26 May, 2024 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજની ફાઇનલ પહેલાં ગઈ કાલે ચેન્નઈના મરીના બીચ પર બન્ને ટીમના કૅપ્ટન IPLની ટ્રોફી સાથે.
ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં ૨૦૨૪ની ૨૨ માર્ચથી ૧૦ ટીમો વચ્ચે શરૂ થયેલા IPLની ટ્રોફી જીતવાના જંગનો આજે ચેપૉકમાં જ અંત આવશે. બે મહિનામાં ૧૦ ટીમો વચ્ચે રમાયેલી ૭૩ મૅચ બાદ આજે ૧૭મી સીઝનની ચૅમ્પિયન ટીમ જોવા મળશે. આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી કૅપ્ટન શ્રેયસ ઐયરની કોલકાતા નાઇટ રાઇડર્સ અને કૅપ્ટન પૅટ કમિન્સની સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટાઇટલ જીતવાનો જંગ જામશે.
૨૯ વર્ષના શ્રેયસ ઐયર અને ૩૧ વર્ષના પૅટ કમિન્સ એક કૅપ્ટન તરીકે પ્રથમ IPL ટ્રોફી જીતવા આતુર રહેશે. ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન તરીકે શ્રેયસ ઐયર મુંબઈ ઇન્ડિયન્સ સામે પાંચ વિકેટે હારતાં પોતાનું અને ટીમનું પ્રથમ IPL ટાઇટલ જીતતાં ચૂકી ગયો હતો. કલકત્તા અને હૈદરાબાદની ટીમો વચ્ચે ચેપૉકમાં અને IPL ફાઇનલમાં આ પ્રથમ ટક્કર છે. કલકત્તાએ વર્તમાન સીઝનની બન્ને ટક્કરમાં હૈદરાબાદ સામે જીત મેળવી છે.
૨૦૧૨ અને ૨૦૧૪માં અભિનેતા શાહરુખ ખાનની ટીમ ગૌતમ ગંભીરની કૅપ્ટન્સીમાં ચૅમ્પિયન બની હતી. ૨૦૨૧માં ઑઇન મોર્ગનની કૅપ્ટન્સીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારતાં કલકત્તાની ટીમ રનર-અપ રહી હતી. આ વખતે ગૌતમ ગંભીર મેન્ટર તરીકે ફ્રૅન્ચાઇઝીને ત્રીજી વખત ચૅમ્પિયન બનાવવાના ભરપૂર પ્રયાસ કરશે. ૨૦૧૬માં ડેવિડ વૉર્નરની કૅપ્ટન્સીમાં પ્રથમ IPL ટાઇટલ જીતનાર હૈદરાબાદ ફરી એક વખત ઑસ્ટ્રેલિયન કૅપ્ટનની આગેવાનીમાં બીજી વખત ટાઇટલ જીતવાની આશા રાખશે. ૨૦૧૮માં કૅપ્ટન વિલિયમસનની કૅપ્ટન્સીમાં હૈદરાબાદને ફાઇનલ મૅચમાં ચેન્નઈ સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો અને ટીમ રનર-અપ રહી હતી.
આજે ચેન્નઈમાં વરસાદ પડવાનો છે?
ગઈ કાલે સાંજે સ્ટેડિયમમાં નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન વરસાદ પડ્યો હતો. આજે ૨૬ મેએ ફાઇનલ સમયે ચેન્નઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદ પડવાની સંભાવના ઓછી છે. જો વરસાદને કારણે મૅચ નહીં રમાશે તો ૨૭ મેએ રિઝર્વ ડેએ ફાઇનલ મૅચ રમાશે. જો એ દિવસે પણ વરસાદના વિઘ્નને કારણે મૅચ નહીં થઈ શકે તો પૉઇન્ટ્સ-ટેબલની ટૉપર ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સને ચૅમ્પિયન જાહેર કરવામાં આવશે. ગયા વર્ષે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ફાઇનલ વરસાદના વિઘ્નને કારણે ત્રણ દિવસે પૂરી થઈ હતી.