Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાના બિઝનેસ માટેની પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન સ્કીમ ખરેખર ઘણી ઉપયોગી છે

નાના બિઝનેસ માટેની પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન સ્કીમ ખરેખર ઘણી ઉપયોગી છે

14 September, 2021 02:19 PM IST | Mumbai
Paresh Kapasi | paresh.kapasi@mid-day.com

કલમ ૪૪-એઈ હેઠળ જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા માલસામાનની હેરફેર માટેનાં વાહનો ચલાવનારા, ભાડે અથવા લીઝ પર આપનારા બિઝનેસને આ કલમ લાગુ પડતી નથી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાના કરદાતાઓને હિસાબના ચોપડા રાખવામાંથી અને તેનું નિયમિતપણે ઑડિટ કરાવવાની જવાબદારીમાંથી મુક્ત રાખવા માટે આવકવેરા ધારાની કલમ ૪૪-એડી, ૪૪-એડીએ અને ૪૪-એઈ હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન સ્કીમ નામની વ્યવસ્થા કરવામાં આવી છે, જે નાના બિઝનેસનું ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું હોય એમના માટે આ યોજના ઘણી ઉપયોગી છે. ઉક્ત ત્રણે કલમો હેઠળ આ યોજનાનો લાભ લઈ શકાય છે. આ કટારના વાચકોને કલમ ૪૪-એડી વધારે લાગુ પડે છે તેથી તેના વિશે વિગતે વાત કરીશું.

વર્ષે બે કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના બિઝનેસ કલમ ૪૪-એડીનો લાભ લઈ શકે છે. કલમ ૪૪-એઈ હેઠળ જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવા માલસામાનની હેરફેર માટેનાં વાહનો ચલાવનારા, ભાડે અથવા લીઝ પર આપનારા બિઝનેસને આ કલમ લાગુ પડતી નથી.



કલમ ૪૪-એડી હેઠળ પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન સ્કીમનો ઉપયોગ રહેવાસી ભારતીય, રહેવાસી એચયુએફ અને રહેવાસી ભાગીદારી પેઢી (જેમાં લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ પેઢીઓ સામેલ નથી) કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેના સિવાયના લોકો તથા બિનરહીશ ભારતીયો એનો ઉપયોગ કરી શકતા નથી. જેમણે સંબંધિત વર્ષમાં કલમ ૧૦એ/૧૦એએ/૧૦બી/૧૦બીએ અથવા કલમ ૮૦-એચએચથી લઈને ૮૦-આરઆરબી સુધીની કલમો હેઠળ ડિડક્શન્સ લીધાં છે એમને આ યોજના લાગુ પડતી નથી.


કલમ ૪૪-એડી કયા બિઝનેસને લાગુ પડતી નથી?

કલમ ૪૪-એઈ હેઠળ જેમનો ઉલ્લેખ છે એવા માલસામાનની હેરફેર માટેનાં વાહનો ચલાવનારા, ભાડે અથવા લીઝ પર આપનારા બિઝનેસ


કોઈ એજન્સી ચલાવતી વ્યક્તિ

કમિશન કે બ્રોકરેજના સ્વરૂપે આવક મેળવતી વ્યક્તિ

એ ઉપરાંત કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે વીમા એજન્ટ, કલમ ૪૪-એએ(૧) હેઠળ જણાવાયેલા વ્યવસાય કરનારી વ્યક્તિઓ તથા સમગ્ર વર્ષમાં જેમનું કુલ ટર્નઓવર અથવા ગ્રોસ રિસિટ્સ બે કરોડ રૂપિયા કરતાં વધારે હોય એમને પણ આ યોજના લાગુ પડતી નથી.

પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન હેઠળ કરપાત્ર બિઝનેસ આવકની ગણતરી કરવાની રીત

જેઓ કલમ ૪૪-એડીની જોગવાઈઓ મુજબ આવકની ગણતરી કરતા હોય એમની આવક સંબંધિત વર્ષના કુલ ટર્નઓવર અથવા ગ્રોસ રિસિટ્સના ૮ ટકા ધારી લેવામાં આવે છે. સરકારે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા તથા નાના અસંગઠિત બિઝનેસ ડિજિટલ પેમેન્ટનો સ્વીકાર કરે એ ઉદ્દેશથી કલમ ૪૪-એડીમાં ફેરફાર કર્યો છે, જે આકારણી વર્ષ ૨૦૧૭-૧૮થી લાગુ થયો છે. એ સુધારા મુજબ જો બિઝનેસને અકાઉન્ટ પેયી ચેક અથવા અકાઉન્ટ પેયી બૅન્ક ડ્રાફ્ટ અથવા ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમથી પેમેન્ટ મળતું હોય તો એમની આવક ૮ને બદલે ૬ ટકા જ અંદાજાય છે. નોંધનીય છે કે આ લાભ મેળવવા માટે આવકવેરાનું રિટર્ન આવકવેરા ખાતાએ જાહેર કરેલી છેલ્લી તારીખની પહેલાં એટલે કે કલમ ૧૩૯(૧) હેઠળ ભરાવું જોઈએ. અહીં જણાવવું રહ્યું કે કરદાતા સ્વૈચ્છિકપણે પોતાના બિઝનેસની આવક ૬ કે ૮ ટકા કરતાં વધારે પણ જાહેર કરી શકે છે.

અહીં ફરી જણાવવું રહ્યું કે પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન હેઠળ આવક ગણવામાં આવે ત્યારે તેમાં જણાવાયેલી આવક આખરી હોય છે. તેમાં કોઈ ખર્ચની કપાત લાગુ પડતી નથી. વળી ડેપ્રિશિયેશનની કપાત પણ લઈ શકાતી નથી. જોકે બિઝનેસમાં કોઈ ઍસેટ વપરાતી હોય તો તેની રિટર્ન ડાઉન વૅલ્યુની ગણતરી એવી રીતે કરવામાં આવશે જાણે કલમ ૩૨ હેઠળ ડેપ્રિશિયેશન ક્લેમ કરી દેવાયું છે અને એને માન્ય પણ રાખવામાં આવ્યું છે.

કરદાતા પોતાની આવક ૬ કે ૮ ટકા કરતાં ઓછી પણ જાહેર કરી શકે છે, પરંતુ એમ કરતી વખતે જો એમની આવક કરપાત્ર બનતી હોય તો એમણે કલમ ૪૪-એએની જોગવાઈઓ હેઠળ હિસાબના ચોપડા રાખવા જરૂરી બને છે અને કલમ ૪૪-એબી હેઠળ તેનું ઑડિટિંગ કરાવવું પડે છે.

પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન સ્કીમમાંથી બહાર નીકળી જવું હોય તો...

એક વર્ષ પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન યોજનાનો લાભ લીધો હોય તો કરદાતાએ ત્યાર પછીનાં પાંચ વર્ષ સુધી એ જ યોજના હેઠળ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. જો તેઓ એમ કરે નહીં તો પછીનાં પાંચ વર્ષ માટે આ યોજના ઉપલબ્ધ રહેતી નથી (દા.ત. કરદાતાએ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ માટે કલમ ૪૪-એડીનો લાભ લીધો હોય અને આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રિઝમ્પ્ટિવ ટૅક્સેશન યોજના લીધી ન હોય તો તેઓ ત્યાર પછીનાં પાંચ આકારણી વર્ષ એટલે કે આકારણી વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૬-૨૭ સુધી તેઓ આ યોજનાનો ઉપયોગ કરી શકે નહીં. એટલું જ નહીં, તેઓ જે આકારણી વર્ષથી આ યોજનાનો ઉપયોગ બંધ કરે એ જ વર્ષથી કલમ ૪૪-એબી હેઠળ એમણે ટૅક્સ ઑડિટ કરાવવું પડે (જો આવક કરપાત્ર હોય તો).

ટૂંકમાં આ યોજના નાના બિઝનેસ માટે ઘણી ઉપયોગી છે. ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે યોજનાનો ઉપયોગ કર્યા બાદ તેને લગતી બીજી જોગવાઈઓનું પણ પાલન કરવું જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 02:19 PM IST | Mumbai | Paresh Kapasi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK