કલકત્તા સામેની આજની મૅચ પહેલાં દિલ્હી પ્લેઑફની રેસમાંથી આઉટ

24 May, 2026 08:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જો આજે બપોરે રાજસ્થાન જીતે તો કલકત્તા પણ આઉટ, રાજસ્થાન હારે તો કલકત્તા મૅચ જીતીને પંજાબ સાથે સ્પર્ધા કરી શકે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

IPL 2026ની ૭૦મી એટલે કે અંતિમ લીગ–સ્ટેજ મૅચ આજે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ વચ્ચે રમાશે. ગઈ કાલે પંજાબના વિજય સાથે દિલ્હી કૅપિટલ્સ પ્લેઑફમાં પહોંચવાની રેસમાંથી આઉટ થઈ ગયું છે. જો આજે બપોરની મૅચમાં રાજસ્થાન જીતશે તો એ પ્લેઑફનું ચોથું સ્થાન મેળવી લેશે અને મૅચ પહેલાં જ કલકત્તા પણ રેસમાંથી આઉટ થઈ જશે. જો રાજસ્થાન હારશે તો કલકત્તાને મૅચ જીતીને ૧૫ પૉઇન્ટ પર પહોંચવાનો ચાન્સ રહેશે અને પછી એની રેસ ગઈ કાલે ૧૫ પૉઇન્ટ પર પહોંચેલા પંજાબ સાથે નેટ રનરેટના આધારે થશે. અજિંક્ય રહાણે ઍન્ડ કંપની ૧૩ મૅચમાં ૬ જીત, ૬ હાર, એક નો-રિઝલ્ટ મૅચને કારણે ૧૩ પૉઇન્ટ ધરાવે છે. અક્ષર પટેલની ટીમ દિલ્હી ૧૩ મૅચમાં ૬ જીત અને ૭ હાર સાથે ૧૨ પૉઇન્ટ ધરાવે છે. સીઝનની પહેલી ટક્કરમાં કલકત્તાએ દિલ્હી સામે ૧૪૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૮ વિકેટે વિજય મેળવ્યો હતો. ૨૦૨૪ની બે મૅચ અને ૨૦૨૫ની એક મૅચ સહિત છેલ્લી ચાર મૅચથી દિલ્હી સામે કલકત્તાએ લાગલાગટ જીત મેળવી છે. દિલ્હીને આ હરીફ સામે છેલ્લી જીત એપ્રિલ ૨૦૨૩માં ૪ વિકેટે મળી હતી. કલકત્તાના હોમગ્રાઉન્ડમાં દિલ્હી ૧૦માંથી માત્ર બે મૅચ જીત્યું છે અને ૮માં હાર્યું છે. આ તમામ મૅચ દિલ્હી હોમ-ટીમ સામે જ રમ્યું હતું. માત્ર બે જીત ૨૦૧૨ અને ૨૦૧૯માં મળી હતી. બન્ને ટીમ વચ્ચે ૨૦૨૪માં અહીં છેલ્લી ટક્કર થઈ હતી અને એમાં કલકત્તા ૧૫૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૭ વિકેટે જીત્યું હતું. ઈડન ગાર્ડન્સમાં કલકત્તાને ૧૦૧ મૅચમાં ૫૭માં જીત અને ૪૨માં હાર મળી છે. બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. વર્તમાન સીઝનની ૬ હોમ-મૅચમાં કલકત્તાએ એક નો-રિઝલ્ટ મૅચ સહિત બે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી ત્રણ મૅચમાં હોમ-ટીમને રાજસ્થાન, ગુજરાત અને મુંબઈ સામે સતત જીત મળી છે. 

પંજાબ કરતાં સારો નેટ રનરેટ મેળવવા કલકત્તાએ ૪૫ બૉલ પહેલાં અથવા ઓછામાં ઓછા ૭૪ રને જીત મેળવવી પડશે.

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી

kolkata knight riders delhi capitals IPL 2026 sports news sports cricket news