Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કાપડ પર ૭ ટકા જીએસટી વધતાં માર્કેટની દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ

કાપડ પર ૭ ટકા જીએસટી વધતાં માર્કેટની દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ

06 December, 2021 11:57 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ટ્રેડર્સ પરનો પાંચ ટકા જીએસટી ૧૨ ટકા થતાં હવે પ્રામાણિક વેપારીઓના ધંધા બંધ થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૅન્યુફૅકચરર્સ પરના ૧૨ ટકા જીએસટી સામે ટ્રેડર્સ પર પાંચ ટકા જીએસટી હોવાથી સરકાર રીફન્ડ દેવામાં નિષ્ફળ જતાં તમામનો જીએસટી ૧૨ ટકા કરી નાખ્યો : ટ્રેડર્સ પરનો પાંચ ટકા જીએસટી ૧૨ ટકા થતાં હવે પ્રામાણિક વેપારીઓના ધંધા બંધ થશે અને જીએસટી ચોરી કરનારા વેપારીઓના ધંધા ધમધોકાર ચાલશે

દેશમાં જીએસટી (ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ) સિસ્ટમનો પ્રારંભ ૧ જુલાઈ ૨૦૧૭ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જીએસટી સિસ્ટમ હજી ફુલપ્રૂફ થઈ ન હોવાથી અનેક ચીજોમાં છાશવારે સમસ્યાઓ ઊભી થઈ રહી છે. વિશ્વમાં ભારત રૂનું સૌથી મોટું ઉત્પાદક હોવાથી દેશનું ટેક્સટાઇલ બિઝનેસનું કદ વિશ્વમાં સૌથી મોટું છે. હાલ દેશમાં સૌથી વધુ રોજગારી ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા મળી રહી છે ત્યારે સરકારે ૧ જાન્યુઆરી ૨૦૨૨થી કાપડ અને ગાર્મેન્ટ પરનો જીએસટી પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો કાપડનો બિઝનેસ કરનારાઓ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોનાની મહામારી દરમિયાન કાપડના બિઝનેસને બહુ મોટો ધક્કો લાગ્યો છે. કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ કાપડનો બિઝનેસ કોરોના પહેલાંની સ્થિતિ સુધી પહોંચવાની આશા જન્મી હતી ત્યાં જ સરકારે જીએસટીમાં એકસાથે ૭ ટકાનો વધારો કરતાં ફરી કાપડનો બિઝનેસ કઠિનકાળમાં સરી પડ્યો છે.
દેશમાં જીએસટી સિસ્ટમ ફુલપ્રૂફ નથી, જેને કારણે ટૅક્સરિબેટનું માળખું હજી બરાબર ગોઠવાયું નથી જે નિષ્ફળતા છુપાવવા સરકારે જીએસટી વધાર્યો હોવાનું કાપડનો બિઝનેસ કરનારાઓનું માનવું છે. કૉટનયાર્ન, કાપડ અને ગાર્મેન્ટના મૅન્યુફૅક્ચર્સ પર ૧૨ ટકા જીએસટી લાગુ પડે છે, પણ કાપડનો બિઝનેસ કરનારા વેપારીઓ પર પાંચ ટકા જીએસટી લાગુ પડતો હોવાથી મૅન્યુફૅક્ચર્સ દરેક બિઝનેસ પર ૭ ટકા રિબેટ સરકાર પાસેથી મેળવવાનું રહે છે. સરકાર પાસેથી રિબેટ મેળવવું અત્યારે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ છે. આથી સરકાર પાસે રિબેટ ન મળતું હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. કાપડ ઉદ્યોગની રિબેટની સમસ્યાનું નિરાકરણ કરવાને બદલે સરકારે આખી ચેઇનનો જીએસટી ૧૨ ટકા કરી નાખ્યો છે. આમ, સરકારે પોતાની બદનામી રોકવા જીએસટી વધારવાનો નિર્ણય કર્યો છે, પણ એને કારણે કાપડના વેપારને બહુ મોટો માર પડશે અને કાપડ બજારની સ્થિતિ દુષ્કાળમાં અધિક માસ જેવી થશે.



હાલની મોંઘવારીમાં સામાન્ય માણસ પર ૭ ટકાનો બોજો કમરતોડ સાબિત થશે : ક્રિષ્નકુમાર કોટેચા - ભૂતપૂર્વ પ્રેસિડન્ટ, મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ‍્સ મહાજન (મૂળજી જેઠા માર્કેટ)


દેશની આમપ્રજાની મુખ્ય જરૂરિયાત ‘રોટી-કપડા-મકાન’ છે ત્યારે સરકારે આમપ્રજાની મુખ્ય જરૂરિયાત પર વધારાનો બોજો લાદવાનું કાર્ય કર્યું છે. કાપડ પરનો પાંચ ટકા જીએસટી વધારીને ૧૨ ટકા કરવાના નિર્ણયની બહુ જ મોટી અસર પડવાની છે. ૫૦૦થી ૬૦૦ રૂપિયાનું શર્ટ ખરીદનારા સામાન્ય માણસને હવે વધારાના ૩૦થી ૪૦ રૂપિયા ખર્ચવા પડશે. મુંબઈની કાપડ માર્કેટ છેલ્લાં બે વર્ષથી કોરોનાની સ્થિતિમાં અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. ધંધા પડી ભાંગતાં મુંબઈ કાપડ માર્કેટમાં દુકાનોના ભાડા ૪૦ ટકા તૂટી ગયા છે, અનેક વેપારીઓએ બિઝનેસના અભાવે ધંધા છોડીને અન્ય ધંધા અપનાવી લીધા છે ત્યારે ૭ ટકા જીએસટીના વધારાના બોજથી બિઝનેસની સ્થિતિ વધુ ખરાબ થશે. વળી કોઈ પણ રેડિમેડ ગાર્મેન્ટ બનાવવા માટે ૩૦થી ૩૫ જાતની ચીજો જેવી કે દોરી, એમ્બ્રોડરી વિગેરે વપરાય છે, ૭ ટકા જીએસટી વધતાં વાસ્તવિક બોજો ૧૦ ટકા સુધી પડશે. આ તમામ બોજો ગ્રાહક પર પડવાનો છે. કેટલાક વેપારીઓ જીએસટીના વધારાનો લાભ લઈ નબળા ગ્રાહક પાસેથી વધુ પૈસા પડાવશે. આમ, સામાન્ય માનવીની સ્થિતિ હાલ સતત વધી રહેલી મોંઘવારીના દિવસોમાં વધુ બદતર બનશે. 

કોરોનામાંથી બહાર નીકળી રહેલા કાપડના વેપાર પર જીએસટીનો બોજો મોટો ફટકો : નરેન્દ્રભાઈ મહેતા - પ્રેસિડન્ટ, શ્રી માર્કેટ સિલ્ક મર્ચન્ટ‍્સ અસોસિએશન


કોરોનાનાં બે વર્ષ દરમિયાન મોટા ભાગની કાપડ માર્કેટના ધંધા લગભગ ઠપ થઈ ગયા હતા. લાંબી ઉઘરાણીઓ અટકી ગઈ હતી, દુકાનો લાંબો સમય બંધ રહેતાં કામ કરતા નોકરિયાતોની કમાણી તૂટી ગઈ હતી. કોરોનામાં અનેક કુટુંબોની કમાણી બંધ થતાં બજારમાં ઘરાકીનો સૂનકાર વ્યાપી ગયો હતો. ગત દિવાળીમાં ઘરાકી થોડી સારી હતી તેમ જ લગ્નની સીઝન પણ પુરબહારમાં નીકળી હોવાથી ઘરાકી ધીમે-ધીમે રાબેતા મુજબ થવા જઈ રહી હતી ત્યારે કાપડનો બિઝનેસ કરનારાઓને ફરી સારા દિવસો આવવાની આશા જન્મી હતી ત્યાં જ સરકારે જીએસટીનો બોજો લાદીને કાપડના બિઝનેસ કરનારાઓની કમ્મર તોડી નાખી હતી. ૭ ટકાનો જીએસટીનો વધારો અનેક રીતે કાપડનો બિઝનેસ કરનારાઓને ફટકો પાડશે, કારણ કે ૭ ટકાનો સીધો બોજો રીટેલ કાઉન્ટર પડ પડવાનો છે. વળી વધારામાં ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ અનેકગણી વધી ગઈ છે. કાપડનો બિઝનેસ કરનારાઓને દર મહિને જીએસટી ભરવો પડે છે, જ્યારે કાપડ માર્કેટના ધારા અનુસાર ત્રણથી આઠ મહિને ઉઘરાણી આવે છે. જીએસટીનો વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૨થી અમલી બનતો હોવાથી ૩૧ ડિસેમ્બરે ખરીદેલા સ્ટૉક પર ૭ ટકા વધુ જીએસટી ચૂકવવી પડશે. 

કાપડના પ્રામાણિક વેપારીઓના ધંધા ભાંગી જશે, અપ્રામાણિક વેપારીઓની બોલબાલા વધશે : સુધીરભાઈ શાહ - ઓનરરી સેક્રેટરી, સ્વદેશી માર્કેટ ટેક્સટાઇલ મર્ચન્ટ‍્સ અસોસિએશન 

૨૦ વર્ષ અગાઉ જ્યારે ડાઇંગ યુનિટો પર એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવી ત્યારે મુંબઈના ડાઇંગ યુનિટો ટપોટપ બંધ થયા હતા અને આખો ઉદ્યોગ સુરત ટ્રાન્સફર થયો હતો. એ જ રીતે જીએસટીના વધારાથી કાપડનો પ્રામાણિક બિઝનેસ કરનારાઓના ધંધા હવે ભાંગી જવાના છે અને જીએસટીની ચોરી કરીને વેપાર કરનારાઓની બોલબાલા વધી જવાની છે. કાપડના બિઝનેસ પર પાંચ ટકા જીએસટીને કારણે મોટા ભાગના વેપારીઓ બિલ બનાવીને વેપાર કરતા હતા, પણ ૧૨ ટકા જીએસટી થતાં હવે ગ્રાહકો પણ બિલ વગર કાપડ ખરીદવાનો આગ્રહ કરશે. આથી ન છૂટકે પ્રામાણિક વેપારીઓને ત્યાં કાપડ ખરીદવા કોઈ નહીં આવે. કાપડ માર્કેટમાં ઉઘરાણી ત્રણથી પાંચ મહિને આવી રહી છે, જ્યારે વેપારીને તો દર મહિને જીએસટી ભરવાનો રહે છે. આથી કાપડનો બિઝનેસ કરનારાઓને સતત નવી મૂડી રોકવી પડે છે. ૭ ટકા જીએસટી વધતાં કાપડના વેપારીઓને નવી મૂડી વધારે નાખવી પડશે, એના વ્યાજનો બોજો વધશે. સરકારે મૅન્યુફૅક્ચર્સ અને ટ્રેડર્સ વચ્ચેના જીએસટીના ગેપને દૂર કરવા એકસમાન ૧૨ ટકા જીએસટી લાગુ પાડી દીધો, પણ કાપડના વેપાર પર આ નિર્ણયની અવળી અસર પડશે.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 11:57 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK