Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતમાં આગામી એકાદ-બે દાયકામાં વિપુલ સંપત્તિનું સર્જન થશે

ભારતમાં આગામી એકાદ-બે દાયકામાં વિપુલ સંપત્તિનું સર્જન થશે

06 December, 2021 11:52 AM IST | Mumbai
Khyati Mashru Vasani

ડિજિટાઇઝેશનની બાબતે ભારતે અસાધારણ પ્રગતિ કરી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતના વિકાસ બાબતે સમગ્ર વિશ્વ આશાવાદી છે તો આપણે એમાં કેમ કોઈ કચાશ રાખવી જોઈએ? હા, અત્યારે દેશમાં થઈ રહેલા વિદેશી રોકાણ તથા વૈશ્વિક મંચ પર દેશને મળી રહેલા મહત્ત્વને જોતાં ચોક્કસપણે કહી શકાય કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે. આથી જ આપણે આગામી ૧૦ વર્ષોમાં ભારતને ૧૦ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવા વિશે વાત શરૂ કરી છે. 
ગયા લેખમાં આપણે જોયું કે આપણા આ લક્ષ્યને સાકાર કરવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્રે રોકાણ, વપરાશ અને નિકાસ એ ત્રણ પરિબળો મહત્ત્વનાં છે. આજે આપણે બીજાં કેટલાંક પરિબળોની વાત કરીએ...
૧. ડિજિટલ અર્થતંત્રની વૃદ્ધિ
ડિજિટાઇઝેશનની બાબતે ભારતે અસાધારણ પ્રગતિ કરી છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. દેશમાં આજની તારીખે ૩૦ કરોડ બૅન્ક ખાતાં જનધન અકાઉન્ટ છે. એ ઉપરાંત ૧ અબજ જેટલાં બૅન્ક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે સંકળાયેલાં છે અને લગભગ એટલી જ સંખ્યામાં મોબાઇલ કનેક્શન પણ છે. આ ત્રણે બાબતો મળીને ડિજિટાઇઝેશનની દૃષ્ટિએ ઘણું મોટું કામ થયું કહેવાય. સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓને આધાર કાર્ડ સાથે સાંકળી લીધી હોવાથી સરકારે ખર્ચેલાં નાણાં ગેરવલ્લે જવાને બદલે ઇચ્છિત વ્યક્તિઓ સુધી જ પહોંચે છે. એક સમય હતો, જ્યારે સરકારે ખર્ચેલા દર એક રૂપિયામાંથી ફક્ત ૧૫ પૈસા વાસ્તવિક લાભાર્થી સુધી પહોંચતા. દેશમાં મોબાઇલ ડેટાનો ભાવ અન્ય દેશોની તુલનાએ સાવ ઓછો છે. એટલું જ નહીં, ડિજિટલ કનેક્ટિવિટીમાં પણ ભરપૂર સુધારણા થઈ ચૂકી છે. ભારતમાં કોરોનાની રસીના ૧ અબજ ડોઝ જેટલી ઝડપથી દેવાઈ ગયા છે એ પણ એક સિદ્ધિ છે, જે વિકસિત દેશો પણ હાંસલ કરી શક્યા નથી. 
૨. સ્ટાર્ટ-અપ્સનું પરિતંત્ર
દેશમાં સ્ટાર્ટ-અપ્સનું પરિતંત્ર ઘણું વિકસી ચૂક્યું છે. હાલ એનું મૂલ્ય લગભગ ૩૦૦ અબજ ડૉલર એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)ના ૧૦ ટકા જેટલું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ મૂલ્ય વધીને ૫૦૦ અબજ ડૉલરનું થવાનો અંદાજ છે. ભારતમાં આ એક જ વર્ષમાં ૪૦ કરતાં વધારે સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન બની ગયાં છે અર્થાત્ દરેકનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧ અબજ ડૉલર કરતાં વધારે થઈ ગયું છે. આ વર્ષે સ્ટાર્ટ-અપ્સે ૫૦ અબજ ડૉલર કરતાં વધારે નાણાં ઊભાં કર્યાં છે. એની મદદથી દેશ વૈશ્વિક સ્તરે પહોંચી જશે. આ ભંડોળનો ઉપયોગ દેશમાં રોજગારનું સર્જન કરવામાં તથા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, પ્રવાસ, માર્કેટિંગ વગેરે પાછળ ખર્ચ કરવામાં વપરાશે, જે દેશમાં નવી માગનું સર્જન કરશે. વળી, આ બધાં કાર્યો કોઈ ને કોઈ ઇનોવેશનનાં છે. એમાં આપવામાં આવતાં એમ્પ્લોઈઝ સ્ટૉક ઑપ્શન્સની મદદથી ઘણા કર્મચારીઓ સંપત્તિસર્જન કરી શકશે. 
૩. સરકારી સુધારા
સરકારે બિઝનેસ સરળતાથી ચાલી શકે એ માટે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ નામે અભિયાન શરૂ કર્યું છે. એને પગલે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ (આઇએમએફ)ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ દિશામાં ઘણી પ્રગતિ કરી છે. દેશમાં ગુડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સનો પ્રારંભ, નોટબંધી, રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ)નો અમલ તથા નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સની સમસ્યાના હલ માટે લવાયેલો ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડ એ બધાં પગલાં દેશને પ્રગતિ અને નિયમનની દિશામાં લઈ જવા માટેની પહેલ છે. સરકારે માળખાગત સુધારા કર્યા છે અને એના દ્વારા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે. 
૪. લોકશાહી અને મનુષ્યબળ
ભારતમાં આજની તારીખે કમાનાર વ્યક્તિઓ કરતાં એમના પર નિર્ભર લોકોની સંખ્યા ઓછી છે. વસતિશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે આ સ્થિતિ વર્ષ ૨૦૫૫ સુધી રહેશે. દેશમાં તંદુરસ્ત લોકશાહી પ્રવર્તમાન છે અને કાયદાનું શાસન છે. આ બન્ને કારણસર પ્રત્યક્ષ વિદેશી રોકાણ વધુ ને વધુ પ્રમાણમાં આવી રહ્યું છે. 
૫. માનસિકતામાં પરિવર્તન અને બિઝનેસનું માનસ
ભારતમાં હવે સંપત્તિસર્જનને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવતું નથી. સરકાર હવે પોતે કહે છે કે બિઝનેસમાં સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. કરવેરાના તંત્રને પણ લોકાભિમુખ બનાવવામાં આવી રહ્યું છે. બિઝનેસની સુવિધાને પ્રાધાન્ય મળી રહ્યું છે. નવા તંત્રજ્ઞાનની મદદથી દેશમાં નવોન્મેષ છે અને લોકો વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ થઈ રહ્યા છે. સમગ્ર બિઝનેસ સમુદાયમાં વિશ્વાસનું વાતાવરણ છે. 
ઉપરોક્ત તમામ મુદ્દાઓના આધારે કહી શકાય કે દેશમાં અત્યારે પુરજોશમાં છે અને એને કારણે આગામી ૧૦ વર્ષ સુધી સતત વિકાસદર ઊંચો રહેશે. આગામી એકાદ-બે દાયકામાં વિપુલ સંપત્તિનું સર્જન થશે અને ૧૦ ટ્રિલ્યન શું, એના કરતાં પણ વધારેની જીડીપી આપણે પ્રાપ્ત કરી શકીશું. આ સંપત્તિસર્જનમાં સહભાગી થવા માટેની તૈયારી તમે પણ કરી લેજો અને પોતાનો મજબૂત નાણાકીય પ્લાન બનાવજો. 


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 11:52 AM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK