° °

આજનું ઇ-પેપર
Sunday, 03 July, 2022


રિલીફ રૅલીની આશા જગાડવાના મૂડમાં શૅરબજારમાં ૯૩૪ પૉઇન્ટની આગેકૂચ

22 June, 2022 05:24 PM IST | Mumbai
Anil Patel

બજાર આરંભથી અંત સુધી મજબૂત, તમામ સેક્ટોરલ પ્લસમાં, માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ રહેતાં માર્કેટ કૅપ પોણાછ લાખ કરોડ રૂપિયા વધ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બજાર આરંભથી અંત સુધી મજબૂત, તમામ સેક્ટોરલ પ્લસમાં, માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ રહેતાં માર્કેટ કૅપ પોણાછ લાખ કરોડ રૂપિયા વધ્યું : એનર્જી, પાવર, યુટિલિટી અને ઑઇલ-ગૅસ ઇન્ડેક્સની મજબૂતીમાં અદાણી ગ્રુપના શૅરોનો સિંહફાળોઃ આઇટીમાં ૬૨માંથી ૫૯ તથા બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૩૪ શૅર વધીને બંધ રહ્યા : નિફ્ટી ખાતે નેસ્લે અને અપોલો હૉસ્પિટલની નામ કે વાસ્તે નરમાઈ બાદ કરતાં બાકીનાં ૪૮ કાઉન્ટર સુધારામાં : એલઆઇસી અડધો ટકો વધ્યો

સોમવારના તકલાદી કે તરકટી સુધારાનું મહેણું ભાગવાના મૂડમાં મંગળવારે સેન્સેક્સ ૯૩૪ પૉઇન્ટ અને નિફ્ટી ૨૮૯ પૉઇન્ટ જેવો ઊંચકાયો છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક બારસો પૉઇન્ટની મજબૂતીમાં ૫૨,૭૯૯ થયો હતો. બજાર આરંભથી અંત સુધી સતત સારું એવું ઉપર રહી ક્રમશઃ સુધરતું ગયું હતું. રોકડું તથા બ્રૉડર માર્કેટ ખાસ્સું બાઉન્સ થયું છે. સરવાળે માર્કેટ બ્રેડથ ઘણી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈ ખાતે ૧૭૫૯ શૅર પ્લસ હતા. સામે ૩૬૬ જાતો નરમાઈમાં હતી. બન્ને બજારના તમામ બેન્ચમાર્ક કે સેક્ટોરલ ઇન્ડાઇસિસ સવા ટકાથી માંડી છ ટકા સુધી વધ્યા છે. સેન્સેક્સ નિફ્ટીના ૧.૯ ટકા નજીકના બાઉન્સબૅક સામે એનર્જી ઇન્ડેક્સ પાંચ ટકાની નજીક પ્લસ હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૯૯૦ પૉઇન્ટ કે છ ટકા જેવો ફ્લૅટ-અપ થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, પાવર, આઇટી, ટેક્નૉલૉજીઝ, બેઝિક મટીરિયલ્સ, મેટલ જેવા ઇન્ડેક્સ ૨.૯ ટકાથી લઈને ૩.૯ ટકા ઊંચકાયા છે. એશિયા ખાતે ચાઇનાની નજીવી પીછેહઠ બાદ કરતાં તમામ અગ્રણી બજારો સારા એવા સુધારામાં હતાં. તાઇવાન અઢી ટકા નજીક, હૉન્ગકૉન્ગ અને જપાન પોણાબે ટકાથી વધુ, થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા એકાદ ટકો અને સાઉથ કોરિયા પોણો ટકો અપ હતું. ક્રૂડ સુધારાની ચાલમાં ૧૧૬ ડૉલર નજીક સરક્યું છે. બેઝ મેટલ્સમાં ટીન સવાચાર ટકા વધુ ગગડ્યું છે. ઍલ્યુ.માં સવા ટકાનો સુધારો દેખાતો હતો. 
આગલા દિવસથી તદ્દન વિપરીત ચાલ દાખવી સ્મોલ કૅપ બેન્ચમાર્ક ૯૦૮માંથી ૮૨૩ શૅર પ્લસમાં આપી ત્રણ ટકા કે ૬૯૯ પૉઇન્ટ ઊછળ્યો છે. બ્રૉડર માર્કેટના ૫૦૧માંથી ૪૩૯ શૅર વધતાં આંક સવાબે ટકા કે ૪૬૭ પૉઇન્ટ ઊંચકાયો છે. ડાઉ ફ્યુચરમાં કહે છે કે રિલીફ રૅલીનો સંકેત મળ્યો છે. આપણે ત્યાં મંગળવારની બજારની મજબૂતી એ મંગળકારી રિલીફ રૅલીના મંડાણ છે
કે પછી બજાર ઘટવાની વધુ જગ્યા કરવા માટે વધ્યું છે એની ખબર ચાર-છ દિવસમાં પડી જશે. અમને આ રિલીફ રૅલી ઓછી પણ ડેડકેટ બાઉન્સ્ડ જેવું વધુ લાગે છે. 
ટાઇટન અને હિન્દાલ્કો છ-છ ટકાના જમ્પમાં, નેસ્લે નહીંવત્ નરમ 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૮ શૅર વધ્યા છે. નેસ્લે અને અપોલો હૉસ્પિટલ્સ નામ જોગ હતા. ટાઇટન તથા હિન્દાલ્કો છ-છ ટકાની તેજીમાં સવિશેષ ઝળક્યા છે. આ ઉપરાંત કોલ ઇન્ડિયા પોણાપાંચ ટકા નજીક, જેએસડબ્લ્યુ સ્ટીલ સાડાચાર ટકા નજીક, તાતા મોટર્સ ચાર ટકા ઉપર અને અદાણી પોર્ટ્સ ચાર ટકાની નજીક વધ્યા છે. અન્યમાં સ્ટેટ બૅન્ક, ઓએનજીસી, ટીસીએસ, આઇશર મોટર્સ, એચસીએલ ટેક્નૉલૉજીઝ અને ડૉ. રેડ્ડીઝ લૅબ ત્રણેક ટકાથી માંડીને પોણાચાર ટકા અપ હતા. માર્કેટ લીડર રિલાયન્સ પાંખા કામકાજમાં દોઢ ટકાથી વધુ ઊંચકાઈ ૨૫૮૪ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૧૨૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની તેજીમાં ૯૯૦ પૉઇન્ટ કે છ ટકા જેવો ઉપર ગયો છે, જેમાં અદાણી ટોટલનું પ્રદાન ૬૧૦ પૉઇન્ટનું હતું. આ શૅર બમણા કામકાજમાં ૩૯૩ રૂપિયા કે ૧૯.૭૪ ટકાની તેજીમાં ૨૩૮૧ થયો છે. એનર્જી ઇન્ડેક્સ જે પાંચ ટકા કે ૩૬૭ પૉઇન્ટ જોરમાં બંધ રહ્યો એમાં
પણ અદાણી ટોટલનો ફાળો ૧૯૨ પૉઇન્ટનો હતો. આ ઇન્ડેક્સના તમામ ૨૬ શૅર વધ્યા હતા. ચેન્નઈ પેટ્રો ૧૬ ટકા, ગોવા કાર્બન ૧૬ ટકા નજીક, એમઆરપીએલ ૧૦ ટકા, જીએમડીસી સાડાનવ ટકાના જમ્પમાં અત્રે મોખરે હતા. 
પાવર તથા યુટિલિટી ઇન્ડેક્સ સાડાત્રણ ટકાની આસપાસ પ્લસ થયા છે. એમાંય સિંહફાળો અદાણીના શૅરનો હતો. અદાણી ટ્રાન્સમિશન સવાસાત ટકા કે ૧૪૮ રૂપિયા, અદાણી ગ્રીન પોણાચાર ટકા, અદાણી પાવર બે ટકા અપ હતા. જેએસડબ્લ્યુ એનર્જી ૭.૬ ટકા, તાતા પાવર પાંચ ટકા, સિમેન્ટ્સ પોણાત્રણ ટકા, નવ ભારત વેન્ચર્સ ૧૯.૭ ટકા, જેપી પાવર સાડાનવ ટકા, બીએફ યુટિલિટી સાત ટકા નજીક, રિલાયન્સ ઇન્ફ્રા સાડાચાર ટકા મજબૂત જોવાયા છે. અદાણી એન્ટર પોણાચાર ટકા ઊંચકાઈને ૨૧૬૧ તો અદાણી વિલ્મર ૩.૮ ટકા વધી ૫૭૪ રહી છે. બાબા રામદેવની રુચિસોયા પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૦૨ વટાવી ગઈ છે. 
આઇટીમાં એક શૅર નરમ સામે વીસેક જાતો વધીને બંધ રહી 
આઇટી ઇન્ડેક્સ ૬૨માંથી ૫૯ શૅરના સથવારે ત્રણ ટકા કે ૮૩૨ પૉઇન્ટ લૉગઇન થયો છે. બ્રાઇટકૉમ પાંચ ટકા, નેલ્કો દોઢ ટકો અને ઈ-ક્લેરેક્સ સાધારણ ઢીલો હતો. રામકો સિસ્ટમ્સ ૧૯.૫ ટકાની છલાંગ મારીને ૨૯૪ થયો છે. સુબેક્સ પંદર ટકા, ઇન્ડિયા માર્ટ પોણાદસ ટકા, ડેટામેટિક્સ સાડાનવ ટકા, એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સ ૯ ટકા ઊંચકાયા હતા. ફ્રન્ટલાઇનમાં ઇન્ફોસિસ અઢી ટકા વધી ૧૪૫૦ અને ટીસીએસ સવાત્રણ ટકા નજીક કે ૯૯ રૂપિયા ઊછળી ૩૨૧૨ બંધ થતાં બજારને ૨૧૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. એચસીએલ ટેક્નૉલૉજીઝ પોણાત્રણ ટકા, વિપ્રો અઢી ટકા અને ટેક મહિન્દ્ર બે ટકાથી વધુ બાઉન્સબૅક થયા છે. તાતા ઍલેક્સી ચાર ટકા કે ૨૮૯ રૂપિયા વધી ૭૫૪૯ હતો. વૉલ્યુમ અઢી ગણું હતું. લાર્સન ઇન્ફોટેક સવાચાર ટકા અને લાર્સન ટેક્નૉલૉજીઝ ૩.૯ ટકા મજબૂત હતા. આગલા દિવસે તગડા ઉછાળે સામા પ્રવાહે રહેલો આઇટીઆઇ ચાર ટકા ગગડ્યો છે. ઇન્ડસ ટાવર નજીવો નરમ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ બાકીના ૧૫ શૅરના સુધારે સવાબે ટકા વધ્યો છે. એમટીએનએલ દસ ટકાની નજીક, વોડાફોન પોણાસાત ટકા, ઑન મોબાઇલ સાડાછ ટકા, વીંધ્ય ટેલિ સવાછ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ પોણાછ ટકા રણક્યા છે. ભારતી ઍરટેલ બે ટકા જેવો વધીને ૬૫૪ હતો. 
આઇટી તથા ટેલિકૉમની વ્યાપક હૂંફ સામે ઝી એન્ટર સાડાછ ટકા, પીવીઆર સાડાપાંચ ટકા, આઇનોક્સ લિઝર સવાપાંચ ટકા, જસ્ટ ડાયલ સાડાચાર ટકા, સનટીવી ૪.૪ ટકા વધીને બંધ થતાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨.૮ ટકા પ્લસ હતો. અહીં ૨૮માંથી ૨૬ જાત સુધારામાં હતી. 
પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની તમામ બૅન્કો પૉઝિટિવ ઝોનમાં 
મંગળવારે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારામાં ૫૦૭ પૉઇન્ટ કે દોઢ ટકો વધ્યો છે. બૅન્ક ઑફ બરોડા પોણાછ ટકા, પીએનબી પાંચ ટકા નજીક તો સ્ટેટ બૅન્ક અને ફેડરલ બૅન્ક પોણાચાર ટકા જેવા અપ હતા. એયુ બૅન્ક નામ કે વાસ્તે નરમ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી ચાર ટકા ઊંચકાયો છે. એના તમામ ડઝન શૅર વધ્યા છે. ગઈ કાલે પ્રાઇવેટ સેક્ટરની તમામ ૧૯ બૅન્કો પણ પ્લસ હતી. જ્યારે સ્મૉલ બૅન્કિંગના પાંચમાંથી બે શૅર ડાઉન હતા. સૂર્યોદય સ્મૉલ બૅન્ક એકાદ ટકો કટ થઈ છે. આમ બૅન્કિંગના ૩૬માંથી ૩૪ શૅર સુધારામાં જોવાયા છે. કોટક બૅન્ક સૌથી ઓછી એવી નજીવી વધીને ૧૬૮૧ રહી છે. એચડીએફસી બૅન્ક એક ટકો, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકો અને ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા અપ હતા. સ્ટેટ બૅન્ક પોણાચાર ટકાની તેજીમાં ૪૫૧ નજીક ગઈ છે. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૭માંથી ૧૧૫ શૅર પ્લસમાં આપી પોણાબે ટકા વધ્યો છે. આદિત્ય બિરલા મની દસ ટકા જેવી તેજીમાં ૫૩ નજીક હતો. ફાઇવ પૈસા ડિજિટલ ૯.૭ ટકા, જિયોજિત પોણાનવ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૮.૭ ટકા, આરબીએલ બૅન્ક આઠકે ટકા, એમસીએક્સ સાડાછ ટકા ઊંચકાયા છે. એચડીએફસી બે ટકા વધી ૨૧૭૫ થયો છે. એલઆઇસી સતત ચોથા દિવસની આગેકૂચમાં અડધો ટકો વધી ૬૬૫ હતો. એલઆઇસી હાઉસિંગ સાડાત્રણ ટકા વધીને ૩૦૬ વટાવી ગયો છે. મેટલ ઇન્ડેક્સ ચારેક ટકા કે ૫૯૪ પૉઇન્ટ મજબૂત હતો. તમામ દસ શૅર પ્લસ હતા. સેઇલ છ ટકાથી વધુની તેજીમાં અત્રે મોખરે હતો. તાતા સ્ટીલ ૨.૭ ટકા, વેદાન્તા અઢી ટકા અને નાલ્કો ચાર ટકા વધ્યા છે. 

22 June, 2022 05:24 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વસનીયતા વધારવા માટે મહારેરાનું વધુ એક પગલું

મહારેરા પોતાની આઇટી સિસ્ટમમાં સુધારો કરી રહ્યું છે

02 July, 2022 01:48 IST | Mumbai | Parag Shah

યુદ્ધ અને પ્રતિબંધોની અસરે મોંઘવારી દર લાંબા સમય સુધી ઊંચો રહેશેઃ રિઝર્વ બૅન્ક

નાણાકીય વ્યવસ્થા આર્થિક પુનરુત્થાન માટે સ્થિતિસ્થાપક અને સહાયક રહે છે

02 July, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડ, ડીઝલ અને એવિયેશન ફ્યુઅલના નિકાસ ટૅક્સની પખવાડિયે સમીક્ષા થશેઃ નાણાપ્રધાન

જુલાઈથી પેટ્રોલ-એવિયેશન ફ્યુઅલ લિટરે છ રૂપિયા અને ડીઝલમાં ૧૩ રૂપિયા નિકાસ ટૅક્સ

02 July, 2022 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK