05 December, 2024 11:45 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૯ નવેમ્બરથી UAEમાં આયોજિત વન-ડે અન્ડર-19 એશિયા કપ 2024 હવે એના નિર્ણાયક તબક્કામાં છે. ગઈ કાલે ગ્રુપ-સ્ટેજની મૅચ સમાપ્ત થતાં સેમી ફાઇનલ મૅચની ટીમ નક્કી થઈ હતી. આવતી કાલે ૬ ડિસેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યાથી પાકિસ્તાન-બંગલાદેશ અને ભારત-શ્રીલંકા વચ્ચે સેમી ફાઇનલનો રોમાંચક જંગ જામશે. શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટમાં હમણાં સુધી અજેય રહી છે.
ગ્રુપ Bમાં શ્રીલંકા (૬ પૉઇન્ટ) અને બંગલાદેશ (ચાર પૉઇન્ટ)ની ટીમ નેપાલ (બે પૉઇન્ટ) તથા અફઘાનિસ્તાન (શૂન્ય પૉઇન્ટ)ને પછાડીને ટૉપર રહી હતી. ગઈ કાલે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં પાકિસ્તાને જપાનને ૧૮૦ રને હરાવીને અને ભારતીય ટીમે UAEને ૧૦ વિકેટે હરાવીને સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ગ્રુપ Aમાં પાકિસ્તાન (૬ પૉઇન્ટ) પહેલા ક્રમે, ભારત (ચાર પૉઇન્ટ) બીજા ક્રમે, UAE (બે પૉઇન્ટ) ત્રીજા ક્રમે અને જપાન (શૂન્ય પૉઇન્ટ) ચોથા ક્રમે રહ્યાં હતાં. આ ટુર્નામેન્ટની ૧૦માંથી ૮ સીઝનમાં ભારતીય ટીમ ચૅમ્પિયન બની છે.
સતત બે મૅચમાં ફ્લૉપ રહેલા વૈભવ સૂર્યવંશીએ આખરે ફટકારી ફિફ્ટી
ગઈ કાલે UAE સામે રમાયેલી અંતિમ મૅચમાં ભારતીય ટીમે ૧૦ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. યજમાન ટીમ ૪૪ ઓવરમાં ૧૩૭ રન ફટકારીને સમેટાઈ ગઈ હતી. ભારતીય ઓપનિંગ જોડીએ ૧૬.૧ ઓવરમાં ૧૪૩ રન ફટકારીને આ ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. એમાં ૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ૪૬ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતા. ૧૬૫.૨૧ના સ્ટ્રાઇકરેટથી બૅટિંગ કરતાં તેણે ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર આયુષ મ્હાત્રેએ ૫૧ બૉલમાં ૬૭ રન ફટકારીને સારો સાથ આપ્યો હતો. રાજસ્થાન રૉયલ્સ દ્વારા ૧.૧૦ કરોડ રૂપિયામાં મેગા ઑક્શનમાં સોલ્ડ થયેલો વૈભવ ટુર્નામેન્ટની પહેલી મૅચમાં એક રન અને બીજી મૅચમાં ૨૩ રન બનાવી શક્યો હતો.