રોકાણજગતમાં પણ આપણી જરૂરિયાતોને આધારે ઍસેટ ક્લાસની પસંદગી કરવી એ એક સફળ પોર્ટફોલિયો બનાવવા માટેની ચાવી છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં વર્તમાન સમયમાં લોકોને એકબીજા સાથે જોડતા સૌથી વધુ ચર્ચિત વિષયો છે ક્રિકેટ અને શૅરબજાર. રોકાણજગત માટે આપણે નિયમિતપણે જે વાક્ય સાંભળીએ છીએ એ છે ‘માર્કેટનું શું લાગે છે?’ અને ક્રિકેટજગત માટે વારંવાર જે વાક્ય કાને પડે છે એ છે ‘સ્કોર કીતના હુઆ ભાઈ?’ અથવા ‘ક્યા લગ રહા હૈ, કૌનસી ટીમ જીતેગી?’
ભૂતકાળમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ વારંવાર નહોતી યોજાતી અને આજે જેટલા ખેલાડીઓ આપણી પાસે છે એટલા બધા ખેલાડીઓ પણ આપણી પાસે નહોતા. ઉપરાંત, કેટલાક ખેલાડીઓ અમુક પ્રકારની ક્રિકેટ માટે જ હતા. કેટલાક ખેલાડીઓ એવા હતા કે જેઓ મૅચની ધીમી રમવાની શૈલીનો સામનો કરી શકતા હતા, જેવી કે ટેસ્ટ-મૅચ અને કેટલાક ખેલાડીઓ ફક્ત એક દિવસીય ક્રિકેટ મૅચ રમતા હતા. દરેક ફૉર્મેટ માટે ટીમની સફળતા ખેલાડીઓની પસંદગી પર આધારિત રહેતી હોય છે. વર્તમાન સમયમાં નિયમિત ધોરણે વિવિધ ટુર્નામેન્ટ્સ રમાઈ રહી છે અને ખેલાડીઓની સંખ્યા પણ વધી છે. સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક ફૉર્મેટ માટે ખેલાડીઓની પસંદગી કરવી એ ખૂબ જ નિર્ણાયક બની રહે છે. આ વર્લ્ડ કપમાં આપણે આપણા બૅટ્સમેનો અને બોલરો બન્નેને તેમની ભૂમિકાઓને સારી રીતે નિભાવતા જોયા છે. કેટલીક મૅચોમાં આપણે બોલિંગની બાજુ મજબૂત જોઈ અને કેટલીકમાં તો રેકૉર્ડ પણ બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંતુલનની અગત્યતા
એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જ્યાં ટીમમાં ફક્ત બૅટ્સમેન હોય અને આપણી ટીમ ઘણા રન બનાવી દે, પરંતુ સારા બોલરોનો અભાવ હોય તો ટીમને હારનો સામનો કરવો પડી શકે છે. એવી જ રીતે જો ટીમમાં ફક્ત બોલરો જ હોય તો ટીમ મોટા પ્રમાણમાં સ્કોર બનાવી શકે નહીં. એથી જ ટીમની સફળતા માટે બોલરો, બૅટ્સમેન અને ઑલરાઉન્ડર્સનું સંતુલન હોવું જરૂરી છે.
ક્રિકેટની આ વાત રોકાણના પરિપ્રેક્ષ્યમાં સમજીએ. મુખ્યત્વે 3-૪ ઍસેટ ક્લાસ હોય છે એટલે કે ઇક્વિટી, ડેબ્ટ, બુલિયન અને રિયલ એસ્ટેટ. દરેક ઍસેટ ક્લાસમાં આપણી પાસે રોકાણનાં અનેક પ્રકારનાં સાધનો ઉપલબ્ધ છે. ઉપરાંત દરેક પ્રકારમાં પણ આપણી પાસે ઘણાં વિવિધ સાધનો ઉપલબ્ધ છે. રોકાણના સફ્ળતાપૂર્વકના પરિણામ માટે દરેક સાધનોના ગુણદોષને સમજવું ખૂબ જ મહત્ત્વનું છે. ક્રિકેટની રમતમાં આપણી ટીમ પ્રથમ બૅટિંગ કરી રહી છે કે બોલિંગ એ બાબત પર આપણી જીત નિર્ભર હોય છે. જો આપણે મોટા સ્કોરનો પીછો કરવો હોય તો આપણા બૅટ્સમેનોએ વિકેટ બચાવવી પડશે અને સાથે-સાથે સખત ફટકાઓ મારવાના પ્રયાસ પણ કરવા પડશે. એવી જ રીતે જો આપણે પ્રથમ બૅટિંગ કરી રહ્યા હોઈએ તો વિરોધી ટીમ જરૂરી રન રેટ જાળવવામાં અસમર્થ બની રહે એ બોલરોએ સુનિશ્ચિત કરવું પડશે.
રોકાણજગતમાં પણ આપણી જરૂરિયાતોને આધારે ઍસેટ ક્લાસની પસંદગી કરવી એ એક સફળ પોર્ટફોલિયો બનાવવા માટેની ચાવી છે. વિવિધ ઍસેટ ક્લાસની વિવિધ ભૂમિકાઓ છે. લાંબા ગાળાની જરૂરિયાતો માટે ઇક્વિટીનાં સાધનો પોર્ટફોલિયોમાં જરૂરી છે અને ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે ડેબ્ટ ઍસેટ ક્લાસને સમાવિષ્ટ કરવો જોઈએ અને વચગાળાના માટે આપણે હાઇબ્રિડ સાધનોમાં રોકાણ કરવું જોઈએ.
નિયમિતપણે પોર્ટફોલિયોની સમીક્ષા આવશ્યક
આપણે દરેક પ્રકારના ઍસેટ ક્લાસમાં સામેલ જોખમને પણ સમજવાની જરૂર છે. ટૂંકા ગાળામાં ઇક્વિટી જોખમી હોઈ શકે છે, જ્યારે એ લાંબા ગાળે અસાધારણ રીતે સારી રીતે પ્રદર્શન કરી શકે છે. જેમ દરેક ખેલાડી હંમેશાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ નથી આપી શકતા, એવી જ રીતે આપણા પોર્ટફોલિયોમાં પણ કેટલીક વાર કોઈ સાધન સારું પ્રદર્શન કરી શકે છે, જ્યારે અન્ય સમયે એ સારું ન પણ કરે.
ટીમનો ઉદ્દેશ હંમેશાં મૅચ જીતવાનો હોય છે, પરંતુ શ્રેષ્ઠ ટીમ પણ મૅચ હારી શકે છે. ટીમમાં બધા જ ખેલાડીઓ એક જ સમયે સારું પ્રદર્શન કરી શકતા નથી. સતત સારા ખેલ પછી પણ ક્યારેક ટીમ આપણી અપેક્ષા વિરુદ્ધ પ્રદર્શન કરી શકે છે.
એ જ રીતે પોર્ટફોલિયોમાં પણ બધા જ ઍસેટ ક્લાસ એક જ સમયે સારું પ્રદર્શન કરશે નહીં. પોર્ટફોલિયોમાં હંમેશાં ઉતાર-ચઢાવ આવે છે. આપણે નિયમિત અંતરાળ ઉપર પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જોઈએ. જો આપણે કરેલા ઍસેટ અલોકેશનમાંથી ઇચ્છિત પરિણામો ન મળે તો સુધારાત્મક પગલાં પણ લેવાં જોઈએ.

