના તહેવારોનાં બે અઠવાડિયાં પછી પણ કોવિડના નવા કેસ ઘટી રહ્યા છે. એટલે હાલપૂરતું તો ત્રીજી લહેરનું સંકટ ટળ્યું છે એમ કહી શકાય. વડા પ્રધાને રસીના ૫૦૦ કરોડ ડોઝ ૨૦૨૨ના અંત સુધીમાં નિકાસ કરવાની વાત કરી છે. એટલે વિશ્વના જરૂરિયાતવાળા અન્ય દેશોમાં પણ વૅક્સિનની ઝડપ વધશે. વૅક્સિનના ૨૨ કરોડ ડોઝ હાલમાં વપરાયા વિનાના પડ્યા છે તેના ઉપયોગ દ્વારા વૅક્સિનેશનની ઝડપ વધારવી પડશે. ૧૨ વર્ષથી ઉપરના ટીનેજર્સ માટેની વૅક્સિન તૈયાર હોવા છતાં ભારત વિશ્વના અન્ય દેશોના અનુભવને આધારે જ્યારે પણ આ વૅક્સિનેશન શરૂ કરશે ત્યારે ૧૮ વર્ષથી ઉપરનાનો જ તેમાં સમાવેશ કરશે એવા સમાચાર છે. 
યુરોપ, અમેરિકા અને રશિયા હજી મહામારીની મજબૂત પકડ હેઠળ છે. ફ્રાન્સમાં રોજના ૨૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાય છે (જે ઑગસ્ટ પછીના સૌથી વધુ છે). જર્મનીમાં પણ મહામારીની ચોથી લહેર ચાલુ છે. અમેરિકામા છેલ્લા ત્રણ દિવસથી રોજના એક લાખથી વધુ કેસ બને છે તો રશિયામાં રોજના ૩૭,૦૦૦થી વધુ. ચીનના ૪૦ કરતાં વધુ શહેરોમાં નવા કેસ નોંધાઈ રહ્યા હોઈ લાખો લોકો લૉકડાઉન હેઠળ જીવી રહ્યા છે.
આ સંદર્ભમાં આપણે મહામારીથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા હોવાની ભૂલ કરીએ તો તે આપણને ભારે પડી શકે. નિષ્ણાતોના મતે માસ્કનો વ્યવસ્થિત ઉપયોગ કોરોનાના જોખમમાં ૫૦ ટકાનો ઘટાડો કરે છે. એટલે ઓછામાં ઓછા ૨૦૨૨ના અંત સુધી માસ્કનો ઉપયોગ આપણે માટે ખાસ કરીને મુંબઈવાસીઓ માટે અનિવાર્ય ગણાય.
ચીને આર્થિક સુધારાઓની શરૂઆત કૃષિ ક્ષેત્રથી કરી, આપણે આજ દિવસ સુધી તે બાબતે સરિઆમ નિષ્ફળ રહ્યા
સ્વતંત્ર ભારતનાં ૭૫ વર્ષના ઇતિહાસમાં કોઈ સરકાર કૃષિ ક્ષેત્રના સુધારાઓમાં સફળ રહી નથી. ચર્ચાઓના સ્તરે તેને અગ્રક્રમ મળે પણ અમલની વાત આવે એટલે સંસદમાં તે અટવાઈ જાય. મોદી સરકારે બહુમતીના જોરે આ કાયદાઓ સંસદમાં પસાર કરાવ્યા (રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં), પણ અંતે આંદોલનકારો (કિસાનો કે વચેટિયાઓ?)ની મજબૂત લૉબી સામે ઝૂકવું પડ્યું. એ કોઈ એક લૉબીનો શું પાવર હોઈ શકે તે દર્શાવે છે.
વિરોધ પક્ષો : સરકારને રાજકીય લાભ ખાટવો છે 
સરકાર : વર્ષોથી આવા કાયદાઓની માગ હતી 
વડા પ્રધાનની આ સુધારાઓ રદ કરવાની જાહેરાતને વિરોધ પક્ષો કે એક ચોક્કસ લૉબી સરકારની હાર માને છે. તેમના મતે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સર કરવાની પ્રબળ ઇચ્છાએ સરકારને આમ કરવાની ફરજ પાડી છે. નહીં તો અત્યાર સુધી સરકારે આંદોલનને કચડવાના જ પ્રયાસ કેમ કર્યા? સરકાર પાસે હવે કોઈ માર્ગ ન બચતા છેલ્લા ઉપાય તરીકે સરકારે માથું ટેકવ્યું છે. તેમને હજી આ કાયદાઓ રદ કરતાં બીલ પર રાષ્ટ્રપતિની સહી ન થાય ત્યાં સુધી સરકારના વચન પર ભરોસો નથી.
સરકારની દલીલ છે કે આ કાયદાઓ (જેની વર્ષોથી માગ હતી) કિસાનોનાં હિતમાં છે. છતાં બ્રોકરો (વચેટિયાઓ)ની એક મજબૂત લૉબીએ પોતાના અંગત સ્વાર્થ માટે અશિક્ષિત કિસાનોને ભડકાવ્યા છે.
ડોશી મરે તેનો વાંધો નહીં, જમડા ઘર ભાળી જાય તેનું શું?
સરકારે આંદોલનકારોનો મૂડ પારખીને ઘીના ઠામમાં ઘી પડ્યું રહે અને દેશમાં મોટો રાજકીય ભૂકંપ ન સર્જાય એ માટે હાલપૂરતા પારોઠનાં પગલાં ભર્યાં છે અને એની યોગ્ય વિચારણા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનું જાહેર કર્યું છે. 
સામાન્ય રીતે વડા પ્રધાને છેલ્લાં સાત વર્ષમાં તેમની દૃઢ નિર્ણયશક્તિનો દેશવાસીઓને પરિચય આપ્યો છે. નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય હોય કે જીએસટીના કાયદા (જેમાં બંધારણીય ફેરફાર કરવા પડે) જેવો ઐતિહાસિક સુધારો હોય મોદી પોતાના કે તેમની સરકારના નિર્ણયમાં ક્યારેય ટસના મસ નથી થયા. આ પહેલાં તેમની પ્રથમ ટર્મની શરૂઆતમાં ૨૦૧૫માં માત્ર એકવાર લૅન્ડ એક્વિઝિશનના મુદ્દે તેમણે હાર સ્વીકારી હતી. એટલે તેમની હાલની જાહેરાત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવે તે સ્વાભાવિક છે.
સવાલ એ છે કે એકવાર આંદોલનના જોરે ધાર્યું કરાવનાર લૉબીથી પ્રોત્સાહિત થઈને ભવિષ્યમાં માળખાકીય આર્થિક સુધારાઓ કરાતા હોય ત્યારે કામદારોના ટ્રેડ યુનિયનો કે એવી અન્ય લૉબીઓ પણ આંદોલનનો માર્ગ અપનાવી તેને નહીં અટકાવે તેની ખાતરી શું? એટલે ડોશી મરે તે કરતાં વધુ ભય તો જમડા ઘર ભાળી જાય તેનો હોય. 
બાકીની મુદતમાં જાહેર સાહસોના ખાનગીકરણ અને સરકારના અસૅટ મૉનેટાઇઝેશન જેવા બીજા બિગટિકિટ સુધારાઓ દાખલ કરવા માટે સરકારનો આત્મવિશ્વાસ પહેલાં જેવો ન ટકી રહે તેમ પણ બને. એમ થાય તો આવા આર્થિક સુધારાઓ બાબતે દેશ પાછળ પડી શકે કે ધારી ઝડપે આગળ વધી ન શકે. જેની મોટી અવળી અસર દેશના સાતત્યપૂર્ણ અને ઝડપી આર્થિક વિકાસ પર થઈ શકે. 
લોકશાહીની આ એક મર્યાદા છે
ચીન જેવા સામ્યવાદી દેશ (જ્યાં રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ પોતાની ત્રીજી ટર્મ તો પાકી કરાવી જ લે, પણ બંધારણના ફેરફાર દ્વારા પોતાના માટે અમર્યાદિત સમય માટેની અમર્યાદિત સત્તા પર પણ મત્તું મરાવી શકે) ને આપણા જેવી લોકશાહીની મર્યાદાઓ નડતી નથી. એટલે ત્યાં અમુક સારા અને અનિવાર્ય એવા માળખાકીય સુધારાઓનો અમલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન સિવાય, વિરોધ પક્ષના વિરોધ સિવાય કે કોર્ટની અન્ય કાર્યવાહી સિવાય બુલેટ ટ્રેનની ઝડપે થઈ શકે છે. જોકે આ એક પ્લસ પૉઇન્ટ સિવાય એ રાજકીય વ્યવસ્થાનાં અનેક દૂષણો છે. જ્યારે આપણા જેવી લોકશાહીમાં ગણ્યાગાંઠયા માઇનસ પૉઇન્ટ સિવાય અનેક પ્લસ પૉઇન્ટ છે એની ના કહી શકાય તેમ નથી. 
પ્રાથમિક શિક્ષણથી જ દેશપ્રેમ અને દેશદાઝના પાઠ ભણાવવા  
પ્રાથમિક શિક્ષણથી જ શાળાઓમાં દેશપ્રેમના સબક શીખનાર બાળક નાગરિક બને ત્યારે અંગત અને સંકુચિત સ્વાર્થ ખાતર દેશહિતને જોખમમાં નહીં મૂકે. સ્વાર્થપ્રેરિત લૉબીઓ ઓછી ઊભી થશે. વિરોધ પક્ષો વિરોધ કરવા ખાતર સરકારનો વિરોધ નહીં કરે, પણ રચનાત્મક વિરોધ કરી પ્રજાનાં હિતનાં કાર્યોમાં તેનો સાથ આપશે. તો સરકારો પણ માત્ર વટ દેખાડવા ખાતર પોતાના ખોટા નિર્ણય પર અફર નહીં રહે. આમ બનવું મુશ્કેલ છે પણ અસંભવ નહીં. લાંબા ગાળે આ શક્ય બની શકે. તેના માટે શૉર્ટ કટ ન હોય, પણ જે દિવસે અને જ્યારે પણ આમ થશે ત્યારે લોકશાહી ભારતમાં ચમત્કારો સર્જાશે.

22 November, 2021 01:40 PM IST | Mumbai | JItendra Sanghvi

અન્ય લેખો

ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા મહારેરા પ્રમોટરોથી નવાં ફૉર્મ દ્વારા માહિતી માગે છે

રિયલ એસ્ટેટ ક્ષેત્રે હવે ગ્રાહકોના હિતનું ઘણી સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

15 January, 2022 05:58 IST | Mumbai | Parag Shah

News in short : પૅસેન્જર વાહનોની ડિલિવરી ગયા મહિને ૧૩ ટકા ઘટી : એસઆઇએએમ

એસઆઇએએમનું કહેવું છે કે ચિપની અછત ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા નથી. જોકે થોડો સુધારો જરૂર થશે. 

15 January, 2022 04:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૨૧માં ભારતમાંથી થયેલી નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૯૧ ટકા વધી

પેટ્રોલિયમ અને ક્રૂડ ઑઇલની આયાત ૬૭.૮૯ ટકા વધી : વેપારખાધ વધીને ૨૧.૬૮ અબજ ડૉલર થઈ

15 January, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK