° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


જીવન વીમાના ક્લેમની પ્રક્રિયા વિશે પરિવારના સભ્યોને પૂરેપૂરી જાણ હોવી જરૂરી છે

13 October, 2021 12:03 PM IST | Mumbai | Priyanka Acharya

સામાન્ય રીતે લોકો જીવન વીમા પૉલિસી ખરીદે ત્યારે પ્રીમિયમ, મુદત, પાકતી રકમ, મૃત્યુ વખતે મળનારી રકમ વગેરેની માહિતી પૂછતા હોય છે, પરંતુ વાસ્તવમાં ક્લેમ માટેની પ્રક્રિયા વિશે પણ પૂછી લેવું આવશ્યક છે. અહીં એ બાબતે અમુક જાણકારી રજૂ કરું છું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

વિલે પાર્લેમાં એક નાનકડું સુખી કુટુંબ રહેતું હતું. એનો યુવાન સભ્ય આકાશ ૩૫ વર્ષનો હતો. એ એક ખાનગી કંપનીમાં કામ કરતો. એની પત્ની અવનિ ગૃહિણી હતી. એમને ચાર વર્ષનો પુત્ર આરવ હતો. એક દિવસ આકાશ કામ પરથી જલદી ઘરે આવી ગયો. પોતે થાકી ગયો હોવાથી ઑફિસેથી રજા લઈને આવ્યો હોવાનું એણે કહ્યું. અવનિએ સરસ મજાનો સૂપ બનાવ્યો અને કહ્યું, તું થોડીવાર આરામ કર, હું આરવને સ્કૂલ બસ સુધી મૂકીને આવું છું. અવનિ પાછી ફરી ત્યાં સુધીમાં આકાશનું હૃદયરોગના મોટા હુમલાને કારણે અવસાન થઈ ચૂક્યું હતું.

હું આ વાત કહીને વાચકોને ડરાવવા માગતી નથી અને જીવન વીમા પૉલિસી તો હોવી જ જોઈએ એવું પણ કહેતી નથી. હું તો ફક્ત એટલું દર્શાવવા માગું છું કે માત્ર પંદર મિનિટના ગાળામાં અવનિની આખી જિંદગી બદલાઈ ગઈ. અવનિને એ પણ ખબર નહોતી કે આકાશ પોતાના લૅપટૉપમાં પાસવર્ડ રાખે છે. આકાશના ગયા પછી પોતે કેવી રીતે જીવનનિર્વાહ કરશે એના વિશે અવનિ સાવ અજાણ હતી.

અવનિએ નાછૂટકે પોતાના મોટા ભાઈના ઘરે રહેવા જવાનો નિર્ણય લેવો પડ્યો. પૅકર્સ ઍન્ડ મૂવર્સ સામાન બાંધી રહ્યા હતા એ વખતે એમને પલંગના સ્ટોરેજના એક ખૂણે જીવન વીમાની પૉલિસી પડેલી દેખાઈ. અવનિનું જીવન ફરી પંદર મિનિટમાં બદલાઈ ગયું. હવે અવનિએ પોતાનો નિર્ણય બદલીને પોતાના ઘરે જ રહેવાનું નક્કી કર્યું. જીવન વીમાનો ક્લેમ કરવા માટે એણે પોતાના ભાઈના એક પરિચિત એજન્ટની મદદ લીધી. જોકે એને ક્લેમ બાબતે ઘણી તકલીફ પડી, કારણ કે એને એ વિષયની કોઈ જ માહિતી નહોતી. હા, કોઈ જ જાણકારી નહોતી!

સામાન્ય રીતે લોકો જીવન વીમા પૉલિસી ખરીદે ત્યારે પ્રીમિયમ, મુદત, પાકતી રકમ, મૃત્યુ વખતે મળનારી રકમ વગેરેની માહિતી પૂછતા હોય છે, પરંતુ વાસ્તવમાં ક્લેમ માટેની પ્રક્રિયા વિશે પણ પૂછી લેવું આવશ્યક છે. અહીં એ બાબતે અમુક જાણકારી રજૂ કરું છું.

૧. ઑરિજિનલ પૉલિસી : મોટા ભાગની જીવન વીમા કંપનીઓ ક્લેમ આવે ત્યારે ફરજિયાતપણે ઑરિજિનલ પૉલિસી માગતી હોય છે. મુદત પૂર્વે થતાં મૃત્યુ કે પાકતી મુદતના ક્લેમ વખતે ઑરિજિનલ પૉલિસી આપવી પડે છે. આથી એ દસ્તાવેજ ઘણો સાચવીને રાખવાનો હોય છે. તમે છેલ્લે સુધીનાં બધાં પ્રીમિયમ ભરી દીધાં હોય, પણ જો ઑરિજિનલ પૉલિસી ન હોય તો એની ડુપ્લિકેટ મેળવવામાં નાકે દમ આવી જાય છે. વળી એ પ્રક્રિયા ખર્ચાળ પણ હોય છે. ઘર બદલવામાં આવે ત્યારે આવા દસ્તાવેજોની મૂળ નકલ સાચવી રાખવા બાબતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

૨. પૉલિસીધારકના મૃત્યુ વખતે ક્લેમ આવે ત્યારે નૉમિનીએ પૉલિસીધારકના અવસાનને લગતી વિગતો ફોર્મમાં ભરવાની હોય છે. એ ઉપરાંત મૃતકનું અને નૉમિનીનું કેવાયસી, નૉમિની જે બૅન્ક ખાતામાં નાણાં મેળવવા માગતા હોય એનો કૅન્સલ્ડ ચેક વગેરે વસ્તુઓની જરૂર પડતી હોય છે. જો અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો એ પ્રક્રિયા વધારે જટિલ અને લાંબી હોય છે, કારણ કે તેમાં ઘણા કાનૂની પાસાં સંકળાયેલાં હોય છે. એ તકલીફોથી બચવા માટે નૉમિનેશન બરોબર થયેલું હોવું જોઈએ અને નૉમિનીને પૉલિસી કઢાવી હોય એ શાખા, એજન્ટનો સંપર્ક વગેરે જાણકારી હોવી જોઈએ.

૩. પૉલિસી પાકે ત્યારે કરવાના ક્લેમ વખતે પૉલિસી દસ્તાવેજ, પૉલિસીધારકનું કેવાયસી, કૅન્સલ્ડ ચેક વગેરે આવશ્યક હોય છે.

જો પૉલિસીધારક વિદેશમાં સ્થાયી થયા હોય તો એમણે એનઆરઓ-એનઆરઈ અકાઉન્ટ કરાવી લેવું જોઈએ. આ કામ પૉલિસી પાકે ત્યારે નહીં, પણ વિદેશમાં સ્થાયી થતી વખતે જ કરાવી લેવું જોઈએ.

જીવન વીમા પૉલિસીને લગતું આ એક પાસું છે. આવાં તો અનેક પાસાં છે. મારી કારકિર્દી દરમ્યાન મેં એવા પરિવાર જોયા છે, જેમને જીવન વીમા વિશે પાયાની જાણકારી પણ હોતી નથી.

સવાલ તમારા…

હું વરિષ્ઠ નાગરિક છું. મને પેન્શન સ્કીમ અને સિંગલ પ્રીમિયમ એન્ડોવમેન્ટ સ્કીમ વચ્ચેનો તફાવત ખબર નથી. તમે આ બાબતે માહિતી આપશો?

૬૦ વર્ષની ઉંમર પછી આર્થિક સ્થિરતા અને નિયમિત આવક જોઈતી હોય તો તમારી પાસે બે વિકલ્પો છે.

૧. પેન્શન પૉલિસી : આ પૉલિસીમાં તમે અત્યારે એક મોટી રકમ જમા કરાવી દો અને એમાંથી આજીવન નિયમિત પેન્શન મળવા લાગે. નિયમિત પેન્શન મેળવવાનો સમયગાળો એક મહિનો, ત્રણ મહિના, છ મહિના કે એક વર્ષ રાખી શકાય છે.

૨. સિંગલ પ્રીમિયમ એન્ડોવમેન્ટ પૉલિસી : આ પૉલિસીમાં એક વખત પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. તેમાં પાકતી મુદતે કરમુક્ત વળતર મળે છે. આ પ્રકારની પૉલિસીમાં એક વખત પ્રીમિયમ ભરવાનું હોય છે અને એક જ વખત, એટલે કે પાકતી મુદતે વીમાની રકમ મળે છે.

પેન્શનની રકમ કરપાત્ર હોય છે, જ્યારે એન્ડોવમેન્ટનું વળતર કરમુક્ત હોય છે.

તમે અમુક વર્ષ પછી નિયમિત આવક મેળવવા માગો છો કે એકસામટી મોટી રકમ મેળવવા માગો છો અને કરવેરા બાબતે તમારી પસંદગી કઈ છે એ બન્ને બાબતોનો વિચાર કરી લીધા બાદ જ પેન્શન સ્કીમ અને એન્ડોવમેન્ટ સ્કીમ વચ્ચે પસંદગી કરવી.

13 October, 2021 12:03 PM IST | Mumbai | Priyanka Acharya

અન્ય લેખો

ક્રિપ્ટોકરન્સી બૅન્કમાં રાખી શકાય એવી જોગવાઈ કરવાની તૈયારીમાં અમેરિકા

અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીને નિયમન હેઠળ લાવવાની દિશામાં પગલાં ભરાવાની શક્યતા વર્તાઈ રહી છે

28 October, 2021 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિદેશમાં રોકાણ વૈવિધ્યીકરણની દૃષ્ટિએ પણ ઘણું ઉપયોગી હોય છે

ભારતની તુલનાએ આ વધારો ઓછો લાગે, પરંતુ સંતાનને વિદેશ મોકલવા ઇચ્છુક માતા-પિતાએ ભારતીય રૂપિયા અને અમેરિકન ડૉલરના વિનિમય દરમાં આવતા ફેરફારને પણ ધ્યાનમાં રાખવો પડે છે.

28 October, 2021 01:09 IST | Mumbai | Amit Trivedi

News in Short: પેટીએમનો આઇપીઓ ૧૮૦૦૦ કરોડથી વધુનો?

પેટીએમ પોતાના આઇપીઓનું કદ ૧૬,૬૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૮,૩૦૦ કરોડ રૂપિયા કરી દે એવી સંભાવના છે. 

28 October, 2021 01:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK