Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિન્ડફૉલ ટૅક્સનો આંચકો પચાવીને બજાર નીચલા મથાળેથી ૯૬૦ પૉઇન્ટ બાઉન્સબૅક

વિન્ડફૉલ ટૅક્સનો આંચકો પચાવીને બજાર નીચલા મથાળેથી ૯૬૦ પૉઇન્ટ બાઉન્સબૅક

02 July, 2022 12:45 PM IST | Mumbai
Anil Patel

બજારની સામાન્ય નરમાઈ વચ્ચે મોટા ભાગનાં સેક્ટોરલ વધીને બંધ, માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એક્સપોર્ટ ડ્યુટી અને વિન્ડફૉલ ટૅક્સના બેવડા મારમાં રિલાયન્સ, ઓએનજીસી, ઑઇલ ઇન્ડિયામાં જબરા કડાકા : રિલાયન્સ વર્ષના મોટા કડાકામાં સાત ટકા તૂટતાં રોકાણકારોને સવા લાખ કરોડ રૂપિયાનો ફટકો : બજારની સામાન્ય નરમાઈ વચ્ચે મોટા ભાગનાં સેક્ટોરલ વધીને બંધ, માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી : પાકિસ્તાનમાં જૂનમાં ફુગાવો ૨૧.૩ ટકા નોંધાયો, શૅરબજાર બેઅસર : ગોલ્ડમાં ઇમ્પોર્ટ ડ્યુટીથી ઘરઆંગણે સોનું ૧૦ ગ્રામદીઠ ૨૦૦૦ રૂપિયા મોંઘું થવાની વકી, જ્વેલરી શૅર તથા ગોલ્ડ લોન કંપનીના શૅર સુધારામાં

રિસેશનના ડર અને ફુગાવાની ફિકરમાં એશિયન બજારો વધુ ઢીલાં થયાં છે, એકમાત્ર થાઇલૅન્ડ સામાન્ય સુધારામાં હતું. તાઇવાની ટવેસી ઇન્ડેક્સ સવાત્રણ ટકા લથડ્યો છે. આ સળંગ ૪થા દિવસની ખરાબી છે, તો ઇન્ડોનેશિયન બજાર સતત પાંચમા દિવસની નરમાઈમાં અને જૅપનીઝ નિક્કી સતત ત્રીજા દિવસની નબળાઈમાં પોણાબે ટકા ડાઉન થયા છે. પાકિસ્તાનમાં જૂન માટે ૨૧.૩ ટકા વટાવી ગયો છે, પરંતુ કરાચી શૅરબજાર ૮૫ પૉઇન્ટ જેવા નહીંવત્ સુધારામાં હતું, જે નવાઈ કહી શકાય. યુરોપ એશિયાથી અલગ ચાલમાં સાધારણ સુધારો બતાવતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૧૧૧ ડૉલર નજીક ચાલી રહ્યા છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલમાં કૉપર ૮૦૦૦ ડૉલરની અંદર ઊતરી ગયું છે, જે ગ્લોબલ સ્લોડાઉનના સ્પષ્ટ સંકેતની સીધી અસર કહી શકાય. ઝિન્ક વાયદા ૬ ટકા તૂટ્યો છે. ભારતમાં સોના પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને સાડાબાર ટકા કરવામાં આવી છે. વિશ્વબજારમાં હાજર સોનું એકાદ ટકાના ઘટાડે ૧૭૯૦ ડૉલર ક્વોટ થતું હતું. 



જૂનમાં જીએસટીની વસૂલાત ૫૬ ટકાના વૃદ્ધિદરમાં ૧.૪૪ લાખ કરોડને વટાવી ગઈ છે. બીજી તરફ જૂનનો પીએમઆઇ મૅન્યુફૅક્ચરિંગ આંક ઘટીને ૫૩.૯ નોંધાયો છે, જે ૯ મહિનાની બૉટમ છે. અર્થતંત્ર સુધારામાં છે કે બગડી રહ્યું છે એની જ ખબર પડતી નથી. રેટિંગ એજન્સી ક્રિસિલ તરફથી ફુગાવાના પગલે ચાલુ વર્ષનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૮ ટકાથી ઘટાડીને ૭.૩ ટકા કરી નખાયો છે. મતલબ કે સબસલામત હરગિજ નથી. સરકારે એની આવક વધારવા છેવટે પેટ્રોલિયમ કંપનીઓ પર વિન્ડફૉલ ટૅક્સ લાદી દીધો છે. પેટ્રોલ-ડીઝલની નિકાસ પરની ડ્યુટી વધારી નાખી છે. મતલબ કે ઑઇલ કંપનીઓ ખાસ કરીને સરકારી તેલ કંપનીઓની હાલત બદતર થવાની છે. આ બધા વચ્ચે સેન્સેક્સ શુક્રવારે ૧૧૧ પૉઇન્ટ અને નિફ્ટી ૨૮ પૉઇન્ટ ઘટીને બંધ થયા છે. ઘટાડો મામૂલી છે, પરંતુ બજાર નીચામાં ૫૨૦૯૪ અને ઉપરમાં ૫૩૦૫૩ થયું હતું. પ્રારંભિક આંચકો પચાવી માર્કેટ નીચલા મથાળેથી ૯૬૦ પૉઇન્ટ બાઉન્સ બૅક થયું હતું. માર્કેટ-બ્રેડ્થ થોડી પૉઝિટિવ રહી છે. ઑઇલ-ગૅસ, એનર્જી, પાવર, યુટિલિટીઝ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસમાં બંધ થયાં છે. 


ઓએનજીસી અને રિલાયન્સ કડાકા સાથે વર્સ્ટ પર્ફોર્મર બન્યા 
એક્સપોર્ટ ડ્યુટી અને વિન્ડફૉલ ટૅક્સના બેવડા મારની અસરમાં ઓએનજીસી ૧૩.૪ ટકાની ખુવારીમાં ૧૩૧ બંધ આપી નિફ્ટી ખાતે ૫૦માંથી ઘટેલા ૧૧ શૅરમાં ટૉપ લૂઝર બન્યો છે. તો રિલાયન્સ પાંચ ગણાથી વધુના કામકાજમાં સેન્સેક્સ ખાતે ૩૦માંથી ઘટેલા ૮ શૅરમાં વર્સ્ટ પર્ફોર્મર રહ્યો છે. આ કાઉન્ટર નીચામાં ૨૩૬૫ બતાવી ૧૮૫ રૂપિયા કે ૭.૧ ટકાના કડાકામાં ૨૪૦૯ નીચે બંધ થતાં બજારને ૫૬૫ પૉઇન્ટનો ફટકો પડ્યો છે. રિલાયન્સની ખરાબી રોકાણકારોને સવા લાખ કરોડ રૂપિયામાં પડી છે. નિફ્ટી ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૫માંથી પાંચ શૅરના ઘટાડામાં ૪.૨ ટકા તો બીએસઈનો ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧૦માંથી ૪ શૅરની ખરાબીમાં ૩.૨ ટકા તૂટ્યો છે. અહીં હિન્દુ પેટ્રો સવાપાંચ ટકા, ભારત પેટ્રો ત્રણ ટકા, ઇન્ડિયન ઑઇલ અડધો ટકો વધ્યા હતા. ઑઇલ ઇન્ડિયા ૧૫ ટકા તૂટીને ૨૧૪, એમઆરપીએલ ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૮૧ રૂપિયા, ચેન્નૅ પેટ્રો સવાપાંચ ટકા લથડી ૨૯૭, હિન્દુસ્તાન ઑઇલ સવાત્રણ ટકા ખરડાઈ ૧૮૧ બંધ હતા. હેવીવેઇટ ઑઇલ શૅરની ખુવારીને લઈ એનર્જી ઇન્ડેક્સ ૨૬માંથી ૧૫ શૅરના ઘટાડામાં ચાર ટકા તૂટ્યો છે. પાવર અને યુટિલિટીઝ ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ કટ થયા છે. અહીં તાતા પાવર, અદાણી ગ્રીન, ટૉરન્ટ પાવર, સતલજ જલ વિદ્યુત દોઢથી સવાબે ટકા અપ હતા. અદાણી ટ્રાન્સમિશન, પાવરગ્રિડ, એનટીપીસી, જેએસડબ્લ્યુ એનર્જી, ગેઇલ જેવી જાતો પોણાબેથી પોણાત્રણ ટકા કપાઈ હતી. 

આઇટીસી અને બજાજ ટ્‍વિન્સ સેન્સેક્સ નિફ્ટીમાં ખાસ ઝળક્યા 
શુક્વારે આઇટીસી પોણાત્રણ ગણા કામકાજ સાથે ૨૮૫ની મલ્ટિયર ટૉપ બનાવી ચાર ટકાની તેજીમાં ૨૮૪ના બંધમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. એના થકી સેન્સેક્સને સર્વાધિક ૮૪ પૉઇન્ટ મળ્યા હતા. જ્યારે બજાજ ફાઇનૅન્સ ચાર ટકા નજીક અને બજાજ ફિનસર્વ સાડાત્રણ ટકાથી વધુની તેજીમાં બન્ને બજાર ખાતે સેકન્ડ અને થર્ડ બેસ્ટ રહ્યા છે. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનીલિવર, નેસ્લે, સિપ્લા, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યુમર, ગ્રાસિમ, ટીસીએસ, એસબીઆઇ લાઇફ જેવાં કાઉન્ટર્સ પોણાબેથી સવાત્રણ ટકા કરતાં વધુ લાઇમ લાઇટમાં હતો. આઇટીસી, હિન્દુ. યુનીલિવર, બ્રિટાનિયા, નેસ્લે, ડાબર, ગોદરેજ કન્ઝ્યુ, તાતા કન્ઝ્યુમર, મારિકો સહિત ૮૧માંથી ૪૩ શૅરના સુધારામાં એફએમસીજી ઇન્ડેક્સ ૩૩૯ પૉઇન્ટ કે અઢી ટકા ઊંચકાયો છે. અહીં ડીએફએમ ફૂડ્સ સાડાઆઠ ટકા, ટેસ્ટી બાઇટ ૪.૮ ટકા, તિલકનગર ઇન્ડ. પાંચ ટકા ઊછળ્યા છે. પરાગ મિલ્ક પોણાઆઠ ટકાના કડાકામાં ૬૮, બેવરેડી સવાચાર ટકા ગગડી ૩૧૮, ડીસીએમ શ્રીરામ ઇન્ડ. પોણાત્રણ ટકા ઘટી ૭૩ ઉપર બંધ હતા. ઑટો ઇન્ડેક્સ નહીંવત્ સુધર્યો છે. મારુતિ પોણો ટકો, અશોક લેલૅન્ડ એક ટકો અને બજાજ ઑટો સવાબે ટકા નરમ હતા. મહિન્દ્ર સવા ટકો, હીરો મોટોકૉર્પ દોઢ ટકો અને ટીવીએસ અઢી ટકા પ્લસ હતા. 


ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો, મોટા ભાગના જ્વેલરી શૅર વધ્યા 
સરકારે ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને સાડાબાર ટકા કરી છે, જેમાં ઍડિશનલ જીએસટી તથા ઍગ્રી ઇન્ફ્રા સેસ ઉમેરતાં વાસ્તવિક બોજ ૧૮.૪૫ ટકા થશે. ડૉલર સામે ગગડતા રૂપિયાનો ભાર તો અલગ ગણી લેવાનો. એક અંદાજ પ્રમાણે આને લીધે ઘરઆંગણે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૨૦૦૦ રૂપિયા વધશે. ડ્યુટી વધારાની ગઈ કાલે ગોલ્ડ જ્વેલરી કંપનીઓના શૅરોમાં બહુ મોટી અસર દેખાઈ નથી. ટાઇટન સાધારણ, કલ્યાણ જ્વેલર્સ સવાબે ટકા, વૈભવ ગ્લોબલ પોણાબે ટકા, પીસી જ્વેલર્સ સાડાત્રણ ટકા, રેનેસાં સવા ટકો, ઍટલસ જ્વેલરી તથા ઉદય જ્વેલરી પોણાત્રણ ટકા, આશાપુરી ગોલ્ડ સાડાચાર ટકા, ટીબીઝેડ પોણો ટકો વધીને બંધ થયા છે. સામે થંગમિયલ સામાન્ય, રાધિકા જ્વેલ્સ સવાત્રણ ટકા, સ્વર્ણ સરિતા નહીંવત્, એઈટી જ્વેલર્સ પોણાબે ટકા, રાજેશ એક્સપોર્ટ્સ અડધો ટકો માઇનસ હતા. ગઈ કાલે ડૉલર સામે રૂપિયો ૭૯.૧૨ની નવી ઑલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો
હતો. 

ચાલુ વર્ષે ડૉલર સામે રૂપિયો
અત્યાર સુધી ૬ ટકા ધોવાઈ ચૂક્યો છે. એફઆઇઆઇ દ્વારા ચાલુ કૅલેન્ડર વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૨૮ અબજ ડૉલરની શૅરબજારમાંથી રોકડી કરી લેવાઈ છે અને આક્રમક વેચવાલી હજી જારી છે. ડૉલર ટૂંકમાં ૮૦નું લેવલ બતાવશે. પસંદગીયુક્ત કાઉન્ટર્સની હૂંફમાં આઇટી અને બૅન્કિંગ પ્લસમાં ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૨૩ શૅરના સુધારે ૨૦૪ પૉઇન્ટ કે પોણો ટકો વધ્યો છે. રેટગેઇન ૯ ટકાની તેજીમાં મોખરે હતો. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી ૧.૨ ટકા, વિપ્રો ૧.૪ ટકા, ટીસીએસ ૧.૬ ટકા, ટેક મહિન્દ્ર એક ટકો સાધારણ પ્લસ હતા. આઇટી હેવીવેઇટ્સની સાથે આઇનોક્સ લિઝર પોણાત્રણ ટકા, સનટીવી અઢી ટકા, તાતા કમ્યુ. સવાબે ટકા, રાઉટ મોબાઇલ બે ટકા, પીવીઆર દોઢ ટકો, ટીવી૧૮ અને ઝી એન્ટર અડધા ટકાથી વધુ સુધરતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૦.૭ ટકા અપ હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે ૧૧૪ પૉઇન્ટ જેવો સાધારણ વધ્યો છે. અહીં ફેડરલ બૅન્ક સવાચાર ટકા મજબૂત હતા. એયુ બૅન્ક બે ટકા બગડી છે. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૯ શૅર પ્લસમાં આપી અડધો ટકો વધ્યો છે. કૅનેરા બૅન્ક સવાબે ટકા, પીએનબી બે ટકા નજીક તો પંજાબ સિંધ બૅન્ક દોઢેક ટકો અપ હતી. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૬માંથી ૨૭ શૅર સુધર્યા છે. એચડીએફસી બૅન્ક અડધો ટકો તો એચડીએફસી સવાબે ટકા નજીક વધીને બંધ થયા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૭માંથી ૮૩ શૅરના સુધારામાં એક ટકો મજબૂત હતો. ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારાની અસરમાં મુથૂત ફાઇ પોણાસાત ટકાની તેજીમાં ૧૦૪૨ વટાવી ગયો છે. ઉજ્જીવન ફાઇ. પોણાછ ટકા, મેક્સ ઇન્ડિયા પાંચ ટકા, ઍપ્ટસ વૅલ્યુ સવાચાર ટકા વધ્યા છે. એલઆઇસી અડધો ટકો વધીને ૬૭૭ નજીક હતી. 

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 12:45 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK