Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક પીછેહઠ પચાવી બજાર નીચલા મથાળેથી ૫૬૭ પૉઇન્ટ વધીને ફ્લૅટ બંધ

પ્રારંભિક પીછેહઠ પચાવી બજાર નીચલા મથાળેથી ૫૬૭ પૉઇન્ટ વધીને ફ્લૅટ બંધ

15 January, 2022 04:32 PM IST | Mumbai
Anil Patel

પેટીએમ ખરાબીમાં ૯૯૫ થઈને બાઉન્સબૅક થયો, જિલેટ તથા દિલીપ બિલ્ડકોન નવી નીચી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પેટીએમ ખરાબીમાં ૯૯૫ થઈને બાઉન્સબૅક થયો, જિલેટ તથા દિલીપ બિલ્ડકોન નવી નીચી સપાટીએ : એચડીએફસી બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ સુધર્યો, બૅન્ક નિફ્ટી નરમ : રિલાયન્સના પરિણામ ૨૧મીએ આવશે, શૅર નામ કે વાસ્તે વધ્યો : અદાણી એન્ટર તથા અદાણી ગ્રીનમાં નવી વિક્રમી સપાટી : લક્ષ્મી મશીન ૧૦૪૩૬ની નવી ઊંચી સપાટી બનાવી ૪૦૬ રૂપિયા અપ : ઇન્ફી અને ટીસીએસનો સુધારો બજારને ૧૬૭ પૉઇન્ટ ફળ્યો

સંક્રાન્તના દિવસે શૅરબજાર પાંચ દિવસના સુધારા બાદ બાર પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડામાં ૬૧૨૨૩ તથા નિફ્ટી બે પૉઇન્ટની પીછેહઠમાં ૧૮૨૫૬ નજીક બંધ રહ્યો છે. પ્રથમ નજરે બજારનો પતંગ ઉત્તરાયણે ચગ્યો નથી એવું લાગે છે, પરંતુ માર્કેટ તેની ઇન્ટ્રા-ડે બૉટમથી ૫૬૭ પૉઇન્ટ બાઉન્સ થયું અને ૪૭૮ પૉઇન્ટનો ખાડો લગભગ સરભર કરી શક્યું એની નોંધ લેવી રહી. સેન્સેક્સ-નિફ્ટીની નહીંવત્ પીછેહઠ સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અડધો ટકો મિડ કૅપ ઇન્ડેક્સ સાધારણ તથા બ્રોડર માર્કેટનો બેન્ચમાર્ક નજીવો પ્લસ હતા. સરવાળે માર્કેટ બ્રેડ્થ સારી એવી હકારાત્મક જોવાઈ છે. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૨ જાતો પ્લસ હતી. ટીસીએસ પ્રારંભિક નરમાઈ પચાવી પોણાબે ટકાથી વધુના સુધારામાં ૩૯૬૯ના બંધમાં ટૉપ ગેઇનર બન્યો છે. સુધારાનો યશ બાયબૅકને જાય છે. ઇન્ફી નવી ઑલટાઇમ હાઈ બતાવી દોઢ ટકાથી વધુ આગળ ધપી સેન્સેક્સને સૌથી વધુ ૧૦૧ પૉઇન્ટ ફળ્યો છે. ઉક્ત બન્ને શૅર થકી માર્કેટને ૧૬૭ પૉઇન્ટનો લાભ થયો હતો. લાર્સન ૨૦૫૦ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકાની મજબૂતીમાં ૨૦૪૫ નજીક પહોંચ્યો છે. તેના પરિણામ ૨૮ જાન્યુ.ના રોજ આવવાના છે. રિલાયન્સે ત્રિમાસિક પરિણામ ૨૧ જાન્યુ.એ જાહેર કરવાની જાણ કરી છે, તે દિવસે શુક્રવાર છે. રિજલ્ટ બહુધા બજાર બંધ થયા પછી આવશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૫૬૬ વટાવી નીચામાં ૨૫૨૬ થયા પછી સવા ત્રણ રૂપિયા જેવા નામ કે વાસ્તે સુધારામાં ૨૫૩૯ નજીક બંધ આવ્યો છે. પરિણામ નજીક હોવાથી રિલાયન્સમાં કંપની સર્કલ અને તેના સાથીદારો તરફથી અવનવી જાહેરાતો અવાર-નવાર આવતી જવાની છે. આગલા દિવસે કોઈ જ દેખીતા કારણ વગર છ ટકાથી વધુનો જમ્પ મારનાર તાતા સ્ટીલ ગઈ કાલે અડધા ટકાથી વધુની નરમાઈમાં ૧૨૧૩ બંધ હતો. એશિયન પેઇન્ટસ અઢી ટકાથી વધુની નબળાઈમાં ૩૩૬૫ની અંદર રહીને ટૉપ લૂઝર બન્યો છે. હિન્દુ. યુનિલીવર, મહિન્દ્ર, ભારતી અૅરટેલ, નેસ્લે, સનફાર્મા, ટાઇટન એકાદ ટકાથી લઈને બે ટકા કરતાં વધુ ઢીલા હતા. જીએમડીસી લિગ્નાઇટના ભાવવધારા પાછળ તેજી જાળવી રાખી ૧૮.૬ ટકા ઊછળી ૧૧૦ની નવી ઐતિહાસિક ટોચે બંધ થયો છે.
માઇન્ડ ટ્રી સારા પરિણામ છતાં ગગડ્યો, વિપ્રોમાં નરમાઈ જારી 
મિડસાઇઝ આઇટી કંપની માઇન્ડ ટ્રી દ્વારા ડિસે. ક્વૉર્ટરમાં આવકમાં ૩૬ ટકા જેવા વધારા સામે ૩૪ ટકા વૃદ્ધિદરથી ૪૩૮ કરોડ જેવો નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. માર્જિન પણ વધ્યું છે. સારા પરિણામ છતાં હાઈ વૅલ્યુએશનની થીમ વહેતી થતાં શૅર ગઈ કાલે ત્રણગણા કામકાજમાં ૪૪૭૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી ૪.૨ ટકા કે ૧૯૯ રૂપિયાની ખરાબીમાં ૪૫૪૫ બંધ આવ્યો છે. એચસીએલ ટેક્નૉલૉજીઝમાં પરિણામનો દિવસ હોવાથી ભાવ નીચામાં ૧૨૯૩ અને ઉપરમાં ૧૩૪૩ થઈ સાધારણ સુધારે ૧૩૩૭ બંધ થયો છે. પરિણામ બજાર બંધ થયા પછી હતા. દરમ્યાન પરિણામ અને કોવિડને લઈ ગ્લોબલ ઑફિસ ચાર સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાતની અસરમાં ગુરુવારે છ ટકા ખરડાયેલો વિપ્રો દોઢા કામકાજમાં નીચામાં ૬૩૬ થઈ દોઢ ટકાની નરમાઈમાં ૬૪૦ હતો, જ્યારે ઇન્ફી પરિણામના કૈફમાં ૧૯૩૩ની નવી વિક્રમી સપાટીએ જઈ ૧.૬ ટકાની આગેકૂચ સાથે ૧૯૨૮ હતો. ટીએસ પ્રારંભિક નરમીમાં ૩૮૬૦ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ઉપરમાં ૩૯૭૮ થઈ ૧.૮ ટકા ઊંચકાઈને ૩૯૬૯ હતો. કામકાજ બેગણા હતા. આઇટી ઇન્ડેક્સ ૩૭૬૭૫ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીથી બાઉન્સબૅકમાં ૩૮૫૦૪ બતાવી ૩૬૧ પૉઇન્ટ વધીને ૩૮૪૪૧ રહ્યો છે. તેના ૬૦માંથી ૩૦ શૅર પ્લસ હતા. બ્રાઇટકોમ, નેલ્કો, ૬૩ મૂન્સ, એચસીએલ ઇન્ફો પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા. હિન્દુજા ગ્લોબલમાં બાયબૅક માટેની બોર્ડમીટિંગના આઉટકમ ઉપર નજર રહેતા ભાવ ૨.૪ ટકા વધીને ૩૧૬૯ બંધ રહ્યો છે, જ્યારે શૅરદીઠ ૧૫૦ના ઇન્ટરિમમાં શૅર સોમવારે એક્સ ડિવિડન્ડ થવાનો છે. તાતા એલેક્સી સવા ટકો ડાઉન હતો.
આરબીએલ બૅન્કમાં સુધારાની આગેકૂચ, તાતા ઇન્વે.માં ઉછાળો
એચડીએફસી બૅન્કના પરિણામ શનિવારે છે. બજાર ૧૭ ટકા જેવા વધારામાં ૧૦૨૮૦ કરોડની આસપાસના ચોખ્ખા નફાની ધારણા રાખે છે. શૅર આગલા દિવસની પોણાબે ટકાથી વધુની નબળાઈ બાદ ગઈ કાલે એક ટકો વધી ૧૫૪૫ બંધ રહ્યો છે. અૅક્સિસ બૅન્ક નીચામાં ૭૧૬ થઈ અઢી ટકાના ઘટાડામાં ૭૨૨ નજીક હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૭ ટકા ઘટીને ૮૧૯, સ્ટેટ બૅન્ક અડધો ટકો ઘટી ૫૦૮, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક પોણો ટકો ઘટીને ૯૨૦ તથા કોટક મહિન્દ્ર બૅન્ક અડધા ટકાના સુધારે ૧૯૩૭ બંધ હતા. બૅન્ક નિફ્ટી બારમાંથી ચાર શૅરના સુધારા વચ્ચે ૯૯ પૉઇન્ટ નરમ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી નહીંવત્ ઘટ્યો છે. તેના ૧૩માંથી પાંચ શૅર પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાં ૩૬માંથી ૧૬ જાતો સુધારામાં હતી. આરબીએલ બૅન્ક સુધારાની ચાલ જાળવી રાખતાં ૫.૩ ટકા ઊંચકાઈ ૧૫૬ રહ્યો છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૭ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક ૨.૯ ટકા, સીએસબી બૅન્ક ૧.૭ ટકા, બંધન બૅન્ક પોણો ટકો અપ હતા. એયુ બૅન્ક ૩.૬ ટકાની નબળાઈમાં ૧૨૬૦ થયો છે. સીટી યુનિયન બૅન્ક બે ટકા ઢીલો હતો. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૨માંથી ૫૭ શૅરના ઘટાડા વચ્ચે ૨૦ પૉઇન્ટ ઢીલો છે. એચડીએફસી ૨૬૮૮ની ઇન્ટ્રા-ડે બૉટમ પછી દોઢ ટકાની નરમાઈમાં ૨૭૧૩ જોવાયો છે. બજાજ ફાઇ. સહેજ સુધરી ૭૮૧૭ તથા બજાજ ફિનસર્વના પરિણામ ૨૦મીએ છે, ભાવ નહીંવત્ ઘટી ૧૮૧૮૮ હતો. બજાજ હોલ્ડિંગ્સમાં દોઢ ટકાનો સુધારો હતો. તાતા ઇન્વે. ૪.૩ ટકા વધીને ૧૫૩૧ થયો છે. 
પેટીએમ નવા નીચા તળિયે જઈ નવ દિવસ બાદ વધીને બંધ
પેટીએમ સળંગ આઠ દિવસની નરમાઈ બાદ ગઈ કાલે ઉપરમાં ૧૧૨૭ થઈ ૮.૪ ટકા વધી ૧૧૧૮ બંધ આવ્યો છે. જોકે ઇન્ટ્રા–ડેમાં ભાવ ૯૯૫ના ઑલટાઇમ નવા તળિયે ગયો હતો જે સતત પાંચમી ઑલટાઇમ બૉટમ હતી. એનએસઈમાં ભાવ ૧૦૦૦ના સૌથી નીચા નવા તળિયે જઈ ૮.૪ ટકા વધી ૧૧૧૮ બંધ થયો છે. બન્ને બજાર ખાતે કુલ ૧૭૦ લાખ શૅરનાં કામકાજ હતાં. ગઈ કાલે આ ઉપરાંત દિલીપ બિલ્ડકોન ૩૮૮ની નવી વર્ષની બૉટમ બનાવી ચાર ટકાના ઘટાડે ૩૮૯ હતો. આ શૅર ત્રણ માસ પૂર્વ ૭૪૯ના બેસ્ટ લેવલે હતો. મલ્ટિનૅશનલ જિલેટ ઇન્ડિયા જેનો ભાવ ૯ સપ્ટે.ના રોજ ૬૨૭૦ના શિખરે હતો તે ગગડતો રહી ગઈ કાલે ૫૧૮૦ની વર્ષની નીચી સપાટી બતાવી અડધો ટકો ઘટી ૫૨૧૩ બંધ આવ્યો છે. વેલસ્પન એન્ટરપ્રાઇસીઝની છ જેટલી રોડ એસેટસ પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ અૅક્ટિસ આશરે ૮૦૦૦થી ૧૦ હજાર કરોડ રૂપિયાની એન્ટરપ્રાઇસ વૅલ્યુથી લેવા ઉત્સુક હોવાના અહેવાલ છે. શૅર શુક્રવારે બમણાં કામકાજમાં ઉપરમાં ૧૦૫ થઈ ૫.૮ ટકાની મજબૂતીમાં ૧૦૨ હતો. ગ્રુપના અન્ય શૅર વેલસ્પન કોર્પો. દોઢ ટકા વધી ૧૯૦ તથા વેલસ્પન ઇન્ડિયા દોઢ ટકા ઘટી ૧૫૧ બંધ હતા. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ફેબિનો લાઇફ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૨ના નવા શિખરે, એસેન્સીવ એજ્યુકૅર તેજીની સર્કિટમાં ૩૧ વટાવી વધી ત્યાં જ તથા એબી કોટસ્પિન ઉપલી સર્કિટમાં ૪૭ નજીક નવી ટોચે બંધ હતા. ટાઇમસ્કેન પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૯૫ના બેસ્ટ લેવલે બંધ હતો.
લાર્સનમાં નવા શિખર સાથે કેપિ. ગુડ્સ ઇન્ડેક્સ બેસ્ટ લેવલે 
ટેલિકોમ બેન્ચમાર્ક શુક્રવારે સવા ટકો જેવો કટ થયો છે. અત્રે ૧૭માંથી ૧૦ જાતો માઇનસ હતી. તાતા ટેલિ પાંચ ટકાની નીચલી સર્કિટે ૨૫૦ની અંદર ગઈ છે. જીટીપીએલ ત્રણ ટકા, ઇન્ડ્સટાવર અને ભારતી અૅરટેલ દોઢેક ટકા ડાઉન હતા. એચએફસીએલ સાડા સાત ટકાના ઉછાળે ૯૨ નજીક આવી ગયો છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૦૯૦૭ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૪૩૫ પૉઇન્ટ કે દોઢ ટકો વધી ૩૦૮૭૫ થયો છે. લાર્સને નવા શિખર સાથે ૨૧૪ પૉઇન્ટનો ફાળો આપ્યો હતો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની આગેકૂચમાં ૪૦૧ને વટાવી ગઈ છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ પાંચ ટકાની નજીક ઊછળીને ૨૨૦ જોવાયો છે. લક્ષ્મી મશીન વર્કસ ૧૦૪૩૬ રૂપિયા સુધી ઊંચકાઈને ૧૦૦૭૩ હતો. હિન્દુ અૅરોનોટિક્સ ચાર ટકાની નજીક અને થર્મેક્સ સવા બે ટકા અપ હતા. 
અદાણી એન્ટર. ૧૮૯૦ની નવી વિક્રમી સપાટી બતાવી એક ટકો વધી ૧૮૭૨ નજીકનો બંધ આપતાં તેનું માર્કેટ કૅપ ૨.૦૬ લાખ કરોડ નજીક પહોંચ્યું છે. અદાણી ગ્રીન ૧૭૨૦ના નવા શિખર બાદ બે ટકા વધી ૧૬૯૭ હતો, તેનું માર્કેટ કૅપ હવે ૨.૬૫ લાખ કરોડને પાર થયું છે. અદાણી પાવર ૧૧૭ના લેવલે ફ્લૉટ હતો. અદાણી ટોટલ અને અદાણી ટ્રાન્સમિશન સામાન્ય નરમ હતા. અદાણી પોર્ટસ એકાદ ટકો વધીને ૭૭૯ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2022 04:32 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK